ગુજરાતી નિબંધ-સંપદા/જનક રાવલ/સાત્ત્વિક પુષ્પલોકની મનોરમણા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સાત્ત્વિક પુષ્પલોકની મનોરમણા

જનક રાવલ

પ્રિય ઉમેશ રાવલ,

તારી સાથે દક્ષિણના આર્યાવર્તના કન્યાકુમારી-ક્ષેત્રને ગયા વર્ષે માણ્યા પછી આજે ‘શ્રાવણ વરસે સરવડે’ — ભીનાશ પ્રગટ કરતા માસમાં હરિદ્વાર-બદરીની ઉત્તરાખંડની યાત્રા માણવા જઈ રહ્યો છું. તું જાણે છે કે આપણે સહુ મૂળ ઉત્તરના છીએ. ગંગાના ધસમસતા પ્રવાહથી આપણે ખસતા-ખસતા અહીંયાં આવ્યા હોઈશું. તેથી મૂળ-કુળને માણવાનો એક મમત્વભાવ મારી સાથે રહ્યો છે. આખી રાતનો ઉજાગરો આંખોમાં હોવા છતાં ધવલ રસસભર પૂર્ણિમાનું દર્શન ગંગાકાંઠે માણવા મળશે તેની આકંઠ મનોરમણા ચિત્તને પ્રસન્ન કરી મૂકે છે. મારી સાથે ડૉ. જીતસિંહ પરમાર, ડૉ. જે. બી. ગોહિલ, ‘ફ્લાવર ઑફ વૅલી’નો ટ્રૅકિંગ કૅમ્પ લઈને જઈ રહ્યા છે. પુષ્પોને માણવાના અભરખા તેમના ચહેરામાં સ્પષ્ટ વાંચી શકાય છે. ટ્રેન મુકાઈ ગઈ છે. સીટ પર બિસ્તરો ઠાલવી તેને લખવા બેસી પડ્યો છું. વરસાદ હજી ધીમે ધીમે ધરતી અને અમારી ટ્રેનને ભીંજવી રહ્યો છે. ધરતીની આ લીલા મારા જીવને મજો પમાડે છે. મારી સામે એક રાજસ્થાની કીર્તિકુંવરબાઈનું કુટુંબ બેઠું છે. ગાડીએ હવે ગુજરાત છોડ્યું. વતનની વહાલી ધરતીને જોઈ સહુ મસ્તાના સૂરમાં ડોલવા લાગ્યાં. ધરતીનો રંગ કાચની બારીમાં મારી સામે સરકી રહ્યો છે. નીતુકુંવરબાઈએ નમણા ચહેરાની ગરવાઈ ગળામાં વહેતી મૂકીઃ

ચટ્ શિયાળો આયો રે, ઉગણ લાગી બાજરી, ખેતાન ઉગા જવાર મોરિયા રે… ચટ્ ચોમાસો લાગ્યો રે.

મેં રેકૉર્ડ કરી લીધું છે. તને વધારે આનંદ આપશે. ડુંગરાની ધારે વસેલાં ગામડાં જાણે લહેરિયા તીજ પર ઓઢેલા ‘કેસરિયા બાલમ પધારો મોરે દેશ’નો ભાવ પ્રગટ કરે છે. ‘સેંદડા સ્ટેશન’ પર એકસાથે મોરલાઓનો ટહુકાર અને પાંખોનાં હલેસાંમાં ઊડતા જોયા. એ દૃશ્ય જીવનના ટહુકાર સાથે મેં ગૂંથી લીધું છે. ભલો મોરી રાજસ્થાની, ભલા એ ચહેરાને મારી વંદના. થોડું ઝોલું ખાઈ લઉં. મારી સ્મરણમાધુરી જ્યાંજ્યાં યોગ સધાશે ત્યાં સંભળાવીશ. અત્યારે અટકું, ભઈલા.

તા. ૧૨-૮-’૧૧

ગાડીના હિલોળામાં ક્યારે પોઢી ગયો તે ખબર ન રહી. આંખ હવે ઊઘડી ગઈ છે. દિલ્હીથી છેટો નીકળી ગયો છું. હવે ધીમે ધીમે હરિનું દ્વાર નજીક આવતું જાય છે. ‘દેવબંધ’ સ્ટેશનથી દેવતાત્મા હિમાલયની હદ શરૂ થઈ. સ્વચ્છ પ્રકાશનાં ઝૂમખાંઓ આ ધરતી પર જુદી ભાતથી પથરાયેલાં છે. નિર્ભેળ હવાસ્પર્શે દૂર દૂર ડુંગરમાળામાં કોઈક જુદી જ વસ્તીના ભણકારા સંભળાવા લાગ્યા. આખરે દ્વારે પહોંચ્યો. જાણે આપણા મૂળ મલકમાં પધાર્યો. મન પ્રસન્ન થઈ ડોલવા લાગ્યું. અનેક આશ્રમો-સાધુ-સંન્યાસી-સાધકોથી ગંગાકાંઠો ભર્યોભર્યો અનુભવાય. મારું મન સ્થિર બની દ્વારે જઈ ઊભું રહ્યું. મોટા પટમાં વહેતી ગંગાએ અનેક જીવોની જેમ મારા આત્માને પણ વિશુદ્ધિની મુદ્રામાં મૂકી આપ્યો.

આ વિસ્તારની રક્ષા કરતા ‘ચંડીદેવી’, ‘મનસાદેવી’, ‘પૂર્ણકામઃ મનોરથઃ’ના ભાવ સાથે દર્શનીય છે. અહીં દેવીને નમી, ઝાડના થડ સાથે કાંડું બાંધી પૂજારી તમને ધબ્બો મારે છે. પછી, ઉમેશ, કાળભૈરવ પાસે ગદા ઠપકારે છે. ઘડીક વસમું લાગે છે, પણ કહે છેઃ ‘એ પ્રહાર તમારા ખોટા ઉછાળા બહાર કાઢી નાખે છે.’ ઉમેશ, હળવાફૂલ બની ગંગાકાંઠે બધાં બંધનોથી મુક્ત બની વિહરી શકો છો. મેં પડિયામાં દીવો કરી પ્રવાહમાં વહેતો મૂક્યો. હળવે-હળવે પ્રવાહમાં હસતો-કૂદતો દૂર સુધી વારે વારે ડોકિયાં કરી મને ‘મારી જેમ વહેતો રહેજે’નો બોધ આપતો નીકળી ગયો. લાખો દીવડામાં ‘હર ગંગામૈયા’ની આરતી પ્રગટી.

જાણે આખું આભ દેવો સાથે ઊમટી પડ્યું. દીવાજ્યોતની રેખાઓ ગંગાપ્રવાહમાં ‘કમળપત્ર’ ધારણ કરતી ગંગામૈયાની માતૃસ્વરૂપની છબી અલૌકિક રીતે જોવા મળી. એ ‘આરતીદર્શન’ની અનુભૂતિ શબ્દોમાં, મિત્ર! જોખી નહીં શકું! વાદળો ગડગડાટ કરતાં દોડી રહ્યાં છે. ભગવી સાડીમાં ‘ગંગે ઓમ્’ ધ્વનિ સાથે વહી રહી છે. વહેલા બદરીને રસ્તે ત્રણસો કિ.મી. પહોંચવાનું છે. મારા ચિત્તને ગંગાએ પોઢાડી દીધું છે. કાલની વાત પાછો નિરાંતની પળોમાં માંડીશ.

તા. ૧૪-૮-’૧૧

હું અત્યારે ‘ગોવિંદઘાટ’ના ગુરુદ્વારામાં કંબલ ઓઢી અલકનંદાનો નાદ સાંભળી રહ્યો છું. ૧૪ કલાકની મુસાફરીના અંતે દેવભૂમિનાં પગથિયે પહોંચી શક્યો છું. ઉમેશ, વહેલા ચારના સુમારે ‘હિમગિરિ એક્સપ્રેસ’માં બેઠેલો. વિશાળ ગંગાપટ પર પીળી લાઇટના શેરડા જાણે આકાશનું તેજ એક જગ્યાએ છલોછલ હિલોળા લેતું હોય એવું અનુભવ્યું. આ તેજને માટે સાઠ પેઢી ભગીરથને ગાળવી પડી! ભગીરથે આભમાંથી ઊતરતી ગંગા જોઈ હશે! નીચે નીલકંઠ જરા ખોલી ઊભા હશે! ભગીરથે એ ગંગાને શિવની જટામાં સમાતી જોઈ પછી ગંગા પૃથ્વી ઉપર વહેતી થઈ હશે અને ભગીરથના પૂર્વજોનાં અસ્થિને ગંગાનો સ્પર્શ થતાં સદ્ગતિ પ્રાપ્ત થઈ હશે. એ મા ભાગીરથી મૂળ તો અલકનંદા રૂપે બદરીથી વહે છે.

ગાડી બદરીના રસ્તે વળી. બસના ખખડતા કાચમાં ‘ઝણ ઝણણ ઝણ ઝાલરું બાજે’નો નાદ સંભળાયો. મોટી પર્વતમાળા પર બસ સરકી રહી છે. મેં નીચે નજર કરી તો અરે! અલકનંદાનો પ્રવાહ નૃત્ય કરતી બાલિકા જેવો રમણીય જોયો. રસ્તો ડુંગરની ધારે ધારે ને નીચે રમ્ય રૂપોથી નર્તન-રત અલકકિશોરી! ઉમેશ, બસના વળાંક સાથે અલક પણ વળાંક લે છે તે દૃશ્યે મારા જીવને ઘણું સુખ આપ્યું. રુદ્રપ્રયાગથી તો અલક બાળકીને પહેલી વખત ઝાંઝરી પહેરાવો ને છમ્મ-છમ્મ પગલાં પાડે, ઊભી રહે, પછી દોડતી રહે તે ભાવથી વહી રહી છે. હું ડુંગરની ધારે વસેલાં ગામડાં, વહેતાં ઝરણાંઓ, વહી જતી કેડીઓ, કર્ણપ્રયાગ-દેવપ્રયાગમાં કાંઠે રહેલી નાનકડી દેરીમાં પ્રજ્વલિત દીવો મુગ્ધમને જોયા કરું છું. આજે મારી જનોઈ બદલવાની હતી. સાંજના ચાર અલકલીલા જોવામાં જ વહી ગયા, પણ એક ઝરણું મારી વહારે આવ્યું ને ખાબક્યો, આળોટ્યો ને નવતંતુને કંકુ-ચંદનથી બ્રહ્મગાંઠને કેસરિયાં કર્યાં. ગાયત્રીમંત્રનો જયઘોષ કરી, નૂતન યજ્ઞોપવીત પરમ પવિત્ર દેવભૂમિ-અલકનંદાના સાંનિધ્યમાં ધારણ કરી.

રસ્તા પર સૌ મને જોતા રહ્યા. જોશીમઠમાં બદરી-વાસુદેવનાં દર્શન કર્યાં. ઉમેશ! ધન્ય થઈ ગયો! જિંદગીમાં પહેલી વાર આ રીતે જનોઈવિધિ થઈ. મારા નિયમ મુજબ હું નૂતન જનોઈ ધારણ કરું. પછી પ્રથમ માતા-પિતાને વંદન કરું. આજે સ્વયં લક્ષ્મી-નારાયણ મારાં માતા-પિતા બની મને અમીવર્ષણ દૃષ્ટિથી વહાલ કરતાં રહ્યાં. જોશીમઠમાં, ઉમેશ, ભગવાન પાસે રડી જ પડ્યો. આંસુ બંધ ન થાય. કદાચ ‘જે જાય બદરી તેની કાયા સધરી’ એ કારણ પણ હશે! નવો દેહ મળી ગયો ને પછી બસમાં ઝલમલ હવાના સ્પર્શે પ્રણવમંત્ર જપતો ગોવિંદઘાટના દ્વારમાં પહોંચ્યો છું. સહુ ઊંઘની ઝપટમાં આવી ગયા છે. બારીમાંથી ધવલરસથી શોભિત ‘રૂપાની ગાંસડી’ઓ દડી રહી છે. તેવું અલકનું રૂપ નિર્ભેળ શાંતિનો ભાવ સમજાવે છે. કાલે ટ્રૅકિંગ કરી ‘ઘાટી’ જોવા ઊપડવાનો છું. તને ‘જય અલકકિશોરી’ પાઠવી થોડું પોઢી લઉં.

તા. ૧૫-૮-’૧૧

ગોવિંદઘાટથી ઊપડી ૧૭ કિ.મી. અતિકઠિનાઈવાળો છતાં સૌંદર્યલોકનો ભરપૂર ખજાનો પ્રગટ કરતો રસ્તો વટાવી ઘાંઘરિયા પહોંચી ગયો છું. વચ્ચે ભ્યુંડાર ગામે તિરંગાને સલામી દીધી. ખરા સદ્ભાગી છીએ કે ભારતદેશમાં જ્યાં ભગવાન, ભક્ત, ભક્તિનો સુયોગ પ્રાપ્ત થયો. ઉમેશ, હિમાલયની સવાર જરા આપણા કરતાં વહેલી અને તેજસ્વી વલયોથી ભરી ભરી. પાંચ વાગ્યે તો અજવાળું મલમલી હવાના લહેરખાવાળું, ગરમ ચા-પાણીનો કરંટ ચડાવી નીકળ્યો તો ખરો, પણ પર્વતને જોઈ હારી બેઠો. પણ ‘હેમકુંડ’ જતા શીખ ભાઈઓએ ‘સતનામ વાહેગુરુ’નો મંત્ર આપ્યો ને કોણ જાણે એ પથરાળ, વાંકાચૂકા, કાદવકીચડ, ખાડાટેકરા, ઢાળ-ઢોળાવવાળા રસ્તા પર લક્ષ્મણગંગાનાં અનેક રૂપોને નિહાળતો-નિહાળતો પશુ-પંખી-પ્રકૃતિના ગુંજનને સાંભળતો નીકળી પડ્યો. હા, રસ્તો ડુંગરની ધારે ને અસ્તવ્યસ્ત પથ્થરોનાં ગૂંચળાંવાળો, તેથી પગ મૂકવામાં જરા ધ્યાન તો રાખવું પડે, નહીં તો મચકોડાઈ જાય અને ભાંગતૂટ પણ થાય. હા, તમારે ચાલવા સિવાય બીજો વિકલ્પ ત્યાં નથી. વળી વર્ષાની હેલી પણ ક્યારેક-ક્યારેક ભીંજવે, તેથી પ્લાસ્ટિકથી શરીર ઢાંકવું પણ પડે.

એક મિત્ર પરમજિતસિંહ એન્જિનિયર મળી ગયો. દેવભૂમિએ ભેટો કરાવી દીધો. ‘અલક-લક્ષ્મણ-ગંગાસંગમે’ વિશાળ પટમાં પથ્થર પર બેસી પર્વતરાજો પરથી વહેતાં ઝરણાંને નિહાળ્યાં. ઉમેશ, પૃથ્વી પર અઢારભાર વનસ્પતિઓ છે તે અહીં એકસાથે જોવા મળે. કેસર, શિલાજિત, આમળાં, બહેડાં, બહુફળી, સીતાફળ, રામફળ, અનાનસ, ભોજપત્રથી ખચિત પ્રકૃતિના રૂપમંડળથી રચિત સૌંદર્યલોક. પર્વતમાળાઓને જોઈ થાય કે હા, આ દેવભૂમિ જ છે. અહીં મનુષ્ય ન રહી શકે. પત્રો, પુષ્પો, ફળો, વનસ્પતિઓથી સુગંધિત ભૂમિમાં ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ એ ભાવ તમને સમજાય. આ ડુંગરાઓને વટાવી ફરતી પર્વતમાળા વચ્ચે લીલાછમ હરિયાળાં મેદાન વચ્ચે હું કેવી રીતે પહોંચી શક્યો તે મારે મન મોટો કોયડો છે. થાકથી શરીર તૂટે છે, પણ દેવલોકની રાતનું અજવાળું, તેમાંય પૂનમનું પૂર્ણ-રૂપ-ચિત્ર અહીં ઠલવાઈ ગયું છે.

તારાઓ ઘણા નજીક દેખાય. થોડોક ઠેકડો મારો તો હાથમાં આવી જાય તેટલા નજીક. ‘સપ્તર્ષિ’ તો સામેના ડુંગરા પર ધ્યાનસ્થ દશામાં બેઠા છે. મને થયું કે પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે કશો ભેદ જ રહ્યો નથી. પરમ તત્ત્વ જાણે ‘હું અહીં છું’ તેવું સંભળાવે છે. અપ્રતિમ સૌંદર્ય હૃદયમાં ઠાંસીઠાંસીને ભરી દીધું છે. હજી અમૃતના ઘૂંટને કંઠ લગી ભરવાનો બાકી છે. અહીંથી પુષ્પોની ઘાટી ૩.૫ કિમી. અને હેમકુંડ ૭ કિમી. છે. જોઈએ, હવે જેવી જેની મરજી, તેવી તેની મોજ. ઠંડીનો ચમકારો વધારે છે. હેમકુંડ જનારાની સંખ્યા વધારે છે. શીખ ભાઈઓ પાઘડીને ઉતારી, જટાળા જોગીઓની જમાત ‘સતનામ’ના હાકોટા પડકારતી પડી છે. કંબલમાં હવે ઢબૂરાઈ જઉં. ઉમેશ, જય લક્ષ્મણગંગે!

તા. ૧૬-૮-’૧૧

મિત્ર, આખી રાત પડખાં ઘસતો રહ્યો. ઊંઘે જાગરણ કરાવ્યું. પર્વતો પરથી પડતાં ઝરણાંનો નાદ મનમાં ઠરી જઈ ગુંજન કર્યા કરે. પંખીઓનો પમરાટ અને અગાધ પ્રકૃતિતત્ત્વોની ગોઠડીમાં રાતભર રમતો રહ્યો. વહેલા ચારેક વાગ્યે જલદી ક્રિયાઓ પતાવી નીકળ્યો, પણ ટ્રૅકિંગ-વૃંદ તો નીકળી ગયું હતું. ચાર ભાઈઓ, બે બહેનો તબિયત સારી ન હોવાથી ક્યાંય જવાનાં ન હતાં, પણ તેમણે કહ્યુંઃ ‘સહુ ‘પુષ્પોની ઘાટી’ ગયાં છે, આ સામે રહ્યો તે રસ્તે…’ મેં રસ્તા તરફ નજર કરી તો આભે આંબતો ડુંગરો, સીધું ચઢાણ અને એ જ વાંકીચૂંકી પથરાળ કેડી જોઈ શરીર હારી બેઠું, પણ મન કહેઃ ‘આટલું બધું ચાલ્યો ને ૩.૫ કિમી. નહીં ચાલે? ભલે જેટલું ચઢાય તેટલું ચઢ. ઊભો શું રહ્યો છે? ‘જે ચાલે છે તેનું ભાગ્ય પણ ચાલતું રહે છે.’

લાકડીનો ટેકો લઈ બદરીવિશાલના સ્મરણ સાથે ચઢાણ શરૂ કર્યું. પણ ઉમેશ, ૧૪,૦૦૦ ફૂટની હાઈટ, તેથી હવા પાતળી, તેજ લહેરખાવાળી, તેથી પાંચ ડગલાં ચાલો ને હાંફ ચડે. ભલે ધમણ ચાલુ થાય, પણ ઊભા રહી ચારે બાજુ નજર ફેરવો તો ‘બ્રહ્માંડના નાથે’ જાણે ચિત્ર બનાવ્યું હોય તેમ અનુપમ-અગાધ-અમાપ સૌંદર્યછબી! વહેલા પરોઢે વાદળાંઓના સંગમસ્થળે મારી આંખને ઝાપટવી પડી. તમને થાય કે હું જોઈ રહ્યો છું તે ચિત્ર છે કે વાસ્તવિક રૂપ છે? હા, પથ્થરો પરથી ઊછળી લક્ષ્મણગંગામાં ભળતી પુષ્પાવતી ચરણપ્રક્ષાલનમુદ્રામાં દર્શનીય છે. અહીંથી, ઉમેશ, બે રસ્તા ફંટાયઃ હેમકુંડ ૭ અને પુષ્પોની ઘાટી ૩. ટ્રૅકિંગવૃંદ ભેગું મળી ગયું. અહીંથી નાનો કેડી-મારગ છે. ત્યાં એક બૉર્ડ લગાવેલુંઃ

‘यहाँ अप्सरा फूलों चूंटने आती है। कृपया किसी भी फूल पर हाथ मत लगाइये।’

મારા શરીરનાં રૂંવાડાં ખડાં થઈ ગયાં. હું દિવ્યલોકમાં છું એ જાણી વિસ્મયમાં મુકાઈ ગયો. ‘શ્રદ્ધા’ જાગી ગઈ. જેના પર અપ્સરાના હાથ અડ્યા હોય એ પુષ્પોનાં દર્શન થાય એટલે, પ્રભુ, ભયો ભયો. ટ્રૅકિંગ-વૃંદ તો ઘણું છેટું નીકળી ગયું છે. નાની કેડીમાં જાળવીને ચાલવું પડે. ઉમેશ, ક્યાંક તો બેઠાં બેઠાં પર્વત ઊતર્યો, નીચે એક નાનો પુલ જોયો. થયું કે પુલ નીચે પુષ્પાવતીનાં બિલોરી કાચ જેવાં નિર્મળ જળનાં દર્શન તો કરું! અરે, જળમાં સુગંધિત દ્રવ્યોની સુવાસ અનુભવાય. ઉમેશ, ‘હેમાદ્રિશ્રવણ’માં આ પવિત્ર નદીનો ઉલ્લેખ છે. તેનો જળપ્રવાહ ગંભીરનાદ મૃદંગ જેવો છે. હું ઘણો નજીક જઈ ઊભો રહ્યો. પુષ્પાવતીએ મારા શરીર પર અભિષેક કરી, વિશુદ્ધ કરી દીધો. ત્રણ મોટા ડુંગરોની વચ્ચે વહેતી પુષ્પાવતીને પાયે પડી, ‘સહસ્રશીર્ષા’નો પાઠ કર્યો, કહે છે કે આ ડુંગરની પાછળ જે ટોચ દેખાય છે તે ‘ગંધમાદન પર્વત’ છે. હા, દશાંગ ધૂપ જેવી સુગંધ હવાની લહેરખીમાં મેં અનુભવી.

ઉમેશ, આ સ્થળે એમ ચોક્કસ થાય છે કે પર્વતોની ગુફામાં યોગીઓ સાધના કરતા હશે. પુષ્પાવતીનું જળ અને પ્રભુસર્જિત વૃક્ષોનાં ફળોનો આહાર કરી, સામેનાં ભોજપત્રોનાં પાંદડાં પર સ્તોત્રકાવ્યો રચી, સ્તવન-મનન કરી પરમતત્ત્વ-વિલાસની અનુભૂતિ તેઓ કરતા હશે ખરા! થયું કે ક્યાંક જવું નથી. બસ, અહીં જ અડિંગો લગાવી દઉં. ત્યાં સામેના ડુંગરા પરથી અવાજ સંભળાયોઃ ‘એ સા’બ! અહીં સુધી આવી જાઓ. સામે જ પુષ્પોની ઘાટી છે.’ મારા પગ પાછા જવાનું કહે છે. મન કે’ છે કે ભલા માણસ! આ એક ડુંગરો વટાવી દે ને! દ્વિધામાં ઊભો હતો કે જઉં કે પાછો વળું? ત્યાં એક દાદા મળ્યા. સીધા જ કહેવા લાગ્યાઃ ‘ચલો-ચલો, અભી યહાંસે બહુત નજદીક હૈ. જીવન મેં બાર-બાર નહીં મિલતા. એક હી બાર કુદરત! કુદરત! ક્યા બનાયા હૈ તુને!’

એ સિત્તેર વર્ષના સુમિત્રાનંદજીએ મને ચાનક ચડાવી દીધી. ગ્લુકોઝ-ચૉકલેટના સહારે ડુંગરો તો ચડી ગયો, પણ નીચાણનો વિસ્તાર ભારે કઠિન. ઝાકળથી પલળેલી કેડીનો મારગ. અણીદાર, લીસા, નાના પથ્થરોએ ‘બ્રહ્મતત્ત્વ’માં ધકેલી દીધો. મને એમ થવા લાગ્યું કે જાણે ઉદ્ધવને ગોકુળ-ગોપીઓની કૃષ્ણવિરહની દશા જોઈ ‘પ્રેમસ્વરૂપ’ની વિભાવના સમજાણી, તેમ અહીંનાં દૃશ્યો જોઈ પરમતત્ત્વવિલાસની વૈભવલીલામાં હું મુગ્ધ બન્યો. સામે બરફનાં ચોસલાંમાંથી વહેતી પુષ્પાવતીમાં પુષ્પાનું રૂપ આ શબ્દોમાં ઊતરી શકે તેમ નથી. મિત્ર, અફાટ-અમાપ સૌંદર્યધારાથી નદી વહી રહી છે. ડુંગર પરની વૃક્ષપાંદડીઓ, પુષ્પો લળી લળી તેમાં સ્નાન કરી, ધીમે ધીમે સમર્પિત થઈ રહ્યાં. હવે તો સીમે જ ઢોળાવ પર પુષ્પો ઝાંખાં-ઝાંખાં ડોલી રહેલાં જોઉં છું. ટ્રૅકિંગ-વૃંદ નાચી રહ્યું છે. હું બરફનાં ચોસલાં પર ધીમે ધીમે પગ મૂકતો, સામેના ડુંગર પર ચડ્યો ને અનેક પુષ્પોએ હવાની લહેરખીમાં ડોલી મારું સ્વાગત કર્યું. હું એ ઘાટીનાં દર્શનથી અભિભૂત થઈ હર્ષાશ્રુથી રડી પડ્યો. ઉમેશ, એ પુષ્પોની શી વાત કરું! આ કલમ તેમાં પાછી પડશે, ભઈલા!

એકસો-દસ જાતિનાં પુષ્પો. સુગંધ કરતાં સૌંદર્ય વિશેષ. આઠ કિ.મી.માં પથરાયેલો પુષ્પલોક અલૌકિક ભાવમુદ્રાથી વિભોર કરી મૂકે છે. વાદળો તો યોજનોથી નીચે અને આપણે ઉપર! એવી એક ભાવરમણા તો જાગે જ કે દિવ્યલોકમાં મુકાઈ ગયા છીએ. હા, વહેલી સવારે અમે ઘાટીમાં પહોંચી ગયાં હતાં, તેથી ઘાટીમાં અમારો પ્રથમ પ્રવેશ હતો, તેથી પુષ્પો અને અમે સાતેક વૃંદ જ. પુષ્પોને તેમની પરિભાષામાં કાંઈક ગોષ્ઠિ કરતાં મેં જોયાં, પણ હું અબુધ કાંઈ સમજી ન શક્યો! ક્યાંક-ક્યાંક પુષ્પ કોઈ ચૂંટી ગયું હોય તેવું જોવા મળ્યું. કહે છે કે ઘાટી આઠ કિ.મી. જ્યાં પૂરી થાય છે ત્યાંથી સ્વર્ગનો રસ્તો રહેલો છે. પુરાણોના ઉલ્લેખ પ્રમાણે આ ઇન્દ્રનો ‘નંદનવન બગીચો’ છે.

एव स्तुता सुरैर्दिव्येः कुसुमैर्नन्दनौद्भवैः ।। – चंडी पाठ: 4/21

અહીં યક્ષો, કિન્નરો, ગંધર્વો, અપ્સરાઓ પૃથ્વીલીલાને માણવા આવતાં રહેતાં હોય છે. હા, તમને ચોક્કસ થાય કે આ પુષ્પો મનુષ્યજાતિ માટેનાં નથી, દેવજાતિ માટે સર્જાયેલાં છે. કેટલાંક કહે છેઃ રામ-કૃષ્ણના અવતાર સમયે દેવોએ પુષ્પવૃષ્ટિ કરી હતી તે આ સ્થળ છે. સાેમ જ બદરીનારાયણનું કાયમી નિવાસસ્થાન છે, તેથી આ પુષ્પો તેમની સેવા માટે સર્જિત છે. ઉમેશ, જિંદગીમાં પ્રકૃતિ અને પ્રભુ શું છે તે જાણવું જ હોય તો સખા, તારે આ સ્થળે આવવું જ પડે તેવું અનુભૂતિની રમ્યતાને પ્રગટ કરે છે. વળી આ પુષ્પો માત્ર ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં જ થાય છે, તેથી શ્રાવણની પવિત્ર ગાથા પણ તેમાં જોડાયેલી ગણાય. અનેક રૂપોથી દિવ્યતા અર્પતી પુષ્પા અને પુષ્પોનું મિલન આ સ્થળે જોતો જોતો લગભગ ચારેક કિ.મી. ચાલ્યો હોઈશ ત્યાં વરસાદે ભીંજવી દીધો.

અહીં વરસાદ પણ મને કૂણો, શાંત, નમ્રતાવાળો લાગ્યો. થયું કે હવે પાછો વળી જઉં તે જ ઠીક. પુષ્પોની પ્રાર્થના કરી, ધીમે ધીમે દિવ્ય લોકની માટી મસ્તક પર ધરી ચાલી નીકળ્યો. ટ્રૅકિંગ-વૃંદ ઘણું છેટું નીકળી ગયું. મેં પરેશને સાથે રાખ્યો. તે મને લપસણા રસ્તામાં ટેકો આપી ઉતારી, હિંમત આપે છે. હું તો મદમસ્ત બની ચારે બાજુ પ્રકૃતિનાં અનેક રૂપોને હૃદયમાં ભરી રહ્યો છું. થયું કે આટલી ઊંચાઈ પર પહોંચી શક્યો તે જ બ્રહ્મસુખ. મારી સામે પુલદેખાયો. હવે તો આ ડુંગર ઊતરું એટલે ક્યાં અઘરું છે? હું પગ મૂકવાની ગડમથલમાં હતો ત્યાં એક બહેન ઉપર ચઢી રહ્યાં હતાં. મને થયું કે નાનકડો કેડીમાર્ગ જ છે. હું ખસી એક તરફ ઊભો રહી જઉં, તેથી બંનેને નિરાંત રહે. હું ઊભો રહ્યો. ત્યાં ઇશારો કરી બહેને કહ્યુંઃ ‘નીચે વહ્યા આવો.’ હું પરેશને આધારે, લાકડીના સહારે ધીમે ધીમે લપસણે રસ્તે માંડ ઊતર્યો.

એ બહેને મને ચાર-પાંચ પ્રશ્નો કર્યા, ‘यह स्थान आपको कैसा लगा?’ એમ તેઓ તાલાવેલીથી પૂછતાં હોય તેવું જણાયું. મેં કહ્યુંઃ ‘यहाँ तो स्वयं प्रकृति देवरूप में मुझे दिखाई देती है । आत्मा-मन की परम प्रसन्नता के सिवा दूसरा मैं क्या कहूँ?’ મને થયું કે આટલી ઊંચાઈ પર આ બહેન (અઢાર-વીસ વર્ષની ઉંમર) એકલાં જ હશે? હજી હું આવું વિચારું તે પહેલાં તેમણે કહ્યુંઃ ‘मैं अब पहोंच जाउंगी, मेरी चिंता मत करो।’ તે ખૂબ પ્રસન્નતાથી હસી રહ્યાં. મેં એકાદ વખત જ તેમના ચહેરા પર નજર કરી. એ હસતો-ગુલાબી-ખંજનવાળો મનોભાવ સ્થળદર્શનની ગરિમા મૂકતો હોય તેવું અનુભવાયું. હું ધીમે ધીમે પુલ તરફ ફર્યો. દસેક ડગલાં ચાલ્યો હોઈશ ત્યાં એ બહેને ઇશારાથી પરેશને કહ્યુંઃ ‘वो नहीं, आप यहाँ आइये।’ મારે તો એ દસ ડગલાં ચડવાં પણ મુશ્કેલ હતાં. વળી થયું કે તેમને બીજું કંઈ પૂછવું હશે. લાવ ને જઉં! હું ગયો ત્યાં તો તેમણે કહ્યુંઃ ‘आप दूर मत खडे रहो । आपके पैर मेरे नजदीक लाइए।’ હું ગભરાયો. મારા પગનું શું કામ હશે? ત્યાં તે બહેને મારા પગ પરથી કાંટા, વનસ્પતિની વેલીઓ, નાનાં જીવડાંઓ વગેરે બધું ધીમે ધીમે સાફ કરી દીધું. હું લાકડીના ટેકે બાઘો બની, નિહાળતો રહ્યો પુષ્પઘાટીનાં રમ્ય રૂપો. અચાનક મેં પૂછ્યુંઃ ‘आपका नाम?’ ‘हाँ, मेरा नाम सात्त्विका है।’ મને કહેઃ ‘अब जाईए।’ હું ધીમેધીમે પુષ્પાવતીનાં ચરણે નમી, ચાલવા લાગ્યો. મન વ્યાકુળ થઈ ગયું. આટલી ઊંચાઈ પર નાની ઢીંગલી જેવી મનોહર બાલિકા તમારા પગનાં જીવજંતુ સાફ કરી દે! કોઈ રીતે મારા ગળે ઊતરે એવી વાત નથી.

મેં સામેના પહાડ પર નજર કરી, પણ સાત્ત્વિકાજી ન દેખાયાં. ત્યાં કોઈકે કહ્યુંઃ ‘અહીં એવાં જીવડાં અને વનસ્પતિઓ હોય છે, જે તમને મીઠી ખંજવાળ આપે અેન શરીર ધીમે ધીમે ફૂલી જાય. પગ ‘હાથીપગા’ જેવો થઈ જાય.’ ઉમેશ, સાંભળ્યા પછી તો ઘણુંય વલવલ્યો કે સાત્ત્વિકાએ જીવન જ જાણે નવું અર્પણ કર્યું. વળી એઓ બહારના સ્થળનાં નહીં હોય, નહીં તો કેમ ખબર હોય કે અહીં આવી વનસ્પતિ અને ઝેરી જંતુઓ છે? ઉર્વશી, મેનકા, રંભા, તિલોત્તમા આદિ અપ્સરા વહેલા પરોઢે પુષ્પ ચૂંટવા આવે તે તો અદૃશ્ય રૂપે હોય, કદાચ. સાત્ત્વિકા નામ પણ નવું અને પૌરાણિક મને લાગે છે. હશે, જે હોય તે, તેમને મારાં પાયલાગણ.

હા, ઘેરાયેલા વિચારોમાં ગોવિંદઘાટ પહોંચ્યો છું. બદરીનો રસ્તો વરસાદને કારણે બંધ છે. ધીમે ધીમે સર્પાકારે ઢળતા-વળતા રસ્તામાં રમણીય પુષ્પઘાટીમાં ટહેલતી અપ્સરાઓને પૃથ્વી પરના સ્વર્ગને મનોરમણામાં વાગોળતો ઊતરી રહ્યો છું.

ટ્રેન મુકાઈ ગઈ છે. ગંગાકિનારાને છોડવો ગમતો નથી. આત્મા તો કહે છે કે પુષ્પઘાટીનાં પગથિયે અડિંગો લગાવી દે! હજી દોડવા માંડ. લગાતાર શોધ કરીશ ત્યારે માંડ એકાદ તેજલિસોટો મળશે. હા, સંસારની માયા તને નીકળવી નહીં દે, પણ ગંગાના જળપાનમાં એ તાકાત છે કે ગમે તેવો જીવ નિર્મળ બની, વિશુદ્ધ મુદ્રામાં થઈ જાય છે તે તો નક્કી. સાધકો, યોગીઓ, સંન્યાસીઓ, જંગમ સરવડાઓ અહીં શા માટે વસ્યા હશે તેનો તાળો જોઈશ એટલે મળી જશે. ઉમેશ, ટ્રેન તો શ્વાસની જેમ બંધ જ નથી રહેતી. નદી, નાળાં, નેસડા, ગામડાંઓ, શહેરો, રાજ્યો વટાવતો વહેલા પરોઢે ત્યાં પહોંચી જઈશ, પણ અંદર તો પુષ્પઘાટીની સાત્ત્વિકતાનાં રમ્ય રૂપોનું અજવાળું તેજસ્વી વલયોમાં પથરાઈ ગયું છે.