ગુજરાતી બાળવાર્તા સંપદા/ક્રી ક્રી ક્રી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ક્રી ક્રી ક્રી

મહેશ ધીમર

ને વિશુ અને ગોપુએ ખોખું ખોલ્યું. કોણે મોકલ્યું હતું તેનો કોઈ અતોપતો નહોતો. કોથળીનું કવર જેમતેમ ફાડ્યું-તોડ્યું. પછી ખોખાના ઢાંકણનો વારો આવ્યો. ગોપુ વિશે જાણે કુસ્તી કરવા લાગ્યા. અંદરથી કંઈ ધક્કો લાગ્યો હોય એમ અચાનક ખુલી ગયું. ઓહો ! આને ઢીંગલો કહેવાય કે રોબોટ ? એક ફૂટનો રોબોટ. રોબોટની પીઠ પર વિશુએ એક લેબલ જોયું. લાલ અક્ષરે લખ્યું હતું : ‘હેપી બર્થ ડે, ગોપુ !’ નીચે ઘરનું સરનામું હતું. ‘ઓહો ! તો આ બર્થ ડેની ભેટ છે ! પણ કોણે મોકલાવી હશે ?’ બંનેએ રોબો ફેરવી ફેરવીને જોયો. પણ કંઈ ખબર નહિ પડી. વિશુ કહે, ‘કંઈ હજી કરામત હશે આમાં. ભેટ કોણે મોકલાવી એની ચિંતા છોડ. જલસા કર.’ અચાનક ગોપુની નજર ઢીંગલીના પીઠની નીચે લીલા અને લાલ બે બટન પર પડી. તેણે લીલું બટન દબાવ્યું કે અવાજ સંભળાયો : ‘ક્રીક્રીક્રી ક્રીક્રીક્રી ક્રીક્રીક્રી...’ ‘ઓય ઓય !’ ગોપુ બોલી પડ્યો, ‘આ તો જીવતું થયું !’ વિશુને લાગ્યું કે તે હસી રહ્યું છે. તેણે ડોકું નમાવ્યું. એકાદ ડગલું ભર્યું. વાંકું વળ્યું. ને હાથ લંબાવી પૉલિથીનની કોથળી ઊંચકી. ચબ ચબ ચબ...મોઢામાં મૂકી માવો ખાતું હોય એમ ચાવવા લાગ્યું. અરે, અરે ! આ ન ખવાય ! ગળામાં ફસાઈ જશે ! બહાર કાઢ, બહાર કાઢ ! ગોપુએ કોથળી ખેંચવા પ્રયત્ન કર્યો. રોબોટે તેનો હાથ હડસેલ્યો. ઓયવોય ! માથું ભારે બળુકું લાગે છે ! બંને હટી ગયા. ચળચળચળ અવાજ સંભળાતો હતો. વચ્ચે વચ્ચે ક્રી ક્રી ક્રી પણ ચાલુ જ...વિશુએ કહ્યું, ‘એને કોથળી ખૂબ ભાવતી લાગે છે...તેથી તે હસતાં હસતાં ખાય છે.’ તેનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો તે કચરાટોપલી પાસે પહોંચી ગયું. ટોપલી ઊંધી વાળી કોથળી વીણવા લાગ્યું અને ફરીથી તેનું ચબ ચબ ને ચળ ચળ શરૂ થયું. ‘ઓત્તારી !’ વિશુએ ખુશખુશ થઈને કૂદકા માર્યા, ‘આ તો પ્લાસ્ટિકખાઉ છે. લાગે છે આખી દુનિયાની પૉલિથીન કોથળીનો સફાયો બોલીજશે.’ ગોપુ ચિડોયો, ‘અરે બુડથલ ! આ કોથળી ખાઈને આ જીવને શું નુકશાન થશે એ વિચાર્યું છે કે ?’ વિશુએ કહ્યું, ‘સાચી વાત છે.’ બોલતાં બોલતા તેણે ક્રી ક્રી ક્રી તરફ ધ્યાનથી જોયું. એક છોકરાએ વેફરનું પાઉચ ત્યાં જ ફેક્યું. રોબોટે ચડપ દઈને મોંમાં ખોસ્યું. ગોપુએ ડોળા તાણ્યા. રોબો હસી રહ્યું, ‘ક્રી ક્રી ક્રી...’ ક્રી ક્રી ક્રી લોક ચર્ચાનો વિષય બની જાય એ પહેલા તેઓ ઘરમાં ભરાઈ ગયા. ક્રી ક્રી ક્રીનાં પેટમાં ભરાવો થઈ રહ્યો હતો. આને દાક્તર પાસે લઈ જવું પડશે કે શું ? ગોપુને ચિંતા થવા લાગી. વિશુ સાંજ પડતાં પહેલા ગોપુના ઘરે પાછો આવી ગયો. ‘હવે કેમ છે ક્રી ક્રી ક્રીને ?’ કોથળી સિવાય બીજું કશું ખાધું કે નહી ? વિશુએ આવતાની સાથે પૂછ્યું. ‘પેટ ફૂલી ગયું છે.’ ગોપુ બોલ્યો, ‘હવે ચૂપ થઈને બેઠું છે.’ તેઓ ખૂણામાં ચૂપચાપ બેઠેલા ક્રી ક્રી ક્રી પાસે ગયા. તે અચાનક પેટ પર બંને હાથ દાબવા લાગ્યું. ખાલી કચરાટોપલીમાં જ પ્રવાહી છોડ્યું. તેની વાસ કંઈક જુદી જ હતી. નીચે કંઈક કાળો કીટોડા જેવો ઘટ્ટ ગઠ્ઠો નીકળ્યો એવું લાગ્યું. ઠક ઠક ઠક’ દાદાજીની લાકડીનો અવાજ સંભળાયો. વિશુ ક્રી ક્રી ક્રીને ઊંચકીને ભાગ્યો. દાદાજીને ઓછું દેખાય છે. એ કોણ ભાગ્યું ? તોફાની વિશું કે ? ને આ ડીઝલ પેટ્રોલ ડામર જેવું શું ગંધાય છે ? વિશુ ગોપુના કાન ખુલી ગયા. હેં ! દાદાજીની વાત સાચી જ છે ને. આ રોહોટ નક્કી કોઈ ગજબનો જીવ છે અથવા તો મશીન ! જે પ્લાસ્ટિક ખાય છે ને પચાવે છે ને પેટ્રોલિયમ પેદા કરે છે. ‘સફાયો સફાયો સફાયો !’ પૉલિથીન બેગનો વિનાશ ! ને પેટ્રોલ ડીઝલનુ ઉત્પાદન ! વાહ વાહ ! વાહ વાહ ! વિશુને ગોપુ બૂમાટા પાડવા લાગ્યા. ને દાદાજીએ પેલો વિચિત્ર અવાજ સાંભળ્યો : ‘ક્રી ક્રી ક્રી...’