ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રાણક-રાખેંગારની ગીતકથા’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘રાણક-રાખેંગારની ગીતકથા’ : જૂનાગઢના રાજા ‘રા’ખેંગારને સિંહલદ્વીપના પરમાર રાજા રોરની, પિતાથી તરછોડાઈને કુંભારને ત્યાં ઊછરેલી, પુત્રી રાણકદેવી સાથે લગ્ન કરવાને કારણે સિદ્ધપુર-પાટણના રાજા સધરા જેસિંહ સાથે વેર બંધાય છે. સધરો જૂનાગઢ પર ચઢાઈ કરી રા’ખેંગારની હત્યા કરે છે અને રાણકદેવી વઢવાણ પાસે ભોગાવો નદીને કિનારે સતી થાય છે એ કથાને બહુધા કોઈને કોઈ પાત્રના સંબોધન રૂપે આલેખતા ૩૯ દુહા-સોરઠા(મુ.) મળે છે. એમાંના કેટલાક દુહા મેરુતુંગાચાર્યના ‘પ્રબંધચિંતામણિ’માં મળે છે, જે આ લોકકથાની પ્રાચીનતાને સૂચવે છે. કથાનો પ્રારંભનો દુહો એના કાવ્યચમત્કૃતિપૂર્ણ નિરૂપણથી ધ્યાન ખેંચે છે. રાણકદેવી રાજકુટુંબની બહાર કુંભારને ઘરે ઊછરી તેથી રાજકુંવરી મટી જતી નથી એ વાત ‘આંગણ આંબો રોપિયો, શાખ પડી ઘરબાર’ એ દૃષ્ટાંતથી સુંદર રીતે કહેવાઈ છે. પરંતુ કથામાં મર્મસ્પર્શી દુહા તો રા’ખેંગારના મૃત્યુ પછી રાણકે કરેલા વિલાપના છે. ઠપકો, મગરૂરી, નિરાશા, ગુસ્સો, અસહાયતા જેવા ભાવોથી પુષ્ટ થયેલો એ કરુણ રાણકદેવીના પુત્ર માણેરાની હત્યા વખતે પરાકાષ્ઠાએ પહોંચે છે. કરુણની એ તીવ્રતા અતિશયોક્તિથી પ્રભાવક રીતે વ્યક્ત થઈ છે. રાણકદેવી સધરાને સંબોધી કહે છે કે “પાંપણને પણગે, ભણ્ય તો કૂવા ભરાવીએં, માણેરો મરતે, શરીરમાં સરણ્યું વહે.” કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩; ૨. સોરઠી ગીતકથાઓ; સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (બીજી આ.).[જ.ગા.]