ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માંડણ-૩
માંડણ-૩ [ઈ.૧૫૫૧ સુધીમાં] : માંડણ નાયકને નામે ‘ઝંદાઝૂલણનો વેશ’ (મુ.) એ ભવાઈ-વેશ મળે છે. એની કેટલીક વાચનાઓમાં મળતી પંક્તિઓને આધારે એમ લાગે છે કે કૃતિ એના મૂળ સ્વરૂપે ઈ.૧૫૫૧ સુધીમાં રચાયેલી છે, એટલે કવિ એ સમય સુધીમાં થઈ ગયા એમ અનુમાન કરી શકાય. એક માન્યતા મુજબ આ માંડણ નાયક અસાઇતના પુત્ર હતા. ‘અડવા વાણિયાનો વેશ’ તરીકે પણ ઓળખાતો આ વેશ ૨ ભાગમાં વહેંચાઈ જાય છે. તેના પૂર્વ ભાગમાં તેજા મોદીનું અડવા એટલે કે મૂર્ખ વાણિયા તરીકેનું પૂર્વવયનું વૃત્તાંત રજૂ થાય છે. બીજા ભાગમાં મુસ્લિમ સરદાર ઝંદા તથા તેજાંના પરસ્પરના અનુરાગ,પ્રતીક્ષા, મિલન અને વિરહદુ:ખના ભાવો તળપદી છટાથી વ્યક્ત થાય છે. કથાની વચ્ચે વિપુલ પ્રમાણમાં, મૂળ કથા સાથે સંબંધ ન ધરાવતાં, હિન્દી પદ્યો મુકાયાં છે. જેમાંનાં ઘણાં પદ્ય અન્ય કવિઓની નામછાપ દર્શાવે છે. કૃતિ : ૧. દેશી ભવાઈનો ભોમિયો, સં. મયાશંકર શુક્લ, -; ૨. ભવાઈ, સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨ (સં.); ૩. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૪. શ્રી ભવાની ભવાઈપ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,-. સંદર્ભ : ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪.[નિ.વો.]