ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ઠક્કર/સ્મૃતિશૂળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સ્મૃતિશૂળ

રમેશ ઠક્કર

જમાનો સહજપણે બદલાય છે. મનનો માહોલ અકબંધ હોય છે. સ્મૃતિઓ સળવળતી જ રહે છે. એ છટપટાહટ પણ માણવા જેવી હોય છે.

બનાસના કાંઠે ભીનાશથી લથબથ કામલપુર ગામમાં દિવાળીની તૈયારીઓ થતી ત્યારે નવી ગારમાટીથી મકાનો સુશોભિત થઈ ઊઠતાં. ગામમાં આવેલી નવોઢાઓના હાથની અરમાનો ભરેલી કળીઓની અવનવી ભાત ઉપસાવતી. ગામની ધૂળ પણ જીવંત લાગતી. આજે નવાઈ લાગે એવી ઘણી બાબતો ત્યારે સહજ હતી..

કલરમાં ખડીનો ઉપયોગ સહજ થતો. ક્યાંક ગળીચૂનો આકર્ષક બનતો. બેસતા વર્ષે કોરાં કપડાંમાં સજ્જ બની એકબીજાને રામરામ થતા. ધંધા અર્થે કે અન્ય કારણોસર બહાર ગયેલાં પરિવારો પરબલું કરવા અચૂક વતનમાં આવતાં. પાદરે ગાયોને તાજા ઘાસના પૂળા નંખાતા. દારૂખાનું ફૂટતું પણ મર્યાદિત માત્રામાં. કારતકનું આકાશ પુરબહારમાં ખીલી ઊઠતું.

નકળંગ મહારાજ ગામના દેવ. ગામ વચ્ચે બિરાજમાન છે..એમનો વરઘોડો નીકળતો. એ નદીએ ન્હાવા નીકળતા. આખું ગામ એમાં સહભાગી થાય. બાધાઓ પૂરી થાય. નવી લેવાય… ઢોલ અને નગારાં અને કીર્તન. લોકો હિલ્લોળે ચઢતાં. બેસતા વરસને લોકો ‘ઝાયણી’ કહેતાં જેનો અર્થ મને હજુ મળ્યો નથી પરંતુ એની મજા ઓર હતી! નવલા દિવસો એ નવા દહાડા કહેવાય એવું વડીલો કહેતા. ગલઢેરાંનાં બોખાં મુખ મલકાઈ ઊઠતાં. ગામ આખું હરખપદુડું થઈ જતું.

નવલી રાત્રે કોડિયાંમાં શુદ્ધ ઘીના દીવડા ઘેરઘેર ઝળહળી ઊઠતા. ઘરોના દરવાજે ગોખલાઓમાં એનો પ્રકાશ પથરાઈ જતો. અમારી દુકાને પેટ્રોમેક્ષનું અજવાળું વળી નોખું રૂપ ધારણ કરતું. દેશી ફટાકડા, તારા અને નાની નિર્દોષ ટીકડીઓ ફૂટતી. આતશબાજીનો એવો અંદાજ એ પછી જોયો નથી.

લોકો એકબીજાની સાથેના મતભેદો અને ખટરાગો ભૂલી મનામણાં કરી લેતા. મીઠાઈમાં મોહનથાળ ઘરઘરની પસંદ રહેતો..ગામમાં એકાદ-બે ઘર સિવાય તમામ મકાનો કાચાં ગારમાટીનાં હતાં. પાકી સડક ન હતી. ગાડામારગ અને ગાંડાબાવળની જુગલબંધી હતી. એસ.ટી. બસમાં બેસવા ત્રણેક કિલોમીટર ચાલવું પડતું. પોસ્ટકાર્ડથી જ પ્રત્યાયન થતું. ગામમાં ક્યાંય ટેલિફોન ન હતો.ક્યારેક કોઈકની જીપ આવતી ત્યારે લોકો જોવા ભેગાં થઈ જતાં જીપને હૅન્ડલ મારવાવાળાની લાઇન લાગતી. ટ્રૅક્ટરની વાતો થકી રોમાંચ થતો. આજે કદાચ આ બધું અવનવું લાગે પણ અમારા માટે એ સહજ હતું.

અમારી સૃષ્ટિ તરબતર હતી. અભાવો હતા, અગવડો હતી. બનાસ બારેમાસ લીલીછમ રહેતી. ખેતરો રળિયામણાં લાગતાં. સવારનું આકાશ રતુંબડી ભીનાશ લઈને અવતરતું..આજે આ બધું લુપ્ત થયું છે. પાકાં મકાનો. ચારેતરફ સડકો. સૂકીભઠ્ઠ બનાસ.ઘેરઘેર જાતજાતનાનાં વાહનો મોબાઇલ અને વીજળીની અવનવી લાઇટો ઝગારા મારે છે. પાદરે બસોની અવરજવર અને નાનકડું બજાર ધમધમે છે. આ નવું જગત છે જેને સ્વીકારવા મારું મન માનતું નથી. એક અકથ્ય ઝુરાપો મને ઘેરાઈ વળે છે. મારા મનની મહોલાત જાણે રફેદફે છે.

ગામમાં મારો પ્રવેશ ભારેખમ બની જાય છે. હું જ મને આગંતુક લાગું છું. મને શહેરી માણસ તરીકે જોતી આંખોમાં હું મારા બાળપણની હળવાશને ઝંખું છું. ક્યાંય પ્રતિસાદ મળતો નથી.નાછૂટકે ભારેખમ જ રહું છું. હવે બાપા નથી. સ્વજનો નથી.બાળપણના ગોઠિયા વેરાઈ ગયા છે. અમારું ઘર વિલીન થઈ ગયું છે. ગામના કૂવેથી અવિરત પાણીનાં બેડાં ભરી લાવતાં બા આજે વયોવૃદ્ધ છે. શહેરમાં દીકરાના ઘરે એકલખૂણે જીવે છે. આંખે ઝાંખપ આવી ગઈ છે. બનાસ પણ હવે વરસનો મોટો ભાગ સૂકીભઠ્ઠ હોય છે..બા અને બનાસ બંનેને થાકી ગયેલાં જોઈ દિલ ગમગીન થઈ જાય છે. આયખાના અમુક દાયકાઓમાં જ થયેલી આ ઊથલપાથલ મારા આંતરમનને આકળવિકળ કરી જાય છે. હું કશોક સહારો ઝંખું છું. એકાદ પરિચિત વૃક્ષની ડાળી અને એમાંથી પ્રગટતો અવાજ મને થોડીક રાહત આપી જાય છે. મને તલાશ છે ધૂળની એક પરિચિત ડમરીની. પણ મળે છે કેવળ સ્મૃતિઓની શૂળ…