ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નતર્ષિ-નયર્ષિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નતર્ષિ/નયર્ષિ [ઈ.૧૪૩૯/૧૪૪૧ સુધીમાં] : આ કવિની ‘નારાયણ ફાગુ’(લે.ઈ.૧૪૩૯/૧૪૪૧)નામની કૃતિ મળે છે. જેમાં અઢૈયું અને સવૈયાના ચાલની દાવટી ચોપાઈ જેવા રાસક છંદોનો તથા ‘આન્દોલા’ એ શીર્ષકથી ચારણી છંદનું સ્મરણ કરાવતી ગીતરચનાનો વિશિષ્ટ પ્રયોગ થયો છે. આ ફાગુકાવ્યમાં કૃષ્ણ અને તેની પટરાણીઓનો વિલાસ વર્ણવાયો છે. અજ્ઞાત કવિના ‘વસંત-વિલાસ’ ફાગુ અને આ ફાગુકાવ્ય વચ્ચે કલ્પનાનું અને શૈલીનું કેટલુંક સામ્ય છે, એટલે બંને કાવ્યોનો કર્તા એક હોવાનું પણ અનુમાન થયું છે. સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારૂપરેખા : ૧; ૫. ગુસાસ્વરૂપો; ૬. નરસિંહયુગના કવિઓ, કનૈયાલાલ મુનશી, ઈ.૧૯૬૨;  ૭. સ્વાધ્યાય, મે ૧૯૬૫-હરિવિલાસ-એક મધ્યકાલીન જૈનેતર ફાગુકાવ્ય’, હરિવલ્લભ ચૂ. ભાયાણી. [કી.જો.]