ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘ઋષિદત્તા-રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘ઋષિદત્તા-રાસ’ [ર. ઈ.૧૫૮૭/સં. ૧૬૪૩, માગશર સુદ ૧૪, રવિવાર] : વિનયમંડનશિષ્ય જયવંતસૂરિકૃત દુહા-દેશીબદ્ધ ૪૧ ઢાળ અને ૫૩૪ કડીની આ કૃતિમાં કર્મફળની અનિવાર્યતા દર્શાવવા યોજાયેલું ને મનોરમ પ્રણયકથા બની રહેતું ઋષિદત્તાનું વૃત્તાંત આલેખાયું છે. હેમરથરાજાનો પુત્ર કનકરથ કાબેરીની રાજકુંવરી ઋખિમણિને પરણવા જતાં રસ્તામાં તાપસજીવન ગાળતા હરિષેણરાજાની પુત્રી ઋષિદત્તા પર મોહિત થઈ એની સાથે લગ્ન કરે છે ને ત્યાંથી જ પાછો વળી જાય છે. આથી ગુસ્સે થયેલી ઋખિમણિ સુલસા યોગિણી દ્વારા ઋષિદત્તાને રાક્ષસી ઠેરવે છે. દેહાંતદંડની સજા પામેલી અને મૂર્છિત થતાં મૃત્યુ પામેલી માનીને છોડી દેવાયેલી ઋષિદત્તા પિતાના આશ્રમમાં મુનિવેશે એકાકી જીવન ગાળે છે. ફરી ઋખિમણિને પરણવા જતો કનકરથ રસ્તામાં આ યુવાન મુનિથી આકર્ષાઈ એને પોતાના મિત્ર તરીકે સાથે લે છે. લગ્ન પછી કનકરથ ઋખિમણિ પાસેથી ખરી હકીકત જાણવા મળતાં નિર્દોષ પત્નીનો વિયોગ સહન ન થતાં બળી મરવા તૈયાર થાય છે ત્યારે એને અટકાવી ઋષિદત્તા મુનિવેશ છોડી પોતાને રૂપે પ્રગટ થાય છે અને ઋખિમણિ પરનો રોષ પણ દૂર કરાવે છે. યશોભદ્રસૂરિ પાસેથી, પોતાનાં પૂર્વભવનાં કર્મોનો આ બધો પરિપાક હતો એ જાણીને ઋષિદત્તા અને કનકરથ એમની પાસે દીક્ષા લે છે. નાયિકાપ્રધાન આ રાસમાં વીર અને હાસ્ય સિવાયના સાતેય રસોનું યથોચિત નિરૂપણ છે પણ કરુણનું આલેખન વધારે લક્ષ ખેંચે છે. પતિનું વહાલ સંભારી અરણ્યમાં એકલી રવડતી ઋષિદત્તાના અને ઋષિદત્તાને સંભારી દુ:ખી જિંદગી જીવતા ને ખરી હકીકત જાણવા મળતાં બળી મરવા તૈયાર થયેલા કનરથના વિલાપોમાં કવિની કરુણરસનિરૂપણની ક્ષમતા દેખાઈ આવે છે. સ્થળો, ઉત્સવો, પાત્રો, પ્રસંગોનાં વીગતપૂર્ણને રસિક વર્ણનો પણ કવિની ક્ષમતાનાં સૂચક છે. સંસ્કૃત તત્સમ શબ્દો ને સમાસરચનાઓનો નોંધપાત્ર વિનિયોગ કરતી કવિની ભાષમાં મરાઠી, રાજસ્થાની, સૌરાષ્ટ્રી, ઉર્દૂ ભાષના સંસ્કારો પણ વરતાય છે, અને સુલસાએ મચાવેલા ઉત્પાતનું બીભત્સ અને અદ્ભુતરસભર્યું વર્ણન હિન્દીમાં કરીને કવિએ એ ભાષાપ્રયોગની સાભિપ્રાયતા પણ પ્રગટ કરી છે. કહેવતો અને રૂઢિપ્રયોગોના વિપુલ ને અર્થસભર ઉપયોગથી અભિવ્યક્તિ અસરકાર બની છે, તો વિશેષોક્તિ અને વ્યતિરેક જેવા અલંકારોની બહુલતાને કારણે કવિની અલંકારરચનાની વિદગ્ધતા પ્રગટ થાય છે. પંક્તિની અંતર્ગત પણ અંત્યાનુપ્રાસને લઈ જવાની રીતિ, ચારણી શૈલીની ઝડઝમક, ચારણી છંદો સમેત વિવિધ ગેયઢાળોનો ઉપયોગ અને દરેક ઢાળને આરંભે રાગનો નિર્દેશ એ આ કૃતિની રચનાશૈલીની કેટલીક વિશેષતાઓ છે.[ર.ર.દ.]