ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલલાભ વાચક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કુશલલાભ(વાચક)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય અભયધર્મના શિષ્ય. કવિની રાસાત્મક કૃતિઓમાં મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ, ૬૬૨ કડીની ‘માધવાનલકામકંદલા-ચોપાઈ’ (૨.ઈ.૧૫૬૦/સં. ૧૬૧૬, ફાગણ સુદ ૧૩, રવિવાર; મુ.)માં માધવાનલકામકંદલાની જાણીતી પ્રેમકથા આલેખાયેલી છે. ગણપતિની આ વિશેની કૃતિને મુકાબલે અહીં શૃંગારનિરૂપણ આછું છે અને કવિની સજ્જતા સમસ્યાઓ અને ગૂઢોક્તિઓ તેમ જ સંસ્કૃત-પ્રાકૃત તથા ગુજરાતી સુભાષિતોના પ્રચુરતાથી થયેલા વિનિયોગમાં દેખાય છે. આશરે ૪૦૦ કડીની ‘મારુઢોલાની ચોપાઈ’  (૨.ઈ.૧૫૬૧/સં.૧૬૧૭, વૈશાખ સુદ ૩, ગુરુવાર; મુ.) દુહા રૂપે મળતી રાજસ્થાનની અત્યંત લોકપ્રિય અને અદ્ભુતરસિક પ્રેમકથાનું ચોપાઈ અને ‘વાત’ નામક ગદ્ય વડે થયેલું, અનેક આનુષંગિક વીગતો અને પ્રસંગોની ગૂંથણી કરતું વિસ્તરણ છે. ૮૯ કડીની ‘જિનરક્ષિતજિનપાલિત-સંધિ’ (૨.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧, શ્રાવણ સુદ ૫), તપપૂજાનું માહાત્મ્ય દર્શાવતી ૪૧૫ કડીની ‘તેજસાર-ચોપાઈ’ (૨.ઈ.૧૫૬૬/૧૫૬૮), ૨૧૮ કડીની ‘અગડદત્ત-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૫૬૯/સં.૧૬૨૫, કારતક સુદ ૧૫, ગુરુવાર), ‘ભીમસેનરાજ-હંસરાજ-ચોપાઈ’, ૮૧૨ કડીની ‘શીલવતી-ચતુષ્પદિકા’ અને ‘દુર્ગા-સપ્તશતી’ એ આ કવિની અન્ય કથાત્મક કૃતિઓ છે. આ સિવાય આ કવિને નામે યુગપ્રધાન જિનચંદ્રસૂરિના ઈ.૧૫૬૨ના ખંભાતના ચાતુર્માસને કેન્દ્રમાં રાખી, એમને ભવસાગરમાંથી તારનાર ‘વાહણ’ (=નૌકા) ગણાવી એમની પ્રશસ્તિ કરતું ૬૭ કડીનું વિવિધ ઢાળબદ્ધ ‘પૂજ્યવાહણ-ગીત’ (મુ.) ૬૧ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૬૫), ૧૯ કડીનું ‘(સ્તંભન) પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.), દુહાબદ્ધ ૧૬/૧૯ કડીનો ‘નવકારમંત્રનો છંદ/રાસ’ (મુ.), ૧૭/૨૫ કડીનો ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ અને ‘ભવાની-છંદ’-એ કૃતિઓ નોંધાયેલ છે, પરંતુ એમાં કવિની ગુરુપરંપરાનો નિર્દેશ મળતો નથી. કુંવરરાજને નામે મળતા રામકથાના વિષયને લઈને વિવિધ છંદો ને અલંકારોની સમજૂતી તથા પર્યાયકોશને સમાવતા, પ્રસંગોપાત્ત ગદ્યનો ઉપયોગ કરતા ‘પિંગલશિરોમણિ’ (*મુ.)નું કર્તૃત્વ એના ગુરુ કુશલલાભનું હોવાનો તર્ક થયો છે પણ આ હકીકત હજી સંશોધન માગે છે. કૃતિ : ૧. માધવાનલકામકંદલાપ્રબંધ, સં. એમ. આર. મજમુદાર, ઈ.૧૯૪૨;  ૨. આકામહોદધિ:૭(+સં.); ૩. ઐજૈકાસંગ્રહ; ૪. પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. યુજિનચંદ્રસૂરિ; ૪. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ મહેશ્વરી, ઈ.૧૯૮૦;  ૫. આલિસ્ટઑઇ:૨; ૬. જૈગુકવિઓ:૧, ૩(૧,૨); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ:૧.[ક.શે.]