ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૧. કરાંચી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૨૯
ચંદ્રકાન્ત બક્ષી

૧. કરાંચી





ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • કરાંચી - ચંદ્રકાન્ત બક્ષી • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની



પાસપોર્ટ પર ન્યૂ દિલ્હીના પાકિસ્તાની દૂતાવાસની મોહર લાગેલી આવી ત્યારે આનંદ થયો કારણ કે પાકિસ્તાનના ખાનગી મુલાકાત માટેના વીસા મળતા નથી! લંડન કે ન્યૂયોર્ક અથવા બેંગકોક કે સિંગાપુર માટે વીસા મળવા આસાન છે, સ્વીડન માટે તો વીસાની જરૂર પણ નથી, માત્ર ખિસ્સામાં પૈસા જોઈએ! પણ પાકિસ્તાન જુદી વસ્તુ છે. વીસામાં હતું કે ત્રીસ દિવસમાં જ ઊડી જવાનું! અને બીજી વાત – માત્ર કરાંચીમાં જ રહેવાનું! મેં લાહોર અને પેશાવર પણ માગ્યાં હતાં. ખૈબરઘાટ અને અફઘાનિસ્તાન સીમા સુધી જવાની ઇચ્છા હતી, પણ પાક સરકાર ભારત સરકારની જેમ રજા આપતી નથી. માટે કરાંચીમાં જ રહેવાનું હતું. ઈન્શા અલ્લાહ, દર્શ-એ ખૈબર ફરી કોઈક વાર... અઠવાડિયા પહેલાં ભારતીય હવાઈ જહાજનું હાઈજેકિંગ થયું હતું એટલે તપાસમાં સખ્તાઈ હતી. ફ્લાઈટ ૧૩૧ની ઍરબસ એક કલાક ચાલીસ મિનિટમાં કરાંચી પહોંચે છે. પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર મધુર સ્ત્રીસ્વર કહી રહ્યો હતો, ‘બેલ્ટ બાંધી લો, સિગારેટ ન પીશો, કેપ્ટન ગુરસહાની તમારા ચાલક છે. અમે તમારું સ્વાગત કરીએ છીએ.’ બાજુમાં બેંગલોરમાં ભણતો એક ઈરાની વિદ્યાર્થી એમ્બાર્કેશનકાર્ડ ભરી રહ્યો હતો. એ કરાંચીમાં ચોવીસ કલાક રોકાઈને જમીનમાર્ગે કવેટા થઈ ઈરાન જવાનો હતો. – તમે? – હું કરાંચીમાં જ રહીશ, મેં કહ્યું. પાકિસ્તાન જવાની વાત આવી ત્યારે મિત્રોને આશ્ચર્ય કરતાં કૌતુક વધારે થયું. ‘પાકિસ્તાનમાં શું જોવાનું છે?’ કોઈએ કહ્યું, ભીંડી બજાર જેવું હશે. ઘરમાં જે લૂંગી પહેરી હોય એ જ પહેરીને બહાર નીકળી શકાશે! પીતો બીતો નહીં... નહીં તો કોડા મારશે! અને પ્લૅન હાઇજેક થયું તો મફતમાં લાહોર પણ જોવા મળશે. વગર વીસાએ! બૈરાં સામે બહુ જોતો નહીં. પોલિટિક્સ ડીસ્કસ નહીં કરતો’, વગેરે... વગેરે. બીજા સલાહકારોએ કહ્યું, ‘યાર, મુસ્લિમ સંસ્કૃતિ ખરેખર જોવી હોય તો પાકિસ્તાન જ જવું જોઈએ, ત્યાંના લોકો કેવા છે? આપણા જેવા જ છે. પાંત્રીસ વર્ષોમાં શા ફેરફાર થયા એ જોવા મળશે. સાચો મુસ્લિમ મિડલ ક્લાસ તો ત્યાં જ છે ને! તું તકદીરવાળો છે કે તને વીસા મળ્યો – બાકી તકલીફ છે. મર્દ પ્રજા છે, તૂટી તૂટીને પાછી ઊભી થઈ છે. પાકિસ્તાન કા મતલબ ક્યા? લાઈલ્લાહ ઈલ્લલ્લાહ! એ એમનો નારો છે. આંખ અને કાન ખુલ્લાં રાખીને અને જબાન બંધ રાખીને જોજો...! પાકિસ્તાન જૂની ભૂગોળ અને નવા ઇતિહાસનો દેશ છે! મિત્રો-સલાહકારોને આંખ અને કાન ખુલ્લાં રાખીને અને જબાન બંધ કરીને સાંભળતો રહ્યો! બાર દિવસની તનતોડ સફર પછી, ચોવીસ કલાકમાં ચાર કલાક જ ઊંઘીને, જ્યારે પાછો ફરતો હતો ત્યારે એ હમદિલી અને એ દોસ્તાનાનો ખ્યાલ શાયર ફૈઝના એક શેરની યાદ અપાવતો હતો. જો રૂકે કે કોહે ગિરાં થે હમ, જો ચલે તો જાંસે ગુઝર ગયે અય યાર હમને કદમ કદમ તુઝે યાદગાર બના દિયા... પાકિસ્તાન જેટલો કરીબ દુનિયાનો કોઈ મુલ્ક નથી, અને પાકિસ્તાન જેલ્લો દૂર દુનિયાનો કોઈ મુલ્ક હતો નહીં. પાંત્રીસ વર્ષમાં ચાર વખત એમણે અને આપણે જંગનાં નિશાન ચડાવ્યાં છે. પાકિસ્તાનની સરઝમીં પર જેટલું ભારતીય રક્ત વહ્યું છે, એટલું દુનિયાની કોઈ ધરતી પર વહ્યું નથી. પાકિસ્તાની જેવા ઝનૂની દુશ્મન નથી અને પાકિસ્તાની જેવો દિલદાર દોસ્ત નહીં મળે. પાકિસ્તાન સાથે આપણે રોટી અને કવિતા અને ઇતિહાસ અને વેદના અને સમાધિઓ અને કબરોનો સંબંધ છે. એક જ રમૂજ પર સાથે હસવાનો, એક જ લય પ૨ સાથે ઝૂમવાનો, એક જ ગમના અહેસાસ પર સાથે રડવાનો, એક જ પ્રશ્ન પર સાથે તરવારો ટકરાવવાનો નાતો છે. આપણી વચ્ચે હવાની અને પાણીની સરહદો છે, આપણી બંધ આંખોની અંદર ઝિલમિલાતાં ખ્વાબોનો રંગ એક જ છે... અને પાકિસ્તાન જુદું, સ્વતંત્ર, સ્વાયત્ત, ખુદ્દાર, સ્વસંચાલિત રાષ્ટ્ર છે એ વિશે કોઈને કંઈ પણ ભ્રમ હોય તો એ તરત કાઢી નાંખવો હિતાવહ છે! ત્યાં પણ એક આખી નવી પેઢી મધ્યવયસ્ક થઈ રહી છે, જે પૂર્ણતઃ પાકિસ્તાની છે અને એ પેઢીને પોતાની એકસો ટકા પાકિસ્તાનિયત પર ખૂંખાર નાઝ છે. અને આ જ સ્થિતિ ભારતવર્ષમાં પણ છે. ઍર બસ ઊતરી. મીની બસમાં અમને ઍરપોર્ટના ટર્મિનલમાં લાવવામાં આવ્યા. પુલીસ જેવા લાગતા એક માણસને પૂછીને હું એક કતારમાં ઊભો રહ્યો. મેં એને કહ્યું કે, હું હિન્દુસ્તાની પાસપોર્ટધારક છું. એણે કતારમાં ઊભા રહેવા કહ્યું. અડધા કલાકે મારો નંબર આવ્યો ત્યારે અફસરે રુક્ષતાથી કહ્યું, “વોહ કતારમેં જાઈએ! યહ પાકિસ્તાની પાસપોર્ટવાલોં કે લિયે હૈ.’ ફરીથી વિદેશીઓની લાઇનમાં આવી ગયો. અરબ, ઈરાની, અફઘાન વગેરે હતા. અહીં પુલીસ અફસરો ચેકિંગ કરતા હતા. એક બોર્ડ વાંચ્યું. જેના પર લખ્યું હતું, રાષ્ટ્રસમૂહના કોઈ દેશના નાગિરકને પાકિસ્તાનમાં પ્રવેશવા માટે વીસાની જરૂર નથી – ફક્ત બાંગ્લાદેશ અને ભારત સિવાય! પોલીસ અફસર જેની છાતી પર ફારૂકી નામ લખ્યું હતું, પૂછવા લાગ્યો : ઇન્ડિઅન કૌન હૈ? હું અને મહમ્મદઅલી રોડના એક અર્ધશિક્ષિત ચાચા હતા. અમને બંનેને આ કતારમાંથી પણ અલગ કર્યા! કેટલાક અફઘાન કે એવા લોકાના પાસપોર્ટની ભાષા ફારૂકીને સમજાતી ન હતી. એણે એ બધા માટે ટાઈમ બગાડ્યો. એને લાંબી તપસ્યા પછી મહમ્મદઅલી રોડવાળા ચાચાને લીધા, ધમકાવ્યા, પછી ઉમેર્યું, આપ મુસલમાન હૈં, ફિર કહેંગે કિ પાકિસ્તાનમેં હમકો ભી તંગ કરતે હૈ, લેકિન આપ કે કાગઝાત ઠીક નહીં હૈં, જરા કતાર સે બહાર આ જાઈએ... હવે બંદાનો નંબર લાગ્યો. મેં મારું વીઝીટિંગ કાર્ડ બતાવ્યું. આમંત્રણપત્ર બતાવ્યો. પણ કોઈ અસર થઈ નહીં. એમ્બાર્કેશન કાર્ડમાં જગા ન હતી એટલે મેં લખ્યું હતું. સી. કે. બક્ષી! ફારૂકી તાડૂક્યો, ‘પૂરા નામ લિખિયે! વાલીદકા નામ નહીં હૈ?’ મેં લખ્યું. ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષી! પુલીસ અફસર હવે રંગમાં આવી ચૂક્યો હતો! એણે પાસપોર્ટ, વીસાફોર્મ, એમ્બાર્કેશન કાર્ડ બધા વિષે ઊલટતપાસ કરી મૂકી. કહાં ઠહરેંગે કરાંચી મેં? પુલીસ કહાં ઢૂંઢેગી આપકો?... મેં સફાઈ પેશ કરવા માંડી. અંગ્રેજી બંધ કરીને ઉર્દૂમાં જવાબ આપવા માંડ્યા. સાહબ, સાહબ, કરીને ખાલિસ ઉર્દૂમાં ખેલ કર્યો. પણ ફારૂકી વીફરી ચૂક્યો હતો. ઈઝીલી સ્ટ્રીટ? ઐસી કોઈ સ્ટ્રીટ નહીં હૈ. કરાંચી મેં!... કહ્યું, ખરાધર મેં... અને હું પૂરું બોલું એ પહેલાં એ ભડક્યો, ખરાધર તો બહોત બડા હે. પુલીસે કહાં ઢૂંઢેગી આપકો? મારે માટે માફીઓ માંગવા સિવાય કોઈ માર્ગ ન હતો. ફારૂકીએ કહ્યું, ‘આપકી હકૂમત હમારે નેશનલ કો બહોત તંગ કરતી હે! વાપસ ભેજ દેતી હે! હમ ભી આપકો નેક્સ્ટસે ઇન્ડિયા વાપસ ભેજ દેંગે!’ હું ખરેખર ગભરાયો! આ પુલીસવાળો રીટર્ન-ફ્લાઈટમાં જ પેક કરી દેશે! મેં લગભગ માફી માગતાં પણ સૌજન્યપૂર્ણ સ્વરે કહ્યું, ‘સર, આપકી બાદ દુરસ્ત હૈ. હમારી હકૂમત બહોત ઝ્યાદતી કરતી હે, હમસે બહોત બડી ગલ...તી હો ગઈ! ખેર, મુઆફ કર દીજિયે, આઇન્દા ઇસ તરહ...’ ફારૂકીએ ધમકાવી કરીને, દયા કરતો હોય એમ અંતે છોડ્યો. કરાંચીનો આ સૌથી ખરાબ અનુભવ - પહેલો જ અને અલબત્ત છેલ્લો – થઈ ગયો. કદાચ પાકિસ્તાનના નાગરિકોને અહીં પણ આવા જ અનુભવ થતા હશે! બહાર નીકળતાં મારા મઝબાન અબ્દુલસત્તાર રોઝીને જોયો. – કંઈ ગડબડ થઈ? બે કલાક થઈ ગયા, યાર? મેં કહ્યું, કહું છું બહાર નીકળીને! પહેલાં આપણે જરા સામાન લઈ લઈએ. ખેરિયત સલામ-દુવાનો વ્યવહાર થયો. કસ્ટમમાં ખાસ ચેકિંગ થયું નહીં. કારણ કે મારી પાસે માત્ર એક જ નાની બૅગ અને એક હેંડબૅગ હતાં. બહાર નીકળીએ ત્યારે એક ડઝનથી વધારે મિત્રો, ચાહકો, હમઝુબાનો ઊભા હતા. બહારની હવા જુદી હતી. તડકો જુદો હતો, સાંજ જુદી હતી. જે અલ્તાફને નાનો છોકરો જોયો હતો એ હવે લાંબો સ્માર્ટ કૉલેજિયન બની ગયો હતો. રોઝી, આદમ, નસીમને હું ઓળખતો હતો. બાકીનાં નામો સાંભળ્યાં હતાં. પત્રવ્યવહાર કર્યો હતો... સીના-બ-સીના (ભેટવાનું) થયા, ફોટા પડ્યા. કરાંચીનાં ગુલાબ મુંબઈ જેવાં સખ્ત નથી. હાર પહેરાવતાં પહેરાવતાં પત્તીઓ ઝડવા લાગે છે! પત્તીઓનો રંગ ગહરો ગુલાબી છે, અને મુલાયમિયત? કરાંચીના ગુજરાતીઓના દિલ જેવી... આદમ સુમરોએ કહ્યું : બક્ષીબાબુ, યાર, માની શકાતું નથી તમે કરાંચીમાં છો! અમે જોરથી ભેટી પડ્યા. મેં કહ્યું : મુંબઈમાં હાથ મિલાવ્યા હોત... અહીં ગળે મળીએ છીએ! અમારો પૂરો કારવાં ઍરપોર્ટથી સીધો જ ઊપડ્યો – કાયદે આઝમની મઝાર પર. માર્ગમાં ઍરપોર્ટથી શહેર તરફ જતાં મુંબઈવાળું દૃશ્ય જોવા મળ્યું નહીં. ઝોંપડપટ્ટીઓની ખદખદતી ગંદકી ન જોઈ. વચ્ચે તાડનાં ઝાડ ઉગાડ્યાં હતાં, માર્ગ સ્વચ્છ હતો. કરાંચીમાં ઝોંપડપટ્ટી માટેનો શબ્દ છે – કચ્ચી આબાદી! દિલ્હીમાં આને જગ્ગી ઝોંપડી કહે છે. કલકત્તામાં બસ્તી કહે છે. કરાંચીમાં આ બધી કચ્ચી આબાદી કહેવાય છે. સાચા અર્થમાં ક્યાંક ક્યાંક કાચાં મકાનો દેખાય છે પણ ઝૂંપડાં નથી. અને ગંદકી તો નથી જ! બ્યુટીફુલ બોમ્બે અને હરિત મુંબઈની વાતો કરનારાઓએ કરાંચી ઍરપોર્ટથી શહેરનો રસ્તો જોવા જેવો છે. મુંબઈની જેમ ફૂલોનાં વિરાટ રંગેલાં કટ-આઉટ ચિત્રો નથી. ક્યાંક ક્યાંક ફૂલો જ છે! મુંબઈમાં પાંચ મહિના વરસાદ પડી જાય છે. કદાચ એ પણ કારણ હશે ઝોંપડપટ્ટીઓની ગંદકીનું. પણ કરાંચી આ બાબતમાં ખુશકિસ્મત છે – ત્યાં ગયે વર્ષે દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. વર્ષે પાંચ ઈંચથી ઓછો વરસાદ પડે છે. અને દોઢેક ઈંચ પાણી પડે ત્યારે રસ્તા છલકાઈ જાય ખરા! કરાંચીનું હવામાન અમદાવાદ જેવું છે, હવા સૂકી છે. મુંબઈની આબોહવા શરદી અને અસ્થમા અને કમળાની છે. માણસને ભૂખ લાગતી નથી અને એ રક્તહીનતાને કારણે ગોરો અને સુંવાળો બનતો જાય છે, જે એનીમીઆની સ્થિતિ છે. કરાંચીમાં દિવસે ગરમી હોય પણ સાંજ ઝૂકતાં જ હવા ઠંડી થઈ જાય છે. ત્રણ વાર ભૂખ લાગે છે અને ધૂપને કારણે ચામડી પર એક લાલાશ આવી જાય છે. માર્ગમાં ઉસ્માન ઓખાઈની દુકાન પર ‘સેવન અપ’ નામનું એક પાકિસ્તાની પીણું પીધું — રંગ લીલો હતો. લીલા રંગનો લગાવ જબરદસ્ત છે, એ ઇસ્લામનો રંગ છે. પહેલી પરોઢે અબ્દુલસત્તાર રોઝીના ઘરમાં સૂતો હતો અને મસ્જિદમાંથી અઝાનનો અવાજ લાઉડસ્પીકર પર આવ્યો ત્યારે આંખ ખૂલી ગઈ. સામેનાં મકાનોના કેટલાક ફ્લેટોમાં ટ્યૂબલાઇટો પણ લીલી હતી. રસ્તામાં દોડતી અને ખડખડાટ કરતી મીની બસોની અંદર કાચ પણ લીલા રંગના જોયા. પછી તો લીલો રંગ પાકિસ્તાન છોડ્યું ત્યાં સુધી મળતો રહ્યો. પણ સરકારી ચલણી નોટોનો રંગ લીલો નથી. પાકિસ્તાનમાં એક, પાંચ, દસ, પચાસ, સો રૂપિયાની નોટો ચાલે છે. આપણી જેમ બે અને વીસ રૂપિયાની નોટો નથી. આપણી નોટો પર અશોકચક્રની પ્રતિકૃતિ હોય છે જે રાષ્ટ્રીય પ્રતીક છે. પાકિસ્તાનમાં લગભગ દરેક નોટ પર જિન્નાહનો ફોટો હોય છે. આપણી જેમ રાષ્ટ્રીય પ્રતીક જોવા મળ્યું નહિ. એક રૂપિયાની નોટ પર ચાંદ-તારાનું ચિત્ર છે. પણ પાંચ, પચાસ અને સોની નોટ પર એ નથી. એને સ્થાને જિન્નાહની તસવીર છે. આપણી જેમ રીઝર્વ બૅન્કના ગવર્નરની સહી નથી, અને જુદી જુદી ભાષાઓમાં ચલણ લખેલું નથી. એક રૂપિયાની નોટ ગવર્મેન્ટ ઑફ પાકિસ્તાન અથવા હકૂમતે-પાકિસ્તાનની છે. જ્યારે બાકીની નોટો સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાન અથવા બૅન્ક દૌલત પાકિસ્તાનની છે. આ પ્રથા ભારત જેવી છે. એક રૂપિયાનો સિક્કો ત્યાં નથી! સેવન-અપ પીતાં પીતાં જ એક બંગાળી મુસ્લિમ મળી ગયો. ઉસ્માન પણ ઢાકા રહેલો છે. બાંગલાદેશી જેવું બંગાળી બોલે છે. સરસ બોલે છે. અમે ત્રણેએ કરાંચીની ધરતી પર બંગાળીમાં ચલાવ્યું. બંગાળીને બંગાળી બોલનાર ‘બિદેશ’માં મળી જાય ત્યારે ગર્ભવતી સ્ત્રીને ગર્ભવતી સ્ત્રી મળી ગયા જેવો આનંદ થતો હોય છે! અથવા ભાત ખાનારને દિવસો સુધી રોટી ખાધા પછી ભાત મળ્યા હોય એવી સંતૃપ્તિ થાય છે! બેશ, બાંગ્લા તે આલાપ હોલો! ‘આલાપ’ કરતાં કરતાં મેં પૂછ્યું : અહીં તમારે માટે કોઈ ઘૃણા ખરી કે? બંગાળી મુસ્લિમે કહ્યું : ના, એવું કંઈ નથી. આ લોકો હવે કહે છે કે, તમે પણ મુસલમાન છો, અમે પણ મુસલમાન છીએ. જે થવાનું હતું એ થઈ ગયું. હવે બધું ભૂલી જવાનું! – બંગાળી બહુ છે કરાંચીમાં? – આછે, કિન્તુ ઓલ્પો! (છે, પણ ઓછા છે.) મેં પૂછ્યું : માછ-ટાછ (માછલી બાછલી) મળે ખરી કે? માછલી શબ્દ સાંભળીને બંગાળીનો આત્મા દ્રવી ઊઠે છે – પૃથ્વી પર ગમે ત્યાં! એ કહેવા માંડ્યો, અહીં તો માછલી પણ વજન પર મળે છે. મેં એને મુંબઈમાં માછલી વિષેના સુખની વાત કરી. પછી ગોવામાં માછલીઓ વિશ્વના મહાસુખનું વર્ણન કર્યું! બંગાળી આખો ખળભળી રહ્યો હતો — પણ રોઝીએ ધમકાવ્યો એટલે મેં મારું મત્સ્યપુરાણ બંધ કર્યું! કાઈદે આઝમ જિન્નાહની મઝાર દેખાઈ. ફોટાઓમાં જોયો હતો એ ગુમ્બદ, એનો સફેદ સંગમરમર, સમરકંદની તૈમૂરની મઝાર જેવો એનો આકાર, લાહોરના શાલિમાર બાગ જેવાં પગથિયાં – જેમાંથી પાણી વહેવાની વ્યવસ્થા હતી – પણ પાણી ન હતું! જ્યારે પાણી બ્લુ મોઝેઈક પર વહેતું હશે અને રાત્રે બત્તીઓ થતી હશે ત્યારે દૃશ્ય ખરેખર આલાતરીન લાગતું હશે. આવા ખૂબસૂરત સ્થાન પર હુકૂમત ચોવીસે કલાક પાણી શા માટે વહાવતી નથી એનું આશ્ચર્ય પણ થયું! મુંબઈના એક ગુજરાતી સ્થપતિ યાહ્યાભાઈ મર્ચન્ટે આ મઝારનું આયોજન કર્યું છે. ચાર ખૂણા પર ચાર સૈનિકો સતત પહેરો ભરે છે. એક એક કલાકે દરેક સૈનિક બીજાનું સ્થાન લે છે, સ્લો-માર્ચ કરીને આ સ્થાન લેવાય છે! આસપાસ મોટો બગીચો છે જ્યાં લોકો ફરવા આવે છે. મુંબઈ આવીને મેં કરાંચીમાં વર્ષો સુધી રહેલા એક મિત્રને જિન્નાહની મઝાર વિષે વાત કરી. એ ક્યાં આવી હતી એ હું સમજાવી શક્યો નહીં. અંતે નકશો ચીતરીને બતાવ્યું – આ આમિલ કોલોની પાસે પારસી કોલીની છે. મિત્રે કહ્યું, અહીં જ ગુજરાત સોસાયટી હતી. જ્યાં અમે રહેતા હતા! અત્યારે છે? મને ખબર ન હતી! મિત્રે કહ્યું, સામે તો એક ટેકરી હતી, જ્યાં નાનપણમાં અમે ફરવા જતા હતા! મને ઉત્તર મળી ગયો : હા, એ ટેકરી નથી, હવે એ ટેકરી પર મઝાર ઊભી છે – અને માઈલો દૂરથી જોઈ શકાય છે! એક શહેર કેવું બદલાઈ જાય છે! માણસની સાથે ટેકરીઓ પણ જવાન બનતી જાય છે! આઝાદી આવી ત્યારે જે કરાંચીની આબાદી ચાર-સાડા ચાર લાખની હતી તે હવે મહાનગર કરાંચી બની ગયું છે – અને આબાદી સિત્તેર લાખ પર પહોંચી છે એવું કહેવાય છે. ૧૯૫૧માં સાડા દસ લાખ વસતી હતી. ૧૯૬૧માં ઓગણીસ લાખ માણસો કરાંચીમાં આવી ગયા હતા. ૧૯૬૨માં વસતી પાંત્રીસ લાખનો આંકડો વટાવી ગઈ હતી. અને આજે સાઈઠ, પાંસઠ, સિત્તેર, બોત્તેર લાખ! જુદા જુદા કરાંચીવાસીઓએ જુદા જુદા આંકડા કહ્યા છે, પણ નગર રાક્ષસી ગતિથી ફેલાઈ ચૂક્યું છે એ હકીકત છે...! કરાંચી એટલી રાક્ષસી ઝડપે ફેલાઈ ગયું છે કે સરકારી નકશો મળે છે એ પણ ‘સેન્ટ્રલ કરાંચી’નો મળે છે! નગરની કોઈ પુસ્તિકા પણ મળી નહીં. બસ રૂટ, જોવાલાયક સ્થળો આદિ વિષે માહિતી પણ ખાસ મળી નહીં. ‘ડોન’ ગુજરાતી દૈનિકની ઑફિસમાં તંત્રી શફી મન્સુરી અને એમના સાથીઓ સાથે વાત કરતાં મેં કહ્યું કે અહીંની સરકાર આટલી ઉદાસીન કેમ છે? પ્રવાસીઓ આવતા નથી? એક ટૂરિસ્ટ બસસેવા હોવી જોઈએ જે દસ-પંદર રૂપિયા લે અને સવારથી સાંજ સુધી કરાંચીમાં ફેરવે! ભારતમાં તો નાસિક કે દેહરાદૂન કે પૂના કે અમદાવાદ જેવાં સ્થળોમાં પણ તમે એકલા જ આખું ગામ ફરી શકો – બે, ત્રણ પ્રકારની સરકારી બસો ફરતી હોય! આગળથી બુકિંગ કરાવી લેવાનું. બીજે દિવસે હાજર થઈ જાઓ, અથવા જઈને પણ ટિકિટ લઈને બેસી શકાય. ગમે તેટલા પ્રવાસી આવ્યા હોય, બસ ઊપડે જ! અમીરભાઈ કિસ્તે કહ્યું કે અહીં પણ મેટ્રોપોલ હોટેલથી ઊપડે છે પણ મોંધી છે. બીજાઓએ કહ્યું કે આપણે ત્યાં આવું નથી! એમની ચર્ચા ગરમાતી હતી ત્યાં મેં કહ્યું : તમે જો આમાં ખોવાઈ જઈ શકો તો મારા જેવા ફોરેઈનરની શું હાલત થાય? કોઈ ખાનગી સંસ્થા પણ આ બધું સાહિત્ય છાપી શકે, લક્ઝરી બસ ચલાવી શકે! પણ હકીકત એ છે કે કરાંચી જેવા મહાન ઐતિહાસિક નગર વિષે અને વિદેશી પ્રવાસીઓની જરૂરિયાત વિષે સરકારી ધોરણે હજી સભાનતા આવી નથી. કરાંચી એક જમાનામાં આખા ઉપખંડનાં સૌથી સ્વરછ નગરોમાં ગણાતું હતું. કરાંચી રહી આવેલા અને મુંબઈમાં સ્થાયી થયેલા હિન્દુઓ હજી ભાવવશ થઈને એમના જૂના કરાંચીને યાદ કરી લે છે. આઝાદી પહેલાં, એટલે કે ૧૯૪૧ની વસતિગણતરી પ્રમાણે કરાંચીમાં એક લાખ એંશી હજાર હિન્દુ હતા, જ્યારે મુસ્લિમો એક લાખ બાસઠ હજાર હતા. આજે એમ મનાય છે કે એક લાખ જેટલા હિન્દુ હશે. ‘પારસી સંસાર’ના તંત્રી મહેરજી દસ્તુરે કહ્યું કે પાકિસ્તાનના જન્મ સમયે આઠ હજાર પારસી હતા. હવે પૂરા પાકિસ્તાનમાં પાંચેક હજાર પારસી છે. આદમ સુમરોએ કહ્યું કે અય્યુબખાનના વખતમાં વીસ લાખ પઠાણ કરાંચીમાં વસી ગયા – ત્યારથી કરાંચીનો મિજાજ બદલાયો છે! આજે કરાંચીમાં બધા જ આવી ગયા છે અને આવી રહ્યા છે. કારણ કે અહીં ગુજારો થઈ જાય છે, ઇન્સાનને રોટી મળી રહે છે, અહીં પંજાબથી પંજાબી સરકારી અફસર આવ્યો છે, મકરાણ કિનારથી મકરાણી આવ્યો છે, અને ઊંટગાડી ચલાવે છે, ફ્રન્ટિયરથી પઠાન ઊતર્યો છે અને કારખાનામાં કામ કરે છે, બલુચીસ્તાનથી બલોચ આવ્યો છે અને બસ કે ટ્રક ચલાવે છે, હિંદુસ્તાની મુસલમાન આવીને ધંધો કરે છે અને એને મુજાહિર કહેવાય છે – અને આપણો ગુજુભાઈ તો પહેલેથી જ છે! પંદર લાખ ગુજરાતીઓ છે. કારખાનાં, ઉદ્યોગો, બૅન્કો, હોસ્પિટલો, મસ્જિદો, કૉલેજો, વ્યવસાયો બધું જ એ ચલાવે છે! ફક્ત સરકારી નોકરી અને ફોજમાં ગુજરાતી નથી. જોકે ઈસ્માઈલ પઢિયારના ભાઈ સેનામાં છે અને મહેરજી દસ્તુરના જમાઈ ઍર ફોર્સમાં છે અને પાલનપુરમાં મારી સાથે ભણતા રફીકનો ભાઈ શફીક ત્રીસ વર્ષનો અનુભવી સીનિયર પાઈલટ છે! પણ આવા કિસ્સા પ્રમાણમાં ઓછા છે. કરાંચીમાં ૧૯૪૭થી ૧૯૫૦ દરમિયાન કાઠિયાવાડ અને કચ્છથી જે ગુજરાતી મુસ્લિમો આવ્યા એમની હાલત બહુ સારી ન હતી. દરિયામાર્ગે સ્ટીમરોમાં ભરાઈને અને ટ્રેનોમાં ખચોખચ દબાઈને એ કેમારીના બંદર પર કે દટેશન પર ઊતર્યા હતા. એમને માટે સરકારે રિલીફ-કેમ્પ પણ ખોલ્યા ન હતા! એ નિરાશ્રિતો પણ ન હતા! જમાતખાનાઓમાં, મસ્જિદોમાં, સ્કૂલોમાં, લગભગ તૂટેલા માણસોએ જિંદગીઓ શરૂ કરી. એક વહેલી સવારે રોઝી મને કેમારી લઈ ગયા. દરિયાના પાણી તરફ જોતાં રોઝીએ કહ્યું : બક્ષી અમારા અબ્બા, અમને સંતાડીને, બચાવીને અહીં લાવ્યા હતા. અમે અહીં ઊતર્યા હતા. પછી ત્રણ દિવસ અમે શારદા મંદિરમાં ચટાઈઓ પર સૂતા હતા! દોસ્ત, અહીંથી અમારી જિંદગી શરૂ થઈ હતી... અને રોઝીએ મનોમન કહ્યુંઃ લે આઈ ફિર કહાં પર કિસ્મત હમે કહાં સે યહ તો વહી જગહ હૈ ગુઝરે થે હમ જહાં સે.... હું ઝૂમી ગયો – વાહ! કોની ચીજ છે? આ નૂરજહાંના એક પ્રખ્યાત ગીતની કડી છે. પાકિસ્તાનનાં બચ્ચેબચ્ચાંને આ મોઢે છે, રોઝીએ કહ્યું. – રોઝી, મને મારી લેખમાળાનું શીર્ષક મળી ગયું. પછી મેં ઉમેર્યું. પહેલી લાઇન નહીં, બીજી લાઇન...! યહ તો વહી જગહ હૈ ગુઝરે થે હમ જહાં સે....


[ગુજરે થે હમ જહાં સે, ૧૯૮૨]