ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મારુઢોલાની ચોપાઈ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘મારુઢોલાની ચોપાઈ’ [ર.ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, વૈશાખ સુદ ૩, ગુરુવાર] : કુશલલાભ-૧ની દુહા-ચોપાઈની આશરે ૪૦૦ કડી તથા ‘વાત’ નામક ગદ્યમાં રચાયેલી આ કૃતિ(મુ.) રાજસ્થાનના એક અત્યંત લોકપ્રિય કથાનકને આલેખે છે. રાજકુમાર ઢોલા સાથે જેનું લગ્ન થયું છે તે મારુવણી નાની હોવાથી તેને સાસરે મોકલવામાં આવતી નથી. દરમ્યાન ઢોલો માલવણી નામની બીજી કન્યાને પરણે છે. સમય જતાં યૌવનમાં આવેલી મારુવણી ઢોલા માટે ઝૂરે છે, પણ માલવણી તેને ઢોલા સુધી પહોંચવા દેતી નથી. છેવટે ઢોલાને સંદેશો મળતાં તે મારુવણીના નગરમાં મળે છે. પાછા આવતાં મારુવણીને સાપ કરડે છે પણ કોઈ યોગી એને સજીવન કરે છે. ઢોલા, મારુવણી અને માલવણીના સુખપૂર્વક સહજીવન સાથે કૃતિનો અંત આવે છે. રાજસ્થાનનાં વિરહપ્રેમના અત્યંત ઉત્કટ અને તાજગીભર્યા ઉદ્ગારો સમા ઢોલા-મારુના દુહા ખૂબ જાણીતા છે. આ કવિએ પોતાના દુહામાં એ પ્રચલિત સાહિત્યનો લાભ ઉઠાવ્યો છે તેથી આ કૃતિનો એ સૌથી વધુ કાવ્યમય ભાગ છે. દુહા “ઘણા પુરાણા” અને ચોપાઈબંધ પોતાનું હોવાનો ઉલ્લેખ કવિએ પોતે કર્યો છે. ટેકણરૂપ દુહા પછી ચોપાઈમાં થોડું વીગતે પ્રસંગવર્ણન અને ‘વાત’માં સંવાદ ઇત્યાદિ દ્વારા કથાવિસ્તાર એ જાતનો રચનાબંધ કવિએ સ્વીકાર્યો છે. આ કારણે દુહા-ચોપાઈની તથા ‘વાત’ની સામગ્રી થોડી સમાન પણ ચાલે છે. ‘વાત’ની ચારણી કથનશૈલી, એમાં વણાતું રાજદરબારી વસ્તુ અને એનું સૌથી પ્રબળ રાજસ્થાની ભાષાસ્વરૂપ કુશલલાભના કર્તૃત્વ વિશે શંકા જગાવે એવું છે. ‘વાત’ પણ એણે પરંપરામાંથી સંકલિત કરેલ હોય એમ બને. કુશલલાભે ઢોલામારુની લોકકથાને ધાર્મિક રંગ આપ્યો નથી એ ખાસ નોંધપાત્ર છે. આ કૃતિ જાદવ રાઉલ હરિરાજ (રાજ્યકાળ ઈ.૧૫૬૨-ઈ.૧૫૭૮)ના આનંદ માટે પોતે રચી હોવાનો નિર્દેશ કર્યો છે. દંતકથા એવી છે કે હરિરાજે યુવરાજ હતા ત્યારે અને તે પછી પણ ઢોલામારુના પ્રાચીન દુહાઓનો ઉપયોગ કરી જુદાજુદા કવિઓ પાસે વાર્તા બનાવડાવેલી અને અકબર પાસે એ વાર્તાઓ રજૂ કરેલી. આ હકીકતનું સમર્થન કરતી આ વિષયની અન્ય રચનાઓની પ્રતો ઉપલબ્ધ થયેલી છે. આ કૃતિની રચનાસંવત ૧૬૧૫ તેમ જ ૧૬૧૬ પણ કેટલીક હસ્તપ્રતોમાં મળે છે અને ‘સત્તોત્તર’ ‘સત્યોત્તર’ જેવા પાઠને કારણે રચનાસંવત ૧૬૦૭ હોવાની પણ સંભાવના થઈ શકે છે. કવિએ પોતે આ કૃતિનું ૭૦૦ ગાથાનું પ્રમાણ કહ્યું છે,પરંતુ મુદ્રિત કૃતિમાં દુહાચોપાઈની ૪૦૦થી વધારે કડીઓ જણાતી નથી. એમણે ગદ્ય સાથેનું ગ્રંથાગ્રપ્રમાણ આપ્યું હોય તો જુદી વાત છે. [શ્ર.ત્રિ.]