ગુજરાતી નિબંધ-સંપદા/બકુલ ત્રિપાઠી/દ્રોણાચાર્યનું સિંહાસન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દ્રોણાચાર્યનું સિંહાસન

બકુલ ત્રિપાઠી




ગુજરાતી નિબંધસંપદા • દ્રોણાચાર્યનું સિંહાસન - બકુલ ત્રિપાઠી • ઑડિયો પઠન: ચિરંતના ભટ્ટ


આ કંઈ આપણા સમયની વાત નથી! આ તો… મહાભારતના સમયની વાત છે! પાંડવ-કૌરવ કુમારોને ધનુષ્યવિદ્યા શીખવવા ગુરુ દ્રોણને સોંપાયા હતા તે સમયની જ આ કથા છે! એક વાર એવું બન્યું કે… શું બન્યું!

(૧)

ભીષ્મ અને દ્રોણગુરુ

ભીષ્મ: પધારો પધારો દ્રોણગુરુ… અરે… આ શું? …આપની આ પોથી ફાટી ગઈ છે… અને… આ…

દ્રોણ: મારું સિંહાસન…

ભીષ્મ: શું?…શું થયું? શું થયું તમારા આસનને?

દ્રોણ: મારું બેસવાનું સિંહાસન તોડી નાખ્યું!

ભીષ્મ: કોણે? કયા દુષ્ટે? એક ક્ષણના પણ વિલંબ વિના એ પાપીને ઘોરતમ સજા…

દ્રોણ: દુર્યોધન, દુઃશાસન, ભીમ…

ભીષ્મ: અરે હા!… એ તમારા શિષ્યોને જ આજ્ઞા કરો ને, કે તમારો બાજઠ તોડનાર દુષ્ટને બાંધીને પકડી લાવે…

દ્રોણ: પણ પિતામહ!… સિંહાસન તોડ્યું જ દુર્યોધન… દુઃશાસન…ભીમ…અર્જુન… એ લોકોએ!

ભીષ્મ: એમણે તમારો બાજઠ…ઠીક, ચાલો, સિંહાસન… તોડી નાખ્યું?

દ્રોણ: હા… અને મારી કાખઘોડીના બે ટુકડા કરી નાખ્યા… અને મારો રથ ખરો ને?

ભીષ્મ: હા…

દ્રોણ: તેનાં ચક્રો કાઢી નાખ્યાં!

ભીષ્મ: પણ કોણે? દુર્યોધને? દુઃશાસને?

દ્રોણ: ભીમ, અર્જુન, નકુળ બધા ભેગા હતા…!

ભીષ્મ: પણ… પણ શા માટે?

દ્રોણ: મેં પ્રશ્નપત્ર અઘરું કાઢેલું એટલે! ધનુર્વિદ્યાની પરીક્ષા હતી અને મેં પાંડવ-કૌરવ કુમારોને આજ્ઞા કરી, વૃક્ષ પરના પેલા પંખીની જમણી આંખનું નિશાન તાકો…

ભીષ્મ: અહા! વ્યાજબી પ્રશ્ન છે.

દ્રોણ: ત્યાં તો એકદમ દુર્યોધને ધનુષ્ય ભાંગી નાખ્યું. દુઃશાસને બધાનાં ધનુષ્યબાણ ભેગાં કરીને હોળી કરી અને ભીમે… ભીમે…

ભીષ્મ: વીર ભીમસેને શું કર્યું?

દ્રોણ: મારું… સિંહાસન તોડી નાંખ્યું!

(૨)

ધૃતરાષ્ટ્ર અને સંજય

ધૃતરાષ્ટ્ર: પણ પછી આગળ શું થયું એ કહે ને સંજય…

સંજય: પછી તો બહુ મઝા આવી હોં મહારાજ! સરઘસ કાઢીને સૌ કુમારો ભીષ્મપિતામહને ત્યાં ગયા… રસ્તે વિદુરજીનું ઘર આવતું હતું ત્યાં બારણાં તોડતા ગયા!

ધૃતરાષ્ટ્ર: પણ એમાં વિદુરજીનો શો વાંક?

સંજય: એમનું ઘર રસ્તામાં કેમ આવેલું? જાહેર રસ્તાની બાજુએ ઘર કેમ બાંધ્યું એમણે?

ધૃતરાષ્ટ્ર: હાસ્તો, સરઘસના માર્ગમાં આવવાની એ ઘરને જરૂર શી હતી? પછી બારણાં તૂટેય ખરાં…

સંજય: કેટલાકનો વિચાર હતો કે ભીષ્મપિતામહને ત્યાં જતાં પહેલાં હસ્તિનાપુરમાં બીજી થોડી બારીઓ કે બારણાં કે આસનો કે કશુંક કંઈક તોડતા જવું…

ધૃતરાષ્ટ્ર: હાસ્તો, પરીક્ષા નહોતી આપવાની એટલે સમય વધારાનો હતો. નવરાશ હતી, એટલે યુવાનોને સ્વાભાવિક ઇચ્છા થાય જ કે નીકળ્યા છીએ તો ભેગાભેગું બને એટલું તોડતા જઈએ…

સંજય: પણ કો’કે કહ્યું કે સમયસર ભીષ્મપિતામહ પાસે નહીં પહોંચીએ તો એ સંધ્યા કરવા ચાલ્યા જશે તો ઉપાધિ થશે… એટલે બધા પહોંચ્યા ભીષ્મપિતામહ પાસે. પાંડવ-કૌરવ કુમારો કહે… અમારી પરીક્ષા ફરીથી લો!

ધૃતરાષ્ટ્ર: ફરી પરીક્ષા લેવી જ જોઈએ… જોકે તદ્દન પરીક્ષા ન લે તોયે ચાલે!… પણ ભીષ્મપિતામહ જરા જુનવાણી છે… એમણે ફરી પરીક્ષા લેવાની ના પાડી દીધી હશે… ખરું ને?

સંજય: ના, ભીષ્મપિતામહ કહે પાંડવ-કૌરવ કપાંડવ-કકૌરવ થાય પણ આપણા જેવા પ્રપિતામહથી કંઈ અપિતામહ થવાય? એટલે એમણે તો લખી આપ્યું કે પરીક્ષા પુનઃ લેવાશે…

(૩)

દુર્યોધન, દુઃશાસન, અર્જુન, ભીમ, નકુળ, સહદેવ…

દુર્યોધન: આપણે ભૂલ કરી! ભીષ્મપિતામહનો ય બાજડ તોડવા આવ્યા હોત તો સારું થાત!

દુઃશાસન: ફરી ક્યારે આવી તક મળવાની હતી! તોય બહાર એમનો રથ પડેલો, એની ચાકી તો મેં કાઢી જ લીધી છે!

ભીમ: શાબાશ! પુનઃ પરીક્ષા લેવા એ તરત માની ગયા ને. એટલે બરાબર રંગ ના જામ્યો… પણ ઊભા રહો… એક ક્ષણ… શી ખાતરી દ્રોણગુરુ ફરી વાર પણ અઘરું પ્રશ્નપત્ર નહીં કાઢે?

નકુળ: હા ’લ્યા એ તો ભૂલી જ ગયા!

દુર્યોધન: ચાલો ફરીથી ભીષ્મપિતામહ પાસે. કહીએ કે લખી આપો કે હવેથી ધનુર્વિદ્યા પરીક્ષામાં સહેલું જ પુછાશે…

ભીષ્મ: પૂછી પૂછીનેય પ્રશ્ન કેવો ખરાબ પૂછેલો — ઝાડ પર બેઠેલા પંખીની જમણી આંખ વીંધો! કેવો વિચિત્ર પ્રશ્ન!

દુર્યોધન: હવે તો લખાવી જ લઈએ કે જમણી આંખ… ડાબી આંખ…ની કચકચ નહીં જોઈએ…

દુઃશાસન: આંખનું કશુંય પૂછવાની જરૂર શી છે? આંખ પર તીર તાકવું બહુ અઘરું પડે છે. પંખીના શરીરે ગમે ત્યાં બાણ વાગે તોય ઉત્તીર્ણ એમ જ રાખવું જોઈએ.

નકુળ: પંખીને નહીં ને ઝાડની ડાળને તીર વાગે તોય ઉત્તીર્ણ જાહેર કરી દેવા જોઈએ આપણને…

ભીમ: હું તો કહું છું તીર જ શું કામ? પંખી ઉપર તીરને બદલે પથરો ફેંકે તેનેય ધનુર્વિદ્યામાં ઉત્તીર્ણ જાહેર કરવા જોઈએ.

અર્જુન: જોકે ધનુર્વિદ્યામાં ધનુષ્યબાણ જ વાપરવાં જોઈએ.

ભીમ: એય અર્જુન, માર ખાવો છે?

અર્જુન: આ તો મેં સહેજ વાત કરી…

દુર્યોધન: દ્રોણગુરુનો પ્રિય છે એટલે એમનું ખેંચે છે! બાકી જો અર્જુન! સાંભળી લે કે પાંડવ-કૌરવ શિષ્યસમુદાયની એકતામાં જરાય મુશ્કેલી ઊભી કરી છે તો અમારી ગદા ને તારું માથું હોં…

અર્જુન: ધમકી કોને આપો છો?

ભીમ: આ અતિકુશળ વિદ્યાર્થીઓનું આ દુઃખ! બીજાઓની જીવનસમસ્યાઓ સમજી જ ન શકે! જો અર્જુન, તું અમારો બંધુ કહેવાય. બંધુએ બંધુની જોડે સહકાર કરવો જોઈએ, સર્વ સંજોગોમાં.

અર્જુન: પણ એટલે તો હું પણ સરઘસમાં આવેલો જ ને?… હવેની વખતે દ્રોણગુરુનો રથ તોડશો તો હું તોડવા પણ લાગીશ… બસ!

દુર્યોધન: ધન્ય! હવે ચાલો ફરી ભીષ્મપિતામહ પાસે! આપણી માંગણી છે કે ધનુર્વિદ્યાના પ્રશ્નપત્રમાં આંખબાંખનું પૂછવું નહીં. પંખી વીંધવાનું મરજિયાત. ધનુષ્યબાણને બદલે પથરો વાપરવાનો વિકલ્પ…

દુઃશાસન: છમાંથી ગમે તે એક પંખીને પથરો લગાવવાની છૂટ. જેની સાેમ તાક્યો હોય એનાથી બીજાને પથરો વાગે તોય ચાલે.

ભીમ: પથરો ભારે લીધો કે હલકો, ઠીકરું લીધું કે કાંકરો, એની કચકચ દ્રોણગુરુએ નહીં કરવાની.

નકુળ: બરાબર છે.

દુર્યોધન: સૈદ્ધાંતિક પ્રશ્નો મામા શકુનિએ લખેલા. સંપૂર્ણ સૂચનો સાથેની આપેલી માર્ગદર્શિકામાંથી જ પૂછવાના…

ભીમ: અને પરીક્ષાને અંતે બધા જ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ બાણાવળી જાહેર કરી દેવાના!

અર્જુન: જોકે…

ભીમ: અર્જુન!!

અર્જુન: ઠીક… ઠીક… મંજૂર મંજૂર…

ભીમ: ચાલો ત્યારે બંધુઓ! ચાલો ભીષ્મપિતામહ પાસે…

અર્જુન: (દુર્યોધનને ધીમેથી) મને મામા શકુનિની માર્ગદર્શિકા ગોખવા આપીશ બે દિવસ માટે…?

દુર્યોધન: હા… હા… હમણાં તો તું ચાલ… ભીષ્મપિતામહના મહેલ પર…

(૪)

ધૃતરાષ્ટ્ર અને સંજય

ધૃતરાષ્ટ્ર: હે સંજય, ગુરુઓ અઘરાં પ્રશ્નપત્રો કાઢે એ સામે પાંડવ-કૌરવ કુમારોનો વિરોધ કેટલે પહોંચ્યો તે મને કહે!

સંજય: હે મહારાજ! પ્રશ્નપત્રો ફડાઈ ચૂક્યા છે. બારી બારણાંને યોગ્ય પ્રકારની ઈજાઓ પહોંચાડાઈ ચૂકી છે. આસનોને અગ્નિદાહ દેવાઈ ચૂક્યા છે.

ધૃતરાષ્ટ્ર: ઠીક થયું!

સંજય: હે મહારાજ! ઠીક થયું એમ આપ કેમ કહો છો?

ધૃતરાષ્ટ્ર: સંચાલકોનો તમાશો થાય તો સારું જ ને? લોકોનેય ખ્યાલ આવે કે…

સંજય: હે ધૃતરાષ્ટ્ર, લોકો પણ વસ્તુતઃ દૃષ્ટિસ્વાસ્થ્ય અંગે આપના જેવી જ સ્થિતિમાં છે!

ધૃતરાષ્ટ્ર: એટલે… એટલે… તું કહેવા શું માગે છે સંજય?

સંજય: હે ધૃતરાષ્ટ્ર, ઉષ્ણ ન થાઓ! આપને વિદિત થાય કે ત્યાં જ્યારે પાંડવ-કૌરવ કુમારો અને સર્વ વિદ્યાર્થીગણ સ્વાતંત્ર્યનો આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે એમના વાલી સમા આપ? આપ શું કરી રહ્યા છો? મનોરંજક વર્ણન સાંભળી રહ્યા છો! પણ પરિસ્થિતિ અંગે આપનાં ચક્ષુ નિમીલિત છે.

ધૃતરાષ્ટ્ર: એ તો એવું છે સંજય, કે અમારે બીજાં હજાર કામ રહ્યાં.

સંજય: એટલે સ્તો વાલી તરીકે આપનાં બાળકો સમક્ષ આપે નથી જ ઉચ્ચાર્યું કે હે કુમારો, જિંદગીનાં પ્રશ્નપત્રો સહેલાં નથી નીકળતાં, માટે શાળા થઈને ભણો અને સુયોગ્ય કસોટીને પાત્ર બનો!

ધૃતરાષ્ટ્ર: સંજય, તું નાહકની આ બધી કચકચ…

સંજય: હું તો આ બધાંને અંતે આવતું મોટું મહાભારત જોઈ રહ્યો છું… માટે ચેતવું છું! જોકે પાંડવ-કૌરવ કુમારોને તમે વડીલ તરીકે કશું ન કહો એ જ સ્વાભાવિક છે. તમે કહો તો કદાચ એ તમારું માનેય નહીં અને તમારી અને ગાંધારીજીની લાકડીઓ તોડી નાખે!

ધૃતરાષ્ટ્ર: (બગાસું ખાઈને) પાંડવ-કૌરવ કુમારોના સરઘસનું શું થયું એ આગળ કહે ને? જિંદગીનાં પ્રશ્નપત્રો સહેલાં નથી નીકળતાં કે એવું કોઈક ભાષણ કોઈએ એમને આપ્યું કે કેમ?

સંજય: હે ધૃતરાષ્ટ્ર, વિદુરજીએ કુમારોને કહેવા પ્રયત્ન કર્યો કે…

(૫)


વિદુરજી, દુર્યોધન, ભીમ વગેરે

વિદુરજી: હે પાંડવ-કૌરવ કુમારો… જિંદગીનાં પ્રશ્નપત્રો સહેલાં નથી નીકળતાં!

દુર્યોધન: એટલે તો વિદુરજી! તમારે ભાજી ખાઈને રહેવું પડે છે!

દુઃશાસન: દુર્યોધન, આમની જોડે માથાફોડ છોડ ને ભઈ…! ચાલ ને જલદી ભીષ્મનો રથ તોડી આવીએ!

વિદુરજી: જીવસિદ્ધિનો આધાર તમારી શક્તિઓ કેળવવા પર છે. શક્તિઓ નહીં કેળવો અને ‘ધનુર્ધારી’ જ શું કામ ‘શ્રેષ્ઠ ધનુર્ધારી’નાંય ખોટાં ખોટાં બિરુદો મેળવશો એ કંઈ જીવનના ખરા રણમેદાનમાં કામ નહીં આવે…

અર્જુન: વાત સાચી છે. એટલે હું તો સવાર-સાંજ ઉત્તમ અભ્યાસમાં રત રહેવામાં માનું છું. અને આ પ્રશ્નપત્ર…

ભીમ: એય અર્જુન! ગરબડ નહીં જોઈએ!

અર્જુન: ક્ષમા!

વિદુર: ભીમસેન, તમે આમ અર્જુન જેવા ધનુર્વિદ્યાના જાગ્રત અભ્યાસીને ધમકાવો એ ઠીક નહીં, એને અભ્યાસ કરવા દેવો જોઈએ તમારે…

ભીમ: સંઘે શક્તિ કલૌ યુગે ચ સર્વ યુગે ચ – એવું અમારા ગુરુઓએ અમને શિખવાડ્યું છે… દે! દે! દે! આજના જમાનામાં બીજી રીતે વાત જ કરવા જેવી નથી!

વિદુર: અરેરે… કેવા શિક્ષણસંસ્કારો!

ભીમ: આ ‘મુનિશ્રી અરેરે’ને અહીં મૂકીને આપણે જલદી ચાલાત થાઓ ને ભાઈ! પાછા ભીષ્મપિતામહ રથ લઈને સંધ્યા કરવા ચાલ્યા જશે તો મળશે નહીં.

દુઃશાસન: અને ભીષ્મ નહિ મળે તો ઠીક, પણ રથ તોડવાની મઝા પણ જશે!

ભીમ: જુઓ, વિદુરજી, અમે તો એક વાત જાણીએ!… આ તમે હજી ભાજી ખાતા જ રહ્યા અને પેલા મામાશ્રી શકુનિ માર્ગદર્શિકાઓનો વ્યવસાય કરીને સંપત્તિવાન બનતા જાય છે! અને તમને ખબર છે…?

વિદુરજી: શું…? જોકે કંઈ અભદ્ર હોય તો મારે સાંભળવું નથી…

ભીમ: અભદ્ર ન સાંભળવાનો સંકલ્પ રાખીએ તો બધિર બની જવું પડે…! સાંભળો તો ખરા! મામાશ્રી શકુનિ માર્ગદર્શિકાઓ પ્રગટ કરે છે તે લખી કોણ આપે છે જાણો છો…? અમારા દ્રોણગુરુ જ… અશ્વત્થામાના નામે…! અને ગુરુસમુદાયના અન્ય કેટલાક સભ્યો!

વિદુર: હેં! ઓહ!

(વિદુરજી બેભાન થઈ જાય છે. પાંડવ-કૌરવ કુમારો વિદાય લે છે.)

(૬)


વિદુરજી અને મામા શકુનિ

વિદુર: ઓહ!

શકુનિ: હવે કેમ છે, વિદુરજી?

વિદુરજી: કોણ છો ભાઈ? કૃપાચાર્ય? દ્રોણ છે?

શકુનિ: જી ના, કૃપાચાર્ય હમણાં બહાર નથી નીકળતા! વાતાવરણ એવું છે ને કે—

વિદુરજી: સમજી ગયો…! પણ આપ કોણ છો? ઘણા દયાળુ લાગો છો.

શકુનિ: મારું નામ શકુનિ. ગુરુઓની સમગ્ર જ્ઞાતિ પ્રત્યે મને અત્યંત સમભાવ છે. માતા સરસ્વતીની હું રોજ સવાર-સાંજ પૂજા કરું છું અને આવકવેરામાં રાહત મળે તો માતા સરસ્વતીનું એક મંદિર બંધાવવા પણ વિચાર છે, જ્યાં સર્વે ગુરુઓ રોજ પધારે અને…

વિદુરજી: આપને વિશે જ પાંડવકુમારો વાત કરતા હતા કે… આપ માર્ગદર્શિકાના વ્યવસાયમાં છો?

શકુનિ: શિક્ષણજગતની યત્‌કિંચિત્ સેવા કરું છું! આપને એક ખાસ કામ માટે મળવા આવેલો. આપના ઘરનાં બારણાંય વિદ્યાર્થીઓએ પસાર થતાં તોડી નાખ્યાં છે. તો મને થયું, આપને નવા નિવાસની આવશ્યકતા હશે અને મારું કરુણાળુ હૃદય ધીરજ ન ધરી શક્યું. હું તરત અહીં ધસી આવ્યો…

વિદુર: અહા!

શકુનિ: હવે આપે એક જ કામ કરવાનું છે. નિવાસ, વાહન-વ્યવસ્થા, કુટુંબીઓનું ભરણપોષણ સર્વ અંગે આપ નિશ્ચિંત બની જાઓ અને માત્ર પ્રભુભક્તિમાં લીન રહો… માત્ર એક જ નાનકડી કૃપા આપે કરવાની…

વિદુર: શી?

શકુનિ: મારી પ્રગટ કરેલી ધનુર્વિદ્યા, મલ્લવિદ્યા, યોગવિદ્યા વગેરે વગેરે વિદ્યાઓની માર્ગદર્શિકાઓ, લઘુમાર્ગદર્શિકાઓ, અત્યંત અગત્યનાં સૂચનોની પુસ્તિકાઓ વગેરેના લેખક તરીકે આપનું નામ આપવાનું.

વિદુર: પણ…

શકુનિ: આપે કશું જ જાતે લખવાની જરૂર નથી. એ માટે મારી પાસે કર્મચારીગણ છે. લગભગ સર્વ ગુરુઓ સાયંકાલે મારે ત્યાં પ્રણામ કરવા આવે છે અને દિવસભર કરેલું લખાણ મૂકતા જાય છે… આપે તો માત્ર આપનું નામ જ આપવાનું… મારી માર્ગદર્શિકાઓ પર એક વાર આપના જેવા પવિત્ર પુરુષનું નામ આવવા માંડે પછી… બસ, પછી જોજો, મારી પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં જે ભરતી આવે છે તે!

વિદુરજી: મારાથી એ ન કરાય!

શકુનિ: સર્વ ગુરુઓ કરે છે…! કૃપાચાર્ય તો મારાં પંદરેક પાઠ્યપુસ્તકોમાં સહલેખક છે! અને મારા એક એક પાઠ્યપુસ્તકમાં પંદર પંદર ગુરુઓનાં નામ લેખક તરીકે હોય છે.

વિદુરજી: સહલેખન એ ઉત્તમ પ્રવૃત્તિ છે.

શકુનિ: (હસી પડતાં) હો હો હો હો! સહલેખન નહીં, પુસ્તકના પ્રથમ પૃષ્ઠે સહોપસ્થિતિ જ માત્ર! લેખન નહીં કરવાનું. પુરસ્કાર સ્વીકારીને નામ જ આપવાનું!

વિદુરજી: મને કંઈ આ બધું ન ફાવે.

શકુનિ: જુનવાણી છો! રૂઢિચુસ્ત છો તમે! સ્થાપિત હિતવાદી છો! બિનપ્રગતિશીલ… બિનવિદ્યાવ્યાસંગી… તથા બિન… બિન…

વિદુરજી: આપની લાગણીનો ઊભરો પ્રભાવશાળી છે, પણ મારાથી તમારી માર્ગદર્શિકાઓ પર નામ નહીં અપાય…

શકુનિ: જમાનાને ન ઓળખી શકવાથી જ પેલા સાંદીપનિએ હજી છોકરાંને લાકડાં ફાડવા મોકલવાં પડે છે! જ્યારે બીજી બાજુ જુઓ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે પ્રગતિશીલ ગુરુઓ! એમના ભવ્ય રથો જુઓ! મહાલયો જુઓ! અરે, વિદુરજી, તમે જો માર્ગદર્શિકાઓ પણ તમારું નામ આપો તો તમને સ્વતંત્ર વિદ્યાલય સ્થાપી આપી એના આચાર્યપદે સ્થાપું!

વિદુરજી: ના જી…

શકુનિ: વળી વર્ગ-પ્રવચનોમાંથી મુક્તિ! વર્ગ-પ્રવચનોના ભારથી સંપૂર્ણ મુક્તિ, એથી વધુ સુખ આદર્શ શિક્ષક માટે કયું હોઈ શકે?

વિદુરજી: શકુનિજી, મારામાં સુયોગ્ય પ્રમાણમાં વર્તમાન સમયને અનુરૂપ સમજદારી નથી એ કબૂલ કરું છું. હવે જો આપ આ વાત બંધ કરો તો આપનું કંઈક સ્વાગત કરું, જે પછી વિદાયકાર્ય થઈ શકે… આપ શું લેશો? મારે ત્યાં ઉત્તમ પ્રકારની તાંદળજાની ભાજીનો રસ છે… જો આપ એ સ્વીકારો…

શકુનિ: (ગુસ્સાથી ઊભા થઈ જતા) વેદિયાઓના નસીબમાં ભાજી જ હોય ને? આભાર આપનો! જેના હૃદયમાં વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાની રજમાત્ર ઇચ્છા નથી, એવાના ઘરની ભાજી પણ મને ન ખપે!

વિદુરજી: શ્રીકૃષ્ણનું ચરણામૃત થોડું આવ્યું છે તે જો આપને ખપે…

શકુનિ: મારા ચરણામૃતની બાટલીઓ અસંખ્ય ગુરુઓ પોતાને ઘેર રાખે છે, વિદુરજી! વેવલા ન થાઓ!

વિદુરજી: (પ્રણમી રહે છે)

શકુનિ: જે પુરુષ યુગની ગતિને ન પારખી શકે એવા જડને તો સ્વર્ગના દેવો પણ ભાગ્યવાન કેમ બનાવી શકે?

(શકુનિ વિદાય લે છે, વિદુર માથું ખંજવાળતા બેસી રહે છે.)

(૭)


ભીષ્મ અને દ્રોણ

ભીષ્મ: કુમારોએ માગેલી બધી ખાતરીઓ મેં આપી દીધી છે! હવે શું કરીશું? દ્રોણમુનિએ વિચારવાનું રહે છે. આપ સૌ ઋષિમુનિઓનું શું માનવું છે આ પ્રશ્નમાં?

દ્રોણ: મારું સિંહાસન તોડી નાખ્યું પાંડવ-કૌરવ કુમારોએ!

ભીષ્મ: એ વાત હવે વીસરી જાઓ. બાજઠની યોગ્ય મરામત કરાવી દઈશું…

દ્રોણ: તો મારે હવે કશું કહેવાનું નથી, જોકે મારી કાખઘોડી હતી ને? તેના પણ એ લોકોએ બે કટકા કરી નાખ્યા…!

ભીષ્મ: તે તો નવી અપાવીશું…

દ્રોણમુનિ: તો સહેલું પ્રશ્નપત્ર કાઢવામાં મને વાંધો નથી.

ભીષ્મ: તમારો ખૂબ આભાર! મને એમ કે તમે તો શિક્ષણશુદ્ધિમાં માનનાર એટલે કદાચ વિદ્યાર્થીઓનું આ વર્તન નિભાવી નહીં લો… હું એ ચિંતામાં હતો કે તમે ઋષિમુનિઓ જો વિદ્યાર્થીઓના આ અશિસ્તને વખોડી કાઢશો. તમારું કાઢેલું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓ ફાડી નાખે એને સમગ્ર ગુરુસમુદાયનું અપમાન ગણશો. પરીક્ષાઓમાંથી વિદ્યાર્થીઓ ઊઠી જાય, મકાનોનાં બારી-બારણાં તોડી એને તમે શિક્ષણમાં અશુદ્ધિ ગણી હસ્તિનાપુરના વિદ્યાર્થીગણની પ્રવૃત્તિઓ અંગે ઠપકો આપતું નિવેદન બહાર પાડી બેસશો તો શું થશે?!

દ્રોણ: ‘ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનં’ એવું એક સૂત્ર છે! એટલે કે યોગ્ય વખતે ગુરુઓ મૌન રાખે એને એક જ પ્રકારનું નિવેદન સમજી લેવું! વળી વિદ્યાર્થીઓ ઘણા મારકણા છે એટલે…

ભીષ્મ: અભિનંદન! અલબત્ત, તમારી વેતનવૃત્તિ એ શિક્ષણશુદ્ધિ માટે આવશ્યક છે એ તમારા સુસિદ્ધાંતથી હું સુપરિચિત હતો પણ શિક્ષણ-પરીક્ષણનાં ધોરણોની જાળવણી કે શિસ્તની જાળવણી એ શિક્ષણશુદ્ધિનો પ્રશ્ન નથી એ હવે જાણીને મને મોટી નિરાંત થઈ. અને જેનો તમને વાંધો ન હોય તેનો અન્ય કોઈને તો વાંધો હોય જ શાને? માટે સર્વ તંત્રસંચાલકો તરફથી આપ સૌ ગુરુઓને અભિનંદન! તો આપ હવે ઊપડો… અને છેલ્લે એક વાત…

દ્રોણમુનિ: આજ્ઞા.

ભીષ્મ: શક્ય હોય તો ભવિષ્યમાં કુમારોને વિદ્યાલયોમાં કંઈક શિક્ષણ પણ આપવાનું રાખો કે જેથી તેઓને પ્રશ્નપત્રો અઘરાં ન લાગે…

દ્રોણ: હેં?

ભીષ્મ: કંઈ નહીં. કહું છું, પ્રણામ દ્રોણાચાર્ય!

દ્રોણ: હેં? હા… આશીર્વાદ! તમારા પ્રણામ અમે સ્વીકારીએ છીએ… વિદાય…

ભીષ્મ: વિદાય… (સ્વગત) હાશ!

(૮)


સંજય: ધૃતરાષ્ટ્ર

સંજય: માટે હે ધૃતરાષ્ટ્ર, શું થયું એની ચિંતા કદાચેય થતી હોય તો છોડી દો! જે થાય તે મંગલ જ થાય કારણ… યત્ર યોગેશ્વરઃ ભીષ્મઃ યંત્ર દ્રોણઃ ધનુર્ધરઃ…

ધૃતરાષ્ટ્ર: હે સંજય! તું જાણે છે કે મને સંસ્કૃતનો કંટાળો આવે છે… વિજય કોનો થયો એ જ કહે ને!

સંજય: વિજય કાળપુરુષનો સિદ્ધ થયો હે ધૃતરાષ્ટ્ર!

ધૃતરાષ્ટ્ર: શું તને ખબર નથી સંજય, કે દ્રોણમુનિ વગેરે ગુરુઓએ પ્રશ્નપત્રમાં બાલમંદિરથી ઊંચી કક્ષાના શબ્દો વાપર્યા એથી જ હોબાળા ઊભા થયા? હે સંજય! હસ્તિનાપુરના વર્તમાનપત્રોમાં આવતા ચવાઈને અર્થહીન બની ગયેલા સરળ શબ્દો સિવાયના સર્વ શબ્દોને ત્યાજ્ય ગણીને વાત કર!

સંજય: ઘણાને આંખ હોવા છતાં વિવિધ રંગો અંગેનું અંધત્વ હોય છે, તેમ આપણા પાંડવ-કૌરવકુમારોને શ્રવણશક્તિ તથા વાંચનશક્તિ હોવા છતાં મામા શકુનિ તથા દ્રોણ ગુરુઓની સુલભ માર્ગદર્શિકાઓને પરિણામે તદ્દન સામાન્ય એવા શબ્દો સિવાયના બધા શબ્દો — પરભાષાના કે સ્વભાષાના — તે અંગે બધિરત્વ અને અંધત્વ પ્રગટી ચૂક્યું છે! મને આની જાણ છે, હે ધૃતરાષ્ટ્ર! માટે ક્ષમા કરો… હવેથી હું અસંસ્કૃત શબ્દો જ વાપરવાનો આગ્રહ રાખીશ… નહીં તો તમે વાતો સાંભળતાં એકદમ ઊઠી જશો!

ધૃતરાષ્ટ્ર: સંજય, હવે હદ થાય છે હોં! તારે ફોડ પાડીને વાત કરવી છે કે નહીં? વિજય કોનો થયો એ કહે ને!

સંજય: વિજય? કાળપુરુષનો!

ધૃતરાષ્ટ્ર: તું જેનો વિજય થવાનું કહે છે એ શ્રીમાન કાળપુરુષ કોણ છે, ક્યાં રહે છે, કયા રાજકીય તથા શૈક્ષણિક જૂથના છે અથવા કયાં જૂથોની તરફેણમાં છે તે કહે. આવા સંદર્ભ વિના આજે કોઈનેય ઓળખવાનું ફાવતું નથી!

સંજય: કાળપુરુષ કોઈને પક્ષે નથી, સર્વને પક્ષે છે!

ધૃતરાષ્ટ્ર: પણ ચોક્કસ કયા જૂથના છે એ? દ્રોણ ગુરુઓના જૂથના? પાંડવ-કૌરવ કુમારોના જૂથના? એમાંય અર્જુન જૂથ, ભીમ જૂથ, દુર્યોધન જૂથ, દુઃશાસન જૂથ વગેરે અનેક જૂથો છે. કાળપુરુષ કોના જૂથમાં છે? શું તેઓ ભીષ્મ વગેરેના જૂથમાં છે? મામા શકુનિના પક્ષે છે?

સંજય: હે ધૃતરાષ્ટ્ર, તમે જરા સમજો સમજો! કાળપુરુષ કોઈના પક્ષે હોતો નથી, કોઈની વિરુદ્ધમાં હોતો નથી. કાલઃ અહં લોકક્ષયકૃત્ પ્રવૃત્તઃ એવી ગર્જના કરીને યુગે યુગે…

ધૃતરાષ્ટ્ર: સંજય! સરળ વદ! કોણ ફાવી ગયું અને કોણ કમાઈ ગયું એ કહે ને!

સંજય: સૌ જીત્યા હે ધૃતરાષ્ટ્ર, સૌ જીત્યા! પાંડવ-કૌરવ કુમારોને પથ્થરો ફેંક્યાનો આનંદ, સરળ પ્રશ્નપત્રની તથા ધનુર્વિદ્યા — નિષ્ણાતના મૂલ્યહીન વિરુદોની પ્રાપ્તિનો આનંદ એવા વિવિધ લાભ મળશે…

ધૃતરાષ્ટ્ર: અહા!

સંજય: દ્રોણગુરુ કૃપાચાર્ય વગેરેને વેતનવૃદ્ધિ દ્વારા શિક્ષણશુદ્ધિનો સંતોષ પ્રાપ્ત થવાનું ચાલુ રહ્યું… અને ભવિષ્યમાં દ્રૌપદી ચીરહરણ વખતેય મૌન ધારણ કરવાની કળાનાં એક પૂર્વપ્રયોગની તક પ્રાપ્ત થઈ એ પણ એમનો વિજય જ છે ને?

ધૃતરાષ્ટ્ર: શુભાશીર્વાદ!

સંજય: મામા શકુનિની માર્ગદર્શિકાઓનો વિક્રય ચાલુ રહેશે તેથી એમનેય લાભ થશે…

ધૃતરાષ્ટ્ર: ધન્ય…

સંજય: અને ભીષ્મ વગેરે સંચાલકોને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું — કે વિકલ્પે દિવેલના સુપાત્રમાં દિવેલ સુસ્થિત રહ્યું — એનો સંતોષ પ્રાપ્ત થશે.

ધૃતરાષ્ટ્ર: અહા! શું સુભાગ્ય!

સંજય: અને આપ અને ગાંધારીજી જેવા હસ્તિનાપુરનાં માતા-પિતાઓનું ચક્ષુરહિતપણું સલામત રહ્યું…

ધૃતરાષ્ટ્ર: હે સંજય…

સંજય: મુરબ્બી! પ્રભુ…

ધૃતરાષ્ટ્ર: તું હવે નીકળ અહીંથી!

સંજય: વિદાય જ લઉં છું મહારાજ! હવે વિદ્યાક્ષેત્રે સર્વત્ર આનંદમંગલ પ્રવર્તી રહ્યું છે તેવે સમયે ક્રોધ ન કરતાં સ્મિત કરી રહો, હે મહારાજ, સંતુષ્ટ થાઓ… સંતુષ્ટ થાઓ… સં…તુ…ષ્ટ…થા…ઓ!