ગુજરાતી બાળવાર્તા સંપદા/પોપટ અને કાગડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પોપટ અને કાગડો

ગિજુભાઈ બધેકા

એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની મા કહે : ભાઈ કમાવા જા ને ? પોપટ તો ‘ઠીક’ કહીને કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો. આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય, આંબાડાળે હીંચકે ને ટૌકા કરે. ત્યાં ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગોવાળને કહે - એ ભાઈ ગાયોના ગોવાળ, ભાઈ ગાયોના ગોવાળ ! મારી માને એટલું કહેજે,

પોપટ ભૂખ્યો નથી,
પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાની ડાળ,
પોપટ સરોવરની પાળ,
પોપટ કાચી કેરી ખાય,
પોપટ પાકી કેરી ખાય,
પોપટ ટૌકા કરે.

ગોવાળ કહે : બાપુ ! આ ગાયો રેઢી મૂકીને હું તે તારી બાને કહેવા ક્યાં જાઉં ? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી. થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંશોના ગોવાળને કહે :

એ ભાઈ ભેંશોના ગોવાળ,
ભાઈ ભેંશોના ગોવાળ !
મારી માને એટલું કહેજે,
પોપટ ભૂખ્યો નથી,
પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાની ડાળ,
પોપટ સરોવરની પાળ,
પોપટ કાચી કેરી ખાય,
પોપટ પાકી કેરી ખાય,
પોપટ ટૌકા કરે.

ભેંશોનો ગોવાળ કહે : બાપુ ! મારાથી તો કહેવા નહીં જવાય. તારે જોઈએ તો આમાંથી એક પાડિયાળી ભેંશ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંશ લીધી ને આંબાને થડે બાંધી. થોડીક વાર થઈ ત્યાં બકરાંનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાંના ગોવાળને કહે -

એ ભાઈ બકરાંના ગોવાળ,
ભાઈ બકરાંના ગોવાળ !
મારી માને એટલું કહેજે,
પોપટ ભૂખ્યો નથી,
પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાની ડાળ,
પોપટ સરોવરની પાળ,
પોપટ કાચી કેરી ખાય,
પોપટ પાકી કેરી ખાય,
પોપટ ટૌકા કરે.

બકરાંનો ગોવાળ કહે : અરે બાપુ ! આ બકરાં રેઢાં મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય. તારે જોઈએ તો બેચાર બકરાં લઈ લે. પોપટે બેચાર રૂપાળાં બકરાં લઈ લીધાં ને આંબાને થડે બાંધી દીધાં. વળી ત્યાંથી ઘેટાંનો ગોવાળ નીકળ્યો. પોપટ ઘેટાંના ગોવાળને કહે -

એ ભાઈ ઘેટાંના ગોવાળ,
ભાઈ ઘેટાંના ગોવાળ !
મારી માને એટલું કહેજે,
પોપટ ભૂખ્યો નથી,
પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાની ડાળ,
પોપટ સરોવરની પાળ,
પોપટ કાચી કેરી ખાય,
પોપટ પાકી કેરી ખાય,
પોપટ ટૌકા કરે.

ઘેટાંનો ગોવાળ કહે : અરે બાપુ ! આ ઘેટાં રેઢાં મૂકીને મારાથી તારી માને કહેવા કેમ જવાય ? જોઈએ તો ચારપાંચ ઘેટાં લઈ લે. પોપટે તો ચારપાંચ ઘેટાં લઈને આંબાને થડે બાંધ્યાં. પછી ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ ને સાંઢિયાનો ગોવાળ નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો ને સાંઢિયાના ગોવાળે પોપટને એક સાંઢિયો આપ્યો. પછી પોપટ તો ગાય, ભેંશ, બકરાં, ઘેટાં, ઘોડો, હાથી ને સાંઢિયો - બધાંયને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાંયને વેચી નાખ્યાં એટલે એને તો ઘણાબધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એણે સોનુંરૂપું લીધું ને તેનાં ઘરેણાં ઘડાવ્યાં. પછી એણે ઘરેણાં નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યાં; બીજા રૂપિયાને પાંખમાં ને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતાં આવતાં મોડી રાત થઈ ગઈ. ઘરનાં બધાં ઊંઘી ગયાં હતાં. પોપટે તો સાંકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું -

મા, મા !
બારણાં ઉઘાડો,
બારણાં ઉઘાડો.
પાથરણાં પથરાવો,
ઢોલીડા ઢળાવો,
શરણાઈઓ વગડાવો,
પોપટભાઈ પાંખ ખંખેરે.

માને થયું કે પોપટ અત્યારે ક્યાંથી હોય ? એ તો કોઈ ચોરબોર હશે તે ખોટું ખોટું બોલતો હશે. એણે તો બારણું ઉઘાડ્યું નહીં. પછી પોપટ તો કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે -

કાકી, કાકી !
બારણાં ઉઘાડો,
બારણાં ઉઘાડો.
પાથરણાં પથરાવો,
ઢોલીડા ઢળાવો,
શરણાઈઓ વગડાવો,
પોપટભાઈ પાંખ ખંખેરે.

કાકીએ સૂતાં સૂતાં સંભળાવી દીધું : અત્યારે તો કોઈ ઉઘાડતું નથી. આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ તો પોતાની બહેનને ત્યાં ગયો. જઈને કહે -

બહેન, બહેન !
બારણાં ઉઘાડો,
બારણાં ઉઘાડો.
પાથરણાં પથરાવો,
ઢોલીડા ઢળાવો,
શરણાઈઓ વગડાવો,
પોપટભાઈ પાંખ ખંખેરે.

બહેન કહે : અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય ? ભાગી જા ! તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો ફઈને ત્યાં ગયો; પણ ફોઈબાએ પણ બારણાં ઉઘાડ્યાં નહીં. ઘણાં સગાંવહાલાંને ત્યાં ગયો, પણ કોઈએ બારણાં ન ઉઘાડ્યાં. છેવટે પોપટ મોટીમાને ત્યાં ગયો. જઈને માને કહે -

મોટીમા, મોટીમા !
બારણાં ઉઘાડો;
બારણાં ઉઘાડો.
પાથરણાં પથરાવો,
ઢોલીડા ઢળાવો,
શરણાઈઓ વગડાવો,
પોપટભાઈ પાંખ ખંખેરે.

મોટીમાએ તો પોપટનો સાદ ઓળખ્યો. તે કહે : ઊભો રહે; મારા દીકરા ! આ આવી; લે, બારણાં ઉઘાડું છું, બાપુ ! પછી બારણાં ઉઘાડ્યાં એટલે પોપટભાઈ અંદર આવ્યા ને મોટીમાને પગે લાવ્યા. મોટીમાએ એનાં દુખણાં લીધાં. પછી માજીએ પોપટને માટે પાથરણાં પથરાવ્યાં, ઢોલીડા ઢળાવ્યા ને ઉપર રૂપાળાં સુંવાળાં સુંવાળાં ગાદલાં પથરાવ્યાં. પછી મોટીમા કહે : દીકરા ! જરા અહીં બેસજે, હોં. હમણાં શરણાઈવાળાને બોલાવી લાવું છું. માજી શરણાઈવાળાને બોલાવી લાવ્યાં ને પૂઊંઊંઊં કરતી શરણાઈઓ વાગવા માંડી. પોપટભાઈ તો ખુશી ખુશી થઈ ગયા ને પાંખમાંથી ને ચાંચમાંથી રૂપિયા ખંખેરવા માંડ્યા. રૂપિયા તો ખનનન ખનનન ખરવા માંડ્યા ને મોટા ઢગલા થયા. થોડીક વાર થઈ ત્યાં આખું ઘર રૂપિયા રૂપિયા થઈ ગયું ! સવાર પડી એટલે સૌને ખબર પડી કે પોપટભાઈ રળીને આવ્યા છે ને ઘર ભરીને રૂપિયા લાવ્યા છે. પાડોશમાં એક કાગડી રહેતી હતી. તેને ખબર પડી કે પોપટ બહુ બહુ રળીને આવ્યો છે. તે પોતાના દીકરા કાગડાને કહે : તું પણ કમાવા જા ને ? એટલે કાગડો કમાવા ચાલ્યો. પણ કાગડાભાઈ તે કાગડાભાઈ ! એને તો ઉકરડા અને ગંદકી ગમે. એ તો ઉકરડે ગયો ને પાંખમાં, ચાંચમાં ને કાનમાં ખૂબ ગંદકી ભરી. પછી રાત પડી એટલે કાગડો ઘેર આવ્યો ને પોપટની જેમ બારણું ખખડાવી બોલ્યો -

મા, મા !
બારણાં ઉઘાડો,
બારણાં ઉઘાડો.
પાથરણાં પથરાવો,
ઢોલીડા ઢળાવો,
શરણાઈઓ વગડાવો,
કાગડાભાઈ પાંખ ખંખેરે.

મા તો બીચારી ઝટ ઝટ ઊઠી. એણે તો બારણાં ઊઘાડ્યાં; પાથરણાં પથરાવ્યાં, ઢોલીડા ઢળાવ્યા ને શરણાઈઓ વગડાવી. શરણાઈઓ વાગી એટલે કાગડાભાઈએ પાંખ ખંખેરી ને ત્યાં તો આખું ઘર ગંદકી ગંદકી થઈ રહ્યું ! દુર્ગંધનો પાર નહીં ! કાગડાની મા એવી તો ખિજાઈ ગઈ કે કાગડાને ઘરમાંથી કાઢી મૂક્યો. પોપટભાઈએ ખાધું, પીધું ને મોજ કરી.