ગુજરાતી બાળવાર્તા સંપદા/ટમેટું રે ટમેટું
રમેશ શિ. ત્રિવેદી
એક હતું ટમેટું. ટમેટું તો ભારે તોફાની. આખી વાડીમાં એ કૂદાકૂદ કરે, ને ગાતું ફરે;
સૂરજ કેવો ઊગે લાલ !
રાતારાતા મારા ગાલ,
હું મસ્ત મજાનું ટમેટું,
હું નાનું નાનું ટમેટું !
ટમેટાને જોતાં જ ખિસકોલી દોટ મૂકે. ટમેટું ખિસકોલીની પાછળ દોડે. ખિસકોલી ઝાડ પર ચઢે તો ટમેટુંય ઝાડ પર ચઢી જાય. ખિસકોલી પાંદડાં પાછળ સંતાઈ જાય તો ટમેટું ડાળીએ ઝૂલો ઝૂલે. ઝૂલતાં ઝૂલતાં એ ચીં... ચીં કરી ચકલીના ચાળા પાડે. કાગડાને કા... કા... કરતો જોઈને એનીય મશ્કરી કરે ને પછી વાંદરાભાઈને જોઈને હૂપાહૂપ કરી દોટ મૂકે, મોટેથી ગાય – વાંદરાભાઈનું હૂપ, કાગડાભાઈ તો ચૂપ ! એક વાર વાડીમાં દોટંદોટ કરતું ટમેટું તો વાંદરાભાઈની બીકે ઝાડ પર ચઢી ગયું. ઝાડ પરથી એણે ભૂસકો માર્યો ને પગમાં કાંટો પેસી ગયો. હવે શું કરવું ? એ ગયું ચકલી પાસે. ચકલીને કહે : ‘ચકલી ચકલી, કાંટો કાઢ !’ ચકલી કહે : ‘જા, જા, નહિ કાઢું તારો કાંટો.’ ટમેટું કહે : ‘બોલ, તું મારો કાંટો કેમ નહિ કાઢે ?’ ચકલી કહે : ‘તું રોજ ચીં... ચીં... કરી મારા ચાળા પાડે છે એટલે...’ ટમેટું તો મોં મચકોડીને આગળ ચાલ્યું. એ બોલ્યું : ચીં... ચીં... હજાર વાર ચીં... ચીં... જા, મારે કાંટો નથી કઢાવવો ! ટમેટું ખિસકોલી પાસે ગયું. એ બોલ્યું : ખિસકોલી, પગમાંથી કાંટો કાઢ ! ખિસકોલી કહે : નહિ કાઢું..., એક તો કાંટો કઢાવવો છે ને ઉપરથી પાછો રોફ કેવો મારે છે ! ટમેટું તો ગુસ્સે થઈ ગયું. એ દોડ્યું ખિસકોલીને મારવા. ખિસકોલી તો સરરર કરતી દોડીને ઝાડ પર ચઢી ગઈ. ઊંચે જઈને એણે ટમેટા સામે જીભ કાઢી, ટમેટાના ચાળા પાડ્યા. પગે કાંટો વાગેલો તે ટમેટાભાઈ કરેય શું ? ટમેટાનું મોં પડી ગયું. મનમાં થયું; ‘હવે જવું કોની પાસે ? કોણ મારો કાંટો કાઢી આપશે ? ઝાળની ડાળે કાગડો બેઠો હતો. ટમેટું કાગડા પાસે ગયું. ટમેટાને જોતાં જ કાગડાએ કા... કા... કા... કરી મૂક્યું. ટમેટું તો રોવા લાગ્યું. પગમાં કાંટો ખૂંચે ને બહુ દુઃખે, ના રહેવાય કે ના સહેવાય. હવે જવું કોની પાસે ? વાંદરાભાઈ હૂપ કરતા ઝાડ પરથી નીચે કૂદી આવ્યા, એ બોલ્યા : ‘ટમેટાભાઈ, તમે રુવો છો કેમ ? વાંદરાભાઈને છાનું છાનું હસતા જોઈને ટમેટું ગુસ્સે થઈ ગયું. એ બોલ્યું : ‘વાંદરાભાઈ તમને ખબર તો છે કે મારા પગમાં કાંટો વાગ્યો છે તોય તમે પડતા પર પાટું મારો છો !...’ વાંદરો મોટેથી ખીખી કરી હસી પડ્યો. એ બોલ્યો : ‘ટમેટાભાઈ, તમે રોજ અમારી મશ્કરી કરો છો, તો કોઈ દહાડો અમારોય વારો આવે કે નહિ ?’ ટમેટાનું મોં બગડી ગયું. એ લંગડાતું લંગડાતું આગળ ચાલ્યું. એ ઝાડ નીચે જઈને બેસી ગયું. થોડીક વાર પછી એક પરી ત્યાં આવી પહોંચી. પરીને જોઈને ટમેટાને નવાઈ લાગી. એ બોલ્યું : વાહ ! વાડીમાં પરી !’ પરીએ ટમેટાની પાસે આવીને કહ્યું : ‘લાવો, ટમેટાભાઈ, પગમાંથી કાંટો કાઢું !’ ટમેટું કહે : પરીબહેન, તમને કોણે મોકલ્યાં ? પરી બોલી : કોણે તે ચીં... ચીં... કરતાં ચકલીબહેને, મજાનાં ખિસકોલીબહેને, કાગડાભૈ ને વાંદરાભૈએ.’ ટમેટું બોલી ઊઠ્યું : ‘એમ ના બને કદીય.’ પરી કહે : કેમ ના બને ? ટામેટું ઢીલું પડી ગયું. એ કહે : હું તો રોજ એમને સૌને બહુ પજવું છું ! પરી હસી પડી. એ કહે : ‘પણ હવેથી તું એમને નહિ પજવે. બોલ, ખરું કે નહિ ?’ ટમેટું શું બોલે ? એ તો શરમાઈ ગયું, ને નીચું મોં રાખીને બેસી રહ્યું. એણે આંખો મીંચી દીધી. પરીએ ટપ દઈને કાંટો કાઢી નાખ્યો. ટમેટાને તો ખબરેય ના પડી કે કાંટો ક્યારે નીકળી ગયો ! એણે ફરી આંખો ખોલી, જોયું તો પરી અલોપ થઈ ગઈ હતી ! કાંટો નીકળી ગયો ને ટમેટું રાજી થઈ ગયું. એ ફરી પાછું વાડીમાં બધે કૂદાકૂદ કરવા લાગ્યું. પણ હવે એ ચકલી, ખિસકોલી, કાગડાભૈ કે વાંદરાભૈની મશ્કરી કરતું નથી. સૌની સાથે હળીમળીને રમતું રમતું ગાય છે :
સૂરજ કેવો ઊગે લાલ !
રાતારાતા મારા ગાલ,
હું મસ્ત મજાનું ટમેટું,
હું નાનું નાનું ટમેટું !