ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મામેરું’-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘મામેરું’-૧ [લે. ઈ.૧૭૪૭] : અજ્ઞાત કવિકૃત ૪ કડવાં અને ૨૧૭ કડીની આ કૃતિ(મુ.) કુંવરબાઈના મામેરાના પ્રસંગને પરંપરાગત રીતે ને સંક્ષેપમાં રજૂ કરે છે, પરંતુ થોડીક નવતર માહિતીને કારણે ધ્યાનપાત્ર બને છે. ‘એક પુત્રીનો પરિવાર’ એટલે કે નરસિંહને પુત્ર ન હોવો, પુત્રીનું નામ સુરસેના, તે ૯ વર્ષની થતાં નવાનગરના વિશ્વનાથ ભટ્ટના પુત્ર ગોપાલ સાથે તેનું લગ્ન, સુરસેનાને ઓરમાન મા હોવી એટલે કે નરસિંહ બીજી વાર પરણ્યાનો નિર્દેશ-પરંપરામાં ન મળતી આ હકીકતો છે; જો કે મીરાંના મનાતા ‘નરસિંહરા માહ્યરા’માં નરસિંહ બીજી વાર પરણ્યાનો ઉલ્લેખ આવે છે. ભગવાન દોશી રૂપે આવ્યા ત્યારે તેની સાથે કુબેર પણ હતા, જેમણે ધનની ગુણ વાપરવા માટે આપી એવું પણ અહીં નિરૂપણ છે. કૃતિની ભાષા પરથી કવિ પ્રેમાનંદના પુરોગામી એટલે ઈ.૧૭મી સદી મધ્યભાગમાં થયા હોવાનું અનુમાન થયું છે. મંગલાચરણમાં ‘કમલાપતિ’નું સ્મરણ કરતા કવિ જૈનેતર હોવાનું સમજાય છે. કૃતિ : ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૮મું અધિવેશન, ઈ.૧૯૭૬-‘અજ્ઞાતકૃત કુંવરબાઈનું મામેરું’, સં. કનુભાઈ વ્ર. શેઠ. [શ્ર.ત્રિ.]