ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યપ્રયોજન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાવ્યપ્રયોજન : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કાવ્યનાં પ્રયોજનોની વિસ્તૃત ચર્ચા મળે છે. ભરતમુનિએ નાટકના સંદર્ભમાં પ્રયોજનની ચર્ચા કરતાં કહ્યું છે કે નાટક ધર્મ, યશ અને આયુષ્યવર્ધક, તેમજ સમાજને હિતકારક અને બુદ્ધિવર્ધક હોય છે. નાટક ઉપદેશ આપે છે, વળી, મનોરંજન પણ આપે છે. થાકેલા અને દુઃખી લોકોને શાતા પમાડે છે. ભામહ પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો કાવ્યનું પ્રયોજન છે. સત્કાવ્યથી કીર્તિ અને પ્રીતિની પ્રાપ્તિ થાય છે. કીર્તિ કવિને અને પ્રીતિ વાચકને મળે છે. ભામહ કવિ અને વાચક બંનેનાં દૃષ્ટિબિંદુથી પ્રયોજનોની ચર્ચા કરે છે. વામન પ્રમાણે કાવ્યનાં બે પ્રયોજન હોય છે. દૃષ્ટ અને અદૃષ્ટ. દૃષ્ટ પ્રયોજન છે પ્રીતિ અને અદૃષ્ટ ઉદ્દેશ છે કીર્તિ. રુદ્રટ પ્રમાણે ચતુર્વર્ગફલપ્રાપ્તિ ઉપરાંત, અનર્થોપશમ, વિપદ્નિવારણ, રોગવિમુક્તિ અને અભીષ્ટ વરની પ્રાપ્તિ છે. કુંતક ત્રણ પ્રકારનાં પ્રયોજનો વર્ણવે છે : ધર્મ વગેરે ચતુર્વર્ગની પ્રાપ્તિ, વ્યવહાર વગેરેમાં સુંદર રૂપની પ્રાપ્તિ અને લોકોત્તર આનંદની ઉપલબ્ધિ. મમ્મટે પોતાની સુપ્રસિદ્ધ કારિકામાં કાવ્યનાં છ પ્રયોજન વર્ણવ્યાં છે : યશ, અર્થપ્રાપ્તિ, વ્યવહારજ્ઞાન, અમંગળનો નાશ, સદ્ય આનંદપ્રાપ્તિ અને પ્રિયતમાની જેમ ઉપદેશ. છ પ્રયોજનો ગણાવતી કારિકા પરની વૃત્તિમાં સોદાહરણ દ્યોતક ચર્ચા મમ્મટે કરી છે : ૧, યશ : કાલિદાસ વગેરેને જેમ યશ ૨, અર્થપ્રાપ્તિ : શ્રી હર્ષ વગેરે પાસેથી બાણે હર્ષચરિતની રચના કરી, સમ્રાટનું ચરિત્રવર્ણન કરી, ધન પ્રાપ્ત કર્યું, અથવા તો, બાણે રત્નાવલી હર્ષના નામે ચઢાવી હર્ષ પાસેથી અર્થપ્રાપ્તિ કરી. ૩, વ્યવહારજ્ઞાન : રાજા વગેરે સાથેના યોગ્ય વ્યવહારનું જ્ઞાન. ૪, શિવેતરક્ષતિ : સૂર્યશતક રચી, સૂર્યને પ્રસન્ન કરી, મયૂરે કુષ્ઠરોગમાંથી મુક્તિ મેળવી. ૫, આનંદ : સર્વ પ્રયોજનોમાં મૌલિભૂત-શ્રેષ્ઠ પ્રયોજન. કાવ્યવિગલિતવેદ્યાન્તર (અન્ય જ્ઞાનના વિષયોને ઓગાળી દેનાર) બ્રહ્માનંદસહોદર આનંદ સંપડાવે છે. ૬, પ્રિયતમાની રીતે ઉપદેશ : કાવ્યનું પ્રયોજન ઉપદેશ ખરું પણ, પ્રિયતમાની રીતે, ઉપદેશ આપે છે. ઉપદેશની ત્રણ રીતો પ્રચલિત છે : ૧, પ્રભુસંમિત જે શબ્દપ્રધાન છે. રાજાની જેમ, શાસ્ત્રના ઉપદેશ કે જે ખરેખર આદેશ જ છે તેનું અનુકરણ કરવું પડે. ૨, મિત્રસંમિત જે અર્થપ્રધાન છે. મિત્રની જેમ, ઇતિહાસ અને પુરાણો સમજાવટની શૈલીએ ઉપદેશ આપે છે અને ૩, કાન્તાસંમિત જે રસપ્રધાન છે. પ્રિયતમાની જેમ કાવ્ય ઉપદેશ આપે છે. ઉપદેશ ગ્રહણ કરનારમાં, એ ઉપદેશ છે એવી સભાનતા રહેતી નથી. પરવર્તી આચાર્યો મમ્મટને ઓછેવત્તે અંશે અનુસર્યા છે. હેમચન્દ્રાચાર્યના મતે, ધન, વ્યવહારજ્ઞાન અને અનર્થનિવારણ અન્ય સાધનોથી પણ સંભવિત છે એટલે હેમચન્દ્ર કાવ્યના મુખ્ય પ્રયોજન તરીકે, તેમનો સ્વીકાર કરતા નથી. વિશ્વનાથ ચતુર્વર્ગફલપ્રાપ્તિ પર ભાર મૂકે છે. વિશ્વનાથના મત પ્રમાણે, વેદશાસ્ત્રો દ્વારા ચતુર્વર્ગફલપ્રાપ્તિ કષ્ટસાધ્ય હોય છે જ્યારે કાવ્ય દ્વારા સરળતાથી અને આનંદપૂર્વક ચતુર્વર્ગફલપ્રાપ્તિ થાય છે. વેદશાસ્ત્રો કડવી ઔષધિઓ જેવાં છે, જ્યારે કાવ્ય મીઠી શર્કરા સમાન છે. આ પ્રયોજનોમાંથી કેટલાંક યશ, દ્રવ્ય અને શિવેતરક્ષતિ કવિ માટેનાં પ્રયોજનો છે. બાકીનાં વાચક માટેનાં પ્રયોજનો છે, એવું સામાન્ય રીતે, કાવ્યપ્રકાશ પરની ટીકા ઉદ્યોત સમજે છે એમ સમજી શકાય. પણ, આ સર્વ પ્રયોજનો કવિ અને વાચક બન્નેને લાગુ પાડી શકાય તેમ છે. યશની બાબતમાં વાચક (કે જેમાં વિવેચકનો સમાવેશ કરી શકાય) કાવ્ય વાંચી, કૃતિનું વિવેચન કરી (શેક્સપીયરનાં નાટકો પરનું વિવેચન કરનાર પ્રસિદ્ધ વિવેચક બ્રેડલીને ઓછો યશ નથી સાંપડ્યો) યશ પ્રાપ્ત કરે છે. ‘કળા કળાને ખાતર’ કે ‘કળા જીવનને ખાતર’ જેવી આધુનિક વિચારસરણીઓને પણ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની કાવ્યપ્રયોજનની ચર્ચા લાગુ પાડી શકાય તેમ છે. મમ્મટની કાવ્યપ્રયોજન વિષયક કારિકામાં કદાચ આ બન્ને વિચારધારાનો સમન્વય જોઈ શકાય. વિ.પં.