ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયતસી-જયરંગ-૧-જેતસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જયતસી/જયરંગ - ૧/જેતસી [ઈ.૧૭મી સદી મધ્યભાગ) : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પાઠકપુણ્યકલશના શિષ્ય. કવનકાળ ઈ.૧૬૪૪થી ઈ.૧૬૬૫. એમનો દુહા-દેશીબદ્ધ ૩૧ ઢાળનો ‘કયવન્નાશાહનો રાસ’  (ર.ઈ.૧૬૬૫; મુ.) પૂર્વભવમાં સુપાત્રે દાન કર્યાના પરિણામે આપત્તિઓમાંથી ઊગરી જતા કયવન્નાનું રસપ્રદ વૃત્તાંત વર્ણવે છે ને મનોભાવનિરૂપણ, અલંકારરચના, વાક્છટા ને ગેયતાથી ધ્યાન ખેંચે છે. કવિની અન્ય કૃતિઓમાં ૧૧ ઢાળની ‘દશવૈકાલિક-સર્વઅધ્યયન-ગીત/સઝાય’ (ર.ઈ.૧૬૫૧; મુ.), ૨૭૭ કડીની ‘અમરસેનવયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૪/૧૬૬૧), ‘ચતુર્વિધસંઘનામમાલા’ (ર.ઈ.૧૬૪૪/સં. ૧૭૦૦, શ્રાવણ -), ૭૬ કડીની ‘દશવૈકાલિક ચૂલિકા-ગીત’, ૧૦૧ કડીની ‘પાર્શ્વનાથ-છંદ’, ‘દશશ્રાવક-ગીત’ તથા ૯ કડીની ‘વ્યસનની સઝાય’(મુ.)નો સમાવેશ થાય છે. ‘પાર્શ્વનાથ-છંદ’ ભૂલથી પુણ્યકલશને નામે નોંધાયેલ છે. કૃતિ : ૧. કયવન્ના શાહનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૦;  ૨. જ્ઞાનાવલી; ૩. મોસસંગ્રહ; ૪. સજ્ઝાયસંગ્રહ, પ્ર. લક્ષ્મીચંદજી ક. બાફના, સં. ૧૯૮૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ક.શે.]