ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલશેખર વાચક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કમલશેખર(વાચક)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં લાભશેખરના શિષ્ય. કવિ ઈ.૧૫૪૪ થી ઈ.૧૫૯૨ દરમ્યાન હયાત હોવાની માહિતી મળે છે. એમની, મુખ્યત્વે દુહા-ચોપાઈ ને પ્રસંગોપાત્ત વસ્તુ છંદના બંધમાં રચાયેલી ૬ સર્ગ અને ૭૫૯ કડીની ‘પ્રદ્યુમ્નકુમારચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/સં. ૧૬૨૬, કારતક સુદ ૧૩; મુ.) કૃષ્ણરુક્મિણીના પુત્ર પ્રદ્યુમ્નકુમારની સાહસ-પરાક્રમપૂર્મ કથા જૈનપરંપરા મુજબ વર્ણવે છે. બહુધા કવિ સધારુના હિંદી ‘પ્રદ્યુમ્ન-ચરિત’ના અનુવાદરૂપ આ કૃતિના પ્રસંગાલેખનમાં જે થોડાં ફેરફારો અને ઉમેરણો જોવા મળે છે તેમાં ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ’નું અનુસરણ જણાય છે. કવિએ આ ઉપરાંત ફાગ અને અઢૈયાની ૨૩ કડીમાં ધર્મમૂર્તિની ટૂંકી ચરિત્રરેખા આપીને એમના સંયમધર્મનો મહિમા કરતા ‘ધર્મમૂર્તિગુરુ-ફાગ’ (મુ.) તથા ૬૬ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૩/સં. ૧૬૦૯, આસો-૩; મુ.)ની રચના કરી છે. કૃતિ : ૧. પ્રદ્યુમ્નકુમાર ચોપાઈ, સં. મહેન્દ્ર બા. શાહ, ઈ.૧૯૭૮ (+સં.)  ૨. પ્રાફાગુસંગ્રહ (+સં.) સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ચ.શે.]