ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સુમંત રાવલ
જનક રાવલ
પ્રસ્તાવના
સાડા પાંચ દાયકાની સર્જનયાત્રાના કથાસર્જક સુમંત બળવંતરાય રાવલનો જન્મ ૧૪મી નવેમ્બર ૧૯૪૫ના બોટાદ પાસે પાળિયાદમાં થયો. પિતાજી બ્રાહ્મણ સદ્ગૃહસ્થી. બાજુનું ગામ દેવગઢમાં કરિયાણાની દુકાન ચલાવતા. વાચનપ્રિય પિતા તે સમયે ‘આરામ’, ‘ચંદરવો’, ‘ચાંદની’ સામયિકો વાંચતા જોઈ, બાળવાર્તાઓ વંચાવતા અને તે રીતે વાર્તા તરફ અનુરાગ પ્રગટેલો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પાળિયાદ-બોટાદમાં લીધું. ૧૬ વર્ષની ઉંમરે ફિલ્મી ગીતો ગાવાનો જબરો શોખ હતો. મીઠાબોલા અને મળતાવડા સ્વભાવને કારણે શિક્ષકોનો અનહદ પ્રેમ મેળવેલો, રાજકપુર અને મહેમુદના અવાજની આબેહૂબ નકલ કરી સરસ ગાતા. રસિક બારભાયા અને મહોમ્મદ માંકડની મૈત્રીના કારણે વાચન-સર્જન તરફ પ્રીતિ જાગેલી. વધુ અભ્યાસ માટે ભાવનગર શામળદાસ કૉલેજમાં ગુજરાતી વિષય સાથે બી.એ.ની ડીગ્રી મેળવી. અહીં તેમણે અધ્યાપકોની મૈત્રીના કારણે સાહિત્ય સર્જનની નવી દિશાનાં દર્શન થયાં. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી નોકરી સ્વીકારવી પડી. સ્વ. પીતાંબર પટેલના સ્નેહભાવથી તલાટી-મંત્રી બન્યા. ઈ.સ. ૧૯૬૭માં નિરૂપમા ન્હાનાલાલ દવે સાથે લગ્ન થયાં. વિચારભેદ અને મનભેદના કારણે લાંબુ ન ચાલ્યું. અને બીજાં લગ્ન પુષ્પાબહેન સાથે કર્યાં. પ્રથમ પુત્ર ચાર વર્ષનો થતાં, બ્લડકેન્સરની બીમારીના કારણે મૃત્યુ થતાં અતિ વેદના – દુઃખ થયું. આ સમય દરમ્યાન નવલકથાઓ-વાર્તાઓનું સર્જન ચાલું રહ્યું. બે પુત્રીઓ અને એક પુત્રનો જન્મ થયો. નોકરીના કારણે થતી બદલીઓ અને સંતાનોને ભણાવવાની જવાબદારીના ભારણને કારણે ઘણી વ્યગ્રતા, આઘાત-પ્રત્યાઘાત અનુભવ્યા, મંત્રીથી શરૂ કરી ઈમાનદાર–વિશ્વાસુ ટીડીઓે સુધીની સફર રહી. છેલ્લે જૂનાગઢ, તાલીમ કેન્દ્રમાં અધ્યાપક તરીકે ૨૦૦૬માં નિવૃત્ત થયા. સુરેન્દ્રનગરને કર્મભૂમિ બનાવી, સર્જન ક્ષેત્રે માતબર સર્જન રાશિ – ૫૦ કૃતિઓ અર્પણ કરેલી છે. તેમણે ૨૧ નવલકથાઓ, ૭ વાર્તાસંગ્રહો, ૪ ચરિત્ર ગ્રંથો અને વિવેચન, સંશોધન, સંપાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સર્જનક્ષેત્રે તેમના પ્રેરકબળ પ્રસિદ્વ કથાસર્જક રજનીકુમાર પંડ્યા રહેલા હતા. તેમનું ઘણું સર્જક તેમને સંવાદો સહિત કંઠસ્થ હતું. ઘરમાં તમને ગુરુપદે રાખી, દરરોજ તસ્વીરને દીવો પણ કરતાં, રસીક બારભાયા, ભૂપત વડોદરિયા, દિલીપ રાણપુરા, બકુલ દવે, તકલશી પરમાર, ઉજમશી પરમાર, જ્યોતીન્દ્ર પંચોલી વગેરેની મૈત્રી- સ્નેહબળના કારણે જીવનમાં આવેલા ચઢાવ-ઉતારમાં ટકવાનું જીવનબળ બનેલા તેવું તેમણે સ્વીકાર્યું છે. જગતની ઉત્તમ કૃતિઓ અને શ્રેષ્ઠ ફિલ્મો તેમણે વાંચેલી-જોયેલી અને હૈયે ધારણ કરેલી. નોકરીને કારણે ગ્રામ્યજીવન અને અનેક પ્રકારના મનુષ્ય જીવનનો અનુભવ પ્રત્યક્ષ મેળવી, આ અનુભવોનું બળ સચ્ચાઈરૂપે વાર્તાસર્જન કરાવે છે. દામ્પત્યજીવનના આટા-પાટાવાળી જિંદગી પસાર કરનાર કોરોનાકાળમાં ૨૪.૦૪.૨૦૨૧ના રોજ જૂનાગઢ, સિવિલ હૉસ્પિટલના ૨૩ નંબરના પલંગ પર અંતિમ શ્વાસ લઈ, વિદાય લે છે અને સર્જનરૂપે માતબર સાહિત્યરાશિ અર્પણ કરતાં તેમણે મિત્રોને ફોન પર અંતિમ વાત કરતાં કહેલું ‘જગતના શ્રેષ્ઠ સર્જકો-કલાકારોની કદર કદાપિ તેમની હયાતીમાં થઈ નથી તો આપણે તો કોણ? હા, મારું સર્જન પણ પોંખાશે નવી ચેતનાનો ઉઘાડ બનશે, નક્કર સર્જન સત્યનું અજવાળું પાથરશે.’ અહીં તેમના વાર્તાસંગ્રહોને આધારે તેમની દૃષ્ટિ-સૃષ્ટિને મૂલવવાનો મારો પ્રયાસ છે. ક્રમમાં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘શિલાલેખ’, ૧૯૯૨, ૨૦ વાર્તાઓ. (૨) ‘મૃતોપદેશ’, ૧૯૯૦, ૧૬ વાર્તાઓ, (૩) ‘ઘટનાલય’, ૧૯૯૪, ૧૬ વાર્તાઓ, (૪) ‘વાર્તાક્રમણ’, ૧૯૯૯, ૨૩ વાર્તાઓ, (૫) ‘રૂપ-અરૂપ’, ૨૦૦૯, છ લાંબી-ટૂંકી વાર્તાઓ, (૬) ‘મીરાં સામે દરિયો’, ૨૦૧૧, આઠ લાંબી-ટૂંકી વાર્તાઓ અને, (૭) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સંપાદિત અને પારિતોષિક પ્રાપ્ત વાર્તાસંગ્રહ ‘કથાકલરવ’ ૧૮ વાર્તાઓ સમાવિષ્ટ રહેલી છે. આ રીતે જોતાં સો ઉપરાંત વાર્તાઓના સર્જક સુમંત રાવલની વાર્તાકલા-સંયોજન ગૂંથણી, સર્જન સ્થિત્યંતરો પડાવોને આધાર સ્તંભ રાખી, નોંધપાત્ર વાર્તાકારના સર્જન વિશેષોને જોવા-પ્રમાણવાનો મારો ઉપક્રમ રહેલો છે. હવે તેમના વાર્તાકારના દૃષ્ટિબિંદુને જોઈએ. આધુનિક-અનુઆધુનિક યુગના મહત્ત્વના, કથાસર્જક તથા વાર્તાસર્જક તરીકે સુમંત રાવલ છે. ઈ.સ. ૧૯૬૭થી ૨૦૨૦ સુધી તેમની સાડા ચાર દાયકાની સર્જન યાત્રા સક્ષમ-સફળ રહેલી છે. ‘આરામ’, ‘ચાંદની’, ‘સમર્પણ’, ચંદરવો’, ‘નવચેતન’ વગેરેમાં તેમની પ્રારંભની વાર્તાઓ પ્રગટ થયેલી. વાચકો-ભાવકો-વિવેચકોનો ઘણો પ્રેમ-પ્રતિસાદ મેળવેલો. પ્રારંભમાં ચંદ્રકાન્ત બક્ષીની વાર્તાઓનો તેમના પર, વિશેષ પ્રભાવ રહ્યો હતો. ‘શિલાલેખ’ વાર્તાસંગ્રહમાં તેનો પડઘો સંભળાય છે. અલબત્ત, જીવનને મર્મ સ્થાને જોવાની દૃષ્ટિ, સત્યને પ્રગટાવવા અભિવ્યક્તિની વિવિધ તરેહો, ચરિત્રની ચેતોવિસ્તારની યાત્રામાં સંવેદન-સ્મરણોમાં ભાવ-વિભાવ આદિ ઘટકોને વિશેષ તાગતા-તાકતા નજરે પડે છે. આઠમા-નવમા દાયકામાં આ સ્વરૂપમાં મધ્યમ ગતિ – ઓછી લખાતી-છપાતી, સ્વીકાર-અસ્વીકારની પીઠિકા પર રહેલી હતી. આ મંદપ્રાણ સમયે સર્જકને આશ્વાસનરૂપે પ્રતિષ્ઠિત સર્જક રજનીકુમાર પંડ્યાનો પ્રભાવ – પરિચય પ્રાપ્ત થાય છે. તેમના સર્જનથી પ્રભાવિત-માર્ગદર્શન મેળવી માત્ર ૧૮ વર્ષની ઉંમરે તેમણે લખ્યું છે તે પ્રમાણે ‘તળેટીથી પહાડ ચડવાનું’ આ સ્વરૂપમાં સાહસ કરી, સફળતાને વરે છે. પ્રથમ સંગ્રહમાં રજનીકુમાર પંડ્યા તેમની વાર્તાઓ સંદર્ભે નોંધે છે. ‘એમની વાર્તાઓમાંથી એના વિશે હું ઘણું બધું પામી શક્યો છું. મને લાગ્યું છે કે એ હંમેશા એકલવાયાપણું અનુભવ્યા કરતો માણસ છે. પ્રકૃતિ, રોમાન્સ નોકરી જીવનદૃષ્ટિ વગેરે તેમનામાં તીવ્ર વેગ અનુભવાય છે. તેમનામાં આ બધું હાડોહાડ ઊતરી જતું જોવા મળે છે.’૧ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘શિલાલેખ’ ૨૧૮ પૃષ્ઠમાં ૨૦ વાર્તાઓ સમાવિષ્ટ છે. તેમની વાર્તાકાર તરીકેની મુદ્રાને તપાસવાનો મારો ઉપક્રમ છે. વાર્તામાં પ્રારંભે મહંમદ માંકડ, ભૂપત વડોદરિયા, હરકિશન મહેતા, દિલીપ રાણપુરા, ઉજમશી પરમાર વગેરેનો ઋણસ્વીકાર કરી, આ વાર્તાઓ પાંચાલ-પ્રદેશની અસ્મિતાનું વહન-સંવર્ધન કરનારી જોવા મળે છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘પાઈપ’માં કિશોરીના કથનથી શરૂ થતી પીડા - એકલતાની સાથે વ્યાપેલી અનુભવાય છે. માતાના વૈધવ્યની પીડા ચૈતસિક રૂપોથી વાર્તામાં વ્યાપે છે. બાજુમાં રહેવા આવેલા ‘અંકલ’ સાથે ધીમે નિકટતા કેળવાય છે. મમ્મી તેની એકલતાથી વ્યથિત બીજું પાત્ર શોધી આપવાની વાત કરે છે. અને એક દિવસ અંકલ કોઈ સ્ત્રી સાથે ઘરમાં પ્રવેશ કરે છે. ફિલ્મ જેમ વહેતી-વધતી પીડાનું વર્ણન વાર્તાકારે ઘણું જ સંકુલ રીતે વ્યક્ત કર્યું છે. મમ્મી મૃત પતિના ફોટાને ઉદ્દેશીને કહે છે : ‘હું તો તમારાથી પણ અલગ પડી ગઈ.’ આ વાક્ય દ્વારા મમ્મીની પીડાનાં મૂળ ક્યાં રોપાયેલાં હતાં. બન્નેમાંથી કોનો વિચ્છેદ પીડારૂપ હતો! તે જે સંદર્ભથી વાર્તાકારે મૂકી આપ્યું છે તેને કારણે વાર્તા ઉત્તમ બને છે. વાર્તામાં પ્રતીકાત્મક ભાષા અને લાઘવયુક્ત વર્ણનો વાર્તાગુણ બને છે. તો ‘હોલી-ડે’માં રહસ્યપૂર્ણતા વિષયને વાર્તાકારે કુશળતાથી મૂકી આપ્યો છે. પ્રેમ પામવા મથતો શેઠી-ડેની પાસે સતત જાય છે. અંતે ડેની બીજા પાત્રને પરણે છે. ઉત્તરાર્ધ સુધી ડેનીના પાત્રને વાર્તામાં રહસ્યપૂર્ણ રાખી અંતમાં જ્યારે શેઠીને ડેનીએ આપેલો કોલગર્લનો ટેલિફોન નંબર જોઈ દુઃખ, સમાધાન, લાચારીભરી જે રીતે પ્રતિક્રિયા અનુભવે છે. તેનાથી વાર્તા ઉચ્ચ કોટિની બની રહે છે. ચરિત્રનું મનોમંથન-અંતની તિર્યક ચોટ સમુચિત વાર્તામાં કલાત્મક ગૂંથી છે. તો ‘પૂછવું’માં ટ્રેનની ગતિ સાથે પત્નીને પૂછવાનો સવાલ મનોજગતમાં શંકાનું કુંડાળું રચાતાં, અંતે નાયકના ભૂતકાળનું પત્ની દ્વારા થતું સ્ખલન - વાર્તારૂપને વૈવિધ્ય અર્પણ કરે છે. વાર્તા થોડો લંબાણભય જરૂર અનુભવે છે પરંતુ, વાર્તાકારની કુશળતા ટ્રેનની ગતિ સાથે નાયકની મનોગતિ સચોટ ભાષારૂપોથી વ્યક્ત થયેલી છે. જુઓ : ‘નિહારિકામાંથી છૂટા પડેલા ગ્રહ જેવો પત્નીનો પ્રશ્ન તેના પ્રશ્ન સાથે જોરથી ટકરાયો હતો... અને હવે તે સૂર્ય બની ગયો હતો. (પૃ. ૧૬૪) તો આ સંગ્રહની અવિસ્મરણીય વાર્તા ‘લાયન–શૉ’ છે. વાર્તાનો નાયક કિશન રહે છે પણ તે વાર્તાના અંતે ‘મારી માફક નમાલા કારણોસર ઝઘડો વહોરીને ડાયવોર્સ લેશે નહિ.’ અહીં કથક ‘હું’ વાર્તાને જુદું જ પરિમાણ અર્પે છે. કિશનની સંસાર જીવનની વિસંવાદિતા-પ્રકૃતિભેદ સ્પષ્ટ થતાં થતાં કથકની કરુણતા ઓગળતી અનુભવાય છે. એક વાર્તામાં બે વાર્તાનું ઊંડાણ આપી બન્ને કથનકેન્દ્ર દ્વારા જીવન કારુણ્યતાની ફલશ્રુતિ વાર્તાકારે કુશાળતાથી રજૂ કરી છે. એ જ રીતે ‘આગગાડી’માં બે પાટાને સમાંતર રાખવા માટે વચ્ચે નાખવામાં આવતા લાકડાના ચોગઠાને પ્રતીક રાખી, સમયની વાસ્તવ છબી રજૂ થયેલી છે. સમસ્યાપ્રધાન જીવનનો ધ્વનિ વાર્તામાં વ્યક્ત થયો છે. વિષય સાયુજ્ય રચતી એક વાર્તા ગ્રામપરિવેશ દ્વારા રજૂ થતી ‘ચાડિયો’ રહેલી છે. વાડીમાં એકલો રહેલો કરમશી અને નાનકાની વહુ વચ્ચે થતા થતા રહી જતાં સ્ખલનની છબી સરસ વ્યક્ત થઈ છે. વાર્તાના મધ્યમાં નાનકો જ્યારે ચાડિયો ખસેડી લેવાની બાપાને દરખાસ્ત કરે છે અને ડોસો મનાઈ ફરમાવી ‘ઉભું હોય ભઇલા, ઈ આપણને નરી આંખે ન દેખાય’ ચાડિયો ભલે રહ્યો. કરમશીને વાડીમાં નાનકાની વહુની પગ – શરીરની બદલાતી ગતિ અને પત્નીનું સદ્ગત સ્મરણ-વ્યામોહ ભંગ એટલે ચાડિયો બની રહે છે. ‘મશીન બંધ કર્યું... ભખ્ખ ભખ્ખ ભખ્ખ કરતુંક બંધ થઈ ગયું. કૂવામાં જોયું – વીરડા જેવું પાણીનું એક ખાબોચિયું આકાશના પ્રકાશમાં ચમકતું હતું.’ (પૃ. ૬૬) આ અણધાર્યો સૂચિત વાર્તાનો અંત સંગ્રહની નોંધપાત્ર વાર્તા બને છે. આપણી ગ્રામીણપીઠિકા રચતી વાર્તાવૈભવમાં ઉચ્ચ સ્થાને બને છે. તો ‘રેપ’ વાર્તા વર્તમાનપત્રમાં સમાચાર, જાણી, શંકાભય અનુભવતો નાયક, વિચ્છેદ કરી બીજી પત્ની દ્વારા વર્તમાનપત્રના ખોટા સમાચાર હતા તેવું સત્ય જાણી અપાર દુઃખ અનુભવતા નાયકની ‘દામ્પત્ય વિફળતાનાં પરિમાણો વ્યક્ત થયાં છે. મનુષ્યની વૃતિઓનું સ્વભાવ જનિત દોષરૂપો વાર્તામાં દર્શન બની વિહરે છે. ‘મિનારા’માં અશેષ – રીમાનાં પાત્ર દ્વારા સ્ત્રીસ્વાતંત્ર્ય અને તેના પરિણામોથી વ્યથિત નાયકની મનોસંવેદના વ્યક્ત થયેલી છે. આ સંગ્રહનું શીર્ષક જે વાર્તા દ્વારા અપાયું છે તે ‘શિલાલેખ’ એક પ્રયોગશીલ સક્ષમ વાર્તા છે. ‘અશોકે કોતરાવેલા શિલાલેખો ફક્ત જોવા ખાતર જ છે. હું પ્રવાસીઓને પૂછું છું : તમે શું મેળવ્યું? (પૃ. ૧૨૧) નાયિકા રચનાની ડાયરીમાંથી મળેલી ચિઠ્ઠીમાં આ વાકયથી શરૂ થતી વાર્તા સંદર્ભ-રુચિરના પ્રણય વૈફલ્યમાં ફંગોળાતી રચના છેવટે શિલાલેખની જેમ સ્થિર બની જાય છે. વાર્તામાં પ્રણય-સંબંધોનું ખોખલાપણું વ્યક્ત કરી, જીવનની એક ગતિનો રણકો વાર્તા દ્વારા વ્યક્ત કર્યો છે. જુઓ : ‘પુરુષને સમજવો સ્હેલો છે પણ સ્ત્રીને સમજવી સ્હેલી નથી. એટલે જ કહું છું કે આપણે ફક્ત શિલાલેખ પર નજર નાખનારાં પ્રવાસી છીએ.... ફક્ત પ્રવાસી... એ સિવાય કશું જ નથી’ (પૃ. ૧૨૯) તો એક જુદી જ ભૂમિકાને વ્યક્ત કરતી ‘બૂટમાં ડંખતી ખીલી’ વાર્તા છે. પહાડો-પર્વતોના ઢોળાવોની વચ્ચે હોટલના સેકન્ડ ફ્લોર પર પીલ્લર પરથી નમી – સિગારેટના ધુમાડા વચ્ચે નાયક અખિલેશ પવનનું તોફાન જોઈ રહ્યો છે તેની સમાંતરે નાયિકા સરુની જીવનલીલાના અતીતમાં સરી જતાં વર્ષોનું દર્દ અનુભવે છે. પત્નીનો રોગ સ્વયં અનુભવી નાયકને બચાવતી સરુ પૂર્ણરૂપ પામે છે. પ્રતીકોના ઉપયોગથી વ્યંજનાગર્ભ આ વાર્તા નોંધપાત્ર રહેલી છે. નૂતન પરિવેશમાં વ્યક્ત થતી આ વાર્તા ચૈતસિક મનોવ્યાપારને વ્યક્ત કરવામાં સફળ બનતી અનુભવાય છે. અન્ય વાર્તાકારની ભાષારીતિનાં પણ ઉત્તમ દર્શન થાય છે. ‘વૉકિંગ-સ્ટીક’ વિષય પ્રમાણસર હોવા છતાં, લંબાણભય અનુભવે છે છતાં પરિવેશના આધારે ભાવકને સતત સતેજ રાખતી વાર્તા છે. વાર્તાકારનું જીવન અંગેનું દૃષ્ટિબિંદુ અહીં ઉત્તમ વ્યક્ત થયું છે. તેમની વાર્તાઓમાં જીવનની કારુણ્યતાનું વહન કરતી જિંદગી અને વિસંવાદિતાઓ સાથે સમાધાન કરતાં ચરિત્રો વિશેષ જોવા મળે છે. ‘કાગડાઓ’ ઘર-પરિવારથી કંટાળી નાયક પત્નીને લઈ દૂર-દૂરની નોકરી પસંદ કરી જીવન જીવવા માગતી વાર્તા છે. પણ ઉપકારના એક બદલા તરીકે ભાણેજને ભણાવવાનો એક પત્ર બનેવીનો આવે છે અને જવાબરૂપે પત્ની ‘વિના સંકોચે તમે એને લઈને આવો’ અને વાર્તામાં અર્ક રૂપે વાક્ય ‘રાહ જોઉં છું’ સાંભળી નાયકની જેમ વાચક પણ શમતો-ઉઠતો વિરોધ અનુભવે છે. જીવનના મર્મસ્થાનોને ભેદતી-છેદતી આ વાર્તા જોવા મળે છે. અહીં વસ્તુસામગ્રીનું અભિવ્યક્તિમાં રૂપાંતર ભાષાપોત ઘણું જ આસ્વાદ્ય રહેલું છે. તો ‘બિલાડો’ વાર્તા આપણી સામાજિક મનોગ્રંથિને ચૈતસિક મનોવ્યાપારથી છતી કરતી બને છે. વાર્તામાં નવા ભાડાના મકાનમાં રહેવા જતા દંપતીની વ્યથા-કથા વ્યક્ત થઈ છે. રહસ્યગર્ભ મકાનમાં પિતાની મૃત્યુતિથિએ રસોડાની બાજુમાં વાડામાં બિલાડાનું થતું દર્શન અને ઘરના ત્રીજા સભ્ય તરીકે તેનું અસ્તિત્વ સાથે નાયકનું આ ભેદ સુધા જાણી શકી નથી તે અતિ સૂક્ષ્મ સ્તરે વાર્તાકારે મૂકી આપ્યું છે. તો આ પ્રકારના ઘટકને વિસ્તાર આપતી ‘દાદાજી’ વાર્તા છે. પિતાના કેન્દ્રસ્થથી વ્યક્ત થતા પ્રવાસ દરમ્યાન સુરેશ-નીના-યોગ દ્વારા દાદાજીની સ્મૃતિઓ બાળક યોગ દ્વારા વ્યક્ત થાય છે. નિબંધાત્મક શૈલીથી વ્યક્ત થતી આ વાર્તા અંતમાં ‘દાદાજીને મારી ઉંમરનો મિત્ર મળી ગયાનો આનંદ થયો (પૃ. ૧૫૩) સંવેદના સ્તરે સારી વાર્તા રહેલી છે. ‘આજે’ વાર્તામાં માસ્તરનું મનોજગત ભયગ્રસ્તતા સૂક્ષ્મ સ્તરે વ્યક્ત થઈ છે. તો ‘ચંદ્રકિરણ સક્સેના’ વાર્તા ત્રીજા પુરુષ એક વચનથી વ્યક્ત થયેલી નૂતન ટેક્નિકનો પરિચય કરાવે છે. વાર્તામાં નાયકની ઊંચાઈ, વર્ણ, સ્વભાવ, ટેવ, શોખ, બીમારી, મિત્રો, વ્યવસાય વગેરે મુદ્દાઓને આધારે વકીલ સક્સેના નિસંતાન પીડાનો ભાર અનુભવી, ચૈતસિક મનોવ્યાપાર-સંઘર્ષ અનુભવે છે. અંતે પત્નીને છૂટ આપે છે. : ‘છૂટવા છીંકણી જોશથી સૂંઘવા લાગ્યા. હજી બારી બંધ છે. બંધ બારી રાખવાનું કારણ પૂછશો તો તાડૂકી ઉકશે : Don’t ask that type of buns questions’ આ વાર્તા મનોવૈજ્ઞાનિક સ્તરે સારી રીતે વ્યક્ત થયેલી જોવા મળે છે. તો ‘આંખો એટલે આંખો’ કવિની નજરે વ્યક્ત થયેલી કાવ્યાત્મક શૈલી ખચિત વાર્તા છે. વાર્તામાં કવિ અને કવિ પત્નીના મનોરથો આંખોના પ્રતીકથી વ્યક્ત કરી, ઉપમા અને ભાવનાનું વિગલન આંખો દ્વારા પવિત્રતાનાં વ્યામોહ છોડવાનો સૂર વ્યક્ત થયો છે. વાર્તામાં મનોસંઘર્ષ અને ભાષારૂપો ધ્યાનપાત્ર ઘટકો બને છે. તો આપણી જ્યોતિષ પરંપરાનો વિચ્છેદ કરતી સંગ્રહની અંતિમ વાર્તા ‘મરણ’ છે. લગ્નની પ્રથમ રાત્રીએ મરણનો ભાર અનુભવતો. હીરેન તેની પત્નીને સ્પર્શની વેળાએ જ ‘મેં બધું જાણી લીધું છે તારા દોસ્તો પાસેથી’ આજે તમારું મરણ થશે. આજની રાત નહીં’ આ સાંભળી નાયક બરફની માફક ઓગળી જાય છે, હા, જ્યોતિષી સાચો હતો અને પોતાનું પ્રથમ રાખીએ મરણ થઈ રહ્યું હતું! વાર્તા મધ્યમ બને છે. પણ વાર્તાકારની વર્ણનશૈલી ધ્યાનપાત્ર છે. આ પ્રથમ વાર્તાસંગ્રહમાં વાર્તાકારની મહત્ત્વની વિશેષતાઓ જોઈએ તો (૧) વાર્તાઓમાં એકલતા, પત્નીવિચ્છેદ, દૂર-દૂર જઈ જીવવાની મથામણ, સમસ્યાને દૂર કરી જીવવાનો મનોરથ, વર્તમાનથી વ્યથિત ભૂતકાળનો આશ્રય, કલ્પના-તરંગ ગ્રસિત ભય, સંકુલ મનોવ્યાપારોમાં જીવતાં ચરિત્રો, આંતર વિશ્વમાં વૈચારિક મનોસંઘર્ષ પ્રેમ પામવા જતાં મળતી વિફળતાઓ વગેરે વિષય ઘટકોને લઈને વાર્તાઓ રચવાનો ઉમદા પ્રયાસ થયેલો છે. પાઈપ, હોલી-ડે, પૂછવું, ચાડિયો, લાયન શૉ, શિલાલેખ વગેરે વાર્તાકળાની રીતે નોંધપાત્ર વાર્તામાં રહેલી છે. (૨) સંગ્રહની દરેક વાર્તાઓ ભાવ-વિભાવો ખચિત વિશેષ રીતે રજૂ થતી જોવા મળે છે. હા, તેમની મોટાભાગની વાર્તાઓમાં અંત સુધી આપણે ન પહોંચીએ ત્યાં સુધી વાર્તાની ગુણવત્તાનો કશો જ નિર્ણય થતો નથી. ટૂંકમાં વાર્તાકારે વાર્તાનો અર્ક અંતમાં મૂકી, વાર્તાકળાનું સિદ્ધરૂપ પ્રાપ્ત કર્યું છે તેમ જરૂરથી કહી શકાય. પાઈપ, હોલી-ડે, રેપ વગેરે વાર્તાઓ જોઈ શકાય! (૩) સંગ્રહમાં મોટાભાગનાં પાત્રો મનુષ્યસહજ વૃત્તિઓે અને લાચારીનું પ્રતીક બને છે. ચૈતસિક મનોવ્યાપારો દ્વારા એક પ્રકારની વ્યથા અનુભવાય છે. (૪) જીવનની વિસંવાદિતાઓની વચ્ચે પણ વાર્તાઓનાં પાત્રો સમાધાન કરી, સભાનતાપૂર્વક જીવવાનો પ્રયાસ કરતાં નજરે પડે છે. કાગડાઓ, પૂછવું, આજે, આગગાડી વગેરેમાં જોઈ શકાય છે. (૫) અહીં પ્રથમ લગ્નથી છૂટાછેડા લઈ, બીજા લગ્નથી વ્યથિત પતિની પીડા-દુઃખની વાત કરતી વાર્તાઓ સારી અને મધ્યમ બન્ને પ્રકારની જોવા મળે છે. હોલી-ડે, પૂછવું, આજે વગેરેની સાથે ચંદ્રકિરણ સક્સેના, મરણ, બિલાડો વગેરે જોઈ શકાય. (૬) તેમની વાર્તાઓમાં શંકાની પણ શંકાનું વર્તુળ, અંગ્રેજી શબ્દો, ઉર્દૂ-ફારસી શબ્દો, હિન્દી-ફિલ્મની દૃશ્યાવલી વગેરે ગુણપાસું બને છે અને જે વાર્તાઓને થોડી ભારેખમ પણ બનાવે છે તે સ્વીકારવું રહ્યું. સામાન્ય મર્યાદાઓને બાદ કરીએે તો ૨૦ વાર્તાઓના પ્રથમ સંગ્રહ આઠમા દાયકામાં એ પણ આધુનિકતાના પ્રખર પ્રવાહ વચ્ચે સાંપ્રત જીવનની અસ્તિત્વ પરકમીમાંસાના છેડાને તાગતી-તાકતી નોંધપાત્ર ભાષારૂપોથી વ્યક્ત થતી આ વાર્તાઓ સુમંત રાવલને સૂક્ષ્મ વાર્તાકાર તરીકે સ્થાપે છે. રજનીકુમાર પંડ્યાનું એક વિધાન આ વાર્તાસંગ્રહના સંદર્ભે રહેલું છે તે જુઓ : ‘સુમંત રાવલ શક્તિશાળી – સારા વાર્તાકાર તરીકે ઓળખાવાને પાત્ર છે. એ માણસ વાક્યોને તોડીફોડીને કે શબ્દો પાસે સરકસના ખેલ કરાવી વાર્તા નથી લખતો. વાર્તા એનામાં એક વાદળની જેમ ધીરે ધીરે બંધાય છે અને વાદળની જેમ જ ધીરે ધીરે શબ્દો દ્વારા એની વાર્તા વરસે છે. સાગરનું પાણી જેમ વાદળાં દ્વારા સાગરને પાછું મળે છે. તેમ જીવનમાંથી એ જે રીતે વાર્તા ગ્રહણ કરે છે એ રીતે એ આપની સમક્ષ ધરે છે. અને એ પણ પોતાની આગલી વિભાવના વડે. સુમંત રાવલ એ નર્યો વાર્તાનો માણસ છે’ (પૃ. ૧૪ નિવેદન) આ વિધાનને આધારે જરૂરથી કહી શકાય કે તેમનો આપણી ભાષાના વાર્તાવિશ્વમાં પ્રવેશ ‘શિલાલેખ’ની જેમ સ્થિર દ્યુતિની જેમ સોહે છે એ જ વાર્તાકારની મોટી સિદ્ધિ છે. જૂન, ૧૯૯૦માં તેમના બીજા વાર્તાસંગ્રહ ‘મૃતોપદેશ’માં ૧૬ વાર્તાઓ સમાવિષ્ટ છે. આધુનિકતાના પ્રવાહને પ્રમાણતી પ્રયોગધર્મી વાર્તાકારોની મુદ્રાના તેમાં દર્શન થાય છે. તેઓ પ્રસ્તાવનામાં ‘જમીનની નક્કર ધરાને ચારીને ફૂટી નીકળતા અંકુર જેવું - ઉગવું - એક છોડનું વ્યક્તિત્વ અને સમય-સ્થિતિના ભારેખમ બૂટ નીચે કચડાઈ જવાનો અને નામશેષ થઈ જતો જિંદગીનો મુકામ ગણાવે છે.’ સંગ્રહમાં વાર્તાક્ષેત્રે ગુરુપદે સ્થાયી જેમના માર્ગદર્શનથી અહીં પહોંચી શક્યો છું. તેમનું એક વિધાન ટાંક્યું છે. જુઓ ‘સુમંત, તારી પાસે સોનું છે તેને તું તારી રીતે ઘાટ આપતો રહેજે... એક દિવસ ચોક્કસ તેનો આકાર આપોઆપ થઈ જશે’ (પૃ. ૮) તો પ્રારંભે ‘યામિની’ સામયિકના સંપાદક અને મૂળે પાળિયાદના વતની વાર્તાકાર રસિક બારભાયાને ઉદ્દેશી પીઠ થાબડવાનો અમીવર્ષણ ભાવ – જેના પર લીલા લીલા નાજુક પાંદડાં ફૂટી નીકળ્યાં તે આ ડાળીઓ પરનાં વાર્તાફૂલો છે તેવું હૃદયભીનું સંવેદન વ્યક્ત પણ થયું છે. મૃત પુત્રને સંગ્રહ અર્પણ કરી, પ્રથમ તર્પણરૂપ સંગ્રહની પ્રથમ વાર્તા ‘મૃતોપદેશ’માં પિતૃહૃદયની અત્યંત વિદારક પીડાને પિતૃકથનથી સચોટ વ્યક્ત કરી છે. ચાર વર્ષના પુત્રને ‘લ્યુકેમિયા – બ્લડકેન્સર’ થતાં ભાંગી પડેલો નાયક – પુષ્પા તેને બચાવવા માટે ખોખરશા પીરની દરગાહે, ભાઈ રમેશને લઈને જાય છે. સળંગ સૂત્રે વહેતી આ વાર્તા ધીમે ધીમે મૃત્યુની નજીક જતા પુત્રને પીડાના ભારથી મુક્ત કરવા પિતાના હૃદયનો વલવલાટ – હૈયાફાટ આંસુ – રૂદન પ્રગટાવે તે રીતે વ્યક્ત થયું છે. બીજા દિવસે બ્લડ ડીસીઝ ડૉ. શાહનો રિપોર્ટ, બાળકને બચવાના ચાન્સ, પિતાનું કરુણજનિત વાત્સલ્ય ઘણું જ સંવેદનસભર ભાવ-ભાષામાં અભિવ્યક્તિ પામ્યું છે. ૯ જુલાઈ ૧૯૯૬થી શરૂ કરી, ૧૩ જુલાઈ સુધી દવાખાનામાં મૃત્યુ મુખમાં ધકેલાતા જતા પુત્ર અને તેની અત્યંત પીડાદાયક સ્થિતિને વાર્તાકારે ઘણી જ સૂક્ષ્મ રીતે વ્યક્ત કરી છે. તો વાર્તામાં ઘેરી કરુણતા સંદર્ભે અમદાવાદમાં ડૉકટરોના ભેદી મૃત્યુને કારણે હડતાળ-કફર્યુ, આદિવાસી નિર્મળા કન્યાને અન્યનું લોહી ચડતું નથી તેની વેદના, તેને દવાખાને લાવનાર જમી-જસ્મીલ પિતા નથી, માતા પાગલ છે. ઘરમાં કોઈ જ નથી. દૂરનો પિતરાઈ ભાઈ દવાખાને મૂકી વહ્યો ગયો છે જે હવે આવી શકે તેમ નથી અથવા હવે આવશે જ નહીં તેવું જાણતો નાયક તેની જમવાની વ્યવસ્થા કરવા હાંફળો-ફાંફળો થયેલો નાયક, છેવટે પુત્રએ પોતાનો હાથ પિતાના હાથમાં મૂકી અંતિમ શ્વાસ લીધાની ઘેરી વળતી વેદના ‘છેલ્લા બે માસથી તેની પાછળ પડી ગયેલો તાવ આખરે ઊતરી ગયો. આખરે તાવને હંફાવ્યો ખરો! બિચારો છેવટે કંટાળીને તેના શરીરને છોડીને ચાલ્યો ગયો.... કમબખ્ત! તેના આત્માને પણ લેતો ગયો. (પૃ. ૨૨) અને તોફાનો સંદર્ભે ટી.વી.માં આવતા સરકારના ઉપદેશ સમાચાર વચનો અંધકારમય છે તેમ પત્ની પુષ્પા દ્વારા મળતું ટ્યૂબનો માર્ગ ખૂલી શકે તેમ નથી હંમેશા કપાયેલો રહે છે તેવું જે ક્યારેય ગર્ભાધાનરૂપી ચેતના જન્માવી શકે તેમ નથી....’ સમગ્ર વાર્તા વસ્તુ, સમય-સ્થળ, સંવાદ, પરિવેશ, ટેક્નિક, સંઘર્ષ, સૂક્ષ્માતિસૂક્ષ્મ કરુણતા-સંવેદન આદિ ઘટકોમાં લાઘવપૂર્ણ વિભાવ રચે છે. પુત્રના મૃત્યુની ધીમે ધીમે સંકેલાતી જતી નાડીઓ પિતાના આર્દ્ર ભાવે રજૂ થતી આ વાર્તા આપણી ભાષાની ચિરંજીવી વાર્તામાં સ્થાન-માન પામે છે તેવું જરૂરથી કહી શકાય. તો ‘બહેરા-સાપ’ સ્ત્રી-પુરુષના નામ વગરની આ વાર્તામાં સાંજના સમયે ફરવા ગયેલા દંપતીના વસ્તુઘટકથી કવિ હૃદયની વેદના વ્યક્ત થઈ છે. જેમ મોરલીના નાદથી સાપ બહેરો હોવા છતાં હલનચલન કરે છે તેમ પુરુષ પણ સ્ત્રીનો દોર્યો ચાલવા મજબૂર બને છે તેવું ફલિત થતી આ વાર્તામાં પ્રેમિકા કવિતાના આપઘાત થયાના સમાચાર સાંભળી, નાયકની અનિચ્છા હોવા છતાં ‘બટાકાવડા’ પ્રિય ભોજન બેસ્વાદે જમવું તો પડે છે. વર્ણન, ભાષારીતિ, મનોસંઘર્ષ વગેરે તત્ત્વો વાર્તાને નોંધપાત્ર બનાવે છે. તો ‘દુર્ગ’માં પ્રતીકાત્મક સંયોજન રીતિ વ્યક્ત થઈ છે. શકુંતિનો વધતો જતો ગર્ભ ધીમે ધીમે વધતી જતી શહેરની વસ્તી, વિકરાળ રાતની જેમ વિસ્તરે છે તેમ પત્નીને ત્રીજી વખતની પ્રસૂતિ પીડાનો ભાર અભિવ્યક્તિ પામ્યો છે. કથાઘટકની સમાંતરે કર્ફ્યુ-હડતાલનો પરિવેશ રચી નાયકની વિચિત્ર ગર્ભ ટુકડો જોઈ થતી ગ્લાનિ અત્યંત સૂક્ષ્મસ્તરે વ્યક્ત થયેલી છે. વાર્તાનો અંત તિર્યક ગતિ સૂચક છે. જુઓ : ‘કાળા રંગનો દુર્ગનો આકાર હતો. તેની પાછળ હાથપગ વિનાના માંસના લોચા જેવું નગર શ્વાસો ભરી રહ્યું હતું. (પૃ. ૩૯) તો ‘ગાડું’ વાર્તામાં શિક્ષક પિતા દ્વારા બે પુત્રો વચ્ચે ખેંચાણ અનુભવતી જિંદગીનો સંઘર્ષ વ્યક્ત થયો છે. કરકસરથી બચાવી, મોટા પુત્રને ભણાવી - પગભર કર્યા પછી નાનકા પુત્ર માટે માંગણી કરતા, નિરાશા મેળવતા પિતાની વેદના સમુચિત ભાવોથી વાર્તાકારે મૂકી આપ્યું છે. ગ્રામપરિવેશ વાર્તાને ઉઠાવ આપે છે. સંગ્રહની પાંચમી વાર્તા ‘તોપ’માં વર્ષો પહેલાં વસાવેલું અંગ્રેજીશાહીનું નગર, તેના ગઢ-કિલ્લા પર પાંત્રીસ વર્ષથી રહેલી-કટાયેલી પીળી ધમરખ બનેલી તોપ જોઈને નાયકનું ભૂતકાળમાં સરી પડવું કુશળ રીતે વ્યક્ત થયું છે. નેતાઓનાં ભાષણો, ગરીબો માટેનું આમરણાંત આંદોલન, સાંપ્રત જીવનમાં થતાં શોષણોનો ભોગ બનતા મજૂરવર્ગની સંવેદનાઓ – વિરૂપ બનતી જતી આપણી સમાજવ્યવસ્થા તરફ કટાક્ષ તીવ્ર રીતે અભિવ્યક્ત થયો છે. સ્મરણવૃત્ત શૈલીથી વ્યક્ત થયેલી આ વાર્તા પ્રમાણમાં મધ્યમકક્ષાની રહેલી છે. તો ‘સારા માણસની હત્યા’ વાર્તા ગામથી શરૂ કરીને વિસ્તરેલા શહેરોમાં એક ઠીંગણો નેતા ભાષણો દ્વારા સૌને એકત્રિત કરી, એક સારા માણસની શોધ આદરે છે પણ દરેક જગ્યામાં ભયંકર વૃત્તિવાળા માણસો જ મળી આવે છે અને અંતે તો પોતાનામાં જ રહેલા સારા રૂપની શોધ સ્વયં જ કરવાની છે તેવો કટાક્ષ વ્યક્ત કર્યો છે. વાર્તા સ્મૃતિકથાથી આગળ વધતી નથી. ‘સત્યાઘાત’ વાર્તામાં પ્રાચી નાયિકાનું બાળક ઝંખતી સ્ત્રીનું સંવેદન પ્રગટ થયું છે. હરતુ-ફરતું-ઉછળતું પંખી ‘વીજળીના બે તાર વચ્ચે ફસાઈ ગયું છે.’ એવો વાર્તાનો અંત સૂચક કરુણતા પ્રગટાવે છે. તો ‘ગામ’ વાર્તા બંધ આંખોમાં ઝીલાતા મામાના ગામનાં દૃશ્યો અને બાળપણમાં રાધા સાથે રવિના સ્મરણોનું ભાવવિશ્વ વ્યક્ત થયું છે. આખી રાત જાગીને બનાવેલું સુંદર ચિત્ર વહેલી સવારે કાબરે નષ્ટ કરી નાખ્યું તે જાણ થતાં બિલ્લીની સમજદારી માણસ કરતાં વધારે છે તેવો સૂચિતાર્થ – સાંપ્રત દામ્પત્યજીવનમાં થતી તિરાડોનું સૂક્ષ્મ દર્શન કરાવેલું જોવા મળે છે. સંગ્રહમાં ‘બાબો’ વાર્તા જાણે ‘મૃતોપદેશ’નું અનુસંધાન રચતી વાર્તા બને છે. અહીં પણ પુત્રના મૃત્યુની ચીસ પિતૃહૃદયથી પ્રગટેલી છે. પુત્ર જન્મના ચાર વર્ષનો ઉછરંગ વર્ણવી, અંતે દવાખાનામાં રોગ સામે ઝઝૂમતા પુત્ર પ્રત્યેનું કારુણ્ય આક્રંદ ભાવ-વિભાવોથી વ્યક્ત થયું છે. સ્વપ્નાવસ્થામાં દેખાતું પુનઃ અવતરણ વાક્ય ‘હું તારી કૂખે ફરી જન્મ લઈશ... મમ્મી’ કરુણગર્ભ ક્ષણનો વાર્તાકારે વિસ્તાર રચી આપ્યો છે. એ જ ઝંખનાનું સ્ત્રી સંવેદન ‘સુનયના’ વાર્તામાં જોઈ શકાય છે. ‘ગર્ભ’માં વ્યથા-પીડા-ભય-સ્ત્રીસહજ ભાવાત્મકતા સરસ રીતે વ્યક્ત થઈ છે. સાંપ્રત દામ્પત્યજીવનની પીડાનું રૂપ આ વાર્તા દ્વારા લેખકે દર્શન કરાવ્યું છે. ‘લાયન-શૉ’માં ચિત્રકલાનો ઉમદા વિષય પસંદ કરી, કિશન નાયક દ્વારા કલાદૃષ્ટિનો પરિચય કરાવ્યો છે. મામાને ત્યાં ઉછરી મોટો થયેલો કિશન વીણાના પ્રેમનું બલિદાન આપી, દેવયાની સાથે લગ્ન તો કરે છે પણ લાયન શૉમાં બકરી પર ત્રાટકતા સિંહ જેવી ભયગ્રસ્ત જિંદગીની અધૂરપો સારી ભાષારીતિથી વાર્તામાં વ્યક્ત થઈ છે. પ્રણય વૈફલ્યનું સૂક્ષ્મ દુઃખ વાર્તાકારે ચરિત્રના મનોસંઘર્ષ દ્વારા ઉત્તમ રીતે પ્રગટાવ્યું છે. ‘શહેર’ વાર્તા બાળસ્મૃતિમાં સંઘરાયેલું ગામનું નિર્દોષ ભાવવાહી દૃશ્યરૂપ પ્રગટાવ્યું છે. ભૂતકાળમાં સરી પડતો નાયક દાદાજીની સ્મરણમંજૂષા વાગોળે છે અને વર્તમાનમાં શહેરની ભીડ અનુભવતો નાયક ગલીકૂંચીમાં પથ્થર જેવો અટવાયેલો નજરે પડે છે. બાળકોને ટી.વી ઑન કરી કહે છે. જુઓ : ‘દાદાજી.... વર્ષો થઈ ગયાં, પાણી લેવા ગયેલો રાજકુંવર શહેરની ગલીઓમાં પથ્થર બની ખોવાઈ ગયો છે! (પૃ. ૧૨૦) સમગ્ર વાર્તા સળંગસૂત્રે લાઘવપૂર્ણ રીતિથી ગ્રામસંવેદન સારી રીતે વ્યક્ત કરનાર જોવા મળે છે. તો ‘ખોયડું’માં અંગ્રેજોના જમાનાનું પ્રાણગઢ ગામ, જટાશંકર મહાશંકર વૈદ્યનું ખોયડું, તેમનું પ્રચંડ વ્યક્તિત્વ આખા પંથકમાં ભરીભરી પ્રતિષ્ઠા, લીંબડા નીચે આહાર નહીં, વિહારની મર્માળી વાતોનું જગત અને સમયાંતરે ત્રણેય દીકરાઓનું શહેરમાં સ્થળાંતર અને ધીમે-ધીમે પ્રાણગઢ ગામનું ભવ્ય ભૂતકાળ ધરાવતું ઘર અવાવરું કૂવા જેવું ભેંકાર-ખંડેર ભાસતું, અંતે પુત્રો દ્વારા બારોબાર વેચી દેવાનો લાગતો આંચકો વાર્તાઘટકને રોચક બનાવે છે. ગ્રામપરિવેશને વ્યક્ત કરતી આ વાર્તામાં બે જગાનું અને તેમાં વસતા દેવરૂપ મનુષ્યોનું દર્શન વાર્તાકારે સુપેરે કરાવ્યું છે. ઘેઘૂર લીંબડા પરથી ખરતા પીળા પાંદડા જેવી ગામડાની ગતિ સૂચક રીતે અભિવ્યક્તિ પામી છે. તો ૧૪મી વાર્તા ‘ખેતર’ પેથાપુર ગામના આથમણા રસ્તે આંબલી નજીકની વાડીમાં, શિયાળાની વહેલી પરોઢે ખેતર જોવા બાપા નાયકને લઈને જાય છે. તલહરા મૂકી ભડકો કરી, હૂંફ આપે છે અને છેવટે દાદાજીની જેમ બાપા પણ આ જમીન સંભાળતા-વ્હાલ કરતાં ભડકાની જેમ સળગી જાય છે. સમય જતાં ખેતરના ત્રણ ભાગ પડતાં, થોરની વાડના પ્રતીકથી નાનું થતું અનુભવાય છે. અને અંતે ‘ખેતરમાં કોઈ કાકા પેસી ન જાય’ તેવું ભાવવાહી કરુણ દુઃખ વ્યક્ત થયું છે. વર્ણનની તાદૃશ્યતા અને ગ્રામ તળપદ બોલી વાર્તાને નોંધપાત્ર બનાવે છે. તો ‘જંતુઓ’ વાર્તામાં આધુનિક મનુષ્યની ક્ષણે ક્ષણે બદલાતી જંતુઓમાં પરિવર્તન થતી, જિંદગીનો ચિતાર વ્યક્ત થયો છે. એક જંતુનો નાશ થતાં અન્ય જંતુઓ તેને ઉપાડી ગબડાવી દે, બાળી મૂકે રાખમાં વિલીન થાય તેમ અણુબૉમ્બથી સમગ્ર જંતુ વંશનો નાશ થવાનો સમય ક્યારે આવશે? તેવા વ્યંજિત કટાક્ષમાં વાર્તા પૂર્ણ થાય છે. સંગ્રહની છેલ્લી વાર્તા ‘ડાઈનીંગ ટેબલ’માં પ્રેમાળ-સાદગીયુક્ત જીવન જીવનાર શિક્ષકના સંતાન તરીકે વિનય દ્વારા પિતાના સ્મરણોનું જગત અને સન્માનમાં પ્રાપ્ત થયેલું ‘મેજ’ બાપુજીના મૃત્યુ પછી પૈસાદાર બનેલો નાયક વેચી નાખે છે. તેનાથી વ્યથિત માતાની સ્મૃતિ ભાવવાહી કરુણતા વાર્તામાં વ્યક્ત થઈ છે. બીજા પુરુષની કથનશૈલીમાં વ્યક્ત થયેલી આ વાર્તા આપણા શિક્ષણ-શિક્ષકના ભૂતકાળના અજવાળાનું રૂપવૈવિધ્ય પ્રગટાવે છે. સમગ્રતયા આ સંગ્રહમાં સમાવિષ્ટ ૧૬ વાર્તાઓમાં વાર્તાકારની સ્વરૂપ પ્રત્યેની સજાગતા – ઉત્તમ પક્કડનાં દર્શન થાય છે. ઉત્તમોત્તમ વાર્તા મૃતોપદેશ રહેલી છે. જ્યારે દુર્ગ, લાયન-શૉ, સત્યાઘાત, જંતુઓ વગેરે આધુનિકતાના વાર્તાપ્રવાહને પુષ્ટ કરે તેવા આગવા સ્ફુલ્લિંગો પ્રગટ કરાવે છે. જ્યારે ગામ, ખેતર, શહેરમાં, ખોયડું, ગર્ભ, બાબો વગેરે ગ્રામપરિવેશના રાગ-વિરાગ-અનુરાગને પ્રગટ કરતી નજરે પડે છે. સંગ્રહમાં ગ્રામચેતનાને પ્રગટ કરતી વાર્તાઓમાં લેખકને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તેવું જરૂરથી કહી શકાય. એમ પણ કહી શકાય કે, સુમંત રાવલ આ વાર્તાસંગ્રહ દ્વારા આપણા ટૂંકી વાર્તાના ભાવવિશ્વમાં પરંપરા અને આધુનિકતા એમ બંને રૂપોમાં સજાગ – નોંધપાત્ર વાર્તાપુષ્પોની સુગંધ અર્પણ કરે છે જે તેમની આ સ્વરૂપમાં રિદ્ધિ સિદ્ધિ બને છે. સર્જકનો ત્રીજો વાર્તાસંગ્રહ ‘ઘટનાલય’માં ૧૫ વાર્તાઓ રહેલી છે. ‘બીજ’ નામના સામયિકમાં પ્રગટ થયેલી આ વાર્તાઓ નવલકથાકાર હરકિશન મહેતાને અર્પણ કરેલી છે. ઈ.સ. ૧૯૮૨માં ૧૬૨ પૃષ્ઠમાં સમાવિષ્ટ આ વાર્તાઓમાં ઘટનાતત્ત્વ સાથે સ્વરૂપની માવજત થયેલી અનુભવાય છે. વાર્તાઓમાં વિષયસામગ્રી, સામાજિક નિસબતના રૂપ-વિરૂપ વલયો, એકલતાનો મનોભાર, ચરિત્રોમાં સૂક્ષ્મ સ્તરે ભારરૂપ મનોસંચલનો, ગામ તળપદ પરિવેશ સાથે લોકભાષાનું બળકટ વૈવિધ્ય, વાર્તાના ગર્ભમાં વિદારક-અકળિત ઉભરાતું રહસ્યપૂર્ણ દર્દ, પરંપરા અને પ્રયોગની નવીનતમ ટેક્નિકનો ઉપયોગ, સ્થળ-કાળના પરિમાણોનું સાયુજ્ય, વર્ણનરીતિમાં તાદૃશ્યતા, આદિ-મધ્ય-અંતમાં ઔચિત્યપૂર્ણ રચાતો વિભાવ આદિ ઘટકોમાં વાર્તાકારની હથોટી સફળ રહેલી કહી શકાય. ‘ઘટના એ વાર્તાનો ધબકાર છે.’ એવું સમજનારા આ વાર્તાકારે સંગ્રહમાં ઘટના જ નહિ પણ સમગ્ર સામગ્રીનું સંયોજન-સંવર્ધન કરી, અડાબીડ જંગલોની વચ્ચે નટખટ રહસ્યમયી નદીનો પ્રવાહ આપણને જોવા મજબૂર કરે તેવી રીતે આ વાર્તાઓ પણ લાઘવપૂર્ણ રીતોથી રસસભર છે. પ્રથમ વાર્તા ‘ઘરભંગ’માં વિધુર નાયક ‘મહેતો માસ્તર’ પત્ની સીતાના મૃત્યુ પછી પોતાને ત્યાં કામે આવતી કાશી સાથેના મનોરાગને સહજ વૃત્તિઓથી મૂકી આપ્યો છે. ધીમે-ધીમે ટ્યુશનમાં વિદ્યાર્થીઓ, સ્વજનો, મિત્રો, પાડોશીઓ, ગ્રામજનો વગેરેથી વિખૂટા થવાનો અનુભવ અનુભવતા માસ્તર બંગભંગ ભસ્મ લઈ, જુવાની મેળવવાના અભરખાની સાથે નાયક મૃતપત્ની સીતાની તસવીર સાથે વાર્તાલાપ કરી, નિસંતાન માસ્તર એક રાતે કાશી દ્વારા આહ્વાન – ફાનસને ફૂંક મારી દીવો બંધ કરી નાયક કાશીને એક લાફો મારી હડધૂત કરે છે પણ અંતમાં બદનામીનો ભોગ બનેલો માસ્તર નોકરી-ગામને છોડતાં પહેલાં વૈદ્ય જયાનંદ દ્વારા બંગભસ્મનો પ્રયોગ તારી જેમ મેં કાશી પર કર્યો હતો તેનો ખુલાસો થતાં વાર્તાકારે નાયકની પીડાને એક વિશેષ પરિમાણ રજૂ કર્યું છે. ‘વૈદ્યના હોઠ બંધ થઈ ગયા – જાણે ફરી ક્યારેય તે હસવા માટે ખુલવાના જ નહોતા.’ (પૃ. ૧૫) વાર્તાની કથનરીતિ, પાત્રનાં સ્ખલનો, પરિવેશ, વર્તમાનમાં ઢસડાતી અતીતની ભીષણતા, સ્ત્રીના બહુવિધ મોહરૂપો વગેરે તત્ત્વો નોંધપાત્ર વાર્તાને બનાવે છે. તો ‘બોજ’ વાર્તામાં વંદના-કશ્યપ-હરેશના પ્રણય ત્રિકોણ દ્વારા સાંપ્રત દામ્પત્ય જિંદગીનો કટાક્ષ વ્યક્ત કર્યો છે. હરેશના મૃત્યુ પછી પ્રેમી કશ્યપનું સંતાન બોજ બની, ગરોળીની જેમ વંદનાની તડફડવાની ક્રિયા વાર્તામાં સૂચક રીતે મૂકી આપી છે. કથન-વર્ણન-પરિવેશ વગેરે તત્ત્વો વાર્તામાં સરસ જળવાયેલાં છે. ‘છઠ્ઠી આંગળી’માં ગ્રામચેતનાનો પ્રશ્ન મુકાયો છે. માધવપુરના નામચીન ચોર કાળુ, લીલાપુર લગ્નપ્રસંગે સ્ત્રીઓના ઉતારામાં સ્ત્રીનો વેશ ધારણ કરી. ચોરી કરવા જાય છે પણ અંધારામાં સૂતેલી સોનુ સાથે ઝપાઝપીમાં બારણા વચ્ચે ચગદાયેલી છઠ્ઠી આંગળીનું રહસ્ય સાસરે ગયેલી પતિના મુખે જ સંભળાવતી અને છૂપી રીતે સાંભળતો કાળુ – અડધી નિર્જીવ આંગળીનો તાળો સ્ખલનરૂપે વાર્તામાં રહસ્યપૂર્ણ મૂકાયેલો છે. ‘જટા’માં ત્રીસ વર્ષ જૂનો ભાઈબંધ બાપુ બની, જટાધારી ભાદરને સામે કાંઠે મંદિરમાં સેવા-પૂજા કરે છે. પગ સુધી લાંબી જટામાં – માથામાં ઉંદરી થતાં સેવક મેરુ વિભલો – ચંદુ બાબરને લઈ જટા ઉતારવા આવે છે અને અસ્તરો ફરી જતાં – જટા ઊતરી જતાં વર્ષો જૂના ભૂતકાળની પ્રેમલીલાનું સ્મરણ વ્યથારૂપે વાર્તામાં પ્રગટ્યું છે. અંતમાં બાપુ સંસારી બની મોહમાં ફસાય છે અને પાપનું પ્રાયશ્ચિત્ત કરવા વિભલો-ચંદુ જટાધારી બને છે જે વાર્તાને નવું જ પરિમાણ અર્પણ કરે છે. આ વાર્તા સર્જકની પાંચાળ પ્રદેશની અસ્મિતાનું વહન કરનાર બની રહે છે. તો ‘સાક્ષી’ વાર્તામાં તાલુકાના મામલતદાર મોટી હવેલીમાં આગ્રહપૂર્વક ભોજન લે છે. ભવ્ય રિયાસત જોઈ વિસ્મયમાં મુકાતો નાયક. પ્રપૌત્ર દ્વારા એક ઘટનાના સાક્ષી બનતા અમલદાર ‘અગ્નિદાહ તમારી સાક્ષીએ જ દેવાયો હતો.’ સાંભળી આશ્ચર્ય અનુભવતા નાયકનું મંથન ઘણું જ કુશળતાથી વ્યક્ત થયું છે. મેઘાણીજીની વાર્તાનું આ વાર્તામાં સ્હેજે સ્મરણ થાય છે. તો ‘હેમરેજ’માં સવીને મૂકવા હૉસ્પિટલ જતાં બનેવીની હોન્ડાની ગતિ સાથે મનોગતિનો ભાર વ્યક્ત થયો છે. પતિ ભાનમાં આવતાં સવીના વાંસા પર હાથ ફેરવતા કેતનકુમારને જોઈ, નાયકની પીડાનું સ્ખલન વાર્તાને સાંપ્રત પ્રયોગશીલ બનાવે છે. ‘હું તને ગમું છું ને?’ વાર્તા હરજીવન-ગવરીના પ્રેમરૂપો નિમિત્તે મનુષ્યની વૃત્તિઓમાં ભળેલી વિકૃતતાને છતી કરવાનો વાર્તાકારનો પ્રયોગ સફળ રહ્યો છે. તો ‘ગુફાઓ’ પ્રતીકાત્મક પ્રયોગધર્મી વાર્તા રહેલી છે. પ્રવાસ શોખીન નામક અજંતા-ઇલોરાની ગુફાઓનાં દર્શન કરતાં-નિહાળતાં સહપ્રવાસી ધરા (ખોટું નામ ધારણ કરી ફરતી) નાયિકા પ્રત્યે અત્યંત પ્રેમારાગ અનુભવી પામવા મથતો નાયક અને અંતે ચિઠ્ઠી દ્વારા જણાવતી નાયિકા અંતમાં કહે છે તે પરમ વાસ્તવનું દર્શન થાય છે. જુઓ : ‘મારા શરીરમાં એક એવી ગુફા છે જ્યાં ક્યારેય કોઈ આકૃતિ ઉપસવાની નથી તેની વેદના તું સ્ત્રી નથી એટલે નહીં સમજી શકે... (પૃ. ૧૦૪) વિમલ મહેતા દ્વારા આપણી સ્ત્રીજીવનની સંવેદનાઓ – નાજુક ક્ષણોને વાર્તાકારે કુશળતાથી મૂકી આપી છે. નારીચેતનાને સ્પર્શતી આ વાર્તાસંગ્રહની મહત્ત્વની બને છે. ‘વારસો’માં તબેલાનો બાપીકા ધંધાને આગળ વધારવા પુત્રનું મનોસંવેદન વ્યક્ત થયું છે. ઘોડીને ‘થાણ’ દેવાના વ્યવસાય સાથે નાયકની નિસંતાન પત્નીનું વ્યંજનાગર્ભ વ્યક્ત થયું છે. અલબત્ત, વાર્તાના અંતમાં ‘જોળો’ પડતો અનુભવાય છે. તો ૧૦મી વાર્તા ‘લાંછન’ પિતાના કથનકેન્દ્રથી પુત્રની વેદના-દુઃખ-પીડાનો વિસ્તાર પ્રગટ્યો છે. હડકાયા કૂતરાનો ભોગ બનેલો પુત્ર રઘુ-કાન્તા સાથે લગ્ન કરી, રોગના ભોગને કારણે નિસંતાન રહે છે. અને એક દિવસ શ્વસુરના મનનો હડકવા રોગનો ભોગ બનેલી કાન્તાને નજરોનજર નિહાળી ‘તમે બાવા ઊઠીને!’ (પૃ. ૧૨૭) વ્યથિત નાયક સંસાર ત્યાગ કરી, સંતપણાનો માર્ગ અપનાવી લે છે અને સમય જતાં પોતાના જ ગામ સખપરમાં સાધુ રૂપે કાન્તાને ‘બાઈ, તારો ધણી તો હડકવામાં હડધૂત થઈને ક્યારનોય ગુજરી ગયો...’ અંતની વ્યંજનાગર્ભક્ષણ આપણને પણ અકળાવી મૂકે છે. ગ્રામ પરિવેશનાં પરિમાણોથી વ્યક્ત થયેલી આ વાર્તા ‘લાંછન’ શીર્ષકના અનેક સૂચિતાર્થોને પ્રગટ કરનાર બની રહે છે. ‘સૂરજમુખી’માં કુલુ-મનાલી પહાડી ઇલાકાના વર્ણનથી શરૂ થતી વાર્તામાં એક મોટા બગીચાની માલકિન સ્ત્રી - નમાલા પતિની હત્યા કરી, કોટેજની બાજુમાં સફરજનના બગીચા પાસે દાટી તેના પર જાજરમાન અદાથી બેસે છે અને વાર્તાનાયક પાસે બગીચામાં સૂરજમુખીનાં બીજનો છંટકાવ કરાવી, ઉછેર પામેલા ફૂલને જોઈ તથા કેટલાંક મુરજાયેલાં ફૂલને જોઈ કરેલો પ્રશ્ન અંતને વ્યંજિત ગર્ભ બનાવે છે. જુઓ : ‘મૂર્ઝાયેલા સૂર્યમુખીને ખાતર નાખીએ તો પણ નકામું’ વાર્તા રહસ્યપૂર્ણ વિભાવ રચનારી બને છે. ‘સંમોહન’ પ્રથમ પુરુષ એકવચનમાં વ્યક્ત થયેલી આપણી તાંત્રિક વિદ્યાનો પરચો રજૂ કરનારી વાર્તા રહેલી છે. વાર્તામાં છૂટા વાળ સાથે મોટા સિંદુરના ચાંદલાથી ભયંકર રૂપ ધારણ કરતી ચંપા આદિ સ્ત્રીઓનું વર્ણનકૌશલ્ય કળાત્મક ગૂંથણી વાર્તાને નવી જ દિશાનાં દર્શન કરાવે છે. ‘ચકડોળ’ વાર્તા પણ શ્રાવણી સોમવારે મેળામાં ખોવાયેલી દીકરી શાંતાને શોધતા માતા-પિતાના દર્દને વ્યક્ત કરનાર બની રહે છે. વીસ-વીસ વર્ષ પછી પોતાની દુકાને આવેલો, ગામનો ભક્તિગર બાવો અને તેની સાથે આવેલી ચંદ્રાની નિશાની ‘છાતી પર રહેલો લીલો મસો’ સાંભળી પિતાનો કરુણ વલોપાત વાર્તાને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અર્પણ કરે છે. વાર્તામાં ટેક્નિકનો ઉપયોગ વાર્તાકારની કુશળ દૃષ્ટિનો પરચો આપે છે. ‘વીંછીનો ડંખ’ ચરિત્રપ્રધાન વાર્તા છે. કાળુ ભરાડી અને અપંગ શેઠ – મજૂર લીલકી સાથેના પ્રણયસ્ખલનો ગ્રામપરિવેશથી સરસ વ્યક્ત થયાં છે. લીલકી કાળુ સાથે લગ્ન કરે છે તેથી વ્યથિત શેઠ કાળુના બૂટમાં ભમ્મરિયા ઝેરના આંકડાવાળો વીંછી મૂકે છે અને તેના ડંખથી કાળુ મૃત્યુ પામે છે. સાપોલિયા જેવી આંખો ધરાવતું બાળક લઈ, વિધુર લીલકી શેઠની લગ્ન ભૂખ ઠારવા તો જાય છે પણ શેઠને બાળકનો ચહેરો-કાળુરૂપે ભાસવાથી, ગામ છોડી ભાગી જાય છે અને નાયક ‘આ તો નિમિત્તમાત્ર ગણાવી’ ગામડાઓ ફર્યા કરવાની શેઠની રટણા વાર્તાને નોંધપાત્ર બનાવે છે. જૂના જમાનાની ગ્રામ્યજીવન પદ્ધતિ અને મજૂરી કામે જતી સ્ત્રીઓ ગુણ-દોષોનું સ્વાભાવોક્તિપૂર્ણ વાસ્તવ દર્શન વાતોમાં કુશળ રીતે વર્ણવાયું છે. તળપદ ભાષારૂપ વાર્તાને આગવું રૂપ અર્પે છે. જુઓ : ‘અસ્તરી જાત પુરુષના વિચારને ન ઓળખે તો અસ્તરી નો કે’ વાય’ (પૃ. ૧૭૩) પાંચાળ ભૂમિની લોકછાંટ વાર્તાનું ઊજળું પાસું બને છે. આ સંગ્રહની અંતિમ વાર્તા ‘ચોકી’ મનોવૈજ્ઞાનિક ભૂમિકા પૂરી પાડે છે. શંકાશીલ પતિ, પત્નીને લઈ નવા ઘરમાં રહેવા આવે છે. નાયક દ્વારા પત્નીને પીડા, તાળું મારીને વ્યવસાયના સ્થળે જવાનો મનોરોગ, નાયક ભોગીલાલને કાચનાં વાસણોનો વ્યવસાય વગેરે પ્રતીકાત્મક સ્તરે વ્યક્ત થયું છે. અંતમાં નાયક દ્વારા ઘરનું તાળું ખોલતાં ચંદ્રા જોવા ન મળતાં, રઘવાયો પતિ નાયક પાસે પૂછપરછ કરતાં ‘દરેક તાળાને ડુપ્લીકેટ ચાવી હોય છે, મેં તેને સત્ય કહ્યું તે સાશંક નજરે જોઈ રહ્યો.’ (પૃ. ૧૮૪) વાર્તામાં ગરીબ સ્ત્રીની લાચારી અને વહેમી પતિ દ્વારા થતી પીડાઓ, ભોગીલાલનું મનોજગત સાંપ્રત દામ્પત્યજીવનની આધુનિક છબી પ્રગટાવવાનો પુરુષાર્થ સફળ કર્યો છે. વાર્તાનું દર્શન ભાષારૂપોમાં નોંધપાત્ર વ્યક્ત થયું છે. જુઓ : ‘તમે સંબંધ બાંધો તો નિખાલસ વ્યક્તિ સાથે બાંધજો અને સંબંધ તોડો તો શંકાશીલ વ્યક્તિ સાથે તોડજો.’ (પૃ. ૧૭૮) સમગ્રતયા આ વાર્તાસંગ્રહમાં આઠમા-નવમા દાયકાના ગ્રામપરિવેશને વિષય બનાવી તે સયમના પ્રશ્નો, શ્રદ્ધા-અંધશ્રદ્ધાનું જગત, કરુણ ક્રિયારૂપો, સ્ત્રી-પુરુષના ભાવ-વિભાવો, દામ્પત્યની તિરાડો, સ્વભાવાદિ ગુણ-દોષો, રાગ-વિરાગ-અનુરાગ આદિ ઘટકોને લઈ જીવનાલયરૂપે ઘટનાલય દ્વારા આ વાર્તાઓ પ્રમાણમાં સારું વાર્તાવિશ્વ બને છે. આ વાર્તાઓ ‘ચિત્રાલેખા’ સામયિકમાં ક્રમવાર પ્રગટ થયેલી છે તેથી તેમાં વાર્તાકારે મુખ્યત્વે ગ્રામીણ ભાવવિશ્વનાં આગવાં રૂપવલયો પસંદ કરી, લોકહૃદયની ભાવનાઓનું દર્શન કરાવ્યું છે. વાર્તાસ્વરૂપના ઘટકતત્ત્વોની રીતે વાર્તાકારે ઘણી માવજત કરી છે. સંગ્રહની ઘણી અલબત્ત દસ વાર્તાઓ નોંધપાત્ર મહત્ત્વની રહેલી છે, જ્યારે પાંચ વાર્તાઓ મધ્યમ પ્રકારની કથાપ્રસંગથી આગળ વધતી નથી. હા, જે તે સમયે આ સંગ્રહની વાર્તાઓ વાર્તાકારની સફળતાનો આધારસ્તંભ રહેલી હતી તેવું જરૂરથી કહી શકાય. આ સંગ્રહ વિશે જૂની અને નવી બન્ને પેઢીના વિવેચકોનાં વિધાનો તપાસીએ જેથી સંગ્રહની નોંધપાત્ર વાર્તાઓનું દર્શન થાય. જુઓ : (૧) તમે વાર્તાનો વિષય સરસ પસંદ કરો છો. વાર્તાનો વિષય, માનસિક વલણોનું નાવિન્ય ધ્યાન ખેંચે તેવું છે. વાર્તાનો અભિગમ સાયકોલોજિકલ હોવા છતાં મનમાં રહેલા ખ્યાલોના પરિબળનું સારદર્શન થઈ જાય છે. – તા. ૨૮-૦૨-૧૯૭૭, સ્વ. પીતાંબર પટેલ (૨) તમારી વાર્તાની સામગ્રીમાં અપરિચિત સામગ્રી તરફ તમારા જેવા વાર્તાકારની દૃષ્ટિ પડે, એ સામગ્રીને સંવેદનશીલ માવજત મળે તે મારા માટે અને ગુજરાતી વાર્તા માટે આશા જગાડે છે. – તા. ૨૧-૩-૧૯૯૧, ભરત નાયક ‘ઘટનાલય’ પછી તેમનો મહત્ત્વનો વાર્તાસંગ્રહ ‘વાર્તાક્રમણ’ ઈ.સ. ૧૯૯૯માં ૨૩ વાર્તાઓનો રહેલો છે. ૨૪૦ પૃષ્ઠોમાં રહેલો આ સંગ્રહ વાર્તાકારની આધુનિક-અનુઆધુનિક દૃષ્ટિ-સૃષ્ટિને પ્રગટાવે છે. વાસ્તવિકતાના આકલન અર્થે ભાષાના રૂઢ તંત્રને તેના તર્કગઠિત ક્લેવરને છેદીને તેનું નવસંસ્કરણ કરાવે તે રીતે વાર્તાઓમાં વ્યંજિત કરેલું છે. મડાગાંઠ, આંબો, માર, શેષ-અવશેષ વગેરે વાર્તાઓમાં વાર્તાકારની પ્રયોગશીલ વાસ્તવ દૃષ્ટિના ભાવ પરિમાણો વાર્તાઓને ઉચ્ચ કલાવિધાનમાં મૂકી આપે છે. તો ‘રૂપ-કુરૂપ’ લાંબી-ટૂંકી વાર્તાઓનો ‘વાચકોને સંતોષ એ મારો ધર્મ છે.’ તેવું કહી ત્રણ લાંબી વાર્તા અને પાંચ ટૂંકીવાર્તાઓમાં સાંપ્રત જીવનની દામ્પત્ય-કુટુંબ-વ્યવહાર, નોકરી, પ્રેમજીવન શહેરીજીવનનાં બદલાતાં રૂપો-કુરૂપો વગેરેને વિષય બનાવી લોકપ્રિયતાને પસંદ કરેલી નજરે પડે છે. તો તેમના છ સંગ્રહ ઉપરાંત એક મહત્ત્વનો વાર્તાસંગ્રહ ‘કલરવ’ શીર્ષકથી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સંપાદન થયેલો ઈ.સ. ૨૦૦૯માં ૧૮ વાર્તાઓનો આપણને પ્રાપ્ત થાય છે. આ વાર્તાઓમાં સુમંત રાવલ વાર્તાકાર તરીકે પરિપક્વ પ્રયોગશીલ અને સક્ષમ સર્જકની મુદ્રા પ્રગટ કરે છે. આ ‘કલરવ’ની વાર્તાઓને આધારે તેમની સર્જકતાનું આપણે હવે મૂલ્ય તપાસીએ. આ ઇનામ પ્રાપ્ત સંગ્રહમાં તેમણે પ્રસ્તાવનામાં કેફિયત આપતાં નોંધ્યું છે. જુઓ : ‘વાર્તા ક્યાંથી કેવા, કેવી રીતે વાતાવરણમાંથી આવે છે તે રહસ્ય હજુ હું પામી શક્યો નથી. ગાઢ અંધકારમાં ક્ષણિક દૃશ્યો ઝબકી જાય તે રીતે ઘટના ઝબકી જાય છે. હું આને ચમત્કાર માનું છું... ટ્રેનમાં કે બસમાં, ઘરમાં કે બહાર, હસતાં કે રડતાં, બગીચામાં કે ઑફિસના ટેબલે ગમે ત્યારે આવી પડે, તેની નિશ્ચિત કોઈ ક્ષણ હોતી નથી. ચમકારો થાય એટલે હું ડાયરીમાં નોંધી લઉં છું.... પછી તે ચમકારાનું આલેખન કરું છું... (પૃ. ૯) આ અનુભવોનું મનોવિશ્વમાં અનુભૂતિરૂપે રમમાણ બની, વાર્તારૂપે અભિવ્યક્તિ પામેલું છે. આ સંગ્રહની વાર્તાઓને ક્રમશઃ તપાસીએ. આ વાર્તાઓ આધુનિક અને અનુઆધુનિક બન્ને યુગપ્રવાહોને તાગે-તાકે છે. આ સ્થળ-સમયના પ્રવાહના સમસ્યાઓ વાર્તાકળાના આગવા રૂપવૈવિધ્યથી પ્રગટી છે. પ્રથમ વાર્તા ‘એકડો’ વાર્તાકળા અને ટેક્નિકની દૃષ્ટિએ મહત્ત્વની અને નોંધપાત્ર રહેલી છે. ગંગાદાસની વિધવા પત્ની ગોમતી ત્રણ બહેરા-મૂંગા બાળકોને ઉછેરવા જે સંઘર્ષ કરે છે તેનું લાઘવભર્યું સૂક્ષ્મતાથી આલેખન વ્યક્ત થયું છે. ‘લોટ માંગવા તારે ઘરે-ઘરે ભટકવું તેના કરતાં તારા દીકરા ભટકે ઈ વધારે સારું’ આ વાક્યની ત્રિજ્યાથી વાર્તા ગતિ પામી વ્યંજિત સંઘર્ષ-પીડા સ્ત્રી સંવેદનની આગવી ભાષા સૂઝથી પ્રગટ થઈ છે. પુત્ર શિવાનું ભણવા તરફ મન, મનુ માસ્તરની સલાહ, માની થપ્પડ અને ગોમતીનો થતો વલવલાટ કારુણિક ભાવોથી વ્યક્ત થયો છે. શિવો (પુત્ર)ને ભણાવવાનો નિર્ણય, લાપસી-મગનું આંધણ મૂકવું–રેલ્વે પાટા ઓળંગતી વખતે શિવો બહેરો હોવાથી ગાડીના વ્હીસલ સાંભળી ન શક્યો અને અંતે સમાચાર સાંભળી ‘મારો શિવલો-શિવો....કહેતાં શિવાની છાતી પર માથું મૂકી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.’ (પૃ. ૭) અહીં ગોમતીનું હૈયાફાટ રુદન-આક્રંદ ઘેરા પરિઘથી મુકાયું છે. અંતમાં શિવાની પાર્ટીમાં પહેલો એકડો ભૂંસી, ગોમતી ઊભી બજારે હાથમાં છાલિયું લઈ, લાજનો ઘૂમટો જરા નીચે કરી નીકળી પડી. ઊભી બજારે મરદની જેમ છાતી કાઢીને ચાલી નીકળી! વાર્તા ગોમતીના બાહ્ય-આંતર મનોસંઘર્ષને અસ્તિત્વની બદલાતી હલબલતી રેખાઓ, સૂક્ષ્મ આવર્તનોમાં વ્યક્ત થઈ છે. પરિવેશની તાદૃશ્યતા અને ચરિત્રનું વાસ્તવ-પરાવાસ્તવમાં થતું વાતાવરણ વાર્તાને ઉચ્ચ બનાવે છે. શીર્ષકની યથાર્થતા વાર્તામાં ‘એકડો’ ભૂંસવાની ક્રિયા સાથે સંકેતાત્મક ‘છાલીયું’ લઈ શેરીઓમાં ફરતી ગોમતી આપણી સામાજિકતાને ઉઘાડી પાડવાનો કટાક્ષ વાર્તાકારનો સ્તુત્ય છે. ‘વાછૂટ’ પણ આધુનિક પ્રતીકાત્મક ગ્રામચેતનાને પ્રગટ કરતી વાર્તા છે. માધાપર ગામના જગાશેઠના બેનંબરી ધંધા, દુષ્કાળના કારમા સમયે નનૈયો ભણતા શેઠનું વાક્ય મનુષ્યની વિકૃત્તિઓનો ખેલ રચનારું બને છે. જુઓ : ‘મારે પૂન્ય જોતુ નથી. ભલે ધાન સડી જાય, જીવાત પડી જાય, પૂરતા નાણાં ન મળે ત્યાં લગી વેચવાનું નથી.’ (પૃ. ૧૧) તેના પ્રતિઘાતરૂપે શેઠને અચપો થઈ જાય છે. પેટ પર હીંગ ચોપડ્યા પછી પણ વાછૂટ થતી નથી. આકળવિકળ થઈ, અસહ્ય પીડા વેઠતા શેઠને કાચા માલને પેટમાંથી કાઢવા દસ ટીપાં દૂધમાં નાખી પી જતાં. ધીમે ધીમે વાયુ છૂટો પડતાની સાથે જ.... સોમો પગી બેબાકળો સમાચાર આપતાં કહે છે : ‘શેઠ, વાંહલી વખારમાં પોલીસની રેડ પડી!’ એ સાંભળતાં જ વખારના માલની જેમ આંતરડામાં ભરાયેલો માલ – રેડની જેમ – વાછૂટ થઈ નાકળી જાય છે. એ પરિસ્થિતિ જોઈ શેઠાણી સાડીનો છેડો નાક પર ઢાંકતા કહે છે : ‘અરે રે! તમે કેવા છો! આ ધ્વનિ સાથે સૂચિત રૂપે વ્યંજનાગર્ભ બને છે. અહીં વાર્તાકારે બે ક્રિયાઓને સામસામે મૂકી સહોપસ્થિતિની રીતિને અપનાવી છે. વિષમ સંજોગોની વચ્ચે મનુષ્યનું ખોખલાપણું સમગ્ર વાર્તાને નોંધપાત્ર બનાવે છે. વિષય, પાત્ર, વર્ણનરીતિ, ટેક્નિક, પરિવેશ, આરંભ-અંતનું સાયુજ્ય આદિ ઘટકોમાં વાર્તાકારની સફળતા સંપન્ન થયેલી છે. તો દલિતચેતનાને વ્યક્ત કરતી વાર્તા ‘કોકો’ આ સંગ્રહની જ નહિ, પણ આપણી ભાષાની ઉત્તમ વાર્તાઓમાં સ્થાન-માન પામે છે. વાર્તાકારે તાદૃશ્ય જોયેલું-અનુભવેલું તીવ્ર-સૂક્ષ્મ સંવેદન આગવા પરિમાણોથી આ વાર્તામાં અભિવ્યક્તિ પામ્યું છે. આરંભમાં નાટ્યાત્મક વિષય પ્રવેશ રહેલો છે. નાયક માલાએ ચર્મકુંડમાં આવવાની હાંક પાડી.... ખટારાની હડફેટે આવેલી મૃત ગાયને ચીરવાની ક્રિયા સાથે માલાના મનોસંવેદન વ્યાપાર વ્યક્ત કરી, બાહ્યાભ્યંતર પરિસરનું એકત્વ રચી, લેખકે વાર્તાને એક જુદું જ પરિમાણ અર્પણ કર્યું છે. માલાની અંગત વેદના-ચીરવાની ક્રિયા સાથે સરસ પ્રતિરૂપોથી મૂકી આપી છે. સૂરજ વહુ, ત્રણ લટુરિયા, ઉપરેસણ માટે કાવડિયા નથી તેની વેદના-આઘાત વગેરે કોઠો ચીરવાની ક્રિયા સાથે ઘણી જ સિફતપૂર્વક તળપદ ભાષાના આવર્તનોથી રજૂ થઈ છે. હજારો ગાયો ચીર્યા પછી એકાદ ગાયમાં ‘ગોખટ’ (ગૌચંદન) નીકળે તે કથાઘટકને સમાંતરે સાંકળી સૂરજ વ’વ અને બાપના ઇલાજ માટે અક્સીર-ઔષધ હોવા છતાં નીકળેલું ગૌખટ માલો હમણાં જ સગાઈ થયેલી, જન્મારાની માંદલી, જવલી માટે સંતાડી રાખે છે. બાપડો વારેવારે ‘કોઠો’ સાફ કરતાં-કરતાં સણસણતો સવાલ વિદારક રીતે વ્યક્ત કરતાં કહે છે. જુઓ : કોઠો સાફ કર્યો? તેવું બાપને સવાલ કરતાં માલો પે’રણના ખીસામાં હાથ નાખી કહે છે. ‘ગાયનો, દીકરી... માણહના કોઠા ઓછા સાફ થાવાના છે?’ (પૃ. ૧૧૦) વાર્તાના અંતનું આ વાક્ય તણખા જેવું આપણને પણ ચીરી નાખે તેવું તીવ્રતમ વેદનાથી ભરેલું છે. મરવા પડેલી સૂરજ વઉ, પિતા જીવો સાથે જન્મારાની માંદલી જીવલી માટે ગોખટની પસંદગી વાર્તાકાર જે રીતે માલાના ચરિત્ર દ્વારા અભિવ્યકત કરે છે તેમાં વાર્તાકારની કુશળ પાત્ર, ભાવ, મનોસંવેદન આદિની સંયોજનાનો ઉત્તમ પરિચય પ્રાપ્ત થાય છે. આપણા વાર્તાસાહિત્યમાં આ પ્રકારના અનોખા વિષય સાથે લખાયેલી, પૂરેપૂરી વાર્તા માવજતથી અભિવ્યક્તિને પ્રગટ કરતી કદાચ પહેલી વાર્તા રહેલી છે. વાર્તાસંગ્રહ અને વાર્તાસ્વરૂપની આ એક ઉત્તમ વાર્તા રહેલી છે. ‘ચેપ’ વાર્તામાં વૃદ્ધાવસ્થાનું ભાવવિશ્વ પ્રગટ થયું છે. ચર્મરોગી પપ્પા રાહુલ-પલ્લવી માટે દામ્પત્યમાં આડખીલીરૂપ બનતા જાય છે. અને પપ્પાની અંતિમ ઇચ્છા એમ.ડી પૌત્રને બનાવવાની ઇચ્છા, સમાંતરે નૂતન ટેક્નિક રીતિથી વાર્તાકારે મૂકી આપી છે. અંતમાં પિતાના મૃત્યુ પછી રિઝલ્ટ આવતાં પુત્રે એમ.ડી.ને બદલે સ્કીન સ્પેશ્યાલિસ્ટ બનવાની ઇચ્છા બે પરિઘથી પિતૃ ભાવસંવેદનનું રૂપ જુદું જ પરિમાણ વ્યક્ત કરે છે. ભાષા, વર્ણન અને ટેક્નિક સારા સંઘર્ષનું નિરૂપણ ગુણદર્શી બને છે. તો ‘રાવણ’ વાર્તા પુરાકલ્પનના વિનિયોગથી સાંપ્રત મનુષ્યની વૃત્તિઓનું ધમસાણ પ્રગટાવ્યું છે. બહુરૂપીનો વેશ લઈ ત્રણેય ગામમાં જયજયકાર મેળવતો કલાકારનો સામાન લઈ, છકડાનો ફાંકડો ડ્રાઇવર રઘલો હકડેઠઠ સામાન ટેમ્પામાં ગોઠવે છે. રાવણનું મ્હોરું, છકડામાં ક્યાંય જગ્યા ન રહેતાં, રઘલો સ્વયં ધારણ કરી, છકડો હંકારી મૂકે છે. અધિરાઈમાં લાખી રઘલા પાસે ‘પીપડા પર’ બેસવું, બહુરૂપીનો સામાન ઉતારી, મહોરા સાથે અધિરાઈમાં લાખીને હંકારી જવી, લાખીનો હાથ પકડવો, જે હાથે તીરનું ત્રાજવું ત્રોફાવેલું તે જ હાથને બચકું ભરી, છકડાની ગતિ સાથે ધ્રૂજતા હાથને, ઉછળકૂદ થતા નામને કુશળ રીતે વાર્તાકારે મૂકી આપ્યું છે. ગ્રામપરિવેશના અનોખા રૂપોને વ્યંજિત કરતી આ વાર્તા રાવણવૃત્તિનું પ્રતીક બની, સાંપ્રત મનુષ્યના બદલાતાં ભાવસ્ખલનો વ્યક્ત કરી, મહોરાંની લીલા પ્રગટાવે છે. તો ‘ગુલાબ’ ચરિત્રલક્ષી, નૂતન પ્રયોગને પ્રગટ કરતી વાર્તા બને છે. પ્રેમનું એક વિશિષ્ટ રૂપ કરતી આ વાર્તામાં વિશુભાનો પત્ની રતનબા અને શોક્ય ગુલાબ પ્રત્યેનો ઉલટસૂલટ થતો પ્રેમ વર્ણવાયો છે. અચાનક ગુલાબનું મૃત્યુ થવાથી શોકમગ્ન વિશુભાને પગ ચાટતી (કૂતરી) અને કૂવામાંથી ગળાઈને આવતો ‘શબ્દ’ ગુલાબ સરી પડે છે અને તે સાંભળી રતનબા જે રીતે તાડૂકે છે તેનો ધ્વનિ વાર્તાને જુદું જ પરિમાણ વ્યંજિત કરે છે. વાર્તામાં જૂના જમાનાનાં મેડી-માઢનો ઠાઠ-ઠઠારો, વર્ણનશૈલી તાદૃશ્ય અને કલ્પનવૈભવથી સરસ છે. તળપદ બોલીના બહુવિધ આયામો વાર્તાકારની ગ્રામ્યસમાજમી નિસબતનાં દર્શન કરાવે છે. સંગ્રહની આ અનોખી નોંધપાત્ર વાર્તા રહેલી છે. ‘મડદા બાળનારો’માં અનુઆધુનિક મનુષ્યની સાંપ્રત સમસ્યા વ્યક્ત થઈ છે. પિતાના મડદા બાળવાના વ્યવસાયમાં સામેલ થતાં પુત્ર જગો કેન્દ્રસ્થબિંદુથી વ્યક્ત થતી આ વાર્તા નૂતન પરિમાણ ધારણ કરે છે. મડદું બાળવા માટે લાકડાંને બદલે ઇલેક્ટ્રીક સાધન આવતાં જગા પોચા કાળજાવાળો ધીમે ધીમે ડફર-કઠણ બનતો જાય છે. હવે ઉત્સાહથી મડદામાંથી કમાવાની નવી-નવી રીતો અપનાવવા લાગે છે. વાર્તાના બીજા-મધ્ય પરિઘમાં કંત્રાટીની છોકરી રંભા માટે હીરોજડેલી વીંટી આપવા માટે, ખૂટતા બે હજાર રૂપિયા, ગામમાં રોગચાળો ફાટી નીકળતાં, વહેલા ક્રમમાં લાશ બાળવાના ધંધા દ્વારા સિફતપૂર્વક પૈસા ખેરવી લે છે. આ પૈસાની તાલાવેલીમાં, એક દિવસ બાપાનું મૃત્યુ થતાં તેની લાશને બાળવા રખડવું- ભટકવું પડે છે. વાર્તાના અંતમાં લાશની કરુણગર્ભ સ્થિતિ, પુત્રનું કરુણ આક્રંદ રુદન, સંયોજનપૂર્વક આયામ પ્રગટાવે છે. ‘કોરોના’ મહામારીના સમયે દેશમાં-વિશ્વમાં વ્યાપેલા રોગચાળાના સંદર્ભમાં સ્મશાનમાં લાશોના ઢગલાઓ, દાહ કરવામાં માટેની લાઈનો, મનુષ્યના અસ્તિત્વ માટે જોખાતા મૃત્યુભયની વિભિષિકાઓનું તાદૃશ્ય દર્શન આ વાર્તામાં વ્યક્ત થયેલું જોવા મળે છે. કથન, સંવાદ, ભાવ-ભાષા, ટેક્નિકનો ઉપયોગ વગેરેમાં વાર્તાકોરની સચોટતાનાં દર્શન થાય છે. ‘વાવ’ વાર્તા અતીતમાં ડોકિયું કરતા જગતબાબુ, વતન-માટીનો અનહદ પ્રેમ વ્યક્ત કરતાં નજરે પડે છે. નિબંધશૈલીથી પ્રથમ નજરે વ્યક્ત થયેલી આ વાર્તા ભાવસંવેદનની પૂર્ણતાનું વર્તુળ રચનાર બની રહે છે. વાવની જગ્યાએ ઊભા રહી, નાયક હવે ન હોવા છતાં ધીમે ધીમે મીઠા ટોપરા જેવા પાણીનો સ્વાદ આવતો અનુભવે છે જે પ્રતીક વાર્તાને જુદા જ મુકામ પર પહોંચાડે છે. તો ‘પેઢી-આંબો’ વાર્તામાં ગ્રામચેતનાનું ઉમદા ભાવવિશ્વ પ્રગટ્યું છે. જીવાજી શિવાજી ઠાકોરની વિસ્તરેલી વડવાઈઓમાં પેઢીના આંબાની તસ્વીર જોઈ, ધીમે ધીમે ભૂંસાતી જતી ધરોહરનું સૂક્ષ્મ સંવેદન વ્યક્ત થયું છે. ફોટા પર ફૂલ ન દેખાતાં, આંખને આવેલી ઝાંખપનો અણસાર સરસ વર્ણનરીતિથી લેખકે મૂકી આપ્યો છે. તો ‘અંશ’ વાર્તા વર્તમાનથી વ્યક્ત થઈ, ગત સમયની સ્મૃતિઓમાં ઝોલાં ખાતી નવા-જૂના જમાનાનું પ્રતિબિંબ પ્રગટ કરે છે. નિવૃત્ત થયેલા વાર્તાનાયક કૉલેજની દીવાલો પર હાથ ફેરવતા-પંપાળતા માથાની ટાલ પર હાથ ફેરવતા, વર્ષો જૂની કાવ્યપ્રત ‘પાનખરનાં ફૂલ’ મળી આવતાં સ્મૃતિગંધનું વલય વાર્તાને સરસ આવર્તન લય પ્રગટાવે છે. અંતમાં ‘ચોમાસામાં ભીની માટીમાં અળસિયાં સળવળે તે રીતે અંદર કૈં સળવળતું હતું.’ (પૃ. ૧૧૨) સ્મૃતિના ક્ષત-વિક્ષત થતાં સ્થિતિરૂપોને આગવી શૈલીમાં મૂકી આપે છે. તો ‘સમય’ વાર્તા દામ્પત્યજીવનમાં આવતા પલટાઓ-તિરાડોનું ઘટક વ્યક્ત થયું છે. જતીન- મયંક-હીનામાં થતાં પ્રણયત્રિકોણ પરિમાણો સુચારુ ભાવોથી પ્રગટ થયાં છે. ‘એવોર્ડ’ વાર્તા ગાંધી વિચારધારાથી વ્યક્ત થતી વાર્તા છે. કદરરૂપે મળેલી પાંચ હજાર રૂપિયાની થેલી (એવોર્ડ) દીકરી માટે ‘હારમોનિયમ’ લાવી આપે છે. ત્યારે રેવતીની ખુશી સામે એવોર્ડની ખુશી ફિક્કી - છીનવાઈ ગયાની સંવેદના વાર્તાને જુદા પરિઘમાં મૂકી આપે છે. ભાષાશૈલી, વિષમ, પરિવેશ વાર્તાના ગુણવિશેષ ઘટકો બને છે. તો ‘ડબ્બો’ વાર્તા ગોધરામાં ફાટી નીકળેલાં રમખાણોને વિષય બનાવી, તીવ્ર સંવેદનથી વ્યક્ત થતી વાર્તા છે. વાર્તાનાયક રઘાની ઓરડી સામે સળગેલો રેલડબો, ગામમાં કર્ફ્યુથી પોતાનો ધંધો સદંતર બંધ થવો, આ નડતરરૂપ ડબો રઘાને આશિષરૂપ બને છે. તપાસ માટે આવતા અધિકારીઓ માટે ઠંડી કુલફી આપવાનો ધંધો, ઓરડીના પાછલા બારણેથી શરૂ થતી ઉદાસીનતા આનંદમાં ફેરવાય જાય છે. હવે દુઃખરૂપ ડબો રઘા માટે વ્હાલનું કેન્દ્ર બને છે. રઘાના મનોસંવેદનોમાં ઓરડીના ધંધામાંથી ઘર બનાવવાની યોજના -અભરખા સરસ પરિવેશ-વર્ણનથી લેખકે પ્રગટાવ્યા છે. અંતમાં અચાનક ડબો ઉપાડી જવાના સમાચારથી ફાટેલા ખિસ્સામાંથી સરકતા જતાં સિક્કાની જેમ સપનું સરકી ગયાનાં તીવ્રતમ વેદના વાર્તાકારે ઘણી કુશળતાથી મૂકી આપી છે. જુઓ : ‘રેલના પાટા પર કુલફીના ખાલી કાગળ પવનના ઝપાટામાં ફફડતા... પક્ષીના પીછા જેમ ગુલાંટો ખાતું તે દૂરદૂર ઊડી ગયું. હું ક્યાંય સુધી જોતો રહ્યો.’ (પૃ. ૧૫૩) વાર્તા સમુચિત કલાસંયમથી સમય અને સ્થળ-કાળના પરિમાણો સાથે મનુષ્યજીવનની સમસ્યાના દ્વિપરિમાણોને તાગતી, આપણી તાદૃશ્યરીતિથી વ્યક્ત થયેલી આ વાર્તા દસ્તાવેજી મૂડી બની ૨હે છે તેવું જરૂરથી કહી શકાય. વાર્તાકારની ત્રણેય વાર્તાસંગ્રહોની વાર્તાકળાના ઉત્તમ આયામોથી સજ્જ આ ‘કથા-કલરવ’માં સમાવિષ્ટ વાર્તાઓને આધારે વાર્તાકારની વાર્તાન્તરણની મહત્ત્વની ચર્ચા કર્યા પછી કેટલાક વાર્તાવિશેષો જોઈએ તો (૧) વાર્તાઓમાં બહુવિધ સાંપ્રત નવીન કથાવસ્તુનો વિનિયોગ અને તેની વાર્તાગૂંથણી કરી, સચોટ ચરિત્રમાં ચૈતસિક મનોસંચલનો પ્રગટ કરી, ભાષારીતિઓના ઔચિત્યપૂર્ણ આવર્તનો સાથે પ્રાદેશિક વિષયોમાં વર્ણનની તાદૃશ્યતા અને સર્જકનું નોંધપાત્ર ચિંતન વગેરે વાર્તાની સિદ્ધિઓ ધારણ કરનાર તત્ત્વો છે. (૨) અહીં ઉત્તમ વાર્તાઓ કોઠો, વાછૂટ, મડદાં બાળનારો, એકડો, ડબ્બો વાર્તાઘટકોથી સજ્જતા ધારણ કરે છે. (૩) ગુલાબ, રાવણ, અંશ, સમય, વાવ, ચેપ વગેરે માનવસહજ વૃત્તિઓને અને તેના છેદન-ભેદન સ્ખલનો પ્રગટ કરતી, ભાષાસામર્થ્યથી નોંધપાત્ર બનેલી કહી શકાય. (૪) સજીવ, વાવ, કરો, પેઢી-આંબો, અંશ, એવોર્ડ આદિ વાર્તાઓ ગ્રામચેતનાને પ્રગટ કરતી, વાર્તાકારની પરિવેશ સાથેની તદ્રૂપતા અને જોડાણના આગવા ભાવવિશ્વને સ્થાપે છે. આ વાર્તાઓમાં કાળના પરિમાણો વચ્ચે પ્રેમના-સુચારુ ભાવ મન્વન્તરો હોવાથી વાર્તાઓને જુદા જ ભાવ-વિભાવોમાં મૂકી આપે છે. (૫) વાર્તાઓમાં વર્ણનશૈલી અને ટેક્નિક દ્વારા કરેલો ભાષા વિનિયોગ નોંધપાત્ર જોવા મળે છે. બે-ત્રણ દૃષ્ટાંતો જોઈએ : (૧) હા, બધું તૂટી ગયું છે, પણ ઈ વંડી તૂટી નહોતી. પી. ડબલ્યુવાળા કે’ તાકે ઈના પાયામાં શીહુ રેડ્યું છે. એટલે ઈ નૈ તૂટે... ઈ વંડી મળી જામ તો વાવ મળી જાય. (‘વાવ’, પૃ. ૬૬) (૨) સાંજના પીળચટ્ટા તડકામાં જમીન પર લાંબા જામેલા ગોડાઉનના પડછાયામાં જગો ઊભો હતો. કાળા પડી ગયેલા લોખંડમાં ધુમાડો ઘુમરાતો હતો. તિખારા ખરતા હતા. વધુ વાર જોઈ ન શક્યો. તેને ગળે ડૂમો બાઝી ગયો. આંખો ભરાઈ આવી. (‘મડદાં બાળનારો’, પૃ. ૫૫) (૩) મારો બાપ કિયે સે કે જાનવરનો કોઠો તો મર્યા કેડેય સાફ થાય, પણ માણહનો કોઠો મર્યા પછીય... (‘કોઠો’, પૃ. ૧૦૭) આ પ્રકારના ઘણા ભાષારીતિનાં દૃષ્ટાંતો નોંધી શકાય. તેમની વાર્તાઓમાં પ્રાદેશિક તળ બોલીનું વૈવિધ્ય અને હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી શબ્દોની સાથે કહેવતો, રૂઢિપ્રયોગોનો વિનિયોગ વાર્તાઓમાં જુદુ જ પરિમાણ રચનાર બળ બને છે. તેમની ઉત્તમ ભાષાલઢણ તળ વાસ્તવનું દૃષ્ટાંત પૃ. ૧૦૭ પર જોઈ શકાશે. (૪) હા, ધંધો, સમય, પેઢી-આંબો વગેરે વાર્તાઓ કલાસ્વરૂપની રીતે જોખમાય છે, મધ્યમ પ્રકારની બને છે. ક્યાંક લંબાણભય, નિબંધ કે પ્રસંગકથા બનીને અટકે છે. આ પ્રકારની સામાન્ય મર્યાદા હોવા છતાં સર્જકનું વાર્તા સાથેનું જોડાણ પરિપક્વ પ્રતિભાનાં દર્શન કરાવે છે તે સ્વીકારવું રહ્યું. સમગ્રતયા સુમંત રાવલના છ વાર્તા સંગ્રહોમાંથી પસાર થતાં સજ્જ-સબળ વાર્તાકારની મુદ્રાનાં દર્શન થાય છે. ‘વાર્તા તેના વિષયના બળથી જ નહિ પણ તેના અભિવ્યક્તિના બળથી ટકે છે. (‘ગુજરાતી ટૂંકીવાર્તા’, જયેશ ભોગાયતા, પૃ. ૧૩૦, કથાનુસંધાન) આ વિધાન સુમંત રાવલની વાર્તાઓમાં બરાબર બંધ બેસે છે. તેમણે પોતાના સમયની ત્રિજ્યાઓને – મનુષ્યના બદલાતા ચૈતસિક રૂપવલયોને આગવી અભિવ્યક્તિથી વાર્તાઓમાં મૂકી આપ્યાં છે તે મહત્ત્વની બાબત બને છે. આધુનિક-અનુઆધુનિક એમ બે યુગોને પ્રમાણતી, તાગતી-તાકતી આ વાર્તામૂડી વાર્તાકારને સબળ-સક્ષમ તરીકે થાય છે તેવું જરૂરથી કહી શકાય. આપણા સાંપ્રત વાર્તાકારોની હરોળમાં બેસી, સ્થાન-માન મેળવનારા રહ્યા છે તેમાં વાર્તાકારનું અને સ્વરૂપનું ગુણાનુરાગી તત્ત્વ-સત્ત્વ ગણાય.
સંદર્ભ :
૧. ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ : ત્રણ’, ચંદ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૬
૨. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : છ’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૦૬
૩. ‘ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’, જયેશ ભોગાયતા, ૨૦૦૧
૩. ‘ગુજરાતી ટૂંકીવાર્તા : ૧૯૫૫થી ૨૦૦૦’, કથાનુસંધાન, લેખ.
જનક રાવલ
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
કવિ કૉલેજ,
બોટાદ-૩૬૪૭૧૦