ગુજરાતી બાળવાર્તા સંપદા/દૂધની ધારનું સંગીત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દૂધની ધારનું સંગીત

હરીશ નાયક

આદમ વહેલી સવારે ઊઠી ગયો. હજી ચાર નહોતા વાગ્યા. આકાશ ખૂબ સુંદર હતું. ભૂરા આકાશમાં સોનેરી તારાઓ ઝગમગતા હતા. કોઈક તારાઓ લાલ-સોનેરી હતા. એક તારો ઘણો મોટો હતો. જાણે હમણાં નજીક આવી જશે. જાણે હમણાં વાતો કરવા લાગશે. એ તારો આંખ મિચકારતો હતો. તારામાં એને કોઈક દેખાતું હતું. એ તારા સામે જોઈ આદમે હસી દીધું. તે કામે લાગી ગયો. તે હંમેશાં વહેલો જ ઊઠતો. આજે નાતાલ હતી. પણ તેને માટે રોજ નાતાલ હતી. તે ગાય દોહવા ગયો. ગાયને તેણે નીરણ નીરી દીધું. ઘાસ-દાણ-ખાણ બધું ગાય સામે ધરી દીધું. ગેંએંએં…. ગાયે આનંદ જાહેર કરી દીધો. આદમે ગાય દોહવાની શરૂઆત કરી દીધી. ગાયો મોટી ધારે દૂધ આપવા લાગી. જાડી ધારે તાંબડી ભરાતી થઈ ગઈ. નાતાલનું સંગીત સંભળાતું હતું. દૂધની ધાર સાથે સંગીત અદ્ભુત બની જતું. એક કેન ભરાઈ ગયું. આદમે બીજું કેન લીધું. દોહવાની સેર પર સેર શરૂ થઈ અને શરૂ થઈ ગયાં સપનાંઓ અને જૂની યાદો. તે વખતે તેની ઉંમર સોળ સાલની હતી. તે મહેનતુ ખરો પણ તેને ઊંઘ બહુ આવતી. સવારે કદી તે વહેલો ઊઠતો નહિ. તેનાં માતાપિતા જ વહેલાં ઊઠી, બધું કામ કરતાં. માતા કહેતી, ‘ભરવાડના ધંધામાં વહેલું ઊઠવું જરૂરી છે. ભરવાડનો સૂરજ તો મધરાતે જ ઊગે.’ પિતા કહેતા, ‘ભલે ઊંઘે. હજી એની ઉંમર શી છે? જવાબદારી સમજશે એટલે એની મેળે વહેલો ઊઠી જશે.’ સેએએ… સેએએ… સરરર… સર… દૂધની ધાર સંગીત છેડતી હતી. વાસણ ભરાતું હતું. સપનાંઓ છલકાઈ ઊઠતાં, જૂની યાદો મલકાઈ ઊઠતી. વાતને પૂરાં ચાળીસ સાલ થયાં. આજે નાતાલ હતી. તે વખતેય નાતાલ હતી. આગલી રાત્રે માતાએ બહુ મહેનત કરી હતી. નાતાલનું ઝાડ શણગારવામાં માતા કુશળ હતી. પિતા બીજી તૈયારીમાં પડી જતા. રાતનાં ગમે તેટલાં મોડાં સૂએ તોપણ માતાપિતા વહેલાં ઊઠી જતાં. સૂવા જતી માતાએ પૂછ્યું, ‘છોકરાઓ માટે કોઈ ભેટ રાખી છે કે નહિ?’ પિતા કહે, ‘કેમ નહિ! ઊઠીને જોશે અને ખુશ થઈ જશે. સાંતાદાદાનો આભાર માનશે.’ મા કહે, ‘તમે બહુ ભલા છો, પણ છોકરાને હવે તૈયાર કરવા જોઈએ.’ પિતા કહે, ‘તું ચિંતા ન કર. એની મેળે તૈયાર થશે. તૈયાર થશે પછી તો આપણનેય ટપી જશે.’ આદમ સૂતો હતો, પણ ઊંઘી ગયો નહોતો. માતાપિતાની આ વાત સાંભળતો હતો. સોળે સાન તો આવે જ ને! તેને થયું કે દર વખતે માતાપિતા જ શું કામ ભેટ આપે? શું બાળકો મા-બાપને ભેટ ન આપી શકે? બસ, તેના વિચાર આગળ વધી ગયા. તે મનમાં જ કહે, ‘આ વખતે હું ભેટ આપીશ. મારા વડીલો રાજી થાય તેવી ભેટ આપીશ.’ પણ હવે તો રાત પડી ગઈ હતી. હવે તે ભેટ કેવી રીતે મેળવે? તેને ઊંઘ ન આવી. તે સૂતો સૂતો વિચારે ચડી ગયો. અને... એક વિચાર તેણે પાકો કરી લીધો. તે સવારની રાહ જોતો થઈ ગયો. આજે તે વહેલો ઊઠશે. તે ઊઠી ગયો. અવાજ ન થાય તેમ ગમાણમાં ગયો. જતી વખતે માતાને ધાબળો ઓઢાડી દીધો. પિતાને ગોદડું ઢાંકી દીધું કે તેઓ ઊઠે નહિ. બહાર આકાશ સુંદર હતું. તારાઓ ઝગઝગતા હતા. એક મોટો તારો નજીક દેખાયો. સાંતાદાદા આવતા હતા. તેણે ગાયોને નીરણ નીરી દીધું. ઘાસ અને ખાણદાણ ધરી દીધું. ગાયનેય નવાઈ લાગી. હજી સવાર કંઈ થોડી જ થઈ છે? સોળ વરસના આદમે વાછરડાં પંપાળી દીધાં. ગાયોને હાથ ફેરવી દીધા. ગાય-વાછરડાંનો મેળાપ કરાવી દીધો. ગાયમાતા પછી દૂધ પણ ઘણું આપે છે. આપે જ જાય છે. જાણે અમીધારા બંધ થશે જ નહિ. આદમે દોહવાની શરૂઆત કરી. તે કંઈ બહુ હોશિયાર ન હતો, પણ ભરવાડનો દીકરો હતો. હાથમાં કસબ ખરો ને કામની હોંશ! દૂધની ધાર શરૂ થઈ. તાંબડીઓ ભરાતી ગઈ, તાંબડીમાંથી કેન ભરાયું. બીજું કેન પાસે લીધું. તે બધું ઝડપથી પતાવવા માગતો હતો, પણ કામ બગાડવા માગતો નહોતો. અને હાશ! કામ સમયસર પતી ગયું. ફરીથી તેણે વાછરડાને વહાલ કરી દીધું, ગાયના આખા શરીરે હાથ ફેરવી દીધા. કેન મજબૂત બંધ કરી દીધાં. પછી હળવેથી ખસી ગયો. માતાનો ધાબળો બરાબર કરી દીધો. પિતાનું ગોદડું ઠીક કરી દીધું. જાણે કંઈ થયું જ નથી, એમ તે સૂઈ ગયો. પણ ઊંઘ શેની આવે? નાતાલની રાત્રે કંઈ સાંતાદાદા સૂતા નથી! તેની માતા ઊઠી. પિતાને બૂમ પાડી તે કહે, ‘તહેવારને દિવસે તો વહેલા ઊઠો.’ પિતા કહે, ‘જાગી જ ગયો છું. હું કંઈ એટલો ઊંઘણશી નથી હા...!’ માતા કહે : ‘આદમને ઉઠાડી શું?’ પિતા કહે : ‘સૂવા દે એને. છોકરાઓને તો વધારે ઊંઘ જોઈએ!’ માતા કહે, ‘તમે હંમેશાં છોકરાઓની દયા જ ખાશો. પછી એ મોટા કેવી રીતે થશે?’ પિતા કહે, ‘એની મેળે થશે. તારે કહેવુંય નહીં પડે.’ આદમ બધું સાંભળતો હતો. મનમાં જ રાજી થતો હતો. માતા ઘરકામમાં લાગી ગઈ. પિતા ગમાણમાં ગયા. વાછરડાને વહાલ કરી દીધું. ગાયોને હાથ ફેરવી દીધો. ઘાસ-ખાણદાણ નીરી દીધું. ગેંએંએંએં... ગાયોએ સાદ દીધો. તે કહેતી હતી, ‘આજે બીજી વખત ખાણ ધરો છો, કેમ?’ પિતાએ તાંબડીઓ ભેગી કરી. તાંબડી સહેજ ભીની લાગી. કૌતુક થયું. પછી કેન ખસેડીને પાસે લેવા ગયા તો… કેન ભારે દેખાયાં. ઢાંકણું ખોલીને જોયું તો કેન છલોછલ હતાં. તાજાં દૂધથી ભરેલાં. ઉપરનું ફીણ બહાર આવતું હતું. ઘડીભર પિતા અટકી ગયા. આજ સુધી વાત સાંભળી હતી કે સાંતાદાદા આવે છે… નાતાલની ભેટ લાવે છે. પણ આ ભેટ નવી નવાઈની હતી. સાંતાદાદા દૂધ દોહી ગયા? આટલી સરસ મહેનત કરી ગયા! તેઓ કહે, ‘આદમની મા! તને શું મદદ કરું? કહે. આજે આપણે બે થઈને નાતાલની કેક બનાવીએ... માતા કહે, ‘કેમ, દૂધ નથી દોહવાનું?’ પિતા કહે, ‘દૂધ તો દોહવાઈ ગયું.’ માતા કહે, ‘દોહવાઈ ગયું? કોણ દોહી ગયું?’ પિતા કહે, ‘સાંતાદાદા, વળી બીજું કોણ?’ માતાએ દોડી જઈને જોયું. ખરેખર દૂધ દોહેલું હતું. કેન ભરેલાં હતાં. માતા કહે, ‘શું?’ ખરેખર દૂધ દોહેલું છે? શું ખરેખર સાંતાદાદા આવી ગયા? પિતા કહે, ‘હા. ખરેખર સાંતાદાદા આવી ગયા, પણ સાંતાદાદા કંઈ હંમેશાં ઘરડા નથી હોતા. આ વખતે સોળ વરસના સાંતાદાદા આવી ગયા. દૂધ દોહી ગયા અને મહેનતની ભેટ ધરી ગયા.’ માતા કહે, ‘સોળ વરસના સાંતાદાદા? આ શું કહો છો તમે?’ પિતા કહે, ‘હવે ઉઠાડ તારા આદમને. આજે એણે જ આ બધી ચાલાકી કરી છે. એ જ સાંતાદાદા બની બેઠો છે.’ આદમ તો જાગતો જ હતો. પિતાએ તેનો ધાબળો ખેંચી લીધો. વહાલથી ભેટી પડતાં કહી દીધું, ‘બેટા આદમ! બેટા આદમ! બેટા સાંતા…! આજે તો તેં અમને અદ્ભુત ભેટ આપી દીધી, ખરેખર અદ્ભુત ભેટ આપી દીધી. હવે સાંતાદાદાને અમારે બહાર નહીં શોધવા પડે.’