ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલસાગર-૨-કેશવદાસ
Jump to navigation
Jump to search
કુશલસાગર-૨/કેશવદાસ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રશાખાના લાવણ્યરત્નના શિષ્ય. અપરનામ કેશવદાસ. એમની ‘વીરભાણઉદયભાણ-રાસ’ કુશલસાગર અને કેશવ બંને નામછાપ ધરાવે છે. સાધુસેવા અને દાનનું માહાત્મ્ય દર્શાવતા, ૬૫ ઢાળ અને ૧૫૦૦ કડીના દુહા-દેશીબદ્ધ ‘વીરભાણઉદયભાણ-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૬૮૯/સં.૧૭૪૫, આસો સુદ ૧૦, સોમવાર)માં હંસરાજવચ્છરાજની કથા સાથે મળતાપણું ધરાવતી, અપરમાતાની ખટપટથી દેશપાર થયેલા કુમારોની અદ્ભુતરસિક કથા છે. ૫ ઢાળની ‘નેમિનાથ-ફાગ’ (૨.ઈ.૧૬૯૫) અને હિંદીમાં ‘કેશવદાસ/માતૃકા-બાવની’ (૨.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬, શ્રાવણ સુદ ૫, શુક્રવાર) તથા ‘શીતકારકે સવૈયા’ કર્તાની અન્ય કૃતિઓ છે. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ૨. જૈગૂકવિઓ:૨(૩); ૩. મુપુગૂહસૂચી. [ક.શે.]