ગુજરાતી બાળવાર્તા સંપદા/હાથીભાઈની યુક્તિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હાથીભાઈની યુક્તિ

રક્ષા દવે

એક હતો સિંહ. તમને તો ખબર છે ને કે રોજ-રોજ એક-એક પશુ સિંહનો ખોરાક બનીને તેની પાસે જતું હતું. તેમાં એક વખત સસલાનો વારો આવેલો અને તેણે ચતુરાઈ કરીને સિંહને કૂવામાં નાખી દીધેલો. અને ત્યારે જંગલમાં સૌને હાશ થઈ ગયેલી. તમને ખબર છે ને આ ચતુર સસલાની વાત? પણ પછી થોડાં વર્ષો પછી તે સિંહનું એક બચ્ચું મોટું થહુ અને તેણે જંગલનાં પશુઓને આડેધડ મારી ખાવાનું શરૂ કર્યું. તેથી વળી પાછો સૌએ નિયમ બનાવ્યો કે રોજ-રોજ એક-એક પશુએ મરવા જવું. એમાં એક વખત હાથીનો વારો આવ્યો. કાગડા, કાબર, હોલાં, ચકલાં, ઘુવડ, તમરાં, આગિયા સૌ તે હાથીનાં દોસ્ત હતાં. હાથીભાઈ જે તળાવમાં નાહવા જતા હતા, તે તળાવને કિનારે રહેલા ઝાડ ઉપર તેઓ સૌ રહેતાં હતાં. હાથીભાઈએ કાગડાભાઈને કહ્યું કે, ‘તમે સિંહને જઈને કહો કે હાથીભાઈને પેટમાં દુઃખે છે, તેથી તેઓ દાક્તર ઊંટસાહેબની પાસે દવા લેવા ગયા છે. એટલે તેઓ દિવસે આવી શકશે નહીં. પેટમાં દુઃખતું મટશે પછી રાતે તમારી પાસે આવશે.’ કાગડાભાઈ વહેલી સવારે સિંહને આવું કહી આવ્યા. પછી થોડી વારે કાબરબહેન સિંહની ગુફા પાસેના ઝાડ ઉપર આવીને બેઠાં અને સિંહનું ધ્યાન જાય તેમ લાગ્યાં રડવા અને થર-થર-થર ધ્રૂજવા. સિંહ કહે, ‘કાં બહેન, કેમ રડે છે? આટલું બધું કેમ ધ્રૂજે છે? કાબર કહે,

‘શું કહું તમને? બહુ બીક અમને;
જંગલમાં ઝાઝાં છે ભૂત,
રાતે દેખા દે છે ભૂત,
દીવા લઈને દોડે ભૂત,
સૌને શોધી કાઢે ભૂત,
કાલે ફાડી ખાધો ખૂંટ,
આજે ખાધી ભગરી ભેંશ,
મને કહે કે ઊભી રહેજે,
તેથી હું તો થઈ ગઈ ઘેંશ.’

સિંહ તો વિચારમાં પડી ગયો. ભૂતની વાત સાંભળીને થોડો ધ્રૂજી પણ ગયો. બપોર થઈ ત્યાં તો હોલા ઊડીને આવ્યા. સિંહના ઘરના ઝાડવે બેસીને મંડ્યા મોટેથી ઘૂઘવવા :

‘જંગલમાં ઝાઝાં છે ભૂત,
રાતે દેખા દે છે ભૂત,
દીવા લઈને દોડે ભૂત,
સૌને શોધી કાઢે ભૂત,
કાલે ફાડી ખાધો ખૂંટ,
આજે ખાધી ભગરી ભેંશ,
અમને કહે કે ઊભાં રહેજો,
તેથી સર્વે થઈ ત્યાં ઘેંશ.’

સિંહભાઈનાં તો રૂંવાડાં બેઠાં થઈ ગયાં. સાંજ પડી ત્યાં ચકલાં ઊડી આવ્યાં. અને સિંહના ઘરને ઝાડવે બેસીને મંડ્યાં મોટેથી ચીંચવા :

‘જંગલમાં ઝાઝાં છે ભૂત,
રાતે દેખા દે છે ભૂત,
દીવા લઈને દોડે ભૂત,
સૌને શોધી કાઢે ભૂત,
કાલે ફાડી ખાધો ખૂંટ,
આજે ખાધી ભગરી ભેંશ,
અમને કહે કે ઊભાં રહેજો,
તેથી સર્વે થઈ ગ્યાં ઘેંશ.’

સિંહભાઈ તો આખો દિવસ ભૂતની આ કથા સાંભળી-સાંભળીને મનમાં ને મનમાં બરોબરના બી ગયા હોં! થઈ ગ્યા રાણા ઢીલા ઘેંશ! રાત્રે વળી ઘુવડે સિંહને બિવડાવ્યો :

‘જંગલમાં ઝાઝાં છે ભૂત,
રાતે દેખા દે છે ભૂત,
દીવા લઈને દોડે ભૂત,
સૌને શોધી કાઢે ભૂત,
કાલે ફાડી ખાધો ખૂંટ,
આજે ખાધી ભગરી ભેંશ,
અમને કહે કે ઊભાં રહેજો,
તેથી સર્વે થઈ ગ્યાં ઘેંશ.’

ત્યાં તો તમરાભાઈ ત્રમ-ત્રમ કરતા આવ્યા અને એકદમ બોલવા મંડ્યા : ‘ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. જંગલમાં ભૂતોનો ત્રાસ વધી ગયો છે. અત્યારે હાથીભાઈ સિંહરાણા પાસે આવતા હતા, ત્યારે રસ્તામાં ભૂખ્યું ભૂત તેમને ખાઈ ગયું. હાથીભાઈએ ચીસો પાડી પાડીને કહ્યું કે, ‘મને ખાશો નહીં, મને ખાશો નહીં. મારે સિંહરાણા પાસે જવું છે. સિંહરાણા જાણશે તો તમને સૌને મારી નાખશે.’ પણ, ભૂતે તો હાથીભાઈને ફાડી જ ખાધા. અને હવે સિંહરાણા, તમને ફાડી ખાવા માટે એ ભૂતના પપ્પા, ભૂતની મમ્મી, ભૂતનો ભાઈ, ભૂતની બહેન, ભૂતનો કાકો, ભૂતની ફઈ, ભૂતની પત્ની, ભૂતનો દીકરો, ભૂતનો દોસ્તાર તથા બે ભૂત પોતે – આ સૌ ભેળાં મળીને હાથમાં દીવા લઈલઈને તમને શોધવા આવે છે. જુઓ, સામેથી ચાલ્યાં આવે..’ સિંહે આંખો પહોળી કરીને જોયું તો દૂર-દૂરથી ઊંચા ઊંચા ડુંગરા અંગે અંગે દીવા લઈને દોડ્યા આવતા હોય તેવું દેખાયું. અને સિંહભાઈ તો ભડકીને ભાગ્યા. ભાગતાં-ભાગતાં આખરે સંતાવા માટે કૂવામાં ખાબક્યા અને ડૂબી મર્યા. કૂવામાં સિંહના પડવાનો ‘ધુમ્મ’ અવાજ થતાં જ આખું જંગલ હર્ષની કિકિયારીઓથી ગાજી ઊઠ્યું. સૌએ જોયું તો એક નહીં, બે નહીં, ત્રણ નહીં પણ ૧૦થી ૧૫ હાથીઓ એક સાથે ઝડપથી ચાલ્યા આવતા હતા. અને તે સૌની પીઠ ઉપર દસ-વીસ આગિયાઓ આમતેમ દોડાદોડી કરતા હતા, તેથી ઘણાં બધાં ભૂત દીવા લઈને દોડ્યાં આવતાં હોય તેવું લાગતું હતું. જંગલનાં પશુઓ તો હાથીભાઈની યુક્તિથી દંગ થઈ ગયાં. સૌ હાથીભાઈની આસપાસ ગોળગોળ ફરતાં-ફરતાં ગાવા લાગ્યાં,

‘હાથીભાઈ તો જાડા,
બુદ્ધિમાં પણ ફાડા!
પીઠે મૂક્યા આગિયા
વનરાજા તો ભાગિયા.
ભૂતથી ભાગ્યા ભમ્મ,
પડ્યા ભાડિયે ધમ્મ.’