ગુજરાતી બાળવાર્તા સંપદા/ઓતરાખંડ જીતવા
નાગરદાસ ઈ. પટેલ
મેનાકુમારીના લગનની વાત જાણી ઓતરાખંડના રાજાના પેટમાં દુઃખવા માંડ્યું. એની ઈર્ષા વધી પડી. એણે દખ્ખણ દેશ પર ચઢાઈ કરવા લશ્કર તૈયાર કરવા માંડ્યું. એ વાતની રાજા રણમલના દરબારમાં જાણ થઈ. મનુને પણ ખબર પડી. અને એના મનમાં લાગ્યું કે એને પોતાને લીધે આખા દેશને લડાઈમાં ઊતરવું પડે તે ખોટું. એ એકલો જ ઓતરાખંડના રાજાને જીતી આવે તો? તો તો એના જેવું રૂડું બીજું શું? એણે મેનાકુમારીને વાત કરી. એ પણ સાથે આવવા તૈયાર થઈ. પણ મનુએ એને સમજાવી, ને પોતે એકલો ચાલ્યો ઓતરાખંડ જીતવા. એ હતો લહેરી જવાન. આમતેમ જોતો જાય ને ચાલતો જાય. જતાં જતાં એની નજર એક ખેડુ ઉપર પડી. એ ખેતર ખેડતો જાય ને પાછળ જે ઢેફાં પડે તે ઉપાડીને ખાતો જાય! મનુએ તો જોયા જ કર્યું. એને ભારે નવાઈ લાગી. પેલો ખેડૂત તો ઢેફાં ખાધે જ રાખે! જાણે બરફીનાં ચોસલાં ખાતો ન હોય! ‘વાહ! આ તો ભાઈ, અજબ જેવું!’ મનુ બોલી ઊઠ્યો. એ સાંભળીને ખેડૂત બોલ્યો : ‘આમાં તે શું અચરજ પામો છો! ખરું કર્યું તો પેલા સો’ણલિયાએ! અચરજ તો એણે કર્યું કે સરરર કરતુંકને બાણ ફેંક્યું એણે ઓતરાખંડના રાજાના દરબારમાં!’ ‘તમે સો’ણલિયાને જોયો છે!’ મનુએ સવાલ કર્યો. ‘જોયેલો નથી પણ એનો સારાયે દેશમાં ડંકો વાગ્યો છે.’ ‘મારું નામ જ સો’ણલિયો.’ મનુએ કહ્યું. ‘એમ કે! સારું થયું કે તમારી ઓળખાણ થઈ. ક્યાં જાવ છો?’ ખેડૂતે પૂછ્યું. ‘ઓતરાખંડ જીતવા.’ ‘ચાલો ને, હુંયે સાથે આવું. એકથી ભલા બે.’ ખેડૂત બોલ્યો. ‘ના રે! હું એકલો જ બસ છું.’ ‘બે જણ હઈશું તો આનંદ આવશે.’ ‘ભલે ભાઈ.’ હળને જુંસરે ભેળવી બળદને ગામ તરફ હાંકી મૂક્યા ને ખેડૂત મનુ સાથે ચાલ્યો. બેઉ જણ આગળ ચાલ્યા. જતાં જતાં દરિયાકાંઠે આવી પહોંચ્યા. એક જણ કિનારે બેઠો બેઠો ચસચસાવીને દરિયાનાં ખારાં પાણી પીતો હતો! એ જોઈને એને નવાઈ લાગી કે આ તે ખારું પાણી શી રીતે પીતો હશે! જૂના કાળમાં એક મોટા ઋષિ આચમન કરીને સમુદ્રનું બધું પાણી પી ગયા હતા તે એણે વાંચ્યું હતું, પણ આ તો નજરે જોયું! એ બોલી ઊઠ્યો : ‘વાહ! આનામાં તો અજબ કરામત છે!’ પેલો કહે : ‘આમાં તે શું છે મારા ભાઈ! રંગ રાખ્યો પેલા સો’ણલિયાએ! દખ્ખણ દેશનો ચાંદો ચૂંટી ગયો એ તો!’ ‘સો’ણલિયાને તેં જોયો છે?’ ખેડૂતે એને પૂછ્યું. ‘જોયેલો નથી પણ એની કીર્તિ મારા કાને અથડાઈ છે.’ ‘એ જ ગમ્મત છે ને! આ જવાનડાનું જ નામ સો’ણલિયો!’ ખેડૂતે ઓળખાણ કરાવી. ‘ઓહો! સારું થયું ભાઈ, તમે મળ્યા તે.’ એ બોલ્યો અને ખબરઅંતર પૂછી. મનુની વાત સાંભળી એણે પણ સાથે આવવા આગ્રહ કર્યો. ‘બેથી ભલા ત્રણ’ કરીને એને પણ સાથે લીધો. ત્રણે જણ આગળ ચાલ્યા. ત્યાં તો એક જણ ઘંટીના પડિયાં પૈડાંની માફક પગે બાંધીને એવો દોડે, એવો દોડે. કે ન પૂછો વાત! એણે જોતજોતામાં આગળ દોડતા હરણને પકડી પાડ્યું. ઘંટીનાં પડિયાં પણ એવાં ફેરવે કે જાણે પાટા ઉપર પૈડાં ચાલ્યાં! ‘ઓહો! આણે તો ભાઈ! ભારે કરી ને!’ ‘એમાં તે શું ભારે કરી, ભારે કરી, કહો છો! ભારે કરી તે પેલા સો’ણલિયાએ!’ એણે જવાબ આપ્યો. ‘સો’ણલિયાને તમે જોયો છે?’ ‘જોયો નથી પણ નામે તો સાંભળ્યું છે ને!’ પેલાએ જવાબ દીધો. ‘એ જ ગમ્મત છે ને! આ ભાઈનું નામ સો’ણલિયો.’ ‘તમને જોઈને મને બહુ આનંદ થયો.’ અને પછી ખબરઅંતર પુછાઈ. એણે પણ પોતાને સાથે લેવા આગ્રહ કર્યો. ‘ત્રણથી ભલા ચાર’ કરીને એને પણ સાથે લીધો. ચારે જણ આગળ ચાલ્યા. આગળ જતાં ચારે જણે એક કૌતુક જોયું. એક જણ જમીન પર કાન દઈને સૂતો હતો. અને એના મોઢા પર ભારે અજાયબી હતી. ‘શું કરો છો ભાઈ?’ મનુએ એને પૂછ્યું. એણે જવાબ દીધો : ‘પાતાળમાં કીડીઓનાં બે મોટાં ટોળાં વચ્ચે ખૂનખાર લડાઈ ફાટી નીકળી છે તે હું સાંભળું છું, અને એમને સુલેહ કરવા સમજાવું છું.’ ‘એ તો ભારે કપરું કામ!’ ‘એમાં તો કાંઈ નથી. કપરું કામ તો કર્યું પેલા સો’ણલિયાએ.’ એણે જવાબ દીધો. ‘સો’ણલિયાને તમે જોયો છે?’ ખેડૂતે એને પૂછ્યું. ‘ના ભાઈ, જોયો તો નથી પણ એના નામના તો ડંકા વાગે છે.’ ‘આ ભાઈનું નામ સો’ણલિયો.’ અને પછી ખબરઅંતર પુછાઈ અને એણે પણ પોતાને સાથે લેવા આગ્રહ કર્યો. ‘ચારથી ભલા પાંચ’ કરીને એને પણ સાથે લીધો. આગળ જતાં એક જણને આકાશ સામે તાકીને જોયા કરતાં દીઠો. એ આંખનું મટકું પણ મારતો ન હતો, તે જોઈને સૌને નવાઈ લાગી. ‘શું કરો છો ભાઈ?’ મનુએ પૂછ્યું. ‘ત્રણ દિવસ ઉપર મેં એક બાણ છોડ્યું હતું તે હમણાં સોરું પાછું આવવાનું છે તેની રાહ જોઉં છું.’ ‘આ તો અક્કલ કામ ન કરે એવી વાત છે!’ એવામાં પેલું બાણ આવીને બાજુમાં પડ્યું. ‘ઓહો! આમાં તે શું હેરત પામી જાવ છો! હેરત પામી જવાય એવું તો પેલે સો’ણલિયે કર્યું છે!’ અને એને સો’ણલિયાની ઓળખાણ કરાવી. એણે પણ પોતાને સાથે લેવાનો આગ્રહ કર્યો. ‘પાંચથી ભલા છ’ કરીને એને પણ સાથે લીધો. આગળ જતાં એક જણ બેઠો બેઠો અજબ જેવી રીતે પક્ષીઓની પાંખો બદલતો હતો. કબૂતરને એણે પતંગિયાની પાંખો આપીને ઉરાડ્યું હતું. ને બીજા પંખીની પાંખો પણ ભારે સિફતથી બદલતો હતો. એ જોઈ બધાને નવાઈ લાગી. ‘આણે તો ભાઈ કમાલ કરી!’ ‘કમાલ કરી તો પેલે સો’ણલિયે. મેં તો એની સરખામણીમાં કશુંયે કર્યું નથી.’ સૌએ એને સો’ણલિયાની ઓળખાણ કરાવી, અને એણે પોતાને સાથે લેવાનો આગ્રહ કર્યો. ‘છથી ભલા સાત’ કરીને એને પણ સાથે લીધો. સાતે જણ ચાલ્યા ઓતરાખંડ જીતવા. જતાં જતાં એક જણને ખભા ઉપર શંકરનું જબરદસ્ત દહેરું ઊંચકીને જતાં જોયો. એના શરીરના પ્રમાણમાં દહેરું તો ક્યાનું ક્યાંયે મોટું હતું! ‘ઓહોહો! આણે તો ભાઈ ગજબ કર્યો!’ ‘એમાં તે મેં શાનો ગજબ કર્યો! ભોળા શંભુનો હું ભક્ત છું, અને જ્યાં જઈએ ત્યાં શંકરનું દહેરું હોય પણ ખરું, ને ના પણ હોય; એટલે આપણે તો આપણું દહેરું સાથે જ રાખીએ છીએ. એક ખભા પર ભલેને પડ્યું રહે. પૂજા કરવી હોય ત્યારે ઉતારીને નીચે મૂકીએ. ગજબ કર્યો તો પેલા સો’ણલિયાએ.’ અને એને પણ સો’ણલિયાની ઓળખાણ કરાવી. એણે પણ સાથે આવવાનો આગ્રહ કર્યો. સાતથી ભલા આઠ કરીને એનેય સાથે લીધો. આઠે જણા ચાલ્યા ઓતરાખંડ જીતવા. સાતેમાં જુદીજુદી એક કળા હતી, ને એ સાતેનો સદુપયોગ કરવાની બુદ્ધિ સો’ણલિયામાં હતી.