ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નગર્ષિ-નગા ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નગર્ષિ/નગા(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં કુશલવર્ધનના શિષ્ય. એમની મોટા ભાગની કૃતિઓ ઈ.૧૫૮૩થી ઈ.૧૬૦૩ સુધીનાં રચનાવર્ષો બતાવે છે, પરંતુ ‘ઉત્તરાધ્યયન-સૂત્ર’ પરના સ્તબકનું રચનાવર્ષ ઈ.૧૫૫૯ ખરું હોય તો કવિનો સમય એટલો આગળ ખસે. ‘(કુમરગિરિમંડન) શાંતિનાથવિનતિ’નું રચનાવર્ષ ઈ.૧૫૦૭ તો ઘણું શંકાસ્પદ જણાય છે. કવિએ બહુધા તીર્થ-તીર્થંકારોના સ્તોત્રસ્તવનાદિ રચ્યાં છે. તેમાંથી નોંધપાત્ર કૃતિઓ આ પ્રમાણે છે : તીર્થંકરોના ચરિત્રગાનને સમાવી લેતી ૩૯ કડીની ‘સિદ્ધપુર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, ભાદરવા સુદ. ૬; મુ.), ૩૯ કડીની ‘જાલુરનગર-પંચજિનાલય-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૫૯૫/સં. ૧૬૫૧, ભાદરવા વદ ૩, ગુરુવાર; મુ.), ૭૧ કડીનું ‘ચતુર્વિંશતિજિન-સકલભવવર્ણન-સ્તવન’ (ર.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર), ૫ ઢાળ અને ૫૩ કડીનું ‘આઠ કર્મપ્રકૃતિ-બોલવિચાર/બંધહેતુગર્ભીત (વડલીમંડન)-વીરજિન-સ્તવન’, ૩૯ કડીનું ‘અલ્પબહુત્વગર્ભિત મહાવીર-સ્તવન’ ૭૧ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૯૫), ૩૬ કડીનું (શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૦૩), ૪૯ કડીનું ‘(શત્રુંજ્યમંડન) ઋષભજિન-સ્તોત્ર’, ૪૫ કડીનું ‘(સાવલીમંડન) આદિનાથજિન-સ્તોત્ર’, ૨૯ કડીનું ‘(બિલાડામંડન) પાર્શ્વજિન-સ્તોત્ર’, ‘(કુમરગિરિમંડન) શાંતિનાથ-વિનતિ’ (ર.ઈ.૧૫૦૭), ૪૩ કડીનું ‘વીરજિનસ્તોત્ર’ (ર.ઈ.૧૫૮૯), ૩૧ કડીનું ‘શાંતિનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૮૬) તથા ૩૫ કડીનું ‘મૌન-અગિયારશ-દોઢસોકલ્યાણક-સ્તવન’. આ ઉપરાંત કવિએ ‘રામસીતા-રાસ’ (ર.ઈ.૧૫૯૩), ૨૪૯ કડીની ‘સાધુવંદના-સઝાય’ (ર.ઈ.૧૫૮૩), હીરવિજ્ય સૂરિ-વિજ્યસેનસૂરિ વિશેની સઝાયો તથા હરિયાળીઓ રચેલી છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ પરનો ૪૧૨૫ ગ્રંથાગ્રનો સ્તબક (ર.ઈ.૧૫૫૯) તથા ૫૬૫ ગ્રંથાગ્રનો ‘સંગ્રહણી-ટબાર્થ’ (ર.ઈ.૧૫૯૭/સં. ૧૬૫૩, ફાગણ વદ ૧૩, મંગળ/શુક્રવાર) એ એમની ગદ્યરચનાઓ છે. ‘સિદ્ધપુર-ચૈત્યપરિપાટી’ તથા ‘સાધુવંદના-સઝાય’ ‘કુશલવર્ધનશિષ્ય’ એટલી જ નામછાપ ધરાવે છે, પણ એના કર્તા નગાગણિ જ હોવાની શક્યતા છે. કવિએ સંસ્કૃતમાં ‘સ્થાનાંગસૂત્ર’ પર ‘સ્થાનાંગ-દીપિકા’ નામે વૃત્તિ (ર.ઈ.૧૬૦૧) અને ‘દંડકાવચૂરિ’ તથા પ્રાકૃતમાં ‘કલ્પાન્તર્વાચ્ય’ (ર.ઈ.૧૬૦૧) રચેલ છે. કૃતિ : ૧ જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯;  ૨. જૈનયુગ, વૈશાખ ૧૯૮૫-‘સિદ્ધપુરચૈત્ય પરિપાટી’; ૩. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૫-‘નગર્ષિ(નગા)ગણિ રચિત જાલુરનગર પંચજિનાલય ચૈત્ય પરિપાટી’, સં. અંબાલાલ પ્રે. શાહ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]