ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૨. માણસ શા માટે કલમકશ બને છે?
૨. માણસ શા માટે કલમકશ બને છે?
એક જિંદગીમાં દોઢ–બે મહિનાની કિંમત કેટલી હોઈ શકે છે? ખાસ કંઈ નહિ. પણ ક્યારેક દોઢ-બે મહિના એવા જિવાય છે કે આંખો બંધ રાખીને જે ખ્વાબો જોયાં હોય એ એકાએક સાકાર થઈ જાય છે. ઇતિહાસના પુસ્તકોમાં, ચિત્રોમાં, ફિલ્મોમાં, સાહિત્યમાં, લોકોની વાતોમાં, મનઃચક્ષુની સામે, કલ્પનામાં... કેટલાંક ચિત્રો અને કલ્પનો હતાં અને એમાંનું ઘણું બધું એક પછી એક, આંખો સામે બધા જ આયામોમાં, સદીઓ જૂના રંગોમાં, તવારીખની ઊખડી ગયેલી પર્તો નીચેથી ઊભરતું ગયું. આ દૃશ્યો મનુષ્યજાતિના પરિશ્રમ અને સંસ્કૃતિનાં પ્રતીકો હતાં. પુરુષનુ ભાગ્ય સમજાતું નથી એમ શાસ્ત્રકારોએ કહ્યું છે, એ ભાગ્યનો રોમાંચ મેં સાફ આંખોથી અનુભવ્યો છે. કિસ્મત તરફદાર રહ્યું છે.... અને મનુષ્યજાતિનાં અદ્ભુત સર્જનો જોવાં મળ્યાં છે, અને વિન્ડબ્રેકરના કૉલર ઊંચા કરીને ધ્રૂજતાં ધ્રૂજતાં કે કપાળ પરથી પસીનો લૂછતાં લૂછતાં કે છત્રીની નીચે ચશ્માંના ધુમ્મસી કાચમાંથી જોતાં જોતાં, મનુષ્યનાં મહાન સર્જનો સામે ગરદન ઝુકાવીને હું વિચારતો રહ્યો છું—પાંચ-દસ વર્ષ પછી હું નહીં હોઉં, પચીસ-પચાસ વર્ષ પછી મારા હમઉમ્ર નહીં હોય, સોએક વર્ષ પછી આજે આપણને જોઈ રહેલો એક પણ ચહેરો જીવતો નહીં હોય... ત્યારે આ બધું જ હશે. પેરિસના લુવમાં વીનસ દ’ મીલોના બે તૂટેલા હાથવાળી પ્રતિમા હશે, ન્યૂયોર્કની સામે ભીના ધુમ્મસમાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની લીલા રંગની મૂર્તિ લિબર્ટી ટાપુ પર ઊભી હશે. લંડનમાં થેમ્સને કિનારે પાર્લમેન્ટનાં મકાનોના ટાવરમાં બીગ-બેનની ઘડિયાળ વાગતી હશે, મૉસ્કોમાં લેનિનની સમાધિની અંદર ભૂગર્ભમાં રેંગતી દર્શકકતાર લેનિનના શરીરની એક બંધ મુઠ્ઠી અને બીજા હાથની હથેળી ખુલ્લી આંગળીઓ જોતી ખામોશ ગુજરતી હશે....! દોઢ-બે માસમાં કિસ્મત કેટલું તરફદાર થઈ શકે છે?
મનુષ્યના સર્જનઇતિહાસની કેટલીક અદ્વિતીય કૃતિઓ જોવાનું સદ્ભાગ્ય મળ્યું છે, અને આંખોમાંથી વિસ્મયની ભીનાશ ગઈ નથી. આશ્ચર્ય થઈ શકે છે એ આશીર્વાદ છે, કદાચ ભવનાં પુણ્ય કારણભૂત હશે-નહીં તો હોશિયારીનો અભિશાપ લાગી જાય છે અને જીવન ખગ્રાસ સૂર્યગ્રહણ જેવું બની જાય છે. મેં જોયું છે થોડું અને મજા આવી છે ઘણી. અને ‘મજા’ શબ્દ મને હમેશાં પાપપુણ્યના એક અદ્ભુત કોકટેલ જેવો લાગ્યો છે.
વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ઊંચા ટાવરોની નીચે જ ભૂગર્ભ રેલવે સ્ટેશન તરફ તમે જાઓ છો અને અહેસાસ થાય છે કે તમારા ઉપર જે મકાન ઊભું છે એ વિશ્વનું ઊંચામાં ઊંચું મકાન છે. બ્રોડવે અને ફિફ્થ એવન્યુ પર ફરતાં ફરતાં તમે એમ્પાયર સ્ટેટ્સ બિલ્ડિંગની વિશાળ લોબીઓમાં ફરો છો-ભૂગોળમાં ભણ્યા હતા કે આ જગતનું ઊંચામાં ઊંચું મકાન છે! પેન્સિલવેનિયામાં ફિલાડેલ્ફિયા પાસે તમે વેલી-ફૉર્જ ગાર્ડન જુઓ છે, જ્યાં અમેરિકાનો ઇતિહાસ સર્જાયો હતો. અમેરિકન સ્વાતંત્ર્ય યુદ્ધ, અહીં જ્યોર્જ વોશિંગ્ટન નામને એક માણસ અંગ્રેજો સામે જીત્યો હતો અને સ્વાતંત્ર્યની દેવીની લીલી મૂર્તિની નીચે ઊભા રહીને તમે દૂર એલિસ દ્વીપને જુઓ છે... જગતભરના ત્રસ્ત અને ગ્રસ્ત શરણાર્થીઓ પ્રથમ અહીં ઊતર્યાં હતા અને આ મશાલનાં દર્શન કરીને અમેરિકામાં પ્રવેશ્યા હતા...
અને રશિયા, રૅડ-સ્ક્વેર અને ક્રેમલિનની દીવાલો અને લેનિનની સમાધિ અને મૉસ્કોની ઐતિહાસિક ઇમારતો. ક્રેમલિનની અંદર તમને એ કોન્ફરન્સ રૂમ બતાવવામાં આવે છે. જ્યાં ૧૯૫૭ સુધી મીટિંગો થતી હતી—કદાચ અહીં સ્તાલિન પ્રવેશતો હતો. અહીં બેરીઆ ગિરફતાર થયો હતો. અહીંથી બીજા વિશ્વયુદ્ધના નિર્ણયો લેવાયા હતા. હું વિચારતો હતો કે આ રૂમમાં જ હિટલરે મોકલેલા વિદેશમંત્રી વોન રીબનટ્રોપ અને સ્તાલિન વચ્ચે–જર્મની અને રશિયા વચ્ચે–અખંડ મૈત્રીના કરાર ૧૯૩૯માં થયા હતા. કેટલો ઇતિહાસ જોયો હતો આ શાંત દીવાલોએ?
લેનિનગ્રાદનું હરમિટાઝ અને પેરિસનું લુવ એ જગતમાં બે શ્રેષ્ઠ મ્યુઝિયમો ગણાય છે. પેરિસનો વર્સેલનો મહેલ અને લેનિનગ્રાદના પેત્રોદ્વરિત્ઝ જગતના બે શ્રેષ્ઠ રાજમહેલો ગણાય છે અને લંડનના બરકિંગોમ પેલેસ છે. પેરિસનું નોત્રે-દામનું ચર્ચ અને લંડનનું સેંટ પોલ્સ કૅથિડ્રલ જગતનાં શ્રેષ્ઠમાં સ્થાન પામે છે. લંડનનો ટ્રાફાલ્ગર સ્ક્વેર અને પેરિસનો એફિલ ટાવર જગતના મશહૂર મિનારા છે. અને લંડનના ટાવરબ્રિજ અને પેરિસનો આર્કદ ત્રાયમ્ફૂ કદાચ સૌથી વધુ પ્રસ્તુત થયેલાં યુરોપીય સીમાચિહ્નો છે અને માદામ તુસાદ છે અને ઇનવેલીડીઝની નેપોલિયનની કબર છે અને વેસ્ટ મિન્સ્ટર છે અને એવન નદીને કિનારે શેક્સપીઅરનું જન્મસ્નાન છે. પેરિસના લુવમાં દલાક્રોયનું પ્રખ્યાત ચિત્ર જોયું. જેના પરથી ન્યૂયોર્કની સ્વતંત્રતાની દેવીનું મોડેલ બનાવવામાં આવ્યું હતું – આ ચિત્રનો ઉલ્લેખ સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી મ્યુઝિયમમાં કરવામાં આવ્યો છે! મોનાલીસા જગતનું સૌથી પ્રખ્યાત ચિત્ર છે અને વીનસદ’ મીલો જગતનું સૌથી પ્રખ્યાત શિલ્પ છે. મોનાલીસા જોઈને નિરાશા થઈ, વીનસદ’ મીલો જોઈને મન તર થઈ ગયું. કિસ્મતે ઘણું ઘણું બતાવી દીધું.
પણ એક સ્થાન જરા જુદું હતું. એ સ્થાન વિષે પ્રવાસપત્રિકાઓમાં પણ ઉલ્લેખ નથી. વિશ્વપ્રવાસીઓ એના વિષે વાત પણ કરતા નથી. બહુ ઓછા એ જોવા જાય છે. એ સ્થાન લારા પર એક જાદુઈ અસર કરી ગયું—કારણ કે એ સ્થાનનું મારે માટે એક કલાકાર તરીકે ખાસ મહત્ત્વ હતું. લેનિનગ્રાદમાં મોનાસ્રીખા નદીના ડાબે કિનારે, મોસ્કો હોટેલની સામે ભૂગર્ભ સ્ટેશન ઍલેકૂસાન્દર નેવ્સ્કીની બહાર એક દરવાજો છે. અંદર પ્રવેશવાનું છે, અઢારમી સદીનું ધોળાવેલું એક ચર્ચ ઊભું છે. આ બંધ વિસ્તાર એલેક્સાન્દર નેવ્સકી લાવ્રા (વિહાર) નામથી ઓળખાય છે. આ એક વિરાટ કબ્રસ્તાન છે. પ્રાચીન ગ્રીક ભાષામાં કબ્રસ્તાન માટે નેક્રોપોલિસ શબ્દ વપરાતો હતો. અહીં કબ્રસ્તાનના બે ભાગો છે : એક છે અઢારમી સદીનુ નેક્રોપોલિસ અને બીજું છે કલાસ્વામીનું નેક્રોપોલિસ...
આ કબ્રસ્તાન અથવા નેક્રોપોલિસના એ ભાગ છે : એક તરફ રાજાઓ, શાસકો, ધનિકો, સત્તાવાળાઓ, એમના સગાંઓની અત્યંત મોંઘી, સરસ, શિલ્પસ્થાપત્યમાં કંડારેલી મોટી મોટી કબરો છે. અને એની સામે જ બીજા કબ્રસ્તાનનો દરવાજો છે. અહીં રશિયાના કલાકારને દફન કરવામાં આવ્યા છે. આ કબરો નાની છે, સામાન્ય છે, ક્યાંક ક્યાંક લોકો પાસેથી ફંડ ઉઘરાવીને બનાવવામાં આવી છે. એક તરફ કલાકારોની કબરો છે. સામે જ આ કલાકારોને ખતમ કરનારા, ઉડાવી દેનારા, મારી નાખનારા સત્તાધીશ શાસકોની કબરો છે! અને પૈસાદારોની કબરો પર કોઈએ ફૂલો મૂક્યાં ન હતાં. લોકો હસતા હતા. ઊંચા સ્વરે મજાકો કરતા હતા, શૂન્ય આંખોથી પ્રવાસીઓની જેમ નામો વાંચવાની તસ્દી લીધા વિના ઝડપથી જોઈ લેતા હતા. કલાકારોની કબરો પર લોકો ફૂલો મૂકી ગયા હતા, મૂકતા હતા, ખામોશ અને ભાવવશ ઊભા રહી જતા હતા. કોઈ ઊંચા સ્વરે મજાક કરતું ન હતું. પોતાના લેખકો-કલાકારોને રશિયન પ્રજા જેટલી મહોબ્બત કરે છે એટલી શાયદ જ કોઈ પ્રજા કરતી હશે ! પોતાના પ્રિય લેખકની કબર ઉપર કોઈ અનામ વાચક કે ભાવક એકતાળીશ રૂપિયાનાં ત્રણ ફૂલોનો નાનો ગુચ્છ એકસો વર્ષ પછી મૂકી જાય એ મારી ગુજરાતી લેખકની આંખો માની શકતી ન હતી પણ આ યથાર્થ હતું. આ વાસ્તવ હતું, આ રશિયન સત્ય હતું...
સામેની કબર પર રશિયનમાં લખ્યું હતું : ‘ટુમ્બ ઑફ ક્રિયાદોર દોસ્તોએવ્સ્કી, ઓથર’ (સમાધિ-લેખક ફિયોદોર દાસ્તોએવ્સ્કીની) દોસ્તોએવ્સ્કીના ચહેરાનું શિલ્પ હતું, પાસે, ઉપર, નીચે લોકોએ મૂકેલાં તાજાં ફૂલોના ગુચ્છ પડ્યા હતા, ખોદેલા અક્ષરો હતા : ‘૧૪૨૧-૧૮૮૧... મૃત્યુ પછી લોકોએ ફાળો ભેગો કરીને આ સામાન્ય સમાધિ બનાવી હતી.’ જગતના મહાન નવલકથાકાર. અનિગનત કલમકશોની પ્રેરણામૂર્તિ દોસ્તોએવ્સ્કી અહીં સૂતા હતા. લોકો આવતા હતા, લગભગ ઝૂકી જતા હતા, ફાટેલી આંખે વાંચી જતા હતા, બહુ જ શાલીનતાથી અદબ સાથે પસાર જ થઈ જતા હતા—
કબર પર જે લીટીઓ ખોદેલી હતો એ દોસ્તાએવ્સ્કીની ‘બ્રધર્સ કારામેઝોવ’ નલકથાની પ્રસ્તાવનામાંથી દોસ્તોએવ્સ્કીએ સ્વયં પસંદ કરી હતી! આ લીટીઓ પણ મૂળ બાઇબલમાંથી લેવામાં આવી હતી. જૂની રશિયન લિપિ અને ભાષામાં લખ્યું હતું : ‘જો દાણો ધરતીમાં દટાઈને મરી ન જાય તો એ હજારો નવાં જન્મ આપી શકતો નથી.’
સામેના કબ્રસ્તાનમાં મહાબલિઓની કબરો હતી. અહીં સૂતી છે પોવાન્સ્કાયા જેનો પતિ સેનેટનો સભ્ય હતો.... કોન્ટેસાને દફન કરી છે, જન્મ ૧૮૪૬.... અહીં સ્ટેટ કાઉન્સિલના મેમ્બર અને મિનિસ્ટ્રીના સેક્રેટરી સૂતા છે, જે એક સમયે ઝારના દરબાર સુધી પહોંચ્યા હતા... અહીં –
અને કલાકારો-યવિઓના કબ્રસ્તાનમાં દોસ્તોએવ્સ્કીની પત્નીની સમાધિ હતી, પુશ્કિનની બહેનની સમાધિ હતી. ૧૯૩૦માં લેનિનગ્રાદમાં અન્ય કબ્રસ્તાનોમાંથી મહાન રશિયન વિભૂતિઓની અસ્થિઓ અહીં લાવીને વિધિવત્ સ્થાપવામાં આવી હતી. ચિત્રકારો-લેખકો-બૌદ્ધિકો હતા, અભિનેત્રીઓ હતી. સંગીતજ્ઞો હતા, વૈજ્ઞાનિકો હતા, સ્થપતિઓ-શિલ્પીઓ હતા. એવાં નામો જે રશિયન–સોવિયેત સંસ્કૃતિના જ્યોતિર્ધરો છે : લેખક દોસ્તોએવ્સ્કી, સંગીતકાર રૂબીનસ્ટાઈન, અભિનેત્રી આસેનકોવા, વૈજ્ઞાનિક લોમેનો સોવ, કલાકાર ચર્કાસોવ, સાંસ્કૃતિક ચાઈ કોવ્સ્કી....
ઘણું જોયું છે અને ઘણું નથી જોયું, પણ આવું ક્યાંય અનુભવ્યું નથી. દોસ્તોએવ્સ્કીની સમાધિની લોખંડની રેલિંગ પાસે બેસીને વિચાર કર્યો છે-લેખક શું છે? માણસ શા માટે કલમકશ બને છે? આંગળીઓ વળી જાય અને આંખો બળી જાય ત્યાં સુધી માણસ શા માટે લખતો રહે છે? સર્જનના એક બુંદને ટપકવા માટે નવલકથાકારને છાતીની અંદર કેટલા તૂટવું પડે છે? એક ધરતીમાં દટાઈને મરી જવા માટે કેટલું બધું જીવવું પડે છે? અને એક દોસ્તોએવ્સ્કી બનવા માટે કેટલીવાર મરવું પડે છે?...
[રશિયા, રશિયા, ૧૯૮૭]