ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્યમાં મહાકાવ્યોના પ્રયોગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગુજરાતી સાહિત્યમાં મહાકાવ્યોના પ્રયોગ: પ્રાચીનકાળમાં સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યો લખાયેલાં. મહાકાવ્યને અંગ્રેજીમાં ‘એપિક’ કહે છે. બૃહદજીવનને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વર્ણવતું, જીવનના ચાર પુરુષાર્થો અને વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશ, રાજ્ય, સાધુલોકને આલેખતું તથા પ્રકૃતિ સમેત અનેક વર્ણનોથી શોભતું, જીવનને તારવી આપતું મહાકાવ્ય મધ્યકાળમાં પણ ભાગ્યે જ રચાયું છે. મધ્યકાળમાં એનું સ્થાન જાણે કે આખ્યાન કાવ્યોએ અને પદ્યવાર્તાઓએ લીધું, જ્યારે અર્વાચીન કાળમાં આપણે દીર્ઘકાવ્યો અને ખંડકાવ્યોથી આગળ, મહાકાવ્યની રચનાની દિશામાં આગળ – વધ્યા નથી. મહાકાવ્યો લખવાની મથામણો થઈ છે અને એના ઓછાવત્તા મૂલ્યવાળા થોડાક પ્રયોગ પણ થયા છે. અર્વાચીન કવિતાને આરંભે દલપતરામે ૧૮૬૮માં ‘વેનચરિત્ર’ અને કવિ નર્મદે ૧૮૬૪માં ‘હિન્દુઓની પડતી’ નામની દીર્ઘ રચના કરેલી. આ બેઉ કાવ્યો મળીને સુધારાયુગનું મહાકાવ્ય રચાયું છે એવો વિશ્વનાથ ભટ્ટનો મત હતો. પણ એ રચનાઓ મહાકાવ્યની ક્ષમતાવાળી નથી. ‘વેનચરિત્ર’ તો આખ્યાન કોટિની રચના છે. એને ‘સુધારાયુગનું પુરાણ’ કહીને સંતોષ લેવાયો હતો તે બરોબર છે. નર્મદે મહાકાવ્ય માટે છંદની શોધ કરેલી, ‘વીરવૃત્ત’. આ વીરવૃત્તમાં એણે ‘વીરસિંહ’ (૪૦૦ પંક્તિ) મહાકાવ્ય લખવા આદરેલું પણ અધૂરું જ રહેલું. એમાં ‘રુદન રસિક’ અને ‘જીવરાજ’ પણ આગળ ચાલ્યાં નથી. મહાકાવ્ય લખવાનો ગંભીર અને સંનિષ્ઠ પ્રયત્ન ભીમરાવ ભોળાનાથ દિવેટિયાએ કરેલો છે. તેમણે ૧૮૯૭માં ‘પૃથુરાજ રાસો’ની રચના કરેલી. સંસ્કૃત ઢબનું મહાકાવ્ય લખવાનો એમનો આશય એમાં જણાય છે. એમણે ઇતિહાસમાંથી વિષયવસ્તુ લીધું છે. . દિલ્હીનો રાજ પૃથુરાજ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચેનો વિગ્રહ આ કાવ્યનું કેન્દ્રબીજ છે, પણ ૧૧ સર્ગવાળા આ કાવ્યમાં સંયુક્તા સાથેનો પ્રેમ, ભારતવર્ષનો મહિમા અને દેશપ્રેમ પણ સ્વાભાવિક જ વર્ણવાયાં છે. આકર્ષક આરંભવાળા આ કાવ્યની પ્રશંસા કરતાં ક્યારેક (અર્વાચીન કવિતા પૃ.૨૧૩) એને ‘સરસ્વતીચંદ્ર’ની કક્ષાનું કાર્ય ગણાવાયું છે. પણ સાથે સાથે ભીમરાવની વર્ણનશક્તિ, અલંકારસમૃદ્ધિ, ભાષાવૈભવ અને શૈલીસૌષ્ઠવને વખાણવા છતાં ઉચિત રીતે જ એમાં આયોજનકૌશલનો અભાવ પણ જોવાયો છે. કૃતિ સમગ્ર નહીં પણ આંશિક સૌન્દર્ય ધારણ કરે છે. કેટલાંક વર્ણનો ભાવાર્દ્ર હોવા છતાં કાવ્ય epic height પર પહોંચી શકતું નથી. એમાં વ્યાપ છે પણ ઊંડાણ નથી. એટલે ‘પૃથુરાજ રાસો’માં મહાકાવ્યની ક્ષમતા આવી શકી નથી. દોલતરામ કૃપારામ પંડ્યાએ ૧૮૮૭માં ‘ઇન્દ્રજિત વધકાવ્ય’ લખ્યું. સમયની દૃષ્ટિએ તો દલપત-નર્મદ પછીનો આ સભાનપણે મહાકાવ્ય લખવાનો પ્રયત્ન ગણાવાયો છે. કવિએ સંસ્કૃતના પ્રશિષ્ટ મહાકાવ્યની ઢબે મહાકાવ્ય રચવાનો આ પ્રયત્ન કરતાં મહાકાવ્યમાં આવતાં બધાં પ્રકારનાં વર્ણનો પણ કર્યાં છે. ૨૬ સર્ગોમાં વિસ્તરેલી આ રચનામાં જળક્રીડા ને સુરતક્રીડાનાં વર્ણનો પણ છે. સર્ગોમાં જુદાં જુદાં વિષયવર્ણનોનાં રૂપ નામો પણ છે. રામાયણમાં આવતો ઇન્દ્રજિતવધ પ્રસંગ અહીં કથાવસ્તુ તરીકે આલેખાયો છે. વીરના આલેખન માટે ઇન્દ્રજિતનું ચયન ઉચિત છે, તો કવિનો સંસ્કૃત વૃત્તો પરનો કાબૂ પણ ધ્યાનપાત્ર છે. પણ રસનિષ્પત્તિ પાત્રાલેખન, જીવનવ્યાપી લોકોત્તર રહસ્યનું પ્રગટીકરણ આદિ બાબતોમાં આ કાવ્ય ઘણું ઊણું ઊતરે છે. કવિની સર્ગશક્તિ પણ ઓછી છે. આમ, મહાકાવ્યનો ઢાંચો લઈને – કૉપીબુક સ્ટાઈલકાવ્ય – કરવાનો એમનો પ્રયત્ન બાહ્યાકાર સિદ્ધ કરતો હશે તથાપિ એનું અંતસ્તત્ત્વ પાંખું ને પાતળું છે. કવિ ન્હાનાલાલે ‘મહાભારત’માંથી કથાવસ્તુ લઈને ‘કુરુક્ષેત્ર’ તથા ભાગવતનો આધાર લઈને ‘હરિસંહિતા’ (જે અધૂરૂં પણ છે) રચ્યાં છે. મહાકાવ્ય લખવાનો એમનો આ સભાન પ્રયત્ન હતો. ‘કુરુક્ષેત્ર’ ૧૯૨૬થી ૧૯૪૦ દરમ્યાન દ્વાદશકાંડમાં લખાયું છે. ‘હરિસંહિતા’માં કૃષ્ણ કેન્દ્રમાં છે. આ બંને પ્રયત્નમાં વ્યાપ છે. ઊંડાણ નથી. ન્હાનાલાલની ઊર્મિકવિની પ્રતિભા મહાકાવ્ય માટેની સર્ગશક્તિને પહોંચી શકતી નથી. બાહ્ય સ્વરૂપ સિદ્ધ થવાથી આ કાવ્યોને મહાકાવ્યો કહી શકાય નહીં. કેમકે મહાકાવ્યનું આંતરસત્ત્વ ઘણી મહત્ત્વની બાબત છે જે અહીં સિદ્ધ થતું નથી. કવિ કલાપીએ ‘હમીરજી ગોહેલ’ નામનું મહાકાવ્ય લખવાનો નિષ્ફળ પ્રયત્ન કરેલો. એ કાવ્ય કથાકાવ્યની કક્ષાએ રહી જાય છે. કવિ ખબરદારે પણ ‘ગાંધીબાપુનો પવાડો’, ‘ગાંધીબાપુ’, ‘યુગરાજ મહાકાવ્ય’, ‘મનુરાજ’ મહાનાટક લખવાના પ્રયાસો કરેલા છે. એમાં ઉત્સાહ છે એટલું સાહિત્યતત્ત્વ પણ નથી. મંગળદાસ ગોરધનદાસે ૧૯૪૯માં ‘મહાત્માયન’ રચેલું. એ જ વિષય પર ભગવદાચાર્યજીએ ‘ભારત-ભાસ્કરોદય’(૧૯૬૯) નામે ગાંધી – મહાકાવ્ય રચવાનો પ્રયાસ કર્યો હતો. ડાહ્યાભાઈ પટેલે આ જ વિષય પર ‘મહાત્મા ગાંધી’ નામે સુદીર્ઘ પદ્યરચના કરી છે. ‘મહાત્માયન’ નામની બીજી સુદીર્ઘ રચનામાં તનસુખ ભટ્ટે પણ ગાંધીજીવનને વણી લેવાનો પ્રયાસ કર્યો છે. પણ ‘મહાકાવ્ય’ ગુજરાતી ભાષામાં યદ્યપિ સિદ્ધ થયું નથી. મ.હ.પ.