ગુજરાતી બાળવાર્તા સંપદા/કીડી-મકોડીબહેન ગોળ-ખાંડવાળા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કીડી-મકોડીબહેન ગોળ-ખાંડવાળાં

રમેશ શિ. ત્રિવેદી

એક હતાં કીડીબહેન. ને એક હતાં મકોડીબહેન. બેઉ જણ મોજ-મજા કરે, ને ગાતાં ફરે :

ખાંડ ખૈએ, ગોળ ખૈએ,
ખૈએ અમે ગાજર રે,
ઘરમાં – દરમાં હરતાં-ફરતાં,
જ્યાં જુઓ ત્યાં હાજર રે !

એક વા૨ કીડી-મકોડીની જોડી કરિયાણાવાળાની દુકાનમાં ઘૂસી ગઈ. દુકાનમાં તો ટોપરાં ને ખારેક, કાજુ ને દરાખ, બદામ-પિસ્તાં ને વાહ ભૈ વાહ, મજાના ગોળના ૨વા ! ખાંડની મોટી મોટી ગૂણો ! કીડીબહેન તો ગેલમાં આવી ગયાં. ખાંડ તો એમને બહુ ભાવે. દડબડ દડબડ કરતાં એ ખાંડની એક ગૂણ પાસે દોડી ગયાં. ગૂણમાં એક નાનું કાણું હતું. કીડીબહેન કહે : મકોડીબહેન, તમે આ કાણાને મોટું કરી નાખો !’ મકોડીબહેન કહે : ‘ભલે, આ કામ તો મારું, આમ ચપટીમાં કાણાને કરી નાખું મો...ટું... દ૨વાજા જેવડું !...’ ને મકોડીબહેન તો મંડ્યાં, થોડી વારમાં જ કાણાને કરી નાખ્યું મો...ટું ! કીડીબહેન ચોરપગલે કાણામાં થઈને ગૂણમાં ઘૂસ્યાં ને પાછળ ને પાછળ મકોડીબહેનેય ઘૂસ્યાં. કીડીબહેન તો આંખો ફાડીને જોઈ રહ્યાં : ‘અધધધ ! આટલી બધી ખાંડ !’ મકોડીબહેન બોલ્યાં : ‘અરે ! આ તો ખાંડનો ધોળો ધોળો દરિયો !’ કીડીબહેન કહે : ‘ના, રે ના, આ તો પહાડ છે ખાંડનો ! પહાડ !’ મકોડીબહેન બોલ્યાં : ‘મને તો ગોળ બહુ ભાવે છે !’ કીડીબહેને મોં મચકોડ્યું : ‘બહુ સારું, પહેલાં ખાંડ ખૈએ, એ પછી ગોળની વાત...’ ને પછી બેઉ જણાં ખાંડ ખાવા મંડી પડ્યાં, કટકટ... બટ... બટ... કરતાં પેટ ભરીને ખાંડ ખાધી. ખાંડ ખાઈને પછી બંને જણ ત્યાં ને ત્યાં જ ઊંઘી ગયાં. જાગ્યાં ત્યારે જોયું તો આ શું ?... ના મળે ખાંડની ગૂણ કે ના મળે દુકાન ! હવે ? કીડીબહેન-મકોડીબહેન અચરજમાં ડૂબી ગયાં. નાનકડું ઘર ને ઘ૨માં ૨હે એક ડોશી. ડોશીની બાજુમાં ગોળનું પડીકું ! ગોળ જોતાંની સાથે જ મકોડીબહેનના મોંમાં પાણી આવી ગયું. એ કહે : ‘કીડીબહેન, ગોળ ખાવો છે, પણ આપણે તો ખાંડની પ્લાસ્ટિકની કોથળીમાં પુરાઈ ગયાં છીએ એનું શું ?’ કીડીબહેન કહે : ‘હા, ડોશીમા દુકાનેથી ખાંડ લાવ્યાં ને આપણેય આવી ગયાં ખાંડની કોથળી સાથે ડોશીના ઘરમાં. હવે શું કરીશું ?’ મકોડીબહેન કહે : ‘મારે તો ગોળ ખાવો છે એનું શું ? મને તો ખાંડ કરતાં ગોળ બહુ ભાવે હોં !’ કીડીબહેન કહે : ‘ભલે, તમે જાઓ ગોળ ખાવા, ને હું તો મારે મીઠી મીઠી ખાંડ એકલી નિરાંતે આરોગીશ.’ ડોશીએ તો પછી ખાંડની કોથળી ખોલી નાખી. મકોડીબહેન તો ક્યારનાંય રાહ જોઈને બેઠાં હતાં કે ક્યારે કોથળી ખૂલે ને ક્યારે હું બહાર નીકળું. એ તો દડબડ... દડબડ કરતાં દોડ્યાં ને સીધાં ગોળના પડીકામાં ઘૂસી ગયાં. એમને મનમાં બીક હતી કે ડોશી જોઈ જશે તો આપણા બાર વાગી જશે, પણ ડોશી શું જુએ, ધૂળ ? મકોડીબહેન તો એવાં પાક્કાં હતાં કે પડીકામાં પેસતાંની સાથે જ સંતાઈને બેસી ગયાં ચૂપચાપ. ડોશીએ કોથળીમાંની ખાંડ ડબ્બામાં ભરી લીધી. કીડીબહેન તો પુરાઈ ગયાં ડબ્બામાં ! હવે ? ખાંડ ભરી લીધી, પછી હવે આવ્યો ગોળનો વારો. પડીકું છોડીને ડોશી ઊભાં થયાં. ખૂણામાં પડેલી મટકી લઈ આવ્યાં. ગોળનાં નારિયેળ જેવડાં ઢેફાના નાના નાના કટકા કર્યા ને ગોળ ભેગાં મકોડીબહેનેય પુરાઈ ગયાં મટકીમાં. હવે ? કીડીબહેન પુરાયાં ખાંડના ડબ્બામાં ને મકોડીબહેન પુરાયાં ગોળની મટકીમાં. હવે ? મટકીની અંદર બધે અંધારું ઘોર ! મકોડીબહેન તો સાવ બીકણ, એમણે તો સાદ પાડ્યો : ‘કીડીબહેન, ઓ કીડીબહેન, મને બહાર કાઢો ને !’ કીડીબહેન તો ડબ્બામાં રહ્યાં રહ્યાં હસવા લાગ્યાં. એ કહે : ‘અંધારું તો અહીં ડબ્બામાંય છે, પણ અમે કંઈ તમારા જેવા ડરપોક નથી હોં !’ ડોશી બપોરે ખાઈ-પીને ઊંઘી ગયાં. કીડીબહેન ને મકોડીબહેનની તો ઊંઘ હરામ થઈ ગઈ હતી, પણ શું કરે ? પછી બપોરની ઊંઘ લઈને ડોશી ઊઠ્યાં. એમણે ચા મૂકવા માટે ખાંડનો ડબ્બો ખોલ્યો કે તરત કીડીબહેન બહાર નીકળી ગયાં. હવે ? હવે મકોડીબહેનનું શું ? એમને કેવી રીતે મટકીમાંથી બહાર કાઢવાં ? કીડીબહેન વિચારમાં પડી ગયાં. ત્યાં સાંજ ઢળી. ડોશી હતાં તે રાંધવા બેઠાં. એક બાજુ ખીચડી મૂકી ને બીજી બાજુ શાક વઘાર્યું. શાકમાં ગોળ નાખવા મટકી લીધી, મટકી પર ઢાંકેલું કોડિયું લઈને નીચે મૂક્યું. કીડીબહેન તો લાગ જોઈને બેઠાં હતાં. ડોશીના પગે મોટો ચટકો ભરવાનો વિચાર આવ્યો કે તરત પાછી એમને દયા આવી ગઈ. મનમાં થયું, બિચારાં ઘરડાં ડોશીમાને નકામાં વધારે હેરાન શા માટે કરવાં ?... ને પછી તરત કીડીબહેને ડોશીના પગે ચટકાને બદલે હળવે રહીને નાની ચટકી ભરી લીધી. ‘અરે મૂઈ કીડી વળી ક્યાંથી ચટકી ગઈ ?’ – ડોશી ચિસકારો મારતાં મારતાં એકદમ ઊભાં થઈ ગયાં ને એ સાથે કીડીબહેન તો જીવ લઈને ભાગ્યાં. જતાં જતાં એમણે મટકીમાંનાં મકોડીબહેનને સાદ પાડ્યો : ‘અરે ઓ મકોડીબહેન... ભાગો રે, ભાગો !’ મકોડીબહેન તો આ સાથે જ મટકીમાંથી બહાર નીકળ્યાં, ને નીકળ્યાં એવાં જ એ નાઠાં – દડબડ... દડબડ કરતાં, પડતાં-આખડતાં એ તો છેક ઘરની બહાર નીકળી ગયાં. પછી આ બાજુ ડોશીમા તો એવાં ચિઢાયાં કે ભૂલેચૂકેય જો કીડીબહેન એમના હાથમાં આવી જાય તો માથું જ ફોડી નાખે એનું, પણ એમ કંઈ કીડીબહેન થોડાં એમના હાથમાં આવે !... એ તો એવાં જબરાં કે થઈ ગયાં છૂમંતર... પછી કીડીબહેન ને મકોડીબહેન એકબીજાને મળ્યાં, ત્યારે ખૂબ રાજી રાજી થઈ ગયાં. બેઉ જણ સામસામી તાળી લઈ પેટ દુ:ખી જાય એટલું ક્યાંય સુધી હસ્યાં : ‘વાહ ભૈ વાહ, આજે તો જો થઈ છે !’ મકોડીબહેને તો ગીતેય જોડી દીધું :

ડોશીની મટકી,
ગોળની કટકી,
કીડીની ચટકી,
કેવી હું છટકી !!

ને પછી કીડીબહેન ને મકોડીબહેને એકબીજાના હાથમાં હાથ મેળવી ચાલતાં ચાલતાં ગાવા માંડ્યું :

ખાંડ ખૈએ, ગોળ ખૈએ,
ખૈએ અમે ગાજર રે,
ઘરમાં-ઘ૨માં હરતાં-ફરતાં,
જ્યાં જુઓ ત્યાં હાજર રે !