ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/આનંદ ઠાકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘પેનડ્રાઈવ’ : આનંદ ઠાકર

આરતી સોલંકી

Anand Thakar.jpg

વાર્તાકારનો પરિચય

પૂરું નામ : આનંદ ઠાકર જન્મ : ૧૭-૦૪-૧૯૮૮ જન્મસ્થળ : ઊના અભ્યાસ : ગુજરાતી વિષય સાથે એમ.એ., બી.એડ. વ્યવસાય : પ્રાથમિક શિક્ષક

સાહિત્ય સર્જન :

‘સેલિબ્રિટી સાથે સંવાદ’ જેમાં સેલિબ્રિટીઝનાં મનોવલણો અને આધ્યાત્મિક કોસન્ટ જણાવતાં ઇન્ટરવ્યૂ છે. ‘ખાધું, પીધું અને પાર્ટી કરી’ એ બાળકો અને કિશોરો માટેનો સાયન્સફિક્શન વાર્તાઓનો સંગ્રહ છે. ‘પેનડ્રાઈવ’ નામે વાર્તાસંગ્રહ મળે છે. આ ઉપરાંત ‘મારે પણ વાર્તા કહેવી છે’, ‘કૌસ્તુભની કલ્પના અને હેમાંગીના હાઈકુ’ અને ‘ફૂલડાંઓનો કલરવ’ એ બાળવાર્તા અને બાળકવિતાના સંપાદનનાં પુસ્તકો તેમની પાસેથી મળે છે. પુરસ્કાર : ‘ખાધું, પીધું અને પાર્ટી કરી’ સંગ્રહને ગુજરાતી બાળસાહિત્યનો અંજુ નરસી પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે.

વાર્તાકારનો યુગસંદર્ભ :

વાર્તાકાર તરીકે આપણે આનંદ ઠાકરને અનુઆધુનિક વાર્તાકાર તરીકે ઓળખીએ છીએ. તેમની વાર્તાઓમાં યંત્ર સંસ્કૃતિનો માનવજીવન ઉપર પડેલો પ્રભાવ વિશેષ કેન્દ્રસ્થાને છે. માનવીય જીવનને ઉજાગર કરતી માર્મિક વાર્તાઓ આપણને આનંદ ઠાકર પાસેથી મળે છે. ટૂંકીવાર્તા વિશે આનંદ ઠાકરની સમજ : ગદ્યસભા સાથે સતત સંકળાયેલા હોવાને લીધે ટૂંકીવાર્તા વિશેની આનંદ ઠાકરની સમજ ઘણી વિસ્તૃત હોય એવું લાગે છે. તેમની વાર્તાઓમાં અનુઆધુનિક વલણ કેન્દ્રસ્થાને છે.

‘પેનડ્રાઈવ’નો પરિચય

Pen Drive by Anand Thakar - Book Cover.jpg

‘પેનડ્રાઈવ’ વાર્તા સંગ્રહમાં કુલ ૧૯ વાર્તાઓ છે. દરેક વાર્તામાં લેખકનો કોઈ ને કોઈ રીતે યંત્ર સંસ્કૃતિને જુદી રીતે ઉજાગર કરતો અભિગમ સ્પષ્ટ થયો છે. સામાજિક પ્રશ્નો, જાતીયતાના પ્રશ્નો, યંત્ર સંસ્કૃતિ અને પરંપરાગત વાર્તાઓને આધુનિક ઢબે મૂકી આપવાનું કામ લેખકે કર્યું છે. યંત્ર સંસ્કૃતિ અત્યારે માનવજીવન ઉપર કેટલી હાવી છે તેની વાત લેખકે મોટાભાગની વાર્તાઓમાં કરી છે. ક્યાંક સંબંધોની ગૂંચ છે તો ક્યાંક સ્ત્રી પુરુષના બંધ મનનાં બારણે ટકોરા પાડતી ક્ષણોની વાર્તાઓ લઈને આવે છે અને મનુષ્ય જાતિઓ પર પ્રશ્નાર્થ મૂકે છે.

આનંદ ઠાકરની વાર્તાકળા

આનંદ ઠાકર એમની દરેક વાર્તાઓની અંદર નવા નવા વિષયો લઈને આવે છે. સમયસંદર્ભ અને આજની પરિસ્થિતિનું મૂલ્યાંકન કેમ કરવું તેની સભાનતા આનંદ ઠાકરમાં ઘણી બધી જોવા મળે છે. તેમની દરેક વાર્તાઓમાં તેણે જુદા જુદા પ્રયોગો કર્યા છે. માણસનું જીવન, તેમની લાગણીઓ, તેમની આશા, નિરાશા, આકાંક્ષાઓ આ બધું જ ક્યાંક ને ક્યાંક તેમની વાર્તાઓમાં ઘોળાઈને આવે છે. એકંદરે તો આ લેખકને માનવીય જીવનને જ વાચક સમક્ષ ઉજાગર કરવું છે. ‘પેનડ્રાઈવ’ સંગ્રહની પહેલી જ વાર્તા ‘જાદુગરણી હજી જીવે છે’. એ વાર્તામાં નાયિકા જસ્સીના પાત્ર મારફત આપણને ‘ગોવાલણી’ની યાદ અપાવી છે. આ વાર્તાની ભાષામાં વારંવાર અંગ્રેજી ભાષાના શબ્દો જોવા મળે છે. અહીં લેખકે ‘ગોવાલણી’ને એકદમ આધુનિક રૂપમાં જ્સ્સી બનાવી દીધી છે. વાર્તાનો અંત ઘણો વેધક છે. લેખક કહે છે કે, વાર્તાના અંતે ચિત્રકારને ત્રણ ચિત્રો દોરવાનાં હતાં. એક કાલિકા એટલે કે નાયકની પત્ની. બીજી જાદુગરણી એટલે કે જ્સ્સી અને ત્રીજો બેવકૂફ, એટલે કે કથાનાયક પોતે. જે પોતે પરિણીત હોવા છતાં જસ્સીની પાછળ પાછળ જાય છે. આ વાર્તા મારફત લેખકે ‘ગોવાલણી’ વાર્તાના લેખક મલયાનિલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ‘પેનડ્રાઈવ’ વાર્તામાં પણ ગુજરાતી સાહિત્યના ઉત્તમ સર્જક ધૂમકેતુને લેખક વિશિષ્ટ રીતે અંજલિ અર્પણ કરતાં હોય એવું લાગે છે. અલી ડોસો અહીં પણ એટલો જ જીવંત છે. વાર્તાનાં પાત્રો અને સંવેદન બદલ્યા વિના લેખકે તેને નવી જ રીતે આપણી સમક્ષ મૂકી આપ્યાં છે. ‘પેનડ્રાઈવ’ શીર્ષક પણ સાર્થક બને છે. અલીડોસાની ઇચ્છા તેના મૃત્યુ પછી પેનડ્રાઈવ મારફત પૂરી કરવામાં આવે છે. આ વાર્તાની ભાષામાં લેખકે વારંવાર કોમ્પ્યૂટર અને ઇન્ટરનેટને લગતા શબ્દોનો ઉપયોગ કર્યો છે. વાર્તાનું શીર્ષક પણ ‘પેનડ્રાઈવ’ જ છે. ‘ડૂબશું તો ય અમે દ્વારકા જેવું!’ વાર્તામાં નાયક વિલોક એક કંપનીનો મૅનેજિંગ ડિરેક્ટર છે. તે ઑફિસના લોકો સાથે ટૂર પર જવાનો હોય છે પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે તેના શહેરમાં ત્સુનામી આવી છે ત્યારે ઝડપથી તે શહેર જવા માટે નીકળી પડે છે. મુસાફરી દરમિયાન તેનો ભૂતકાળ વાચક સમક્ષ ખૂલે છે. જેમાં દ્વારકાના એમ.એલ.એ. કૃષ્ણયાદવની દીકરી તિષ્નાને તે પ્રેમ કરે છે. અત્યારે યાદવની દીકરી તિષ્નાને મળવા માટે તે અધીરો બને છે પરંતુ જ્યારે તે પહોંચે છે તો તે દરમિયાન કૃષ્ણરાયજીનું મૃત્યુ થાય છે. અહીં વાર્તાનો અંત આવે છે. લેખકે હિન્દી અને અંગ્રેજી બંને ભાષાનો ઉપયોગ અહીં કર્યો છે અને જરૂર પડ્યે કહેવતો પણ પ્રયોજી છે. ‘પારિજાતનું ફૂલ’ વાર્તાનો કથક નાયક પોતે જ છે. તેના ભાવના સાથેના સંબંધો તેની ભૂતકાળની યાદો મારફત વાચક સામે ખૂલે છે. ભાવનાને પરાણે તેની ઇચ્છાવિરુદ્ધ પરણાવી દેવામાં આવે છે અને ત્રીજા જ દિવસે તેના મૃત્યુના સમાચાર મળે છે. કથાનાયક પ્રશાંત ભટ્ટ ભાવનાને પિયરે અમુક દિવસો પછી જાય છે ત્યારે ભાવનાની દાદી દેવીઆઈ તેને એક પોટલું આપે છે. જેમાં પ્રશાંતે ભાવનાને ભેટ આપેલી વસ્તુઓ છે. એ વસ્તુઓ પ્રશાંત હાથમાં લે છે ત્યારે ભાવનાની પ્રતીતિ થાય છે. પોતે એ પોટલીને પરણ્યો છે એવું કહે છે અને ત્યાં વાર્તા પૂરી થાય છે. લોકબોલી પાસેથી લેખકે ઘણું કામ લીધું છે. પારિજાતનું ફૂલ અહીં પ્રતીક બનીને આવે છે. ‘બગલાના વતનમાં’ એ એક પ્રયોગશીલ વાર્તા છે. આ વાર્તામાં વતનવિચ્છેદ કેન્દ્રસ્થાને છે. એ પછી માણસ હોય કે બગલાઓ. બધા માટે વતન તો એક સમાન છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે એ વાતને સાચા અર્થમાં સાર્થક કરતી આ સરસ વાર્તા છે. ‘અઢાર અક્ષોહિણી’ વાર્તામાં તો જાણે માનવજાતનું પરીક્ષણ કરીને મનનું અજાણ્યું પરિવર્તન જે ધીમું પણ અસરકારક રીતે આગળ વધતું જોવા મળે છે. અહીં એક મધ્યમ વર્ગના પુરુષનું પાત્ર કેન્દ્રસ્થાને છે. જેને કોઈ પણ રીતે પોતાના પરિવારનું ભરણપોષણ કરવાનું છે. કથાનાયકને બે દીકરીઓ છે એટલે તેની પત્ની બાળક ઇચ્છે છે પરંતુ આટલા લોકોનું પણ માંડ પૂરું કરી શકતો કથાનાયક બાળકની ના પાડે છે. કેમકે ‘અઢાર અક્ષોહિણી’ સેના સામે લડવાનું તો કથાનાયકને એકલાને જ છે. મહાભારતની કથા સાથે લેખકે કથાને ક્યાંક જોડી હોય એવું લાગે છે. લોહીના સંબંધો કરતાં પણ લાગણીના સંબંધો ઘણા ઊંચા હોય છે એ વાતની પ્રતીતિ કરાવતી વાર્તા ‘લાગણીના સંબંધો’ છે. આ વાર્તામાં શિવશંકર ગોર અને વરજાંગ આતા જે કોળી છે તેમની વચ્ચેના લાગણીના સંબંધોની વાત છે. વરજાંગ આતાને જ્યારે તેના દીકરાઓ જાકારો આપે છે ત્યારે તે શિવશંકર ગોરને ત્યાં આશરો પામે છે અને લાગણીના સંબંધે જોડાય છે. આ સંબંધ એટલો બધો ગાઢ અને પવિત્ર હતો કે જ્યારે વરજાંગ આતાનું મૃત્યુ થાય છે ત્યારે તેના ઘરે શોકનો માહોલ નહોતો એવો શોક બ્રાહ્મણડેલામાં પથરાય જાય છે અને વાર્તા પૂરી થાય છે. ‘લવલી લાઇવ’ વાર્તામાં એડન્ટ ટેકર નામનો વ્યક્તિ લેડી રોબોટ બનાવવા માટે થઈને જીવતા વ્યક્તિઓની ક્રૂરપણે હત્યા કરી નાખે છે. માણસને જીવતા વ્યક્તિઓ કરતાં પણ રોબોટમાં વધુ રસ છે તેની આ વાર્તા છે. રોબોટને કેન્દ્રમાં રાખીને લખાયેલી બીજી એક વાર્તા ‘બ્રેવ ઍન્ડ મીલ્ડ’ પણ મહત્ત્વની છે. એ વાર્તા વાચકને ટેક્‌નિકલ દુનિયામાં પ્રવેશ કરાવે છે. નેન્સી અને પૌરવી નામનાં બે પાત્રો એક એક રોબો ખરીદે છે અને તેની સાથે માણસની જેમ વર્તે છે. એ આખરે તો યંત્ર જ હતાં પરંતુ એક દિવસ એ યંત્રો પણ માણસની જેમ અનુભવવા ચાહે છે ત્યારે નેન્સી એ બંનેને સ્ટોર કરી દે છે અને વાર્તાનો અંત આવે છે. માણસ જેવી લાગણી માણસ પાસેથી જ મેળવી શકાય છે યંત્ર પાસેથી નહિ. એ વાતની પ્રતીતિ આ વાર્તા આપણને કરાવે છે. માણસ કોઈ વ્યક્તિને ખોઈ બેસે ત્યાર પછી જ તેને તેની કદર થાય છે એ વાતની પ્રતીતિ કરાવતી વાર્તા એટલે ‘આઈ એમ વેઇટિંગ ફોર યુ’. તો ‘હજી વધારે...’ વાર્તા વાચકને એક જુદા જાતીય સંબંધોમાં લઈ જાય છે. આ વાર્તામાં લેખકે એક જ પુરુષને ચાહતી નિષ્ઠા અને તાન્યા નામની બે સાહેલીઓના દેહમિલનને વિકી નામના એક પુરુષના દેહની કલ્પના સાથે જોડી દીધું છે. ‘ખાખી કપડાં’ વાર્તામાં લેખકે પોલીસમેનની વ્યથા રજૂ કરી છે. આપણે ત્યાં હંમેશા ખાખી કપડાંવાળા લોકોને જુદી જ રીતે જોવામાં આવે છે. ખાખી કપડાને જોઈને લોકોનો સ્પષ્ટ અણગમો તેના ચહેરા પર વર્તાતો હોય છે. આ વાર્તામાં મન અને હૃદયના સંવાદ મારફત ખાખી કપડાંની વ્યથા રજૂ થઈ છે. તેને પણ પરિવાર છે, મન છે, ઇચ્છા છે પરંતુ તે આ બધું હોવા છતાં તેમની ઇચ્છાઓને ડામી દઈને હંમેશા પોતાના કામમાં જ વ્યસ્ત હોય છે. ‘લાડવા’ વાર્તામાં લેખકે લાડવાના માધ્યમથી વિસરાઈ જતી સંસ્કૃતિ પર કટાક્ષ કર્યો છે. અત્યારની યુવા પેઢીને દેશી ખાણું ભાવતું નથી તેઓ પુલાવ અને બર્ગરમાં જ રચ્યાપચ્યા રહે છે. ‘જરકસી જિંદગી’ વાર્તામાં સમયનું સૂત્ર બહુ મહત્ત્વનું છે. જેને મેળવવા માટે જેકીએ આટલા બધા પ્રયત્નો કર્યા તે એને ક્યાં અને કેમ મળી તે પ્રશ્ન છે. આ વાર્તામાં રાજકારણનું તત્ત્વ ઘૂંટાઈને આવે છે. જેમના હાથમાં સત્તા છે તે માણસને કેવી કેવી રીતે ડોલાવી શકે છે તેનું ઉદાહરણ આ વાર્તા આપે છે. ‘પાંચ મિનિટ’ વાર્તામાં સર્જક જણાવે છે કે વ્યક્તિ માટે એક એક સેકન્ડનું કેટલું મૂલ્ય છે. નાયિકા નંદીતા પરણીને પોતાના સાસરે બેંગ્લોર જાય છે ત્યારે સ્ટેશન પર જે એકલતા અનુભવે છે તેની આ વાર્તા છે. તેના મનમાં સતત વિચારોની ગડમથલ ચાલે છે. લેખકે સરસ રીતે તેના મનમાં ચાલતી ગડમથલને વાચા આપી છે. અંધશ્રદ્ધા નહીં પણ માણસની શ્રદ્ધા જરૂર એક દિવસ તેને જીતાડે છે તે વાતની પ્રતીતિ કરાવતી વાર્તા એટલે ‘પ્રસાદીયા ભગવાન’. ‘શ્વાસ’ વાર્તામાં સંજય પોતાની પત્નીને લઈને ઓસ્ટ્રેલિયા જાય છે ત્યાં તેની પૂર્વપ્રેમિકા તેને મળે છે તેની વાત આ વાર્તામાં કરવામાં આવી છે. વાર્તાનો ઢાંચો આમ જોઈએ તો સામાન્ય જ છે. ખ્યાત વસ્તુને પકડી એક વાર્તા બનાવવાનો પ્રયત્ન લેખકે કર્યો છે. અહીં અંત એટલો બધો હૃદયસ્પર્શી બની શક્યો નથી. વિદેશ જવાની ઇચ્છા સેવતો નાયક અથાગ પ્રયત્નો છતાં પણ વિદેશ જઈ શકતો નથી તેની વાત ‘વિદેશ’ વાર્તામાં આલેખાઈ છે. તેની વિદેશ જવાની ઘેલછા તેને કેવું કેવું વિચારવા પ્રેરે છે તે વળી આ વાર્તાનો જુદો જ વિષય બનીને આવે છે. તો Mars Mystery (માર્સ મિસ્ટરી) વાર્તા એક સાહસકથા છે. અહીં પાંચ મિત્રો મળીને એક યાન બનાવી મંગળ પર જાય છે અને ત્યાં શોધખોળ કરે છે. વૈજ્ઞાનિક શોધખોળ અહીં કેન્દ્રસ્થ વિષય હોવાથી આ વાર્તાની ભાષા પણ એવી છે. એકંદરે આપણે જોઈએ તો આનંદ ઠાકરની વાર્તાઓ આજના સામાજિક પ્રશ્નો અને યંત્રસંસ્કૃતિને ઉજાગર કરતી વાર્તાઓ છે. ‘પેનડ્રાઈવ’ની વાર્તાઓ વાચકને યંત્રસંસ્કૃતિ અને આજના સમયની સૌથી વિકટ સમસ્યા માણસની જાતિયવૃત્તિઓનો પરિચય કરાવે છે. આજે માણસ માણસ મટીને યંત્ર બનતો જાય છે એટલી ઝડપે યંત્રસંસ્કૃતિ આપણા પર હાવી છે એ વાતની પ્રતીતિ પણ આ સંગ્રહની વાર્તાઓ કરાવે છે.

‘પેનડ્રાઈવ’ વિશેના અભિપ્રાયો

‘આનંદની વાર્તાઓ ભવિષ્યમાં થનારાં પરિવર્તનો ભલે માનસિક, સામાજિક કે શારીરિક હોય પણ તેનો એક આયનો આપણી સમક્ષ પ્રત્યક્ષ કરે છે.’ – જિજ્ઞેશ જાની
‘આપનું લખાણ વર્સેટાઇલ છે. દરેક પાત્રની પોતાની અલગ જ શૈલી પ્રદર્શિત થાય છે. કથાબીજની પસંદગી અને તેની રજૂઆત આગવી રીતે કરી શકો છો. દરેક વાર્તા એકબીજાથી ખૂબ અલગ અને આકૃતિ ઉપજાવનારી છે. જાદુગરણી હોય કે અલી ડોસો હોય કે પછી દેડકાં(બગલાં) હોય દરેક પોતાની જગ્યા બનાવવામાં સફળ થયા છે. ભાષા શબ્દોની રમતમાં ચોકસાઈ અને ચતુરાઈ જોવા મળે છે.’ – ધારા શાહ

ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક
સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮