ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી અ-છાંદસ કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગુજરાતી અ-છાંદસ કવિતા : લય એને વાણીનું અવિનાભાવ લક્ષણ છે. ગદ્ય કે પદ્યની તરેહમાં લય નિહિત છે. છંદશાસ્ત્ર વાણીમાંના લયને નિયત વ્યવસ્થા આપે છે જ્યારે અછાંદસમાં લય અનિયત હોય છે. એથી જે કાવ્યમાં અ-નિયત લય આયોજન હોય એને અ-છાંદસની સંજ્ઞા આપવાનો ચાલ છે. ગુજરાતીમાં લયાત્મક ગદ્ય ‘પૃથ્વીચંદ્રચરિત’માં કે સ્વામીનારાયણ સંપ્રદાયના ‘વચનામૃત’થી માંડી મધુ રાય સુધીના ગદ્યકારોમાં જોઈ શકાય છે. પરંતુ, અ-છાંદસને આ લયાન્વિત ગદ્ય સાથે સીધો સંબંધ નથી. ન્હાનાલાલ કવિએ ‘નહીં પદ્ય’, ‘નહીં ગદ્ય’ની શૈલી અખત્યાર કરેલી અને વાણીમાંના ડોલનને લક્ષમાં રાખી, બૃહદ્ કાવ્ય અને નાટક માટે એનો ઉપયોગ કરેલો આમ છતાં ન્હાનાલાલની વાગ્મિતાને કારણે અને લાઘવના અભાવે આ ડોલનશૈલી અ-છાંદસની ગંગોત્રી બનતી નથી. કાન્તે કરેલા ટાગોરના ‘ગીતાંજલિ’ના ગદ્યાનુવાદથી કવિતા ગદ્યમાં હોઈ શકે એવી પૂર્વભૂમિકા બંધાઈ હતી ખરી, પણ સુરેશ જોષીએ પરભાષામાંથી કરેલા કાવ્યના અનુવાદથી ઊભું થયેલું પ્રતિમાન જ છેવટે ગુજરાતીમાં સ્વતંત્ર કાવ્ય માટે મહત્ત્વનું બન્યું. સુરેશ જોષીની સંનિધિ અને પ્રોત્સાહનથી પ્રાસન્નેય, ગુલામ મોહમ્મદ શેખ અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ આવાં કાવ્ય લખવાં શરૂ કરે છે. પરંતુ, અ-છાંદસનું આંદોલન ‘રે’ મઠની સ્થાપના પછી, ૧૯૬૧ની આસપાસ થાય છે. શ્રીકાન્ત શાહ, લાભશંકર ઠાકર, આદિલ મન્સુરી, મનહર મોદી વગેરે અદમ્ય ઉત્સાહથી અ-છાંદસ પ્રયોજે છે, પરંતુ, અ-છાંદસનો પ્રથમ સંગ્રહ ‘આંસુ અને ચાંદરણું’ પ્રગટ કરવાનું શ્રેય રાધેશ્યામ શર્માને જાય છે. આ પછી તરત, જ્યોતિષ જાનીનો સંગ્રહ ‘ફીણની દીવાલો’ પ્રગટ થાય છે. ૧૯૬૩ પછી સિતાંશુ મહેતા અ-છાંદસને અપૂર્વ વળાંક આપે છે. દિલીપ ઝવેરી અને પ્રબોધ પરીખ એ જૂથના કવિઓ છે. સિતાંશુની કવિતા સરળ લાગતા અ-છાંદસમાં વસ્તુગત અને ભાષાગત જટિલપણું ઉમેરે છે. અને પરંપરાના કાવ્યસૌન્દર્યના ખ્યાલોને પડકારી, અ-છાંદસ માટે નવા માપદંડો ઊભા કરવાનું ફરજિયાત બનાવે છે. પરાવાસ્તવ, પ્રતીક-કલ્પન અને અસ્તિત્વવાદી વલણોથી વિશ્વભરમાં ઊભું થયેલું કાવ્યશાસ્ત્ર ગુજરાતી અ-છાંદસ કવિતા માટે અનિવાર્ય બને છે. કાવ્યની ભાષાતપાસના વિશ્વમાં પ્રવર્તેલાં નવાં ઓજારો ખપે લગાડવાં જોઈએ. એવી સક્ષમ અછાંદસ કૃતિઓ ગુજરાતી કવિતાને મળે છે. જૂનાનવા સૌ કવિઓ ક્રમશ : આવડત, ઓછી આવડત, અને અણઆવડત સાથે અ-છાંદસ દ્વારા અભિવ્યક્તિ સ્થાપે છે. ઉમાશંકર જોશી જેવા કોઈક જ પ્રૌઢકવિ આ નવી રચના-રીતિ અવગત કરી શક્યા છે અને ઉત્તમ અ-છાંદસ કાવ્યો આપવામાં સફળ રહ્યા છે. સુરેશ જોષી, પ્રાસન્નેય, લાભશંકર, સિતાંશુ, રાજેન્દ્ર શુક્લ, ચિનુ મોદી વગેરેએ અ-છાંદસમાં દીર્ઘકાવ્ય રચવાના પ્રયત્નો કર્યા છે. આધુનિક કવિતાની પ્રચલિત રીતિ, કાવ્યપ્રયુક્તિઓનો અતિરેક, રૂઢ કાવ્યભાષા જેવી આત્યંતિકતાઓ ગાળી નાંખી, અનુઆધુનિક પેઢીના કવિઓ કાવ્યસિદ્ધિ માટે સભાન પ્રયત્નો કરે છે. યજ્ઞેશ દવે ‘જળની આંખે’ (૧૯૮૨), ‘જાતિસ્મર’ (૧૯૯૨), નીતિન મહેતા ‘નિર્વાણ’ (૧૯૮૮), દિલીપ ઝવેરી ‘પાંડુકાવ્યો અને ઈતર’ (૧૯૮૯), મણિલાલ હ. પટેલ ‘ડુંગર કોરી ઘર કર્યા’ (૧૯૯૬)માં અછાંદસની અનેક શક્યતાઓ સર્જનાત્મકતાથી નિપજાવે છે. ગુજરાતીમાં અછાંદસનું વલણ ક્રમશઃ ઘટતું દેખાય છે. ભાષાશૈથિલ્ય, મુખરતા, લય વિશેનું અભાનપણું અછાંદસ ક્ષેત્રની જાણકારીનો તેમજ અછાંદસને અનુકૂળ અનુભૂતિનો અભાવ – આ સૌ મર્યાદાઓ ગુજરાતીમાં અછાંદસ કાવ્ય કરવાના પ્રયત્નોમાંથી પ્રગટ થઈ છે. આમ છતાં એકાધિક ધાટીએ લખાયેલી અછાંદસ કવિતાએ ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વધારી છે અને શુદ્ધ કાવ્ય અંગેની સમજને દૃઢ કરી છે. વિશ્વકવિતામાં પ્રારંભે બોદલેર, માલાર્મે, વ્હોલટ વ્હીટમેન અને બ્રેંતો દ્વારા ગદ્યના સ્વાતંત્ર્યનો ઉપયોગ કાવ્ય માટે થયો છે. ભારતમાં રવીન્દ્રનાથ દ્વારા ગદ્યકાવ્યના યત્નો થયા છે. ગુજરાતી ભાષાનું અછાંદસ આ સૌ આંદોલનોથી પ્રેરિત હોવા છતાં એનું કેટલેક અંશે પોતીકું સ્વરૂપ બંધાતું જોઈ શકાય છે. ચિ.મો.