ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાળદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દયાળદાસ [જ. ઈ.૧૭૭૯/સં. ૧૮૩૫, શ્રાવણ સુદ ૭ - અવ. ઈ.૧૮૬૧/સં. ૧૯૧૭, જેઠ સુદ ૫] : જ્ઞાનમાર્ગી સંતકવિ. નિરાંત મહારાજના શિષ્ય અને વડોદરામાં વાડીની જ્ઞાનગાદીના આયાર્ય. જન્મ કરમડી (તા. કરજણ). જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. પિતા કુબેરભાઈ.જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ આ કવિની મુદ્રિત કૃતિઓ આ પ્રમાણે મળે છે : કાયાનગરના મન-સૂબાની પુત્રી સુરતાબાઈના આત્મરામ સાથેના વિવાહને વર્ણવતું, ૭ ‘કડવાં’ નામક પદનું રૂપકકાવ્ય ‘સુરતાનો વિવાહ’, જ્ઞાનબોધના ‘બારમાસ’ તથા વિશ્વંભરનાથને નીરખી લેવાનો ઉપદેશ આપતા અધ્યાત્મ-અનુભવરંગી ‘બારમાસ’, આત્મબોધની અને સુરતીની એણ ૨ ‘તિથિ’, ‘સાતવાર’ તથા પ્રકીર્ણ પદો. ગરબી, ધોળ, કાફી વગેરે પ્રકારોમાં ચાલતાં અને ક્યારેક હિન્દીભાષાનો આશ્રય લેતાં એમનાં પદો મુખ્યત્વે અધ્યાત્મજ્ઞાનવિષયક છે. કૃતિ : ૧. ગુમુવાણી; ૨. જ્ઞાનોદયપદ સંગ્રહ, સં. કેવળરામ કાલુરામ ભગત, -; ૩. (શ્રી) દિવ્ય ગિરામૃત, દેવશંકર શર્મા, ઈ.૧૯૩૨; ૪. બૃકાદોહન : ૫. સંદર્ભ : નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ શર્મા, ઈ.૧૯૩૯.[દે.દ.]