ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શંકર
શંકર : આ નામે ‘શાલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૬૧૯) અને ગુજરાતી મિશ્ર રાજસ્થાનીમાં ‘નવગ્રહ-છંદ’ (લે.સં.૧૯મી સદી), શંકર શાહને નામે ‘ફલવર્ધિપાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૭૩૯) તથા શંકર વાચકને નામે ૬ કડીનું ‘શાંતિજિન-સ્તવન’(મુ.) અને ૫ કડીનું ‘(અહિછત્રા) પાર્શ્વનાથ-સ્તવન’ એ જૈન કૃતિઓ મળે છે. તેમ જ આ નામે પાંચથી ૬ કડીનાં ભજનો (૪ મુ.) એ જૈનેતર કૃતિઓ મળે છે. કોઈ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ શંકરકૃત કૃષ્ણચરિત્રને આલેખતી ૬૦ કડીની ‘કૃષ્ણચરિત્ર-છંદ’(મુ.) મળે છે. આ કૃતિ ઈ.૧૫૭૪ આસપાસ રચાઈ હોવાનું અનુમાન થયું છે. એ સાચું હોય તો આ કૃતિના કર્તા શંકર-૧ હોઈ શકે. બીજી કૃતિઓના કર્તા કયા શંકર છે તે સ્પષ્ટ થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.); ૩. અનુગ્રહ, જુલાઈ ૧૯૫૮-‘કૃષ્ણચરિત્ર-છંદ’, સં. ચિમનલાલ મ. વૈદ્ય. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૪૨. [કી.જો.; શ્ર.ત્રિ.]