ગુજરાતી નારીસંપદા : કવિતા/વટપૂર્ણિમા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વટપૂર્ણિમા

જ્યોત્સ્ના ય. ત્રિવેદી

વટપૂર્ણિમા છે આજે
સોળ સજી શણગાર મેં પૂજા કરી
વટવૃક્ષને બાંધ્યા કર્યો
કાચા સૂતરનો તાંતણો...

સૂતરનો તાંતણો લઈ ફરતાં ફરતાં
હું જ બંધાતી ગઈ
તારામાં
તારા આદિ વટવૃક્ષમાં
તારા સહસ્ત્ર જન્મોની આદિ કથાઓમાં

હજીયે
મધુર ગૂંચમાં ગૂંચવાયેલી જ છું
અને
જોયા કરું છું આકાશથી
આ વટપૂર્ણિમાનો મારામાં વિસ્તાર
મારી પૃથ્વીના ઉર્ધ્વમૂલને-

***