ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરજી-૨
વીરજી-૨ [ઈ.૧૬૬૪માં હયાત] : આખ્યાનકવિ. જ્ઞાતિએ બ્રાહ્મણ. એમના ‘સુરેખાહરણ’ના અંતે ‘બરાણપોહોર મધે ભટ વીરજી નામ’ એવી પંક્તિ મળે છે, તેને આધારે તેઓ બુરહાનપુરના (મધ્યપ્રદેશ) વતની હોય એમ લાગે છે. તેઓ પ્રેમાનંદશિષ્ય હતા, તેમણે શામળ સાથે સ્પર્ધા કરી હતી વગરે એમના જીવન વિશે ‘પ્રાચીન કાવ્યમાળા : ૮’માં આપેલી વીગતો શ્રદ્ધેય નથી. કવિને નામે ૪ કૃતિઓ મુદ્રિત સ્વરૂપે મળે છે, તેમાં અભિમન્યુએ બલરામપુત્રી સુરેખાનું હરણ કર્યું એ પ્રસંગને આલેખતું ૨૫ કડવાંનું ‘સુરેખાહરણ’ (ર.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, વૈશાખ સુદ ૫, ગુરુવાર) કવિનું ખાસ ચમત્કૃતિ વગરનું આખ્યાન છે. ૨૨ કડવાંની ‘કામાવતીની કથા’, ૧૮ કડવાંની ‘બલિરાજાનું આખ્યાન’ તથા ‘દશાવતારની કથા’ એ ૩ કૃતિઓને હસ્તપ્રતનો આધાર નથી. આંતરિક પ્રમાણોને લક્ષમાં લેતાં પણ એ કૃતિઓ વીરજીકૃત હોવાની સંભાવના લાગતી નથી. અર્વાચીન સમયમાં આ કૃતિઓ વીરજીને નામે ચડાવી દેવાઈ હોય એમ લાગે છે. એ સિવાય ‘કાકરાજની કથા’ ને ‘વ્યાસકથા’ આ કવિએ રચી છે એમ નોંધાયું છે, પરંતુ એમનીય કોઈ હસ્તપ્રત ઉપલબ્ધ નથી. કૃતિ : ૧. પ્રાકામાળા : ૮ (+સં.); ૨. પ્રાકાત્રૈમાસિક, અં. ૩, ઈ.૧૮૮૯-‘સુરેખાહરણ’. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાકાર્યવહી, ઈ.૧૯૪૨-૪૩-‘પ્રાચીન કાવ્ય-ત્રૈમાસિક અને કાવ્યમાળા લેખનું પરિશિષ્ટ’, કે.કા.શાસ્ત્રી; ૩. ગુસામધ્ય; ૪. રામલાલ ચુ. મોદી લેખસંગ્રહ, સં. પુરુષાત્તમદાસ ભી. શાહ અને ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૩; ૫. ગ્રંથ, એપ્રિલ ૧૯૭૬-‘વીરજીકૃત કામાવતી બનાવટ?’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી; ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફૉહનામાવલિ; ૧૧. રાપુહસૂચી : ૪૨; ૧૨. રાહસૂચી : ૧. [ચ.શે.]