ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રસમંજરી’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘રસમંજરી’ [ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, અસાડ સુદ ૭, રવિવાર] : વછરાજની દુહા, ચોપાઈ, છપ્પામાં રચાયેલી ૬૦૫ કડીની આ પદ્યવાર્તા(મુ.)માં પ્રેમરાજ અને રસમંજરીના પ્રેમ-પરિણયની કથા નિમિત્તે સ્ત્રીચરિત્રની વાત કહેવાઈ છે. પત્નીને સ્ત્રીચરિત્ર લાવી આપવાનું વચન આપીને પરદેશ નીકળેલો સોમદત્તનો મૂર્ખ ને ભીરુ પુત્ર પ્રેમરાજ સ્ત્રીચરિત્રની શોધ કરતાં ધનાશેઠની પુત્રવધૂ રસમંજરીના પરિચયમાં કેવી રીતે આવે છે એ ઘટનાઓ કથાનો પૂર્વભાગ રચે છે. પરંતુ કથાનો રસિક ભાગ ઉત્તરાર્ધમાં રસિકમંજરીએ કરેલી યુક્તિ-પ્રયુક્તિઓ અને એ દ્વારા બતાવેલા સ્ત્રીચરિત્રના આલેખનમાં રહેલો છે. પ્રેમરાજ પ્રત્યે આકર્ષાયેલી રસિકમંજરી પોતે પતિની હત્યા કરે છે છતાં પોતે નિર્દોષ અને પતિ ચારિત્ર્યહીન હતો એવું સસરા-સાસુના મન પર ઠસાવે છે. પોતે કુલસ્ત્રી છે પણ સસરાની આબરૂ બચાવવા ખાતર પોતે પ્રેમરાજ સાથે જાય છે એવો સ્વાંગ રચતી સસરા પર પાડ ચડાવે છે, અને અંતમાં પદ્માવતીના સ્ત્રીચરિત્રની પરખ પતિને કરાવી પતિના હૃદયમાં પોતાનું સ્થાન દૃઢ કરી લે છે. એટલું જ નહીં પદ્માવતીને પણ એણે કરેલા દોષને ખુલ્લો પાડી શરમિંદી બનાવે છે અને પછી તેને પોતાની સાથે જ રાખી હંમેશની સખી બનાવી દે છે. શામળથી દોઢસો વર્ષ પૂર્વે પ્રેમાવતીની પ્રચલિત કથાને આધારે રચાયેલી આ પદ્યવાર્તા એની સુગ્રથિતતા અને પ્રવાહી કથાનિરૂપણથી ધ્યાનપાત્ર છે. [જ.ગા.]