ગુજરાતી નારીસંપદા : કવિતા/મુક્તિ
Jump to navigation
Jump to search
મુક્તિ
વિજુ ગણાત્રા
⯐
પિંજરમાં એક પોપટ
પોપટ હોય કે મેના કે મોર કે હું
એથી શું ફર્ક?
એક ચોક્કસ ઘેરાવામાં રહેવાનું,
મરચું ખાવાનું અને નકલ કરવાની
કહે ગુડ મૉર્નિંગ તો ગુડ મૉર્નિંગ
પછી સીતારામ ન કહેવાય
મૉર્નિંગ ગુડ પણ ન કહેવાય
ફક્ત ગુડ મૉર્નિંગ
આ જંગલી પોપટને આટલી કેમ
ખબર નહીં પડતી હોય?
શું એ મને નથી જોતો?
દરરોજ સવારે ગુડ મૉર્નિંગનો જવાબ
એ સીતારામથી જ આપશે.
હું છાનું છાનું હસી લઉં છું-મોટેથી ન હસાય
ત્રાંસી નજરે જોઈ લઉં છું-
પિંજર પરનો પ્રહાર...
પાંખોનો ફફડાટ...
અને પછી બધું શાંત
એકવેરિયમની માછલીનો દાખલો આપો કે
ડિશમાં બિસ્કીટ ખાતા ટોમીનો પણ
એ જંગલી ક્યારેય સુધરવાનો નહીં!
***