ગુજરાતી બાળવાર્તા સંપદા/ઓઘડભાઈના ગલ્લા
ભારતીબહેન ગોહિલ
રાયપુર નામનું ગામ. ગામમાં ખેડૂતો ઘણા. ખેતી કરીને પોતાનું અને સમાજનું ભરણપોષણ કરે. સાથે સાથે કારીગરોની પણ ઠીક ઠીક વસ્તી. લાકડાંમાંથી વિવિધ વસ્તુઓ બનાવે એવા સુથાર પણ ખરા ને લોખંડની ચીજો બનાવે તેવા લુહાર પણ ખરા. નાનાંમોટાં સૌને માપ પ્રમાણે મનગમતાં કપડાં સીવી દે એવા દ૨જી પણ ખરા અને માટીમાંથી વિવિધ આકારની ચીજો બનાવીને લોકોની સેવા ક૨ના૨ કુંભાર પણ ખરા ! આમાંના એક કુંભાર તે ઓઘડભાઈ ! લાંબો ઝભ્ભો ને ટૂંકી પોતડી પહેરે ને માથે ફેંટો તો હોય જ ! ઘ૨ જુઓ તો નાનકડો ઓરડો, ઓસરી ને રસોડું... પણ ફળિયું મોટું ને ફળિયામાં જ ચાક રાખેલો હોવાથી ઓઘડભાઈ ઘ૨માં હોય એના કરતાં ઝાઝો સમય ફળિયામાં જ જોવા મળતા. માટી દૂરથી લાવવી પડતી તેથી આઠ-દસ ગધેડાં રાખે. ગધેડાં એટલે આમ તો પશુ પણ ઓઘડભાઈ માટે એ ક્યારેય પશુ ન હતાં. એમને ખવરાવવા, પિવરાવવા અને આરામ અપાવવાની બાબતમાં ઓઘડભાઈ એટલા ચુસ્ત હતા કે લોકો ક્યારેક હસતા : ‘આ કંઈ પશુ નથી, ઓઘડભાઈનાં સંતાનો છે !’ સાંભળીને તેઓ જવાબ આપતા, ‘હું એમના બાપ સમાન છું... અબોલ જીવનો આત્મા ન દુભાવાય’ આવા તો એ પવિત્ર માણસ. જ્યારે પણ ચાક ૫૨ કામ કરતા હોય ત્યારે લાગે કે એ વાસણો નથી બનાવતા, ઈશ્વરની પૂજા કરી રહ્યા છે. ને તેમની પત્ની, સંતાનો સૌ તેમને આ કામમાં મદદ કરતાં... ને જોતજોતાંમાં માટીનું રૂપાંતર ક્યારેક માટલામાં, ક્યારેક કૂંડાંમાં, ક્યારેક તાવડીમાં, ક્યારેક હાંડલાંમાં તો ક્યારેક બાળકો માટેના પૈસા ભરવાના ગલ્લામાં થઈ જતું. તૈયા૨ થયેલો આ માલ પાછળના વાડામાં હારબંધ ગોઠવાતો ત્યારે ખૂબ જ સુંદર લાગતું. ઘણી વાર પોતાના આ સર્જન ૫૨ ઓઘડભાઈ નજ૨ ક૨તા તો તેમનું હૈયું ગદ્ગદિત થઈ જતું અને બોલાઈ જતું, ‘પ્રભુ ! તારું સર્જન તો ખરેખર ન્યારું છે !’ આમ તો આ બધાં વાસણો સમજુ હતાં. સંપીને રહેતાં હતાં; કેમ કે ઓઘડભાઈએ તેમને સૂચના આપી જ હતી કે જો તમે સંપીને નહીં રહો... અંદરોઅંદર લડાઈ-ઝઘડા કરશો... મારામારી કરશો તો કોઈ પણ વાસણ આખું નહીં રહે ને તરત જ ઠીકરાં થઈ જશો... આવાં ઠીકરાં કંઈ કામમાં આવે નહીં...ઉકરડે જ નાખવાં પડે ! માટે ધ્યાન રાખજો. તેથી બધાં ધ્યાન તો રાખતાં પણ બાળકો માટેના ગલ્લા હતા તે બહુ નખરાળા અને ટીખળી સ્વભાવના હતા. વારંવા૨ બીજાં વાસણોને ખીજવ્યાં કરે ને ઠેકડી ઉડાડ્યાં કરે... આનાથી કંટાળી બધાં વાસણો એક થઈ ગયાં અને પેલા ગલ્લાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એક દિવસ બધાં માટલાં એકસાથે ગાવા લાગ્યાં :
‘અમે માટલાં જળે ભર્યાં,
ઉનાળે તો કેવાં ઠર્યાં,
તરસ્યાની મિટાવીએ તરસ,
રચના અમારી કેવી સ૨સ !’
સાંભળીને એક ગલ્લાને નવાઈ લાગી, કહે : ‘મને આમાં કાંઈ સમજાયું નહીં.’ એક માટલું બોલ્યું, ‘સાંભળ ગલ્લા ! અમે માટલાં છીએ... અમારી અંદર પાણી ભરાય... તરસ્યા લોકો પ્યાલો ભરીને પાણી કાઢે ને ત૨સ મિટાવે. ને હા... અમારી રચના તો સરસ મજાની… બહા૨ પણ સુંવાળાં અને અંદર પણ સુંવાળાં... જ્યારે તું તો...’ ગલ્લો કહે, ‘શું હું તો ?’ માટલું કહે, ‘તું તો આખો જ બંધ... જરા અમથી ખાલી જગ્યા રાખી છે તેમાંથી માંડ માંડ પૈસા અંદર જાય... અને જાય તો પાછા નીકળે જ નહીં ને... તું તો ડબા જેવો છે, ડબા જેવો !’ ગલ્લો આ સાંભળી વિચારમાં પડી ગયો. તેને થયું, ‘વાત તો સાચી છે... હું તો બહારથી જ દેખાવડો... અંદરથી તો બંધ...’ થોડી વાર થઈ ત્યાં તો કૂંડાં બધાં એકસાથે ગાવા લાગ્યાં :
‘અમે કૂંડાં માટીએ ભર્યાં,
બગીચે તો છોડે ભર્યાં,
ફૂલડાં ખીલે કેવાં મસ્ત !
રચના અમારી કેવી સરસ !’
ગલ્લાએ આ સાંભળ્યું. તેને થયું આ બધાં વાસણોને થયું છે શું ? પહેલાં માટલાં ને હવે કૂંડાં ! ત્યાં વળી કૂંડું કહે, ‘ગલ્લાભાઈ, જોઈ લ્યો... માટલાંની જેમ જ અમે આખેઆખાં સુંદર ! ખુલ્લી જગ્યામાં માટી નાખી છોડ વાવો ત્યારે અમારી સુંદરતા ઓર વધી જાય... ને તમે તો ઉ૫૨છલ્લા સુંદર... પૈસા નાખ્યા તે નાખ્યા... પાછા નીકળે જ નહીં... કાઢવા હોય તો તમને ફોડ્યે જ છૂટકો !’ ગલ્લાને માટલાંની વાત સાચી લાગી હતી... ને કૂંડાંની વાત પછી તો તેને ભરોસો પણ થઈ ગયો... પછી થયું, આ કુંભારે મને જ આવો કેમ બનાવ્યો ? મનોમન તે ગુસ્સે થઈ ગયો. ત્યાં તાવડીઓ એકસાથે ગાવા લાગી :
‘અમે તાવડીઓ ચૂલે ચડીએ,
તપીને રોટલી-રોટલા શેકીએ,
ભૂખ્યાંની મિટાવીએ ભૂખ,
રચના અમારી સુંદર ખૂબ !’
ગલ્લો તો બધી તાવડીઓ સામે જોઈ જ રહ્યો, ત્યાં એક તાવડી બોલી, ‘ગલ્લાભાઈ ! મેં માટલાંની અને કૂંડાંની વાત ધ્યાનથી સાંભળી છે. હું પણ બંને બાજુથી તેમના જેવી જ ઉપયોગમાં આવું છું. ચૂલા ૫૨ હોઉં ત્યારે અંદરથી પણ તપું અને બહારથી પણ ! તેના ૫૨ શેકેલા રોટલા-રોટલી માણસની ભૂખ મટાડે ને તમે ? તમે તો સાવ ફાંદાળા... બહારથી જ ખાલી રૂપાળા !’ હવે ગલ્લાને તો ખરેખર ખોટું લાગી ગયું. પોતાને જ આવો કેમ ઘડ્યો ? એમ વિચારી કુંભાર પર પણ રીસ ચડી... બીજો દિવસ થયો. ગલ્લાની રીસ હજુ ઊતરી નહોતી. ત્યાં ઓઘડભાઈ વાડામાં આવ્યા. જોયું તો તેમને નવાઈ લાગી. બધા જ ગલ્લા રિસાઈને દીવાલ બાજુ મોં ફેરવીને બેસી ગયેલા. ગલ્લાને આમ બેઠેલા જોઈ બાકીનાં વાસણો ખડખડ... ખડખડ... હસવા લાગ્યાં. ઓઘડભાઈને થયું લાવ ને બધાંને પૂછું તો ખરો….ને તેમણે –
‘માટલાંને પૂછ્યું તો તે ચૂપ,
તાવડીને પૂછ્યું તો તે પણ ચૂપ,
કૂંડાંને પૂછ્યું તો તે પણ ચૂપ,
હાંડલાંને પૂછ્યું તો તે પણ ચૂપ.’
ને ગલ્લાને પૂછ્યું તો તે તો બોલે જ શાના ? ઓઘડભાઈ મૂંઝાયા ! હવે શું કરવું ? કોને પૂછવું ? તે તો એક બાજુ છાનામાના બેસી ગયા. ત્યાં લાગ જોઈને તેમની પાસે એક ગલ્લો આવ્યો... બીજો આવ્યો... ત્રીજો આવ્યો... ને એમ કરતાં કરતાં બધા જ ગલ્લા આવી ગયા. ને પહેલેથી છેલ્લે સુધીની વાત કરી... પછી ફરિયાદના સૂરે કહ્યું, ‘તમે અમને જ કાં આવા બનાવ્યા ? બહારથી જ રૂપાળા ને મોટા મોટા ફાંદાળા...’ ઓઘડભાઈ વાત પામી ગયા. બધા ગલ્લાને સંબોધીને કહે, ‘બધાં વાસણોની વાત સાચી છે અને તમે પણ સાચા છો.’ ગલ્લા કહે, ‘તે બધાં વાસણ અને અમે, બધા સાચા કેવી રીતે ?’ ઓઘડભાઈએ કહ્યું, ‘માટલું પાણી ભરવામાં કામ આવે. માટલું પાણી ભરવાનું સાધન છે. પાણીની બચત કરવાનું નહીં તેથી તેને ખુલ્લું રાખવું પડે... ને આ કૂંડાં જેમાં છોડ વાવવાના હોય ને વાવ્યા પછી તેને વિકસવાની જગ્યા મળવી જોઈએ તેથી તેને પણ ખુલ્લું રાખવું પડે.’ એક ગલ્લો કહે, ‘તો પછી આ તાવડી...’ ઓઘડભાઈએ તેને જવાબ આપ્યો, ‘તાવડીનું કામ રોટલા રોટલી શેકવાનું ! સંગ્રહ કરવાનું નહીં ! અને હા... તમારું કામ તો વિશિષ્ટ છે.’ ગલ્લો આશ્ચર્ય પામીને કહે, ‘વિશિષ્ટ ! કઈ રીતે વિશિષ્ટ ?’ ઓઘડભાઈ કહે, ‘જુઓ, બાળકો એક એક કરીને તમારામાં પૈસા નાખે, સાચવે એ એટલા માટે કે તેને ભવિષ્ય માટે બચત કરવાની ટેવ પડે. વધુ પૈસા સાચવી શકાય એટલે તમારું પેટ તો મોટું રાખવું જ પડે. અને જો તમને ખુલ્લા રાખવામાં આવે તો બાળકોને કંઈ ખાવાની ચીજો માટે, ૨મવાની ચીજો માટે કે કોઈ બિનજરૂરી વસ્તુ માટે ખર્ચ ક૨વાનું મન થઈ જ જાય. પણ બંધ હોવાથી પૈસા કાઢવાનો પ્રશ્ન જ ન આવે ! અંદરથી ગલ્લાનો દેખાવ મહત્ત્વનો નથી, બાળકોમાં બચત કરવાની આદત પાડવી એ મહત્ત્વનું છે. અને તમને ખબર છે... આ શહેરોમાં જે મોટી મોટી બૅન્કો કામ કરે છે તેના પાયામાં તમે બધા જ છો... એટલે બાકીનાં બધાં વાસણો કરતાં તમારું કામ અત્યંત મહત્ત્વનું છે.’ ઓઘડભાઈના જવાબથી બધા ગલ્લાને સંતોષ થઈ ગયો. બાકીનાં વાસણો ગલ્લાને પાઠ ભણાવવા ગયાં પણ તેમાંથી તો નવી જ વાત નીકળી. તેથી તેઓ કોઈ કંઈ જ બોલી શકે તેવી સ્થિતિમાં ન રહ્યાં ! ને ઓઘડભાઈ પાછા ચાકડે બેઠા... માટીનો પિંડ તેના ૫૨ મૂક્યો ને ભજન લલકારતાં મસ્તીથી તેને ઘાટ આપવા લાગ્યા !