ગુજરાતી બાળવાર્તા સંપદા/લાડુ-ચોર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લાડુ-ચોર

પ્રભુલાલ દોશી

બાંકુ બિલાડો જંગલમાં રહેતો હતો. આ જંગલમાં ગણેશજીનું એક મંદિર હતું. બાંકુ ગણેશજીનો પાકો ભક્ત હતો. તે દરરોજ ગણેશજીનાં દર્શન કરવા જતો. સવારે અને સાંજે ગણેશજીનાં દર્શન કર્યા પછી જ તે જમતો. તે વખતે બિલાડો માંસાહારી ન હતો, તેમજ તેને ઊંદરો સાથે કશું વેર પણ ન હતું, કારણ કે ઊંદરો તો ગણેશજીનું વાહન કહેવાય ને? બિલાડો દરરોજ ગણેશજીની પૂજા કરતો. ઉતાવળ હોય તો માત્ર દર્શન કરીને ચાલ્યો જતો. તેને ગણેશજી પ્રત્યે ઘણી શ્રદ્ધા હતી. ગણેશચતુર્થીનો તહેવાર આવ્યો. ગણેશચતુર્થી એટલે ગણેશજીની મોટામાં મોટી પૂજા કરવાનો ઉત્સવ. ગણેશજીને લાડુ પ્રિય હતા, તેની બાંકુને ખબર હતી. તેણે વિચાર્યું કે, ગણેશચતુર્થીના દિવસે તો ગણેશજીની પૂજા કરી તેમને લાડુનો થાળ ધરવો. આવો વિચાર કરીને બિલાડો લાડુ બનાવવાની તૈયારીમાં પડી ગયો. તેણે ઊંદરોની વાતચીત પરથી લાડુ કેમ બને છે તે જાણી લીધું હતું. ઊંદરો તો ઘરઘરના જાણકાર હોય ને? બાંકુએ પોતાના બે-ચાર મિત્રો – શિયાળ, કાગડો, મોર વગેરેને વિનંતી કરીને લાડુ બનાવવાની બધી ચીજો એકઠી કરી લીધી. ગણેશચતુર્થીની આગલી રાતે જાગીને બિલાડાએ લાડુ તૈયાર કરી નાખ્યા અને સવારમાં નાહીધોઈને, લાડુનો થાળ તથા ફળ લઈને વહેલો-વહેલો ગણેશજીના મંદિરે પહોંચી ગયો. મંદિરમાં તે વખતે બીજા કોઈ ભક્તો ન હતા. બિલાડો આવ્યો તે બે-ત્રણ ઊંદરોએ તેમના રહેઠાણમાંથી જોયું, પરંતુ તેઓ બહાર નીકળ્યા નહીં, કારણ કે હજુ તેઓ અડધા ઊંઘમાં હતા. બિલાડાએ ભક્તિપૂર્વક ગણેશજીની સ્તુતિ કરવા માંડી. લાડુનો થાળ ગણેશની મૂર્તિની બાજુમાં મૂકી દીધો. એક તરફ બિલાડો સ્તુતિ કરવામાં મગ્ન હતો, તો બીજી તરફ થાળમાં મૂકેલા લાડુની સુગંધ ઊંદરોના નાક સુધી પહોંચી. સુગંધ મીઠી હતી. બિલાડાએ લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ અને સોડમદાર બનાવ્યા હતા. આ મીઠી સુગંધથી ઊંદરોની ઊંઘ અને સુસ્તી ઊડી ગયાં. તેમની જીભો સળવળવા લાગી. તરત જ જુદાં-જુદાં દરમાંથી ચાર ઊંદરો બહાર નીકળ્યા અને લાડુની ગંધે-ગંધે ગણેશજી સમક્ષ મૂકેલા લાડુના થાળ સુધી પહોંચી ગયા. ઊંદરો લાડુ ખાવા તલપાપડ હતા, પરંતુ તેમને બીક લાગી કે કોઈ જોઈ જશે તો? બિલાડાની સ્તુતિ પૂરી થઈ જાય અને તે તેમને લાડુ ખાતાં જોઈ જાય તો? છેવટે એક ઊંદર-અલ્લડ બીજા ઊંદરો તરફ આંખ મીંચકારી છાનોમાનો લાડુ સુધી પહોંચી ગયો અને લાડુનું એક બટકું મોંમાં મૂકી દરમાં પાછો ઘૂસી ગયો. અલ્લડનું આ કામ જોઈને બીજા ત્રણ ઊંદરોએ પણ તે પ્રમાણે કર્યું. બિલાડો પ્રાર્થના કરતો હતો, તેથી તેને ખબર પડી નહીં. થોડી વારે બિલાડાની પ્રાર્થના પૂરી થઈ. તેણે આંખો ઉઘાડીને જોયું તો પોતે ગણેશજીને ધરાવેલા ચારે લાડુ કોઈએ થોડા-થોડા ચાખ્યા હતા. બિલાડો શ્રદ્ધાળુ હતો. તેણે માન્યું કે, ગણેશજીએ તેની પ્રાર્થના સાંભળીને પોતે ધરાવેલા લાડુમાંથી થોડો-થોડો લાડુ ખાધો છે. આથી બિલાડો તો આનંદમાં આવી ગયો અને ગણેશની મૂર્તિ સમક્ષ નાચતો-નાચતો ગાવા લાગ્યો :

‘ગણપતિ દાદા મોરિયા,
ચારે લાડુ ચોરિયા;
આ સેવકનો સૂણી સાદ,
પ્રેમે આરોગ્યો છે પ્રસાદ;
ગણપતિ દાદા મોરિયા,
ચારે લાડુ ચોરિયા.’

પછી બિલાડો તો લાડુ લઈને પોતાના ઘેર ગયો. તેના ગયા પછી ચારે ઊંદરો બહાર નીકળ્યા અને બિલાડાને કેવો બનાવ્યો, તેની વાતો કરતાં-કરતાં આનંદથી નાચવા લાગ્યા. બીજે દિવસે સવારમાં બિલાડો ગણેશની પૂજા કરવા માટે ગયો. ઘરમાં લાડુ હતા એટલે આજે કશું ખાવાનું બનાવવાનું કે લાવવાનું ન હતું, તેથી વધારે સમય પૂજા કરવાની તેની ઇચ્છા હતી. બિલાડો મંદિર તરફ આવતો હતો ત્યારે ઊંદરો શું કરતા હતા? ગઈ કાલે બિલાડો મોડે સુધી મંદિરમાં હતો એટલે તે આજે પૂજા કરવા મોડો આવશે એમ માનીને ચારે ઊંદરો દરમાંથી બહાર નીકળીને બિલાડાએ ગણેશજીને ધરાવેલા લાડુ પોતે કેવી ચાલાકીથી ખાધા અને મૂર્ખ બિલાડો તે લાડુ ગણેશજીએ ખાધા તેવું માનતો હતો, તેની વાતો કરતા હતા અને બિલાડાની ઠઠ્ઠા-મશ્કરી કરતા હતા, ગાતા હતા, નાચતા હતા.

‘બિલાડામાં બુદ્ધિ ક્યાં છે?
દિવસે પણ એ દેખે ક્યાં છે?
લાડુ ખાધા ઊંદરજીએ,
કહે છે ખાધા ગણેશજીએ,
ગણેશજીના અમે તો સેવક,
તેમના નામે ખાધા મોદક;
ગણપતિદાદા મોરિયા,
ચારે લાડુ ચોરિયા,
એઠા લાડુ બિલ્લો ખાય,
ભલે માનતો ખાધો પ્રસાદ;
એને કોણ કહેવાને જાય,
મૂષક મોદક ચોરી ખાય.

ઊંદરોને બિલાડો આવ્યાની ખબર ન હતી, પરંતુ બિલાડો એક બાજુએ ઊભો રહીને ઊંદરોનાં નાચગાન જોતો હતો અને બધી વાતો સાંભળતો હતો. આથી તેનું મગજ ધૂંઆપૂંઆં થઈ ગયું. પોતાને એંઠા લાડુ ખવડાવનાર તથા ગણેશજીને ધરાવેલો પ્રસાદ એંઠો કરનાર ઊંદરડાઓ ઉપર તેને ખૂબ જ ગુસ્સો આવ્યો. ઊંદરોએ તેની બનાવટ કરી હતી, એટલે હવે બિલાડાએ પણ જેવા સાથે તેવા થવાનું નક્કી કર્યું. હવે તે ધ્યાન ધરવાનો ડોળ કરીને ગણેશજીની મૂર્તિની સામે આંખો મીંચી હોય તેવો ડોળ કરીને બેસતો. જેવો કોઈ ઊંદર ગણેશજીની મૂર્તિ પાસે પ્રસાદ લેવા કે આંટા મારવા આવે કે તરત જ બિલાડો તેને ઝડપી લેતો અને મારી નાખતો. બિલાડાને ઊંદરો ઉપર એટલી બધી દાઝ ચડી હતી કે પોતાના ભાગના જે લાડુ ઊંદરો ખાઈ ગયા હતા, તે તેમના શરીરમાંથી પાછા લેવા તે ઊંદરોને મારીને ખાઈ જવા લાગ્યો. તે દિવસથી બિલાડાએ ગણેશજીની પૂજા કરવાનું બંધ કરી દીધું છે, અને તે ઊંદરોને મારી નાખ્યા વગર અને ખાઈ ગયા વગર રહેતો નથી.