ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ દયારામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ(દયારામ) : દયારામનાં પદો (મુ.)નો વધુ લોકપ્રિય બનેલો ભાગ તો ‘ગરબી’ને નામે ઓળખાયેલી રચનાઓનો છે. દયારામનું વ્યક્તિ-ચિત્ર ઘણી વાર એને આધારે ઊભું કરવામાં આવે છે. પરંતુ પરંપરાગત ભક્તિવૈરાગ્યબોધનાં પણ સેંકડો પદો દયારામ પાસેથી મળે છે, અને એ પદો આપણી સમક્ષ દયારામની એક જુદી છબી રજૂ કરે છે. એમાં મુક્તિને સ્થાને ભક્તિની જ આકાંક્ષા, જ્ઞાનનો તિરસ્કાર અને પ્રેમમાર્ગનો મહિમા, અનન્યનિષ્ઠા, ઈશ્વરના પ્રગટ સ્વરૂપનો આદર-એ પુષ્ટિમાર્ગસંમત ખ્યાલો વ્યક્ત થયા છે તે ઉપરાંત આત્મગ્લાનિ, દીનતા, વિરક્તતા, આતિ, ઇશ્વર-શરણ્યતા, નિશ્ચિતતા, નિર્મળતા આદિ મનોભાવો હૃદયસ્પર્શી રીતે વ્યક્ત થયા છે. સઘળાં પદો દૃષ્ટાંતોના વિનિયોગ, પ્રાસાદિક ભાવવાહી અભિવ્યક્તિ અને કવચિત પ્રાસાનુપ્રાસની લીલાથી ધ્યાન ખેંચે છે. જીવ-બ્રહ્મની એકતાને માનનાર વિશે કવિ કહે છે કે “છતે સ્વામીએ સૌભાગ્યનું સુખ સ્વપ્ને ન દેખ રે” ને પોતાના મનને એક વખત ઢણકતું ઢોર કહી આત્મશિક્ષાની વાત કરે છે. તો બીજી વખત વૈરાગ્યભાવથી મનજી મુસાફરને પોતાના દેશ ભણી જવા ઉદ્બોધે છે. “જે કોઈ પ્રેમ-અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે” ને “વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું” જેવાં કેટલાંક પદો તો લોકજીભે પણ ચડેલાં છે.[જ.કો.]