ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એતદ્દ
એતદ્ : સુરેશ જોષીના હાથે નવે. ૧૯૭૭થી પ્રકાશિત આ સામયિકને પ્રગટ કરવા પાછળ સાહિત્ય, લલિતકલા, સમાજવિદ્યા તથા તત્ત્વચિંતન આ ક્ષેત્રો વિશેનો સહવિચાર શક્ય બનાવવાનો હતો તેમજ શુદ્ધ સાહિત્યિક બાજુઓનો વિચાર મૂકવાની અને વૈચારિક આબોહવાને ઘડવાની પ્રેરણા પણ હતી. પ્રારંભે એના તંત્રીમંડળમાં ઉષા જોષી, રસિક શાહ અને જયંત પારેખનાં નામ જોવા મળે છે.૧૯૮૨થી ૧૯૮૬ના સમયમાં, તંત્રી તરીકે સુરેશ જોષી અને સહતંત્રી તરીકે શિરીષ પંચાલનું નામ અહીં દેખા દે છે. આ ગાળામાં પુરોગામી રચનાઓથી જુદી પડતી કવિતાઓ, પરિભાષાની વિશિષ્ટ કૃતિઓના સુરેશ જોષી અને શિરીષ પંચાલના હાથે થયેલા અનુવાદો, વાર્તાઆસ્વાદો, ‘ઘેર જતાં’ શીર્ષક હેઠળ પ્રકાશિત ગુલામ મોહમ્મદ શેખના નિબંધો અહીં પ્રગટ થયાં છે. ‘એતદ્’માં પ્રકાશિત અભ્યાસસામગ્રીનું એક મૂલ્ય ઊભું થવા પામ્યું છે. સાહિત્યના અનેકવિધ દિશાના અભ્યાસલેખો અને સર્જનાત્મક કૃતિઓ પ્રતિષ્ઠિત અભ્યાસી વિવેચક-સર્જકોના હાથે અહીં લખાઈ છે. કોઈ એક ચોક્કસ સીમામાં પુરાવાને બદલે મોકળે મને જે કંઈ સંતોષજનક લાગે તે પ્રકાશિત કરવાનું ઉચ્ચ વલણ એમણે દાખવેલું. ‘એતદ્’ના પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન નવમો દાયકો જેવા અભ્યાસનાં તેમજ મેટામૉફોસીસ અને તિરાડે ફૂટી કૂંપળ જેવી સાહિત્યકૃતિઓના વિશેષાંકો ધ્યાનાર્હ બન્યા છે. સને ૨૦૦૦માં જયંત પારેખે કેટલાક અંકોનું આગવી રીતે સંપાદન કર્યા બાદ નીતિન મહેતા જેવા સંપાદકે અનેક નવઅભ્યાસીઓને એમાં જોડ્યા. ટૂંકા સમય માટે પણ એમણે નિયમિતપણે લખેલાં સંપાદકીય લખાણો અભ્યાસ અને પરિશીલનના નમૂનારૂપ છે. હાલના તંત્રી કમલ વોરા, નૌશિલ મહેતા અને કિરીટ દૂધાતે પણ એ ધોરણોને જાળવીને ઉત્તમ કૃતિઓને પ્રકાશિત કરી છે અને ‘એતદ્’ની સાહિત્યિક સામયિક-છબિને વધુ ઊજળી કરી છે.
કિ. વ્યા.