ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિકંઠાભરણ
કવિકંઠાભરણ : ‘ઔચિત્યવિચાર’ના કર્તા આચાર્ય ક્ષેમેન્દ્રએ અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં કવિપદવાંચ્છુઓને કાવ્યકલાની દીક્ષા આપવા લખેલો, પંચાવન કારિકાઓ ધરાવતો સંસ્કૃત કાવ્યસિદ્ધાન્તગ્રન્થ. તેના વિવિધ સંધિઓમાં કવિત્વસાધનાના માર્ગો, કવિપ્રકારો, કાવ્યના ગુણદોષનું વર્ણન તેમજ નાટક, વ્યાકરણ તથા તર્ક જેવા વિષયોની વિચારણા થઈ છે. ગ્રન્થના પ્રથમ સંધિમાં કવિત્વપ્રાપ્તિ માટેની સાધનાનું નિરૂપણ છે. એમાં કવિ-સાધકોના અલ્પપ્રયત્નસાધ્ય, કષ્ટસાધ્ય અને અસાધ્ય – એવા ત્રણ વર્ગો કર્યા છે તથા કવિઓને છાયોપજીવી, પદકોપજીવી, પાદોપજીવી, સકલોપજીવી તેમજ ભુવનોપજીવી જેવા વર્ગોમાં વિભાજિત કર્યા છે. બીજા સંધિમાં કવિપદપ્રાપ્તિ માટેના વ્યાવહારિક માર્ગો તેમજ ૨૩ પ્રકારના એના અભ્યાસ તેમજ કાવ્યકલાશિક્ષણ માટેનાં ૧૦૦ સાધનોનો પરિચય આપ્યો છે. ત્રીજા સંધિમાં કાવ્યમાં દસ પ્રકારની ચમત્કૃતિની મહત્તા દર્શાવીને કવિ તે શી રીતે સિદ્ધ કરી શકે તેનું નિરૂપણ કર્યું છે. ચોથા સંધિમાં કાવ્યના ગુણ-દોષનું સવિસ્તાર આલેખન છે તો પાંચમા સંધિમાં, કવિએ પ્રત્યક્ષ જગતનો પરિચય મેળવવો જોઈએ એમ કહીને પ્રજાજીવનની મહત્તા કરી છે. ર.ર.દ.