ગુજરાતી નિબંધ-સંપદા/માવજી મહેશ્વરી/શિયાળાની રાત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શિયાળાની રાત

માવજી મહેશ્વરી




ગુજરાતી નિબંધસંપદા • શિયાળાની રાત - માવજી મહેશ્વરી • ઑડિયો પઠન: પાર્થ મારુ

શિયાળો લુચ્ચો છે. એ ક્યારેક શિયાળની જેમ લપાતો-છુપાતો-અમળાતો આવે છે તો ક્યારેક રાનીપશુની માફક તરાપ મારે છે. શિયાળાનું કાંઈ નક્કી નહીં. એ દોરંગી છે. નખરાળો છે. શિયાળો પોતાની સાથે લઈ આવે છે નિર્બળ પુરુષ જેવો દિવસ અને ફાટફાટ જુવાનીથી લચી પડતી સ્ત્રી જેવી રાત.

માગસર મહિનાના મટમેલા આકાશમાં સુકાયેલા આંસુ જેવા વાદળીની ચીંથરીઓ લાંબી-ટૂંકી થયા કરે. છેલ્લા ડચકા ભરતા કોઈ વૃદ્ધની જેમ દિવસ ઢળી પડે. હારેલા ખેલાડી જેવો સૂરજ મેદાન છોડી જાય. ધૂંધળી ક્ષિતિજોની કિનારને ખાઈ જવા ઊભેલી ઠંડીગાર રાત બિલાડીની જેમ દબાતા પગલે આગળ વધે. શિયાળાની રાત જેવી બહુરૂપી એકેય રાત નથી. શિયાળાની ઠારી નાખતી રાત કામણગારી કાતિલ યૌવના છે. એના સ્મિત કરતા રાતા હોઠ પર લોહી થીજવી દેતું કાતિલ વિષ છે. એ પોતાના રૂપથી ઘાયલ કરે છે. લલચાવે છે અને તડપાવે પણ છે. છતાં શિયાળાની રાત એક માદક પીણું છે. એનો સ્પર્શ ઉત્તેજિત કરી નાખે છે. એને પાર કરી જવી કઠિન છે. તોય શિયાળાની રાત જ જીવતા હોવાનો અહેસાસ કરાવે છે. ચામડી નીચે વહેતા લોહીનો સંચાર શિયાળાની રાતે જ સંભળાય છે. એ માણસ હોવાનો આનંદ આપે છે તો ક્યારેક માણસ હોવાની પીડા. ક્યારેક તે માની હૂંફાળી છાતીની હૂંફ બની લોહીમાં ફરી વળે છે તો ક્યારેક પ્રિયતમા બની વીંટળાઈ વળે છે. ક્યારેક ઉશ્કેરે છે તો ક્યારેક શાંત કરે છે. કદીક બાળે તો કદીક ઠારે. ક્યારેક વેરણ બનીને ખડકની માફક ઊભી રહી જાય છે.

શિયાળાની રાતને કોઈ જ ઉતાવળ હોતી નથી. એ મલપતી મલપતી ચાલે છે. કોઈ વિશાળ સામ્રાજ્યની સમ્રાજ્ઞીની જેમ ક્યારેક તુચ્છકારભર્યું સ્મિત કરે છે. એ તાપણે તાપતી કિશોર ટોળકીની આસપાસ ચક્કર લગાવે છે ત્યારે તે કિશોરોની આંખમાં આગિયાની માફક ચમકે છે. રખડુ જુવાનિયાની બેફિકરી ટોળીને પડખે પડખે ચાલતી રાત જુવાનિયાની છાતીના કુમળા વાળને સ્પર્શીને ચાલી જાય છે. ક્યારેક નવપરિણીત યુગલના શયનખંડનાં બારણાં પાસે સમજુ સ્ત્રીની જેમ ઊભી રહી જાય છે. પરસ્પરના બાહુમાં વીંટાતા યુગલને જોઈ તેના મોં પર તોફાની સ્મિત ફૂટે છે. છતાં એ શિયાળાની રાત છે. એને નિર્દય બનતાં વાર નથી લાગતી. ક્યારેક જઈ ચડે છે કોઈ એકાકી વૃદ્ધને પડખે. ખાંસતા-હાંફતા વૃદ્ધની આંખોમાં ઊપસતી રતાશને તે છુપા શત્રુની જેમ જોઈ રહે છે.

શિયાળાની રાત જેટલી રૂપાળી છે તેટલી જ ખંધી છે. એ સામેથી નહીં, પાછળથી વાર કરે છે. એ સબળા સામે પડતી નથી. નબળાને પીડવામાં એને આનંદ મળે છે. એટલે તો એ ખુલ્લામાં પડી રહેલાં શ્રમજીવીઓ, ખાંસતા-હાંફતા વૃદ્ધો, સીમમાં સૂતેલા એકલદોકલ ખેડૂતો કે રણકાંધીએ સીમા સાચવતા સૈનિકોની આસપાસ અડ્ડો જમાવે છે. પોતાની ઓઢણીથી બાળકને ઢાંકતી ગરીબ સ્ત્રીની ખુલ્લી પીઠ પર તે વાર કરે છે. નાગાં-પૂગાં બાળકોના મૃદુ ગાલની એને જરાય દયા આવતી નથી કે ન તો મજૂર સ્ત્રીના પગની પાનીમાં પડેલા ચીરાનો એને વિચાર આવે છે. શિયાળાની રાત એક નિર્દય જેલર જેવી છે. એની જેલમાં પુરાઈ જનાર પર તે ત્રાસ વર્તાવે છે. ક્યારેક તે પવન પર સવાર થઈ નીકળી પડે છે અને જ્યાં તક મળે ત્યાં ઘૂસી જાય છે. કોઈના જાળિયામાંથી, ખુલ્લી રહી ગયેલી બારીમાંથી, બારણાંની તિરાડોમાંથી, ઝૂંપડીઓના બાકોરામાંથી. તે પોતાની ફૂંકથી બધુંય ઠંડુંગાર કરી મૂકે છે. પાણી હોય કે પથ્થર, શિયાળાની રાત સામે બધાં ઝૂકી પડે છે. છતાં તે બહુ પાકી છે. આલીશાન હવેલીઓની અંદર જવાની હિંમત તેનામાં નથી. હીટરથી ગરમ થઈ રહેલા ઓરડાની અંદર ડોકિયું કરતાં એ ડરે છે. તાપણાં પર તાપતા મજૂરોને જોઈ એ દાંત કચકચાવી દૂર ઊભી રહી તાપણું ઠરવાની વાટ જોતી રહે છે.

શિયાળાની રાતથી ડરી ગયેલા સૌ લપાઈ જાય છે ત્યારે થાકેલી રાત પાછી વળે છે. એ ક્યારેક હસતી હોય છે તો ક્યારેક ઉદાસ હોય છે. એની ચાલમાં ક્યારેક સત્તાનો મદ હોય છે છતાં ઘેટાંના બરછટ વાળને છંછેડવાનું તે ટાળે છે અને તે સીમ તરફ વળી જાય છે.

સીમમાં ખેતરોની ભીની ભૂખરી માટી જાગે છે. શેરડી, ચણાના છોડ, પાન વચ્ચે ઢબુરાઈ ગયેલી, રીંગણાં, ટમેટાં કે ઝોકે ચડેલા ઘઉંના ક્યારા, દાદાના ખોળામાં સૂઈ ગયેલા બાળક જેવા કોબી-ફ્લાવર કે કોથમીરની ક્યારીઓ જોઈ રાતની છાતીમાં ધાવણ ભરાય છે. એનું માતૃત્વ છલકી ઊઠે છે. તે આખીય સીમને છાતીએ વળગાડી લે છે. સીમ રાતને બચબચ ધાવે છે. રાતનો સ્પર્શ થતાં જ જમીનમાં વિસ્તરતા ગાજરમાં રતાશ સળવળે છે. શેરડીની કાતળી પર લાલાશ ઊભરે છે. ચણીબોરના ગાલમાં ગલ પાડે છે. ચારેકોરથી લઈ લીધેલી ગરમી ખેતરોને પાઈ દે છે શિયાળાની રાત. અને તે સૂઈ જાય છે.

વહેલી સવારે ઊઠી ગયેલા ખેડૂતના સંચારથી રાત સફાળી જાગે છે. પોતાનો પાલવ સરખો કરી આળસ મરડી પૂર્વમાં જુએ છે. ખેડૂતે દોહેલા બકરીના દૂધના ફિણોટામાં આંગળી બોળતી રાત ઝડપથી પગ ઉપાડે છે. રાતનો પગરવ સાંભળી કંથેરમાં સૂઈ રહેલા તેતર આંખો ખોલે છે. ઘટાટોપ ઊભેલી શેરડી વચ્ચે મારગ કરતા આવતા અજવાળાને જોઈ ડરી ગયેલું શિયાળ રાતના પગલાં શોધતું નાસે છે. હજી રાતનો પાલવ ફરફરતો દેખાય છે. શિયાળાની રાતનો શ્યામલ પાલવ!