ગુજરાતી બાળવાર્તા સંપદા/બિલ્લી ચાલી દિલ્હી

બિલ્લી ચાલી દિલ્લી

સાકળચંદ. જે. પટેલ

એક હતી બિલ્લી. બિલ્લીનું નામ જોલી. જોલી તો સદાય આનંદમાં રહે, ને હરતાંફરતાં ગીત ગણગણે :

‘જોલી મારું નામ છે;
કેવું અમારું કામ છે !
કદી ન કો’થી બિયાઉં,
મિયાઉં... મિયાઉં... મિયાઉં !’

જોલીને પોચાં પોચાં રૂ જેવાં મજાનાં બે બચ્ચાં હતાં. બચ્ચાંને લઈને એ જમના ડોસીના ઘરમાં રહે. ડોસીને પેટ છૈયાં-છોકરાં હતાં નહિ. એમને જોલીનાં બચ્ચાં બહુ ગમતાં. ડોસી તો એકલાં, એટલે સાવ નવરાંધૂપ. આખો દહાડો એ તો બચ્ચાને રમાડે, જમાડે ને રાત પડે એટલે પોતાના ખાટલા નીચે જ સુવાડે. જોલીને તો એનાં બચ્ચાંની જરાય ચિંતા નહિ, એ તો મિયાઉં... મિયાઉં કરતી આખી શેરીનાં ઘર ગણ્યા કરતી. ડોસી ટી.વી.ની સ્વિચ ઑન કરે કે મિયાઉં કરતાં બચ્ચાં ખાટલા નીચેથી બહાર નીકળે ને એક ખૂણામાં ડાહ્યાંડમરાં થઈને બેસી જાય. મોડી રાત સુધી જોલી શેરીમાં ફરે ને ડોસીની સાથે એનાં બચ્ચાં ટી.વી. જોયા કરે. એક વાર જોલીય ટી.વી. જોવા બેઠી. ટી.વી.માં એણે દિલ્લી શહેર જોયું. દિલ્લીનો કુતુબમિનાર જોયો, લાલ કિલ્લો જોયો. પછી આગ્રા જોયું. આગ્રાનો તાજમહેલ જોયો ! ને બસ, એણે તો મનોમન ગાંઠ વાળી લીધી કે ગમે તેમ કરીને પણ દિલ્લી-આગ્રા તો જોવાં જ. એણે છગુ ઉંદરને વાત કરી : ‘છગુ, મારે તો ભૈ, એક વાર દિલ્લી જવું જ છે !...’ છગુ કહે : ‘ઓહો ! એમાં તો શી મોટી વાત છે ! આ હું જગુ જાડિયા પાસે જઉં ને એની પાસેથી એક સાઇકલ લઈ આવું...’ જોલી કહે : ‘ભલે... પણ મારાં બે કચ્ચાંબચ્ચાંને ક્યાં વેંઢારું ? ‘મને તો ભારે ચિંતા છે ! એમને રાખે કોણ ?’ છગુ, ‘કોણ કેમ ? આપણાં જમનામા તો છે.’ જમનાડોસી જોલી અને છગુની વાત સાંભળી રહ્યાં હતાં, એમણે તરત કહ્યું : ‘અલી જોલી, હજુ તો હું બેઠી છું અડીખમ, તારે તારાં બચ્ચાંની શી ચિંતા ?.... તું તારે જા ખુશીથી...’ જોલી રાજી થઈ ગઈ. એણે મિયાઉં કર્યું કે છગુ ચૂં ચૂં ચૂં ચૂં કરતો પૂંછડી પટપટ કરતો ઊપડ્યો જગુ જાડિયાની દુકાને. ‘બોલ, દોસ્ત મારે લાયક કોઈ કામ બોલ ?’ છગુ કહે : ‘એક સાઇકલ થોડા દહાડા માટે જોઈએ છે !’ જગુ બોલ્યો : ‘હમણાં તો વરસાદ પડે છે એટલે અમારી બધી જ સાઇકલો માંદી પડી ગઈ છે. એક બ્રેક વગરની સાઇકલ પડી છે, ચાલશે ?...’ છગુ : ‘હોવ, ચાલશે. ધીમે ધીમે ચલાવીશું એટલે કોઈ ભો નહિ.’ જગુ : ‘તો ભલે, પેલી પડી ખૂણામાં જાવ.’ છગુ તો સાઇકલ લઈને ચૂં ચૂં ચૂં ચૂં કરતો જોલી પાસે આવી ગયો. સાઇકલ જોઈને જોલી ખુશ થઈ. મિયાઉં કરી એણે કહ્યું : ‘છગુ, ચાલ બેસી જા દોસ્ત !’ છગુએ તો પૂંછડી પટપટાવી : ‘ના, મારે તો આવવું નથી. બ્રેક વગરની સાઇકલ પર ડબલ સવારી કરીએ ને રસ્તામાં ક્યાંક ટ્રક, મોટર નીચે આવી ગયાં, તો તો આપણો તો ભૈ, છુંદો જ...’ જોલી હસવા લાગી : છગુ તું તો ભૈ સાવ ડરપોક જ રહ્યો હો !...’ આપણે તો એક વાર નક્કી કર્યું કે દિલ્લી જવું એટલે જવું જ... પછી જે થવાનું હોય તે ભલે.... આમ બોલીને જોલી તો સાઇકલ પર સવાર થઈ ગઈ. થોડીક ડગુમગુ થતી સાઇકલ પરથી એણે જમનામાને, પોતાનાં રોવા જેવાં થઈ ગયેલાં બચ્ચાંને : ‘આવજો... સાચવજો...’ કહી દીધું, ને એ તો ભૈ ઊપડી દિલ્લીના મારગે.... રસ્તામાં એ ધીમે ધીમે સાઇકલ ચલાવે, વારે વારે ટનન... ટન કરતી ટકોરી વગાડે, મિયાઉં કરી હસે, ને પછી સૌ આવતાંજતાં લોકો સાંભળે એ રીતે મોટેથી ગાય :

‘જોલી મારું નામ છે;
કેવું અમારું કામ છે !
કદી ન કો’થી બિયાઉં,
મિયાઉં... મિયાઉં... મિયાઉં !’

ટોકરીનું ટનટન ધીમું વાગતું હતું, બ્રેક વગરની એની સાઇકલ વારે વારે ડગુમગુ થતી હતી. હવે શું કરવું ? જોલીએ તરત એક હૉર્ન ખરીદી લીધું. વળી ગરમી ખૂબ પડતી હતી એટલે ગોગલ્સ પણ ખરીદી લીધાં. માથે સ્કાફ બાંધ્યો. પગમાં બૂટ અને હાથે મોજાં. ભોં....ભોં.... કરતું હૉર્ન વાગે, લોકો એ સાંભળીને ચમકે. જોલી હસીને હાથ ઊંચો કરે ને ગાય :

‘જે મળે તે ખાઉં ખાઉં
સીધી દિલ્લી જાઉં જાઉં.’

જોલીના ચાળા જોઈને, એની ડગુમગુ થતી સાઇકલને જોઈને, સૌને ભારે અચરજ થાય. ‘વાહ ભૈ વાહ ! આ બિલ્લી મૂઈનો વટ તો જુઓ ! જોલી પણ રસ્તે આવતાં-જતાં લોકો સામે જોઈને હસે, હાથ ઊંચો કરે, ને પછી ભોં... ભોં..... કરતું હોર્ન વગાડે અને ગાઈ ઊઠે :

‘જે મળે તે ખાઉં ખાઉં
સીધી દિલ્લી જાઉં જાઉં.’

જોલીને મનમાં થયું : ‘દિલ્લી જાઉં છું !’ એવું લખીને બોર્ડ સાઇકલે ટિંગાડ્યું હોય તો કેવું ! અને એણે તો બોર્ડ સાઇકલમાં ટિંગાડીય દીધું ‘દિલ્લી જાઉં છું !’ પછી તો ભૈ, એક બિલ્લી બ્રેક વગરની ડગુમગુ સાઇકલ લઈને દિલ્લી જાય છે. એ અચરજ જેવી વાત જાણીને ગામેગામ જોલીનું સ્વાગત થવા લાગ્યું. છાપાવાળાઓએ એના ફોટા પાડીને છાપામાં છાપ્યા. ટીવીવાળાઓય દોડી આવ્યા. એમણે સાઇકલ પર દિલ્લી જતી જોલીને ટીવીમાં બતાવી. એને પૂછવામાં આવ્યું : ‘જોલીબહેન, તમે નવી સાઇકલ કેમ નથી લેતાં ? બ્રેક વગરની સાઇકલથી અકસ્માત થવાની બીક નથી લાગતી ?’ જોલી કહે : ‘મને સાહસ ગમે છે, હું ના કોઈથી બિયાઉં,... મિયાઉં.... મિયાઉં... મિયાઉં......!’ જમનામાએ પણ જોલીને ટી.વી. માં જોઈ, ને જોતાંની સાથે જ એ તો તાળી પાડીને બોખું બોખું હસી પડ્યાં. ‘ઓત્તારીની ! આ મૂઈ જોલીનો ઠઠારો તો જુઓ ! કેવી રૂપાળી રૂપાળી લાગે છે !... જોલીનાં બે બચ્ચાં માને જોઈને ટી.વી. ના પડદા પાસે દોડી ગયાં ને પડદાને ચાટવા લાગ્યાં. છગુ ઉંદરનો આનંદ તો હૈયામાં સમાતો જ નહોતો. એ તો જોલીને જોઈને નાચતો કૂદતો ગાવા લાગ્યો :

‘જોલી અમારી બિલ્લી રે,
કેવી ચાલી દિલ્લી રે !’

જગુ જાડિયાએ પણ જોલીને ટી. વી. માં જોઈ. પોતાની બ્રેક વગરની સાઇકલને જોલી કેવી ધીમે ધીમે ચલાવે છે એ જોઈને એ ખૂબ રાજી થઈ ગયો ને એ પણ ગાવા લાગ્યો :

‘સાઇકલ પર બિલ્લી,
જાતી કેવી દિલ્લી !’

જોલી તો છેવટે દિલ્લી પહોંચી ગઈ. બિલ્લીને જોઈને દિલ્લીના લોકોય ભેગા થઈ ગયા. સૌએ એનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું. સાઇકલ લઈને એ છેક દિલ્લી સુધી આવી પહોંચી તે બદલ સૌએ એને શાબાશી આપી. એની હિંમતના વખાણ કર્યાં. કેસર–પિસ્તાવાળું દૂધ પાયું, મેવા—મીઠાઈ જમાડ્યાં ને પછી ટૅક્સીમાં બેસવા ખૂબ આગ્રહ કર્યો, પણ જોલી તો વળી એકની બે થાય ખરી ? એણે કહ્યું : ‘મારે તો સાઇકલ વગર બીજું કંઈ ના જોઈએ, ના હું કોઈથી બિયાઉં, મિયાઉં.... મિયાઉં... મિયાઉં.. !’ પછી સૌને ‘બાય... બાય... ટાટા...’ કહીને જોલી તો ઊપડી. સૌથી પહેલાં એણે લાલ કિલ્લો જોયો ને પછી એ સીધી રાજઘાટ પહોંચી ગઈ, ત્યાં ગાંધીબાપુની સમાધિનાં દર્શન કર્યા, સમાધિ પર ફૂલ ચઢાવ્યાં ને પછી એ કુતુબમિનાર જોવા ઊપડી.

‘ચાલે મારી સાઇકલ સ૨૨૨૨... સર,
લાગે ના કોઈ ડર૨૨૨... ડર !’

કુતુબમિનાર જોઈને તો જોલીને ચક્કર આવી ગયા. એ બોલી : ‘બાપ રે, બાપ આ ઊંચો મિનારો તો છેક આકાશને જઈને અડે છે ! જોલીનાં ગોગલ્સેય નીચે પડી ગયાં. કોઈએ હસીને કહ્યું : ‘બિલ્લીબહેન, આટલે આવ્યાં છો તો દિલ્લીનું સંસદભવનેય જોઈ આવો ને !’ જોલીએ તો તરત નકારમાં માથું હલાવ્યું : ‘ના, રે ભૈ, ના. ત્યાં હાથમાં બંદૂક લઈને પોલીસ ઊભી હોય, આપણને એ કંઈ થોડી ઘૂસવા દે !’ તો કોઈએ વળી કીધું : ‘એમ કરો જોલીબહેન, આગ્રાનો તાજમહેલ જોઈ આવો. અજાયબી છે અજાયબી દુનિયાની !...’ જોલી બોલી : ‘એ તો મારે જોવાનો જ છે, ઘેરથી નક્કી જ કર્યું હતું કે આગ્રા જઈશું ને...’ અચાનક એની નજર એક ઝાડ પર પડી. ઝાડ પર માંકડાં કૂદાકૂદ કરી રહ્યાં હતાં. નાનાં બચોળિયાં તો ચિચિયારી પાડી માની પાસે દોડી જતાં હતાં. જોલીને આ જોઈને પોતાનાં બચ્ચાં યાદ આવી ગયાં એણે તરત સાઇકલ મારી મૂકી, આગ્રા તરફ જવાને બદલે એ તો ઊપડી પોતાના ગામ જવાને મારગે; એ હસતી જાય ને ગાતી જાય :

‘સાઇકલ સ૨૨૨૨... સર...
નથી કોઈનો ડ૨૨૨૨... ડર !’

જોલીની સાઇકલ તો હવામાં ઊડતી હોય તેમ રાત ને દહાડો દોડવા ને.... દોડવા લાગી, એને તો ભૈ, પોતાનાં વહાલાં બચ્ચાંને મળવાની, જમનામાને ને છગુ–જગુને મળવાની ઉતાવળ હતી. એ ગાતી હતી : ‘સાઇકલને ના હતી બ્રેક, તોય દિલ્લી પહોંચી છેક !’ પછી જોલી ઘેર પહોંચી ગઈ, એને જોઈને બચ્ચાં મિયાઉં કરતાં વળગી પડ્યાં.