ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપમાચિત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉપમાચિત્ર : ડોલરરાય માંકડે પોતાના વિવેચનસંગ્રહ ‘કાવ્યવિવેચન’માં રા.વિ. પાઠકના ‘શેષનાં કાવ્યો’માંનાં કેટલાંક કાવ્યોમાં પ્રયોજાયેલી ઉપમારીતિને આ સંજ્ઞા આપેલી છે. સામાન્ય રીતે ઉપમા અલંકારમાં ઉપમેય, ઉપમાન, વાચક અને ધર્મ એમ ચાર શબ્દો આપવા પૂરતી જ કવિની ફરજ છે, પણ ‘ઉપમાચિત્ર’માં ઉપમાન વાક્યમાં નાનું શું ચિત્ર આવે છે, આથી વર્ણનમાં એક જાતની પ્રત્યક્ષતા ભળતાં કાવ્યાસ્વાદમાં વધારો થાય છે. અંગ્રેજીમાં એને ‘એપિક સિમિલિ’ કે ‘હોમરિક સિમિલિ’ કહેવામાં આવે છે. જેમકે ‘ઉન્નત ને ભરેલા/મેઘો ચડે સામસામી દિશાથી/ચડી, મળી મધ્યનભે લળીને/પૃથ્વી પરે અનરાધાર વર્ષે/તેવાં અમે સામસામેથી ઝૂક્યાં/શિશુ પરે ને વરસ્યાં સહસ્ત્ર/ધારો થકી અંતર કેરું હેજ.’’ ખુદ રા. વિ. પાઠકે ‘ઉપમાચિત્ર’નું નામ પાડ્યા વગર આ અલંકારનિરૂપણના વલણને જુદું તારવ્યું છે. એમણે કહ્યું છે કે અંગ્રેજીની અસરથી ઉપમાનિરૂપણ પદ્ધતિમાં ફરક પડ્યો છે. એમાં સાદૃશ્યધર્મો અને ઉપમેય-ઉપમાનનું સમતોલપણું ઉદિષ્ટ જ હોતું નથી. એમાં ઉપમાનનાં વર્ણનની કેટલીક હકીકત ઉપમેયના સ્વરૂપ પર ઝબકારાથી પ્રકાશ નાખે છે, કોઈવાર તેના રહસ્યને જ માત્ર અવલંબે છે, કોઈવાર ઉપમા હોવા ઉપરાંત તે પ્રસંગના વાતાવરણની જમાવટ કરવા આવે છે અને મોટાભાગે અસ્પષ્ટ હોય છે. રા.વિ. પાઠકે એની મર્યાદા ચીંધતાં કહ્યું છે કે આમાં મૂળ વસ્તુને છોડી આડે ઊતરી જવાનો ભય હંમેશા રહેલો છે. ચં.ટો.