ગુજરાતી નારીસંપદા : કવિતા/ઈશ્વર શોધું
Jump to navigation
Jump to search
ઈશ્વર શોધું
ભારતી ગડા
⯐
શહેરોમાં હું પાદર શોધું
ઝરણાં, પહાડો, સરવર શોધું.
આદર મીઠો મળશે એવું,
ખુલ્લા દ્વારોનું ઘર શોધું.
શ્રીરામ લખી રાખું શ્રદ્ધા,
તરશે એવા પથ્થર શોધું.
ચહેરા પર મહોરા રોજ ચડે,
નિર્મળ એવું અંતર શોધું.
ભટકું જગમાં ક્યાં ના મળશે
બાળહૃદયમાં ઈશ્વર શોધું.
બળતી ઈચ્છાને જે ઠારે,
ઝરણું ખુદની ભીતર શોધું.
શબ્દ પ્રતિક્ષામાં ઊભા છે,
લખવાના બસ અવસર શોધું.
***