ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિજ્ઞાનશાકુન્તલ
અભિજ્ઞાનશાકુન્તલ : ૧૭૮૮માં વિલિયમ જોન્સે કરેલા કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુન્તલ’ના અંગ્રેજી અનુવાદથી સંસ્કૃત નાટ્યસાહિત્ય વિશ્વપ્રસિદ્ધ બન્યું. રાજા દુષ્યન્ત અને શકુન્તલાના પ્રેમસંબંધને દુર્વાસાના શાપથી ગ્રહણ લાગે છે. દુષ્યન્ત શકુન્તલાને વિસરી જાય છે. છેવટે શકુન્તલાને આપેલી મુદ્રિકા જોતાં દુષ્યન્તને બધું જ યાદ આવે છે અને શકુન્તલા સાથે મિલન થાય છે. આટલું કથાવસ્તુ નાટકના સાત અંકમાં અત્યંત કલાત્મક સંવિધાન પામ્યું છે. સંવિધાન પોતે એક ગહન પ્રતીકાત્મકતા ધારણ કરે છે અને મહાભારતમાં શુષ્ક રીતે કહેવાયેલી કથાને અનોખું પરિમાણ સંપડાવે છે. દુર્વાસાનો શાપ અને વીંટીનું કથાનક મૂળ મહાભારતની કથામાં નથી પણ અહીં નાટ્યકારે પોતે ઊંડી સંપ્રજ્ઞતાથી એને પ્રયોજીને નાટકને ઊંચી ભૂમિકાએ મૂકી દીધું છે. સમગ્ર નાટકમાં અને ખાસ તો, ચોથા અંકમાં, નિરૂપિત પ્રકૃતિ અને તેની માનવજીવન સાથેની સંવાદિતા; કન્યાવિદાયનું હૃદયાવર્જક આલેખન; ભાષાનું મોહક સૌંદર્ય; આ સર્વથી પ્રાચીન પરંપરાએ પણ ‘કાવ્ય’માં નાટક સુંદર છે, નાટકમાં શાકુન્તલ રમ્ય છે અને શાકુન્તલમાં પણ ચોથો અંક રમ્ય છે’ એમ કહ્યું છે. સદ્ ને સદ્ (અસદ્ નહિ, બંને પક્ષ સદ્ છે) તત્ત્વો વચ્ચેનો સંઘર્ષ નિરૂપતો પાંચમો અંક પણ અત્યંત નોંધપાત્ર છે. ‘તરુણ વયના ફૂલનું અને પરિણત વયના ફળનું મર્ત્ય તેમજ સ્વર્ગનું એકસાથે દર્શન જ્યાં થાય તે ‘અભિજ્ઞાનશાકુન્તલ નાટક’ – એવો જર્મન કવિ ગ્યોથનો અભિપ્રાય જાણીતો છે. વિ.પં.