ગુજરાતી નારીસંપદા : કવિતા/વાસણો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વાસણો

પારુલ કંદર્પ દેસાઈ

મારાં રસોડાંનાં
એકે એક વાસણને હું ઓળખું છું.
એમને વહાલ કરું છું મારાં બાળકોની જેમ.
એકે એક વાસણ સાથે
હું જોડાયેલી છું અભિન્નપણે
સદીઓ જૂનો સંબંધ છે મારો એની સાથે.
મારાં પૂર્વજો
પથ્થર અને માટીનાં વાસણમાં રાંધતા
ત્યાં સુધીનો.

હરખાઈ ઊઠું છું
આ ચકચકિત મંજાયેલા વિવિધ આકારો ધરાવતા
વાસણોને જોઈને.
પછી ડાઇનિંગ ટેબલ પર ગોઠવું છું
અને
સંતોષથી જોયા કરું છું સજળ આંખે.

બાંધી રાખે છે મારા પરિવારને એકસૂત્રે
આ વાસણો.
મને હરહંમેશ મદદરૂપ થાય છે
ક્યારેય કશાની ના પાડતા નથી.

કેવા સંપીને રહે છે આ વાસણો
એકમાં સમાઈ જાય બીજું, બીજામાં ત્રીજું...
સાક્ષી છે આ વાસણો
મારા વિષાદનાં, મારા રાજીપાનાં.
વાસણો છે તો ખખડે ય ખરાં.
એકબીજા સાથે અથડાય, કુટાય, પછડાય પણ ખરાં.
ક્યારેક તો અડતાં જ દાઝી જવાય.
વાસણો છે – થાય, આવું ય થાય ક્યારેક.

પણ પછી
જંપી જાય સૌ એકસાથે
જાણે કોઈ ક્યારેય લડ્યાં-ઝગડ્યાં જ નથી.

એક વાર
ભંગારમાં આપવા માટે
બધાં જૂનાં વાસણોને ભેગાં કર્યાં.
આ તો મામીએ ખાસ
ત્રિકોણિયા આકારની ડિશ લઈ આપેલી.
આ તો મમ્મીએ ને વળી પેલું કાકીએ
ફઈએ, મોટીબહેને, સાસુએ!
જન્મથી મૃત્યુ સુધીની
કેટલી પેઢીઓની સ્મૃતિઓ કોતરાયેલી છે એમાં!
કેમ કરીને કાઢી નાંખુ આ વાસણોને?

એક પછી એક
વાસણ પર નામ ઉકેલવા માંડી.
કોઈ પર પતિનું, કોઈ પર મામાનું,
કોઈ પર પપ્પાનું, કાકાનું, ફૂઆનું.
ક્યાંય મામી, કાકી, મમ્મી કે ફઈનું નામ કેમ નથી?
અને મારું પણ?
મનમાં નિશ્ચય થાય છે
આ બધાં વાસણોને ભંગારમાં આપીને
હવે હું ખરીદીશ એક નવું વાસણ.
અને
કોતરાવીશ તેમાં સૌ પ્રથમ
મારું નામ!

***