ગુજરાતી નારીસંપદા : કવિતા/બા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બા

પ્રજ્ઞા પટેલ

બા જાય છે
ત્યારે માત્ર બા જતાં નથી
ઘરનું અજવાળું ઓલવાઈ જાય છે,
શમી જાય છે હાલરડાંના સઘળા ટહુકા.
રાહ જોતી આંખોનો ભરોસો ખોવાઈ જાય છે.
ભર્યું-ભર્યું ઘર તોયે પડઘાય સૂનકાર...
સૂની ઓસરી, સૂનું રસોડું ને સાવ સૂનો ઉંબરો...
મંદિરની ઘંટડીના થીજી ગયેલા રણકાર.

સવાર ને રાત - બેયના ક્રમ ખોરવાઈ જાય છે,
ઘરના સમયનું ચક્ર બની જાય અનિયમિત.

બા જાય છે
ત્યારે માત્ર બા જતાં નથી,
સાથે એક આખું ઘર ખાલી થઈ જાય છે,
આખેઆખું.

***