ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/‘જરથોસ્તનામું’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘જરથોસ્તનામું’ [ર. ઈ.૧૬૭૪/યજદજર્દી સન ૧૦૪૪, ફ્રવર્દીન માસ, ખુર્દાદ રોજ] : પારસી કવિ રુસ્તમની ૧૫૩૬ કડીની ચોપાઈબદ્ધ આ કૃતિ (*મુ.) બહેરામપજદુના ફારસી ‘જરથોસ્તનામા’, ‘ચંઘરઘાચ-નામેહ’ અને અન્ય રેવાયતોને આધારે રચાયેલી છે. આ આખ્યાનાત્મક કૃતિમાં જરથોસ્ત પેગંબરનું પૂરેપૂરું જીવનવૃત્તાંત નથી પરંતુ જરથોસ્ત પોતાની દૈવી શક્તિનો પરચો આપી ધર્મપ્રચાર કરવા લાગે છે ત્યાં કથાને કંઈક અછડતી રીતે પૂરી કરી દેવામાં આવી છે. ધર્મગુરુ ચંઘરઘાચનું વૃત્તાંત પરંપરાગત જરથોસ્તકથામાં આ કવિએ કરેલું ઉમેરણ છે. જરથોસ્તના જન્મની સાથે જાદુનો નાશ થશે એવી આગાહીથી છંછેડાઈ જાદુગરોએ બાળક જરથોસ્તને મારી નાખવાના કરેલા વિવિધ પ્રયત્નોમાંથી દૈવી સહાયથી બચી ગયેલા જરથોસ્ત સ્વર્ગમાં જવા પામે છે, પરંતુ સ્વર્ગમાંથી ધર્મબોધ મેળવી પાછા આવ્યા પછી દરબારીઓની ઇર્ષ્યાને કારણે એમને કેદની સજા ભોગવવી પડે છે. પોતાની ચમત્કારિક શક્તિથી એ કેદમાંથી મુક્તિ પામે છે અને ઇરાનના શાહ તથા શાહજાદાઓને સ્વર્ગદર્શન વગેરે દૈવી ભેટો બક્ષે છે. ચમત્કારપ્રધાન આ કથામાં કવિએ પાત્ર-નિરૂપણની કોઈ તક લીધી નથી. પરંતુ અદ્ભુત અને હાસ્યરસપ્રધાન પ્રસંગોનું પ્રવાહી નિરૂપણ ધ્યાન ખેંચે છે. ગુરુ, તપ, દર્શન, પ્રસાદ, પુણ્ય, કન્યાદાન વગેરે અનેક વિષયોમાં ભારતીય ધર્મ પરંપરાનો પ્રભાવ ઝીલતા આ કવિએ આખ્યાનપ્રકારનું અનુસરણ કર્યું છે. પરંતુ તેમાં વિવિધ ઢાળોનો વિનિયોગ નથી અને ચોપાઈબંધ પણ શિથિલ જણાય છે.[ર.ર.દ.]