ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકોત્તરશતી


એકોત્તરશતી : રવીન્દ્રનાથ ઠાકુર(૧૮૬૧-૧૯૪૧)નાં ૧૦૧ કાવ્યોનો સાહિત્ય એકાદમી, દિલ્હીએ પ્રકટ કરેલો સંચય. ૧૯૬૧માં રવીન્દ્રનાથની જન્મશતાબ્દીની ઉજવણી નિમિત્તે સંપાદિત આ ૧૦૧ કાવ્યોમાં ૧૮૮૨માં રચિત રવીન્દ્રનાથની પ્રથમ મહત્ત્વની કવિતા ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’થી તેમની ૧૯૪૧ના જુલાઈની ૩૦મી તારીખે રચાયેલી અંતિમ કવિતા ‘તોમાર સૃષ્ટિર પથ’ સુધીની ઉત્તમ કવિતાઓ સમાવિષ્ટ થઈ છે. દેશની તમામ માન્ય ભાષાઓમાં મૂળ બંગાળી સાથે અનુવાદો આપવાની આ અંગે યોજના છે. એકોત્તરશતીનું ગુજરાતી સંસ્કરણ ૧૯૬૩માં પ્રકટ થયું છે. ગુજરાતીમાં અનુવાદકો છે – ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, રમણલાલ સોની, સુરેશ જોશી અને નિરંજન ભગત. મૂળ બંગાળી કાવ્ય ગુજરાતી લિપિમાં અને અનુવાદ ગદ્યમાં આપવામાં આવ્યા છે. સંચયગ્રન્થની ભૂમિકામાં પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર હુમાયુન કબીરે લખ્યું છે કે રવીન્દ્રનાથ સર્વકાળના મોટા મોટા કવિઓની હરોળમાં સ્થાન પામે છે. અહીં શ્રેષ્ઠ ભારતીય કવિની સર્જકપ્રતિભાનો પરિચય મળે છે. કાવ્યવિષયો અને કાવ્યરૂપોનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. રવીન્દ્રનાથની ઉત્તરવયની કવિતાની ગહનતા અને સંકુલતાને લક્ષ્યમાં લઈ એને સારું એવું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. એકોત્તરશતીનો જોડિયો સંચય છે, ગીતપંચશતી. જેમાં રવીન્દ્રનાથનાં ગીતોમાંથી પસંદ કરીને ૫૦૦ ગીતો મૂળ અને અનુવાદ સાથે આપવામાં આવ્યાં છે. ભો.પ.