ગુજરાતી નારીસંપદા : કવિતા/મા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મા

ધીરુબહેન પટેલ

મા
જગતભરના કવિઓએ
પ્રશંસાનાં પુષ્પોમાં દાટી દીધી તને.
સુગંધના એ દરિયામાં તણાઈ ગઈ તું
ને ભૂલી ગઈ કે તું માત્ર માતા નથી
છે એક વ્યક્તિ જેનું કંઈક કર્તવ્ય છે.
પોતાની જાત પ્રત્યે
તેમાંયે ઋષિમુખે સાંભળ્યું
કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા ન ભવતિ’
ત્યારે તો સાત જન્મનો નશો ચડ્યો તને!
અન્યાય અપમાન ને અવહેલનાની વર્ષા
છોને કરે સદાયે-ખમા મારા લાલને!
‘સુમાતા’નું કાષ્ઠફલક ગળે લટકાવીને
કંગાલિયતથી જીવ્યા કરીશ સદાયે
કે ખોલીશ કદી નયન?
વયસ્ક સંતાનની માતૃનિર્ભરતા
નથી નથી એ પ્રકૃતિની દેણ
છે જટિલ માનવસંસ્કૃતિની વધુ એક બેડી
ચકચકિત રૂપાળી ચાંદીની સોનાની
તોયે બેડી!
રૂધિરનો પ્રવાહ પણ એકમાર્ગી નથી
હોય તો જીવન અટકી જાય.
સ્નેહનો પ્રવાહ શા સારુ એકમાર્ગી?

***