ગુજરાતી બાળવાર્તા સંપદા/ટમેટું રે ટમેટું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ટમેટું રે ટમેટું

રમેશ શિ. ત્રિવેદી

એક હતું ટમેટું. ટમેટું તો ભારે તોફાની. આખી વાડીમાં એ કૂદાકૂદ કરે, ને ગાતું ફરે;

સૂરજ કેવો ઊગે લાલ !
રાતારાતા મારા ગાલ,
હું મસ્ત મજાનું ટમેટું,
હું નાનું નાનું ટમેટું !

ટમેટાને જોતાં જ ખિસકોલી દોટ મૂકે. ટમેટું ખિસકોલીની પાછળ દોડે. ખિસકોલી ઝાડ પર ચઢે તો ટમેટુંય ઝાડ પર ચઢી જાય. ખિસકોલી પાંદડાં પાછળ સંતાઈ જાય તો ટમેટું ડાળીએ ઝૂલો ઝૂલે. ઝૂલતાં ઝૂલતાં એ ચીં... ચીં કરી ચકલીના ચાળા પાડે. કાગડાને કા... કા... કરતો જોઈને એનીય મશ્કરી કરે ને પછી વાંદરાભાઈને જોઈને હૂપાહૂપ કરી દોટ મૂકે, મોટેથી ગાય – વાંદરાભાઈનું હૂપ, કાગડાભાઈ તો ચૂપ ! એક વાર વાડીમાં દોટંદોટ કરતું ટમેટું તો વાંદરાભાઈની બીકે ઝાડ પર ચઢી ગયું. ઝાડ પરથી એણે ભૂસકો માર્યો ને પગમાં કાંટો પેસી ગયો. હવે શું કરવું ? એ ગયું ચકલી પાસે. ચકલીને કહે : ‘ચકલી ચકલી, કાંટો કાઢ !’ ચકલી કહે : ‘જા, જા, નહિ કાઢું તારો કાંટો.’ ટમેટું કહે : ‘બોલ, તું મારો કાંટો કેમ નહિ કાઢે ?’ ચકલી કહે : ‘તું રોજ ચીં... ચીં... કરી મારા ચાળા પાડે છે એટલે...’ ટમેટું તો મોં મચકોડીને આગળ ચાલ્યું. એ બોલ્યું : ચીં... ચીં... હજાર વાર ચીં... ચીં... જા, મારે કાંટો નથી કઢાવવો ! ટમેટું ખિસકોલી પાસે ગયું. એ બોલ્યું : ખિસકોલી, પગમાંથી કાંટો કાઢ ! ખિસકોલી કહે : નહિ કાઢું..., એક તો કાંટો કઢાવવો છે ને ઉપરથી પાછો રોફ કેવો મારે છે ! ટમેટું તો ગુસ્સે થઈ ગયું. એ દોડ્યું ખિસકોલીને મારવા. ખિસકોલી તો સરરર કરતી દોડીને ઝાડ પર ચઢી ગઈ. ઊંચે જઈને એણે ટમેટા સામે જીભ કાઢી, ટમેટાના ચાળા પાડ્યા. પગે કાંટો વાગેલો તે ટમેટાભાઈ કરેય શું ? ટમેટાનું મોં પડી ગયું. મનમાં થયું; ‘હવે જવું કોની પાસે ? કોણ મારો કાંટો કાઢી આપશે ? ઝાળની ડાળે કાગડો બેઠો હતો. ટમેટું કાગડા પાસે ગયું. ટમેટાને જોતાં જ કાગડાએ કા... કા... કા... કરી મૂક્યું. ટમેટું તો રોવા લાગ્યું. પગમાં કાંટો ખૂંચે ને બહુ દુઃખે, ના રહેવાય કે ના સહેવાય. હવે જવું કોની પાસે ? વાંદરાભાઈ હૂપ કરતા ઝાડ પરથી નીચે કૂદી આવ્યા, એ બોલ્યા : ‘ટમેટાભાઈ, તમે રુવો છો કેમ ? વાંદરાભાઈને છાનું છાનું હસતા જોઈને ટમેટું ગુસ્સે થઈ ગયું. એ બોલ્યું : ‘વાંદરાભાઈ તમને ખબર તો છે કે મારા પગમાં કાંટો વાગ્યો છે તોય તમે પડતા પર પાટું મારો છો !...’ વાંદરો મોટેથી ખીખી કરી હસી પડ્યો. એ બોલ્યો : ‘ટમેટાભાઈ, તમે રોજ અમારી મશ્કરી કરો છો, તો કોઈ દહાડો અમારોય વારો આવે કે નહિ ?’ ટમેટાનું મોં બગડી ગયું. એ લંગડાતું લંગડાતું આગળ ચાલ્યું. એ ઝાડ નીચે જઈને બેસી ગયું. થોડીક વાર પછી એક પરી ત્યાં આવી પહોંચી. પરીને જોઈને ટમેટાને નવાઈ લાગી. એ બોલ્યું : વાહ ! વાડીમાં પરી !’ પરીએ ટમેટાની પાસે આવીને કહ્યું : ‘લાવો, ટમેટાભાઈ, પગમાંથી કાંટો કાઢું !’ ટમેટું કહે : પરીબહેન, તમને કોણે મોકલ્યાં ? પરી બોલી : કોણે તે ચીં... ચીં... કરતાં ચકલીબહેને, મજાનાં ખિસકોલીબહેને, કાગડાભૈ ને વાંદરાભૈએ.’ ટમેટું બોલી ઊઠ્યું : ‘એમ ના બને કદીય.’ પરી કહે : કેમ ના બને ? ટામેટું ઢીલું પડી ગયું. એ કહે : હું તો રોજ એમને સૌને બહુ પજવું છું ! પરી હસી પડી. એ કહે : ‘પણ હવેથી તું એમને નહિ પજવે. બોલ, ખરું કે નહિ ?’ ટમેટું શું બોલે ? એ તો શરમાઈ ગયું, ને નીચું મોં રાખીને બેસી રહ્યું. એણે આંખો મીંચી દીધી. પરીએ ટપ દઈને કાંટો કાઢી નાખ્યો. ટમેટાને તો ખબરેય ના પડી કે કાંટો ક્યારે નીકળી ગયો ! એણે ફરી આંખો ખોલી, જોયું તો પરી અલોપ થઈ ગઈ હતી ! કાંટો નીકળી ગયો ને ટમેટું રાજી થઈ ગયું. એ ફરી પાછું વાડીમાં બધે કૂદાકૂદ કરવા લાગ્યું. પણ હવે એ ચકલી, ખિસકોલી, કાગડાભૈ કે વાંદરાભૈની મશ્કરી કરતું નથી. સૌની સાથે હળીમળીને રમતું રમતું ગાય છે :

સૂરજ કેવો ઊગે લાલ !
રાતારાતા મારા ગાલ,
હું મસ્ત મજાનું ટમેટું,
હું નાનું નાનું ટમેટું !